૪૪. હેત કર હેત કર પ્રગટ ઘનશ્યામ શું

રાગ કેદારો


પદ ૧

હેત કર હેત કર પ્રગટ ઘનશ્યામ શું,

રાખ્ય હરિ ઉરમેં મૂર્તિ પ્યારી;

કોટિ બ્રહ્માંડ કે કારન શ્રી હરિ,

એવા ઘનશ્યામ અંતરમેં ધારી. હેત.૧

શિર પર પાઘ ગુલાબી ધારી હરિ,

કાનમેં કુંડળ શોભે ભારી;

ભાલ વિશાળમેં તિલક કેસર કેરું,

નીરખતાં વશ થાય નરનારી. હેત.૨

સુંદર કંઠમેં હાર ગુલાબકે,

બાંયે બાજુ બંધ પુષ્પ કેરે;

ઉર વિશે શ્રીવત્સ ચિહ્‌ન સોહે ઘણું,

નીરખતાં સુખ ઉર થાય તેરે. હેત.૩

શ્વેત વસ્ત્ર નિત્ય ધારત શ્રીહરિ,

ચંચલ મૂર્તિ અતિ શોભે સારી;

અવધપ્રસાદ કે નાથકું લે ભજી,

મુક્ત કરે સબ કષ્ટ ટારી. હેત.૪


પદ ૨

ભજન કર ભજન કર પ્રગટ ભગવાન કો,

છૂટી જાય દુઃખ સબ સુખ પામી;

કોટી જન્મકે પાપ હે શિર પર,

નાશ કરી ડારે અંતરજામી. ભજન.૧

પ્રગટ હરિ ભજનસેં દુષ્ટ જન તરી ગયે,

સબરી ગીધ અરુ રીંછ કોટી;

તેમ હરિ પ્રગટસેં પરમ પદ પામિયાં,

ગોપી ગોવાલ સહુ પદવી મોટી. ભજન.૨

પ્રગટ ભગવાન વિના મુક્ત નહિ હોત હે,

પ્રોક્ષથી દુઃખ નહિ ટરત ભારી;

જીવ કલ્યાણ હિત અક્ષરધામસેં,

પ્રગટ ભયે હરિ સુખકારી. ભજન.૩

પ્રગટ ભગવાન, પહિચાનીને જે જન,

કરે સત્સંગ સર્વે મોક્ષ પામે;

અવધપ્રસાદ કે દૃષ્ટિ કે ભજનસેં,

ભ્રાંતિ ભાગે જન જાય ધામે. ભજન.૪


પદ ૩

શરણ કર શરણ કર પ્રગટ મહારાજ કો,

અંતર તાપ સબેં પાપ ટારે;

જેહી જન પ્રગટ હરિ શરણે તે આવિયા,

તેહી જન સુખી પામ્યા અપારે. શરણ.૧

પ્રગટ હરિને તજી પ્રોક્ષને જે ભજે,

જે જન મૂર્ખ હે નરનારી;

જાહ્‌નવી નીર તજી કૂપ ખોદે તિહાં,

પ્યાસ ન જાવે તે થાવે ખુવારી. શરણ.૨

શ્રી હરિકૃષ્ણ વિના ઓરકો આશરો,

કરત હરિજન વ્યભિચારી જાણો;

કહત હરિ-સંત એક ઈષ્ટ ધારો હરિ,

પૂરણ ભક્ત તેહી પ્રમાણો. શરણ.૩

પ્રેમ ભક્તિ વિના રીઝત નહિ હરી,

વેદ પુરાણ કહે સત્ય વાણી;

અવધપ્રસાદ કે નાથકું સુમર લે,

જાય સબ દુઃખ સુખ પામે પ્રાણી. શરણ.૪


પદ ૪

સ્વામિનારાયણ પ્રગટ પુરુષોત્તમ,

ઈષ્ટ ધારી ભજો નરનારી;

શુક નારદ બ્રહ્માદિ દેવ સબ,

ધ્યાન ધરે જેહી ત્રિપુરારિ. સ્વામિ.૧

શ્રી ઘનશ્યામ કી મૂર્તિ શોભે ઘણી,

નીરખતાં પાપ સંતાપ ટારે;

શીત પોયણ સમ ઉદરમેં ત્રિવળી,

નીરખતાં મુનિવર ધ્યાન ધારે. સ્વામિ.૨

શ્યામ સુંદર કે ચરણમેં ચિહ્‌ન હે,

ધ્યાન કરે જેહી ભક્ત સારે;

તેહી હરિભક્ત ઉર વાસે કરીને હરિ,

જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વધારે. સ્વામિ.૩

ભક્ત આધિન ભગવાન પોતે હરિ,

પરમ પ્રીતે કરી નિત્ય સેવે;

અવધપ્રસાદ કે નાથ તે ભક્તકું,

ધામ અક્ષરમાંહી વાસ દેવે. સ્વામિ.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

કષ્ટ – દુઃખ

ટારી – ટાળી

શ્રીવત્સ - ભગવાનની છાતી ઉપર વાળનું ચોક્કસ ઘાટનું ચિહ્‌ન


પદ ૨

પ્રોક્ષથી – પરોક્ષથી

પહિચાની – ઓળખી

ભ્રાંતિ - ભ્રમ, અજ્ઞાન


પદ ૩

સબેં – સર્વે

જાહ્‌નવી નીર – ગંગાજળ

કૂપ – કૂવો

થાવે – થાય

સુમર લે - સ્મરણ કરી લે, ભજી લે