૬. સાદગી અને કરકસર

0:000:00

મામા સાથે સંબંધ જોડાયા બાદ માસીએ પોતાના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું હતું. પિયરની સમૃદ્ધિને સંપૂર્ણપણે વિસારી દઈ મામાના જીવન જેવું જ સાદગીપૂર્ણ જીવન તેમણે અપનાવી લીધું હતું. પોતાનું પહેરવાનું, ઓઢવાનું, ખાવાનું, રહેવાનું પોતાને વાપરવાની ચીજવસ્તુઓ બધું જ સાદું. થીગડાંવાળાં કપડાં પહેરવામાં પણ તેઓ નાનમ ન અનુભવતાં, પરંતુ સંતોષ માનતાં. ઘરમાં કોઈ રજોગુણી રાચરચીલું વસાવ્યું નહિ. રહેણીકરણી સાવ સાદી. પાછલી ઉંમરે મામાએ આર્થિક પરિસ્થિતિ થોડી સારી બતાવી ત્યારે પણ તેઓ પહેલાંની જેમ સાદાં જ રહ્યાં. પગમાં એ જ બે પટ્ટીની સ્લીપર અને સાદાં વસ્ત્રો. ઘરમાં પણ સાદગી જ રાખતાં. સાદગી તેમના જીવનમાં વણાઈ ચૂકી હતી.

માસી કરકસર તો કાયમ કરતાં. પરિસ્થિતિ સારી બતાવી ત્યારે પણ કરકસરયુક્ત જીવન જ જીવતાં અને બીજાને પણ એ રીતે જીવવાનું શીખવતાં. તેઓ કહેતાં, ‘‘આ બધા મહારાજના પૈસા છે, તેમણે આપેલા છે, પછી એ પૈસા જેમ તેમ કઈ રીતે વેડફી નખાય ?’’ મામા નોકરી કરતા અને પગાર ઓછો આવતો ત્યારે પણ કરકસરયુક્ત જીવન જીવી તેમાંથી બચત કરતાં. તે બચત કરેલા પૈસા મામાને આપતાં. તે પૈસામાંથી મામા પોતાની આવશ્યકતા પ્રમાણે જીવન ઉપયોગી પુસ્તકો ખરીદતા.

એક વખત મુક્તરાજ સોમચંદબાપાએ કોઈક કારણસર માસી પાસે કપડાનો એક કટકો માગ્યો. માસીએ આપેલો કટકો નાનો હોવા છતાં સ્વચ્છ અને વ્યવસ્થિત ઘડી કરી રાખેલો હતો. આવું જોઈ સોમચંદબાપા બોલ્યા, ‘‘આવા કટકા ભેગા કરી શું કરો છો ?’’ માસી કહે, ‘‘કોઈવાર લૂછવાના કામમાં આવે છે.’’ સોમચંદબાપાએ ફરી પૂછ્યું, ‘‘ફાટી જશે તો શું કરશો ?’’ માસી કહે, ‘‘પછી નાની ને ઝીણી વસ્તુઓ લૂછવા કામ લાગશે.’’ સોમચંદબાપા કરકસરની હદ જાણવા માગતા હોય તેમ ફરી પૂછ્યું, ‘‘લીરા થઈ જશે પછી શું કરશો ? પછી તો ફેંકી દેશો ને ?’’ માસીએ પણ સ્મિત રેલાવતાં કહ્યું, ‘‘ના રે ! તે લીરામાંથી દોરા કાઢી દીવેટો બનાવી રાખીશ તો લાઇટ જતી રહે ત્યારે તે દીવેટો કામ લાગે છે.’’ આવું સાંભળી સોમચંદબાપા હસ્યા ને કહે, ‘‘આવી કરકસર તો ક્યાંય જોઈ નથી. તમારા પિયરનો વૈભવ તો તમે સાવ ભૂલી જ ગયાં છો.’’

જરૂર જણાય ત્યારે જ માસી લાઇટ, પંખા ચાલુ રાખતાં. જરૂરિયાત વગર બીજાને પણ ચાલુ રાખવા દેતાં નહિ. આવી તો દરેકે દરેક બાબતમાં તેઓ કરકસર કરતાં. પોતે જે વસ્તુ વાપરતા તે સાવ નકામી ન થઈ જાય ત્યાં સુધી તેનો પૂરેપૂરો ઉપયોગ કરતાં અને સેવક-સેવિકાઓને પણ કરકસરયુક્ત સંતોષી જીવન જીવવાનું શીખવતાં અને એ પણ સમજાવતાં કે કરકસર કરવી એ લોભ નથી. લોભ ને કરકસરમાં તફાવત છે. કરકસર કરવાથી ઓછી વસ્તુથી ચલાવી શકવાની આવડત આવે છે ને જીવનમાં સોતષનું લક્ષણ કેળવાય છે અને લોભ કરવાથી પદાર્થને વિશે આસક્તિ થાય છે ને વધુ મેળવવાની લાલચ જાગે છે.