૬. સેવાધર્મ

0:000:00

શૈક્ષણિક વ્યવસાયમાંથી થોડી વહેલી નિવૃત્તિ લઈ નારાયણભાઈએ પોતાનો સંપૂર્ણ સમય સત્સંગસેવા પાછળ ખર્ચવાનું નક્કી કર્યું. જ્યારે તેઓ સત્સંગમાં પ્રસિદ્ધિ પામ્યા, ત્યારે સત્સંગ સમુદાય આ દંપતિને ‘મામા’ તથા ‘માસી’ના હુલામણા નામથી સંબોધવા લાગ્યો. માસી એટલે મા સમાન અને માસી પણ બધાને માતાની જેમ જ પ્રેમ આપી જાળવતાં. જેમ જેમ સત્સંગમાં લોકો મામા-માસીને ઓળખતા થયા, તેમ તેમ વધુ ને વધુ લોકો તેમનાં દર્શને આવવા લાગ્યા. તેમાં કેટલાય તો પોતાની મૂંઝવણ લઈને આવતા, તો કોઈ આશીર્વાદ લેવા, તો વળી કોઈ આધ્યાત્મિક માર્ગદર્શન મેળવવા આવતા.

જે કોઈ આવે તેને માસી પોતાની અનુકૂળતા પ્રમાણે માતૃતુલ્ય વાત્સલ્ય સાથે નાસ્તારૂપે થોડું ઘણું જમાડ્યા બાદ જ તેમને રજા આપતાં. જ્યારે જમાડે ત્યારે એટલા બધા આગ્રહપૂર્વક પ્રેમથી જમાડે કે જમનારને પોતાપણું જણાય ને વિના સંકોચે ગ્રહણ કરી સંતોષ પામી ત્યાંથી વિદાય થાય. તેઓ કહેતાં, ‘‘એક તો બિચારા મુશ્કેલીમાં હોય, બહારગામથી આવ્યા હોય, થોડો નાસ્તો કરે તો ટાઢક થાય. જો કોઈ બહુ જ ના પાડે તો કહું - પાણી તો પીને જ જજો.’’ બધાને જમાડવાનો માસી ઘણો આગ્રહ રાખતાં. તેમની આવી પ્રકૃતિ શરૂઆતથી જ હતી. મામા નોકરી કરતા અને ઓછી આવક હતી ત્યારે પણ ઘરે જે કોઈ આવે તેમને યથાશક્તિ પ્રેમપૂર્વક જમાડતાં. આ સિલસિલો તો જીવનના અંતિમ દિવસો સુધી ચાલુ રહ્યો હતો.

ઘરે કોઈ આવે ત્યારે પાણી કઈ રીતે આપવું, ડિશમાં ફળો અને બીજો નાસ્તો કઈ રીતે મૂકવો, બે-ત્રણ વસ્તુઓ હોય તો કેટલી મૂકવી, એ બધી વસ્તુઓને ડિશમાં કઈ રીતે વ્યવસ્થિત ગોઠવવી વગેરે દરેકે દરેક ઝીણી બાબતોનું ધ્યાન રાખવાનું પણ પોતે સેવક-સેવિકાઓને શીખવતાં. મહેમાનોનો આદર સત્કાર કઈ રીતે કરવો, વડીલો સાથે કઈ રીતે મર્યાદામાં રહી વાત કરવી. એવી બાબતો વિષે પણ સમજણ આપતાં, જેથી આવનાર પૂર્ણપણે સંતોષ પામીને જાય.

મિશનમાં દર્શનાર્થે આવતા સંતો માટે પણ ફળફળાદિ મોકલવાનું તેઓ ચૂકતાં નહિ.

માસીએ ચોકસાઈ, ચોખ્ખાઈ, સુઘડતા, નિયમિતતા, પવિત્રતા, નિર્મળતા વગેરે ગુણોને પોતાના જીવનમાં વણી લીધા હતા. એ બાબત તેઓ ક્યારેય સમાધામ કરતાં નહિ. આ કારણે જ સમર્થ સંત મુનિસ્વામી તેમના ઘરે ઉપરના મેડે એક મહિનો રહ્યા હતા, ત્યારે મામાએ તો સ્વામીની અંગત સેવા કરી તેમને રાજી કર્યા જ હતા, માસીએ પણ અનાજ સાફ કરી આપવું. ઘી, તેલ, પાણી, દૂધ વગેરે સામગ્રી ગાળી શુદ્ધ કરીને આપવી અને તેમની મર્યાદાનું પૂરેપૂરું ધ્યાન રાખી તેમને કોઈ જાતની અડચણ ન પડે તે રીતે પરોક્ષ રીતે તેમની સેવા કરી તેમનો રાજીપો મેળવ્યો હતો.

મુક્તરાજ સોમચંદબાપાનાં બહેનો મુક્તરાજ પૂ. દિવાળીબા તેમજ મુક્તરાજ જીવુબા પણ તેમને ત્યાં રોકાયાં ત્યારે માસીએ તેમની પણ બહુ ચીવટ રાખી આનંદપૂર્વક સેવા કરી હતી. દિવાળીબાના પગ દાબવા, તેમને બામ ઘસી આપવું, તેઓની રુચિ પ્રમાણે રાબ, ખીચડી વગેરે બનાવી દેવું એ સર્વપ્રકારે તેમનું ધ્યાન રાખી તેમનો રાજીપો પણ તેમણે મેળવ્યો હતો. તે જ રીતે જીવુબાની પણ તેમણે સેવા કરી હતી. કાલુપુર મંદિરમાં રહેતાં પવિત્ર ત્યાગી ડોશી દેવબાની પાસે અવારનવાર જઈ સેવાથી તેમને પણ રાજી કરતાં.

સોમચંદબાપાને તો ઘણીવાર થાળ કરી જમાડીને તેમનો રાજીપો મેળવ્યો હતો. માસી જે ચોકસાઈ અને ચોખ્ખાઈથી ‘મહારાજ માટે થાળ બનાવું છું’ એવા દિવ્યભાવ સાથે બનાવતાં તે સોમચંદબાપાને ખૂબ જ પસંદ પડતું. તેઓ કહેતા કે, ‘મહારાજ માટે બનાવેલી રસોઈ ઘણી જ સ્વાદિષ્ટ છે.’ તેમજ મનસુખબાપા અને આશાબાપા જેવા મુક્તો પણ જ્યારે ઘરે પધારતા ત્યારે તેમનું આતિથ્ય-સત્કાર કરી, એ મુક્તોની અભિરુચિ અને અનુવૃત્તિ જાણી મુક્તોને સેવારૂપ થતાં. મુક્તોની સેવા કરતાં ક્યારેય તેઓ થાકતાં નહિ. આનંદપૂર્વક સેવા કરતાં. સેવા કરવાનો આવો સુંદર ગુણ તેમણે જીવનમાં પૂર્ણપણે વિકસાવ્યો હતો.

મુક્તરાજ મામાની તો સમગ્ર જીવનપર્યંત પરમાત્માની જ સેવા થાય છે એવા દિવ્યભાવથી જ સેવા કરી. પતિ પરમેશ્વર તેવું જ તેઓ માનતાં અને પોતાનો પતિવ્રતાનો ધર્મ પૂરેપૂરો પાળતાં.