• લગ્નસંબંધ (વિભાગ - ૨)

0:000:00

લીલાવતીને નારાયણભાઈ સમક્ષ બેસાડવામાં આવ્યાં. ચતુરદાસે તેમને કહ્યું કે, ‘‘નારાયણભાઈ જે કંઈ કહે તે બરોબર સાંભળ. અમારું કોઈ જાતનું તને દબાણ નથી. તને યોગ્ય લાગે તો તું હા પાડજે.’’ નારાયણભાઈએ પોતાની આર્થિક પરિસ્થિતિથી લીલાવતીને પણ વાકેફ કર્યા કે મારી પાસે પૂરતું ખાવાનું પણ નથી. ફક્ત રોટલા, ગોળ ને છાશ મળે, શાક તો મળે પણ નહિ. પહેરવા સારાં કપડાં પણ નથી તો આપ મારી સાથે કઈ રીતે જીવન વ્યતીત કરી શકશો ?’’ નારાયણભાઈના મુખ પરની દિવ્ય આભા જોઈ લીલાવતીથી ‘હા’ જ પડાઈ ગઈ. (પૂ. માસી પછી જ્યારે પણ વાત કરતાં ત્યારે એવું કહેતાં કે મેં એમના મુખ સામે જોયું તો એકદમ તેજથી ભરેલું તેજસ્વી મુખારવિંદ દેખાયું ને મારાથી ‘હા’ જ પડાઈ ગઈ.) અને એ તેર વર્ષની બાળાએ પરિપક્‌વ સ્ત્રીને છાજે તેવો ઉત્તર આપ્યો કે, ‘‘આપ જેમ રાખશો તેમ હું રહીશ. જે પહેરવા આપશો તે પહેરીશ. આપની પાસે એક રોટલો હશે તો આપણે અર્ધો-અર્ધો ખાઈને રહીશું. આપ મને જે પરિસ્થિતિમાં રાખશો તેમાં હું આનંદથી રહીશ અને સુખે ભગવાન ભજીશ. મને ભગવાન ભજવા મળશે તે જ મારા માટે અહોભાગ્યની વાત છે.’’ આવા આત્મવિશ્વાસસભર સુંદર ઉત્તરથી નારાયણભાઈ સંતુષ્ટ થયા. નારાયણભાઈ અને લીલાવતીનું વેવિશાળ નક્કી થયું.

શ્રીજીમહારાજે નિર્માણ કરેલો સંબંધ જ્યારે આકાર પામે, ત્યારે તેમાં આ લોકનાં કહેવાતાં સુખ-સુવિધા ક્યાંય બાધક બનતાં નથી. બાકી આ લોકની રીતિ પ્રમાણે જોઈએ તો આ સંબંધ અસંભવ જ હતો. દુન્યવી રીતે જોઈએ તો નારાયણભાઈને માતા-પિતાની છત્રછાયા હતી નહિ. વારસાગત એવી કોઈ સંપત્તિ મળી નહોતી. પોતે હજી ભણતર પૂરું કર્યું ન હતું, એટલે દેખીતી રીતે ભવિષ્ય ધૂંધળું જણાતું હતું. તેમ છતાં નારાયણભાઈની દિવ્ય પ્રતિભા અને તેમનું ઉચ્ચકોટિનું અધ્યાત્મિક જીવન જોઈને જ આ સંબંધ નક્કી થયો હતો, તેમાં આ લોકના માપદંડોનો ક્યાંય મેળ બેસતો ન હતો. એ જ બતાવે છે કે શ્રીજીમહારાજ જ્યારે મુક્તોને જીવોનાં કલ્યાણ કરવા પ્રગટ કરે છે, ત્યારે એ એક જ લક્ષ નજર સમક્ષ રહે છે ને બાકી બીજી દરેકે દરેક બાબત ગૌણ બની જાય છે. લીલાવતી જેવા મુક્તાત્માને નારાયણભાઈના આ ઉદ્દાત કાર્યમાં સહભાગી બનવા મહારાજે મોકલ્યાં તો તે કાર્યમાં સહભાગી થવું એ જ એક માત્ર લક્ષ રાખ્યું. એ સિવાયનું બીજું બધું ગૌણ ગણ્યું. ગમે તેવા કપરા સંજોગો કે પરિસ્થિતિ તેમને માટે ક્યારેય ધ્યેયથી વિચલિતકર્તા કે બંધનકર્તા ન બન્યાં. તે તેમના જીવનનું એક નોંધપાત્ર પાસું હતું.

ઈ. સ. ૧૯૪૪માં પૂ. નારાયણભાઈ તથા પૂ. લીલાવતીનાં લગ્ન તેઓના સુરેન્દ્રનગરના ઘરમાં જ કરવામાં આવ્યાં. સુરેન્દ્રનગરનું ઘર પણ વિશાળ હતું. તેનો બેઠકરૂમ ઘણો મોટો હોવાથી લગ્નપ્રસંગ એ ઘરમાં જ ગોઠવાયો હતો. ‘હથેવાળો હરિ સંગાથે મેં કીધો રે’ એ પંક્તિનો ભાવ પૂ. માસીને હસ્તમેળાપ વખતે અનુભવાયો હતો. લગ્નની પ્રથમ રાત્રીએ જ નારાયણભાઈએ લીલાવતીને જણાવ્યું કે, ‘‘મારે તો આજીવન બ્રહ્મચર્યવ્રત રાખવું છે, મને એમાં તમારો સંમતિપૂર્વકનો સાથ જોઈએ છે.’’ લીલાવતીએ આ વાતનો સહર્ષ સ્વીકાર કરતાં કહ્યું કે, ‘‘હું પણ એ વાતનું આપને વચન આપું છું કે આજથી હું પણ સંપૂર્ણપણે તન-મનથી આજીવન બ્રહ્મચર્યવ્રતનું પાલન કરીશ. આપની સાથે જીવન જોડાયું છે તો આપ જેમ કહો, તેમ જ હવે મારે કરવું એ મારી ફરજ સમજું છું. આપ જેમાં રાજી રહો તેમાં મારે પણ રાજી રહેવું છે.’’ લીલાવતીના આવા ઊંડી સમજયુક્ત ઉત્તરથી નારાયણભાઈને ઘણો આત્મસંતોષ થયો. એ વખતથી જ તેઓ બંનેએ પોતાનું સમગ્ર જીવન બ્રહ્મચર્યવ્રત રાખી ભાઈ-બહેનની જેમ રહી પવિત્રપણે વિતાવ્યું હતું.

નારાયણભાઈને ભણવાનું બાકી હોવાથી લગ્નના બીજા જ દિવસે તેઓ નીકળી ગયા. જતી વખતે નારાયણભાઈએ લીલાવતીને શિક્ષાપત્રી અને માળા આપ્યાં અને કહ્યું કે, ‘‘આનો દરરોજ અભ્યાસ કરજો અને સ્વામિનારાયણ નામના મંત્રની માળા ફેરવજો.’’ લીલાવતીએ એ આજ્ઞાને શિરોમાન્ય કરી. તેમણે શિક્ષાપત્રી વાંચવા માંડી અને તેમાં લખેલી શ્રીજીમહારાજની આજ્ઞાઓ પ્રમાણે આચરણ કરવા લાગ્યાં અને એ આજ્ઞા પાળવામાં તેમને જરા ય તકલીફ પડી નહિ. આનંદે સહિત બધી આજ્ઞાઓનું પાલન કરવા લાગ્યાં. લગ્ન બાદ જીવનમાં તરત જ આવું સાત્ત્વિક પરિવર્તન જોઈ ઘરના સૌ આશ્ચર્ય પામી ગયા. લગ્ન બાદ લીલાવતી પૂરાં ચાર વર્ષ પોતાના પિયરમાં રહ્યાં હતાં. નારાયણભાઈને જ્યારે વૅકેશન પડતું ત્યારે લીલાવતી નારાયણભાઈની સેવામાં જતાં. નારાયણભાઈ જ્યારે સુરતમાં રહી ભણતા ત્યારે એક વખત તેમને ન્યૂમોનિયા થઈ ગયો હતો. એ વખતે લીલાવતી તુરત જ તેમની સેવામાં પહોંચી ગયાં હતાં. તે માંદગીને લીધે નારાયણભાઈનું ભણવામાં એ વર્ષ બગડ્યું હતું. આથી તેટલા સમય માટે તેમણે પાટણની એક સ્કૂલમાં શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી હતી. ત્યારે પણ લીલાવતી નારાયણભાઈની સેવા-સુશ્રુશા કરવા માટે તેમની સાથે રહ્યાં હતાં. પાટણની એ સ્કૂલમાં એક વખત શિક્ષણાધિકારી તપાસ માટે આવેલા ત્યારે નારાયણભાઈને પ્રિન્સિપાલની ઑફિસમાં, અને ઉપર એક વર્ગમાં ભણાવતા, એમ એક સાથે બે સ્વરૂપે જોઈને અતિ આશ્ચર્ય પામેલા. આવા પ્રસંગો લીલાવતીને પોતાના પતિના મહિમાને વધુ ને વધુ દૃઢ કરાવતા. તેથી પોતાના નારાયણભાઈ સાથેના સંબંધને ગૌરવપૂર્ણ માની ધન્યતા અનુભવતાં અને સેવાનો ઉમંગ પણ બેવડાતો.

લીલાવતીનાં લગ્ન થઈ ગયાં બાદ તેમના નાના ભાઈઓની સંભાળ રાખવાની તકલીફ પડતી હોવાથી લીલાવતીના પિતાશ્રીએ બીજાં લગ્ન કર્યાં હતાં. તેમનાં બીજાં પત્નીનું નામ કાંતાબેન હતું. આ કાંતાબેનથી પણ લીલાવતીને એક ભાઈ થયા હતા. સ્ત્રી સહજ સ્વભાવે કાંતાબેનને લીલાવતી અને તેમના ભાઈઓ પ્રત્યે ક્યારેય જોઈએ તેવી લાગણી થઈ નહિ. ઘરમાં ડુંગળી-લસણ ખવાતાં, આથી લીલાવતીને પણ તે ખવરાવવા બનતા બધા જ પ્રયત્ન તેઓ કરી છૂટતાં. ઘરમાં ડુંગળી-લસણ વગરનું બનાવવા દેતા નહિ. રસોઈયાએ જુદું બનાવ્યું હોય તો તેમાં ડુંગળી-લસણવાળા ચમચા બોળી આવતાં, છતાં લીલાવતી ક્યારેય તેવું ભોજન જમતાં નહિ. અથાણું ને રોટલી કે મીઠું ને રોટલી ખાઈ પેટ ભરી લેતાં. પિતાજીને ક્યારેય ફરિયાદ કરતાં નહિ. લીલાવતી સહિષ્ણુ સ્વભાવના હોવાથી આવી અનેક પ્રકારની કનડગત સહન કરી લેતાં. ક્યારેક પિતાજીને કોઈ વાતની જાણ થઈ હોય અને કાંતાબેનને કાંઈ કહેવા જાય તો સામે પક્ષે એમ કહેતાં કે તમે જ તમારી દીકરીને બગાડશો. એ તેની માતા જેવી જ ધાર્મિક-ભગતાણી થઈ છે. આમ અનેક પ્રકારનો ત્રાસ હોવા છતાં લીલાવતી ક્યારેય હિંમત હાર્યાં નહોતાં. નારાયણભાઈએ આપેલ શિક્ષાપત્રીનો પાઠ કરે અને સ્વામિનારાયણ નામની માળા ફેરવ્યા કરતાં, જેનાથી તેમને અનેરું બળ પ્રાપ્ત થતું. આવા કપરા સમયે તેમનાં દાદી તેમની વહારે આવતાં અને લીલાવતીને સહારો આપી હિંમતનાં વચનો કહેતાં.