૧૧. સેવા

0:000:00

મુક્તો સદ્‌ગુણોનો ભંડાર હોય છે. પૂ. માસીમાં સેવાનો ગુણ પણ પૂર્ણરૂપે વિકસેલો હતો. સેવા કરતાં પોતે ક્યારેય થાકતાં નહિ કે આળસ-પ્રમાદ કરતાં નહિ. કંટાળ્યા વગર હંમેશાં ઉત્સાહપૂર્વક સેવા કરતાં. પૂ. મામાની સેવા તો પોતાની ફરજ સમજી જીવનપર્યંત કરી તે ઉપરાંત મુક્તરાજ દિવાળીબા, જીવુબા, માણેકબા વગેરેની પણ સેવા કરી હતી. કાલુપુર મંદિરમાં રહેતાં દેવાબા વગેરેને પણ સેવા કરીને રાજી કરેલાં. મુક્તરાજ સોમચંદબાપા, ચતુરબાબા, મનસુખબાપા વગેરે મુક્તોને જમાડવા, જોઈતી સામગ્રી શુદ્ધ કરીને આપવી એ રીતે સેવા કરતાં. સરસપુર મંદિરમાં રહેતા મોટા સ્વામી સ. ગુ. હરિજીવનદાસજી સ્વામીને પોતે કોઈ ને કોઈ પર્વ ઉપર ફળફળાદિ તથા કેસર-બદામવાળું દૂધ, ગાજરનો કે દૂધીનો હલવો વગેરે બનાવીને સેવકો સાથે અચૂક મોકલતાં. મિશન સંસ્થામાં પણ સંતો આવે તો તેમના માટે ફ્રૂટ મોકલાવતાં. આ રીતે કોઈ ને કોઈ પ્રકારે સેવા કરતાં અને સેવિકાઓ ને સેવકોને પણ સેવાનો મહિમા સમજાવી સેવા કરતાં શિખવાડતાં. તેઓ એમ કહેતાં કે, ‘‘સેવા કરવાથી શ્રીજીમહારાજ બહુ જ રાજી થાય છે, માટે પોતાની શક્તિમર્યાદા પ્રમાણે સેવા અવશ્ય કરવી જોઈએ. તેમાં પણ મહારાજના મુક્તોની સેવાથી અનંતગણો લાભ મળે છે. સેવાનો ગુણ જીવનમાં કેળવવાથી નિર્માનીપણું અને દાસત્વપણું આવે છે. અત્યારે હું છું ત્યારે તમે જે રીતે મિશનની સેવા કરો છો તે જ રીતે હું ન હોઉં ત્યારે પણ મિશનની સેવાને પ્રાધાન્ય આપી કરશો તો મહારાજ, બાપા, મામા એ બધા રાજી થશે ને હું પણ રાજી થઈશ અને શ્રીજીમહારાજના આશીર્વાદ તમારા બધા ઉપર સદાય વરસતા રહેશે. મામા પણ કહેતા કે અવરભાવમાં સેવાનો ગુણ કેળવવાથી શ્રીજીમહારાજની પ્રસન્નતા થાય છે ને નિષ્કામ, નિઃસ્વાર્થ સેવા કરતાં કરતાં દાસભાવે મૂર્તિનું સુખ ભોગવવારૂપી આત્યંતિક સેવાનો લાભ મળે છે. આ રીતે માસી સેવાનું માહાત્મ્ય સમજાવતાં.