ઐશ્વર્યદર્શન : ૧૭

0:000:00

માસીએ મંદવાડ ગ્રહણ કર્યો હોય એવા સમયે સેવિકાઓ રાત્રે પણ માસી પાસે રોકાતી. એવા એક સમયે અચાનક રાત્રે અઢી વાગ્યે કોઈ બહેનનો ગભરાયેલા સ્વર સાથે ફોન આવ્યો. સેવિકાએ જેવો ફોન ઉપાડ્યો કે તેઓ રડવા જ માંડ્યાં અને રડતાં રડતાં બોલ્યાં કે મારી બહેનને આંચકી આવી છે ને એકદમ અવાચક્‌ થઈ ગઈ છે. તેની સ્થિતિ ઘણી ગંભીર છે. માટે માસીને આમ રાત્રીના સમયે તકલીફ આપું છું તો માફ કરશો, પરંતુ મારે માસીને પ્રાર્થના કરવી છે. એ વખતે માસી આરામમાં હોવાથી સેવિકાએ કહ્યું, ‘‘માસી ઊઠશે ત્યારે હું તેમને જાણ કરીશ અને તમારા વતી પ્રાર્થના પણ કરીશ.’’ સેવિકાએ ફોન મૂક્યો ને માસી જાગી ગયાં. સેવિકાએ બહેનની બધી વાત કરી. માસીએ તરત કહ્યું, ‘‘જીવોને કેવી કેવી તકલીફો આવે છે ? બેન ગભરાઈ ગયાં હશે એટલે જ રાત્રીએ ફોન કર્યો. નહિ તો કોઈ આમ રાત્રે ફોન ન કરે. તેને કહી દેજો કે તે ચિંતા ન કરે. મહારાજ સારું કરી દેશે.’’

માસીની પ્રાર્થના મહારાજે સાંભળી હતી. સવારે પાંચ વાગ્યે તે બહેનનો ફરીથી ફોન આવ્યો ને તેણે કહ્યું કે મારી બહેનને હવે સારું છે. તે હવે સલામત છે તેમ ડૉક્ટરે જણાવ્યું છે.

મોટા મુક્ત બિરાજતા હોય ત્યારે જીવોને એટલી સુગમતા હોય છે કે પોતાની તકલીફના સમયે અર્ધી રાત્રે પણ મુશ્કેલીનો ઉકેલ મેળવી શકે છે.