શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજનું સંક્ષિપ્ત જીવનવૃત્તાંત
ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના દીક્ષાગુરુ સ. ગુ. શ્રી રામાનંદ સ્વામી પાસેથી ઉદ્ધવ સંપ્રદાયનું આચાર્યપદ સ્વીકાર્યું તે બાદ ધર્મની આભા અને ભક્તિનો દિવ્ય રસ સર્વત્ર ફેલાયાં. સર્વાવતારી મહાપ્રભુનાં દર્શન, વિચરણ અને જ્ઞાનપ્રવાહમાં એક અવનવું સર્વાંગી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું, જેને ‘સત્સંગ’ની સર્વગ્રાહી સંજ્ઞામાં સમાવી લેવામાં આવ્યું. તે સત્સંગનું કાર્ય સ્વયં શ્રીહરિએ પોતાના મનુષ્યદેહના સમય દરમિયાન ગતિમાન થાય એવી ઉચ્ચ પ્રણાલિકાઓ ચલાવી તેમ જ તે માટે જરૂરી રચનાઓ કરી. તેમાંની એક રચના હતી વહીવટી-વ્યવસ્થા માટેની. આ યોજના હેઠળ સમગ્ર ભારતવર્ષની રચનાના ઉત્તર અને દક્ષિણ એમ બે વિભાગ બનાવ્યા. સંપૂર્ણ સંતુલન જળવાય એ રીતે આ વિભાગો ભગવાને પોતે બનાવ્યા; તેનો લેખ કરાવ્યો, જેને ‘દેશ વિભાગના લેખ’ તરીકે ઓળખાવ્યો.
આ બે દેશના વહીવટની સંભાળ માટે બે આચાર્યો સ્થાપ્યા, જેમને પોતાના દત્તપુત્રો તરીકે શાસ્ત્રોક્ત રીતે લીધા. ઉત્તર વિભાગનું મથક અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની ગાદી સ્થાપી ત્યાં રાખ્યું અને દક્ષિણ વિભાગનું મથક ચરોત્તરમાં વડતાલ ગામે શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદી સ્થાપી ત્યાં રાખ્યું.
આ બંને આચાર્યો પોતે લીધેલા દત્તપુત્રો હતા. વડીલ બંધુ શ્રી રામપ્રતાપજી મહારાજના ત્રીજા નંબરના સુપુત્ર શ્રી અયોધ્યાપ્રદાસજીને અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની ગાદીના આચાર્ય તરીકે અને લઘુ બંધુ શ્રી ઇચ્છારામજી મહારાજના ચોથા નંબરના સુપુત્ર શ્રી રઘુવીરજીને વડતાલની શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીના આચાર્ય તરીકે નિયુક્ત કર્યા.
સંવત ૧૮૮૨ના કાર્તિક સુદ એકાદશીના પવિત્ર દિવસે આ બંને આચાર્યોને ભગવાને પોતાના અમોઘ આશીર્વાદ સાથે સ્થાપિત કરી પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા. તેની સવિસ્તર વિધિ ‘દેશ વિભાગના લેખ’ અનુસાર થઈ.
પ. પૂ. આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજનો જન્મ સં. ૧૮૬૫માં જેઠ સુદ એકાદશીના પવિત્ર દિવસે થયો હતો. તે વખતે શ્રીજીમહારાજ અઠ્ઠાવીસ વર્ષની વયે પશ્ચિમ દેશમાં સત્સંગદનાં ઊંડાં મૂળ નાખવામાં પ્રવૃત્ત હતા. આચાર્યપદ પર સ્થાપિત થયા ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજની ઉંમર અઢાર વર્ષની હતી. આ પદ બેંતાળીસ વર્ષ સુધી શોભાવી, તેઓશ્રીએ પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને વિસ્તૃત વિચરણ દ્વારા સત્સંગરૂપી ઉદ્યાનને પ્રફુલ્લિત અને મહેકતો કર્યો.
પ. પૂ. મહારાજશ્રીના જીવન વૃત્તાંતમાં એક ગ્રંથ બને એટલા પ્રસંગો છે, પરંતુ અત્રે સ્થળ-સંકોચને કારણે તેઓશ્રીના જીવનના મહત્ત્વના થોડા પ્રસંગો આલેખીશું.
આચાર્યનું નિવાસસ્થાન અમદાવાદમાં તે સમયે ગૌશાળા નજીક હોવાને કારણે ત્યાં કોઈ કોઈ વાર વીંછી ઘૂસી આવતા. આવા એક પ્રસંગે મહારાજશ્રી માનસીપૂજામાં ધ્યાનસ્થ હતા ત્યારે પોતે ઓઢેલા ઉપવસ્ત્રમાં વીંછી ચડી ગયો અને કેટલેક ઠેકાણે શરીર પર ડંખ માર્યા. તેની અસર કોઈને જણાવા દીધા સિવાય મહારાજશ્રી સ્વસ્થ ચિત્તે ધ્યાનમાં લીન રહ્યા ! પૂજામાંથી ઊઠ્યા બાદ સેવકને પૂછ્યું કે, ‘‘જુઓ ! લૂગડાંમાં શું છે ?’’ ત્યારે પાર્ષદે જોયું તો વીંછી હતો ! આવી દેહથી પરની સ્થિતિ પરબ્રહ્મ ભગવાન સાથે મહારાજશ્રીના સાધર્મ્યપણાનું આપણને દર્શન કરાવે છે, જે ઉપશમ અવસ્થા કરતાં પણ અધિક ગણાય. મહારાજશ્રીની આવી અલૌકિક સ્થિતિ હતી.
એક વાર મહારાજશ્રી ગામડી ગામમાં પધાર્યા હતા. ત્યાં પ્રેમી હરિભક્તોએ દૂધપાકની રસોઈ બનાવી હતી. તેમાં રસોઈ કરનારે ભૂલમાં સાકરને બદલે મીઠું નાખી દીધેલું. આ રીતે તૈયાર થયેલી રસોઈ શ્રી ઠાકોરજીને ધરાવી સૌ પ્રથમ મહારાજશ્રીને જમાડવામાં આવી. મહારાજશ્રી લેશમાત્ર કોઈને જણાવ્યા હંમેશ જમતા હતા તે પ્રમાણે અંતરવૃત્તિએ જમ્યા. આ વાતની પાછળથી જાણ થતાં સેવકોને અપાર દુઃખ થયું કે આમાં સેવા કરવા જતાં અપરાધ થયો, પણ મહારાજશ્રીએ તે બાબત ગણતરીમાં જ ન લીધી ને સૌ પર પ્રસન્નતા જ જણાવી. આવી ઉત્તમ સાધુતા જોઈ સૌ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા અને પ. પૂ. મહારાજશ્રી પ્રત્યે અહોપણું અનુભવી રહ્યા. ધન્ય છે તેઓશ્રીની સાધુતાને !
આવી ઉત્તમ કોટિની મુક્તદશા હોવા છતાં સાદાઈ અને સરળતા મહારાજશ્રીમાં કેવી હતી તેનું એક દૃષ્ટાંત છે. સિદ્ધપુરમાં એક હરિભક્ત રણછોડલાલભાઈ નામે હતા. તેમણે ત્યાં મંદિર બંધાવ્યું, જેમાં દ્રવ્ય પોતાનું વાપર્યું હતું. કોઈકે મહારાજશ્રીને ફરિયાદ કરી કે રણછોડલાલભાઈએ મંદિરનું ધાબું વાળીને બગાડ્યું ને ખર્ચ બહુ કર્યું. એ સાંભળી મહારાજશ્રી રણછોડલાલભાઈને લડ્યા અને અપમાન કર્યું. ત્યારે રણછોડલાલભાઈએ કહ્યું જે, ‘‘કૃપાનાથ ! ઠાકોરજીના રૂપિયા હતા તે પહોંચ્યા એવું કર્યું.’’ પછી કોઈક સંતે મહારાજશ્રીને સાચી હકીકતત કહી કે મંદિર બાંધવાનો તમામ ખર્ચ રણછોડલાલભાઈએ પોતે આપ્યો છે. ત્યારે મહારાજશ્રી ખૂબ દિલગીર થયા અને રણછોડલાલભાઈ પ્રત્યે કહ્યું જે, ‘‘અમે જાણતા ન હતા તેથી તમારો અપરાધ થયો; ક્ષમા કરજો.’’ તે સાંભળી રણછોડલાલભાઈએ કહ્યું જે, ‘‘મહારાજ ! આમાં તો આપે શું કહ્યું છે ? પણ ખાસડાં મારો તોપણ ખંખેરીને પાછા આવું તો હું તમારો દાસ ખરો !’’ કેવા ઉત્તમ કોટિના વિનમ્ર ને સરળ આચાર્યશ્રી અને દિવ્યભાવની મૂર્તિસમા કેવા હરિભક્ત ! શ્રીજીમહારાજને યોજેલો સત્સંગ આવા અનુકરણનીય ઉજ્જવળ વર્તાવનાં દૃષ્ટાંતોથી કેવો દીપી રહ્યો છે ?
મહારાજશ્રી કોઈક સમયને વિશે એક ગામમાં ગયેલા. રાતનો સમય હતો. મંદિરમાં હરિભક્તો બહુ થોડા જોઈ મહારાજશ્રીએ પૂછ્યું કે હાજરી આટલી ઓછી કેમ છે ? જવાબ મળ્યો કે નવરાત્રીની ગરબીમાં ઘણા હરિભક્તો જાય છે. મહારાજશ્રીએ તરત જ આજ્ઞા કરીને કે મંદિરમાં ખુરશી ઉપર શ્રીજીમહારાજનું પ્રતિમાસ્વરૂપ પધરાવો અને લ્યો ગરબી ! પોતે ખેસ ઉતારીને કેડે બાંધ્યો અને કીર્તન બોલવા લાગ્યા. જોતજોતામાં મંદિર હરિભક્તોથી ઊભરાવા લાગ્યું અને કીર્તનભક્તિનો અમૃતરસ રેલાવા લાગ્યો. મહારાજશ્રી પરિસ્થિતિ અનુસાર કેવી સરસ રચનાત્મક પદ્ધતિ અપનાવતા તેનું આ સુંદર ઉદાહરણ છે, જે સૌ કોઈએ શીખવા જેવું છે.
મહારાજશ્રી પોતે કીર્તનો રચતા. આવાં ઘણાં કીર્તનો સંપ્રદાયના સાહિત્યમાં મુકુટસ્થાને બિરાજે છે. કીર્તનભક્તિ દ્વારા સત્સંગમાં ખૂબ સમાસ કરાવી, મહારાજશ્રીએ ગામડાં તેમજ શહેરોના હરિભક્તોને શ્રીહરિના સ્વરૂપમાં જોડ્યા હતા. આ ઉપરાંત શ્રીજીમહારાજે જેને ‘મહત્ સુકૃત’ તરીકે કહી છે એવી સદ્વિદ્યાનું પ્રવર્તન ઠેર ઠેર કરાવ્યું. અમદાવાદમાં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી કે જેથી વિદ્યાભિલાષી સંતો સંસ્કૃત શાસ્ત્રોનો અભ્યાસ સારી રીતે કરી શકે.
મહારાજશ્રી પોતે પણ સંસ્કૃતિનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા. સંપ્રદાયના તેમજ અન્ય ધર્મગ્રંથોનું તેમણે અધ્યયન કરી તે જ્ઞાનમાં પ્રભુત્વ મેળવ્યું હતું.
આ જ દિશામાં મહારાજશ્રીએ સંતકવિ સ. ગુ. ભૂમાનંદ સ્વામી દ્વારા ‘ઘનશ્યામ લીલામૃત સાગર’ ગ્રંથ રચાવ્યો, જેમાં શ્રીજીનાં લીલાચરિત્રો, ખાસ કરીને બાળચરિત્રો વર્ણવ્યાં છે.
સ. ગુ. મોટા ભૂમાનંદ સ્વામી અને મહારાજશ્રી વચ્ચે ઘણું હેત હતું. તેમણે પરસ્પર કોલ આપ્યો હતો કે આપણે બંને અક્ષરધામમાં સાથે જઈશું.
સ. ગુ. ભૂમાનંદ સ્વામી પોતાના છેલ્લા મંદવાડમાં માણસા હતા. ત્યાં એક સમયે શ્રીજીમહારાજે દર્શન દઈને કહ્યું કે, આજથી ત્રીજે દિવસે અમને તમને તેડવા આવીશું. આટલું કહીને શ્રીજીમહારાજ અદૃશ્ય થઈ ગયા. તેવાત સ્વામીશ્રીએ પોતાના શિષ્ય સાધુ બાલપદ્મદાસજીને કરી. પછી સાધુએ જમવાનું કહ્યું ત્યારે ભૂમાનંદ સ્વામી બોલ્યા કે મને તો શ્રીજીમહારાજ દૂધપાક-પૂરી જમાડી ગયા એટલે જમવું નથી.
પછી ત્રીજે દિવસે બે વાગતાં શ્રીજીમહારાજ મુક્તોના મંડળ સહિત વિમાનમાં બેસીને સ્વામીને તેડવા પધાર્યા અને દર્શન દીધાં. ત્યારે ભૂમાનંદ સ્વામી શ્રીજીમહારાજ પ્રત્યે બોલ્યા જે મને અયોધ્યાપ્રસાદજી મહારાજે કહ્યું છે કે, જઈશું ત્યારે સંગાથે જઈશું. શ્રીજીમહારાજે કહ્યું કે એમને તો પંદર દિવસની વાર છે, માટે તમે ચાલો. એમ કહીને સ્વામીશ્રીને તેડી ગયા. તે વખતે ગામના ઘણા હરિજનોને દર્શન થયાં.
ત્યાર બાદ સાત દિવસ પછી શ્રીજીમહારાજે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને દર્શન દઈને કહ્યું કે આજથી સાતમે દિવસે તમને તેડવા આવીશું. એમ કહીને અદૃશ્ય થઈ ગયા. સાતમો દિવસ થયો ત્યારે આચાર્ય મહારાજશ્રીએ પોતાના પુત્ર શ્રી કેશવપ્રસાદજી આદિ પોતાના સંબંધીઓને બોલાવીને કહ્યું કે તમે અમારાં દર્શન કરી લો. ગવૈયા સાધુને કહ્યું કે કીર્તન ગાઓ. આજે રાત્રીએ અગિયાર વાગ્યે અમારે દેહ મૂકવો છે.
દસ વાગ્યા એટલે મહારાજશ્રીએ કહ્યું કે શ્રીજીમહારાજ અનંત મુક્તો, સાથે રથ તથા શ્વેત હાથી લઈને તેડવા પધાર્યા છે; તેમનાં તમે દર્શન કરો અને ચોકોકરો. હું મહારાજ સાથે અક્ષરધામમાં જાઉં છું. એમ કહીને પોતે દેહ ત્યાગ કરી અક્ષરધામમાં પધાર્યા. તે સમયે સંતો સહિત ઘણા સાધુને તથા હરિભક્તોને શ્રીજીમહારાજનાં દર્શન થયાં.
આવા સ્વતંત્ર દિવ્ય મુક્ત હતા આપણા આદિ આચાર્ય પ. પૂ. શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ !
આ વાતના અનુસંધાનમાં એક પ્રસંગ સ્મૃતિ પટ ઉપર આવે છે. એક વાર પ. પૂ. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અમદાવાદ પધાર્યા હતા. ત્યારે વાતનો પ્રસંગ નીકળતાં પ. પૂ. અયોધ્યાપ્રસાદજી મહારાજ બોલ્યા જે, ‘‘જે દિવસના અમે શ્રીજીમહારાજ પાસે આવ્યા છીએ ત્યારથી અમે તો ત્રણે અવસ્થામાં શ્રીજીમહારાજની મૂર્તિને અખંડ તેજના સમૂહમાં દેખીએ છીએ અને આ અમદાવાદનો સત્સંગનો વ્યવહાર તો અમને રંચમાત્ર પણ ગણતરીમાં નથી. અમે તો સદાય મહારાજની મૂર્તિમાં નિમગ્ન રહીએ છીએ.’’ એવી ઉચ્ચ સ્થિતિ તેઓશ્રીની હતી.
પ. પૂ. મહારાજશ્રી દ્વારા સત્સંગમાં મંદિરોના નિર્માણનાં ઘણાં કાર્યો થયાં છે, જેમાં છપૈયા, જેતલપુર, માંડવી, સિદ્ધપુર, ડુંગરપુર વગેરે મંદિરો છે. આ રીતે બેંતાળીસ વર્ષ સુધી શ્રીજીમહારાજના કાર્યને વેગવંતુ રાખ્યું હતું, તેમ છતાં મહારાજશ્રીને કર્તાપણાનો ભાવ ન હતો. એવી એમની મોટાઈ હતી. તેઓશ્રી ધ્યાન, ભજન કરતા, કાવ્યોની રચના કરતા, સત્સંગમાં દર્શન દેવા ફરી આશ્રિતોને સુખ આપતા વગેરે અનેક કાર્યોમાં પ્રવૃત્ત રહેતા હોવા છતાં એમની વૃત્તિ નિરંતર મહારાજની મૂર્તિમાં જ રહેતી.
એક પ્રસંગે મહારાજશ્રી બાવન દિવસ સુધી સમાધિ અવસ્થામાં રહ્યા હતા. સમાધિમાંથી જાગૃત થયા ત્યારે શુકમુનિ અને સ. ગુ. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાર્થના કરી જે, ‘‘હે મહારાજ ! તમે અન્ન લેતા નથી તેથી સર્વ સાધુ, બ્રહ્મચારી ઉદાસ રહે છે, તો થોડું અન્ન લ્યો તો સારું.’’
ત્યારે મહારાજશ્રી બોલ્યા જે, ‘‘હું તો શ્રીજી પાસે થાળ જમું છું.’’ તેમ કહી ફરી અંતરદૃષ્ટિ કરી મૂર્તિમાં જોડાઈ ગયા. એવી રીતે સમાધિ સ્થિતિમાં બાવન દિવસ પૂરા થયા તે બાદ મહારાજશ્રી આરતી થયા પછી સમાધિમાંથી જાગૃત થયા અને કહ્યું જે, ‘‘ભૂમાનંદ સ્વામી ક્યાં છે ?’’ એમ કહી સૌને સંભાર્યા અને કહ્યું, ‘‘સર્વ સાધુને બોલાવો અને આ દેશમાં તથા વડતાલ દેશમાં રસોઈ કરે એમ પત્ર લખો.’’ પછી મંદિરમાં સૌને રસોઈ જમાડી સંતોનાં દર્શન કરી, અન્નજળ લીધું.
આ પ્રસંગ દરમિયાન મહારાજશ્રીનાં દર્શન કરવા સમગ્ર સત્સંગ ઊમટ્યો હતો. તેમાં એક વખત સ. ગુ. ગુણાતીતાનંદ સ્વામી મહારાજશ્રી પાસે બેઠા હતા ત્યારે કચ્છના હરિભક્તોનો સમૂહ દર્શનાર્થે આવ્યો. તેમાં બળદિયા ગામના અવારનવાર અલૌકિક સમાધિસ્થિતિ જણાવાત મુક્ત સ્વરૂપ અબજીભાઈ પણ આવ્યા હતા. તેમને જોઈ પ. પૂ. આચાર્ય મહારાજશ્રીએ ગુણાતીતાનંદ સ્વામી પાસે કચ્છના સત્સંગની ઉચ્ચ કોટિની વાત કરી, હાથ લાંબો કરી બોલ્યા કે, ‘‘આ કચ્છના સમાધિવાળા અબજીભાઈ છે.’’ એમ કહી ઓળખ કરાવી. તેમને નિહાળી સ. ગુ. ગુણાતીતાનંદ સ્વામી અતિ પ્રસન્ન થયા હતા.
પ. પૂ. આચાર્ય મહારાજશ્રીને સત્સંગના હરેક અંગ માટે અત્યંત મમત્વ હતું. સત્સંગનાં મૂળ મજબૂત થાય તે માટે તેમનો આગ્રહ અતિશય દૃઢ હતો, કારણ કે પોતે દિવ્ય દૃષ્ટિથી સર્વત્ર જોતા. જેમ શ્રીજીમહારાજે સત્સંગના અંગેઅંગનું નિરંતર પોષણ કર્યું તે રીતે આચાર્ય મહારાજશ્રી પણ કરતા રહ્યા હતા.
આવું જ એક બીજું દૃષ્ટાંત મળી આવે છે, સ્વામી શ્રી વૃંદાવનદાસજીના જીવનમાંથી. આ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શામજીભાઈ હતું. તેમને ત્યાગાશ્રમ માટે તીવ્રવેગ હતો. તે વાત પ. પૂ. આચાર્યમહારાજશ્રી કચ્છમાં સંવત ૧૯૨૩માં પધાર્યા હતા ત્યારે તેમના જાણવામાં આવી. સત્તર વર્ષના યુવાન હરિભક્ત શામજીભાઈની અંગ સેવાથી મહારાજશ્રી તેમની ઉપર ખૂબ જ પ્રસન્ન થયા. તેમને જાણ થઈ કે આ ભક્તરાજને ત્યાગાશ્રમ ગ્રહણ કરવો છે ત્યારે તેમણે પોતાના પાર્ષદ લક્ષ્મણ ભગત પાસેથી પાંત્રીસ કોરી લઈ શામજીભાઈને આપી અને તેમને અમદાવાદ આવવા સૂચન કર્યું. આ અમી દૃષ્ટિમાંથી ભક્તરાજ શામજીભાઈને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું. પોતે ગૃહત્યાગ કરી અમદાવાદ આવવા નીકળ્યા. દરમિયાન પ. પૂ. મહારાજશ્રી સંવત ૧૯૨૪માં ધામમાં પધાર્યા. શામજીભાઈને માવતર તુલ્ય મહારાજશ્રીના વિરહનું અપાર દુઃખ થયું. થોડા સમય બાદ શામજીભાઈએ થોડો વખત પાર્ષદ તરીકે રહી ત્યાગાશ્રમમાં પ્રવેશ કર્યો. પ. પૂ. ધ. ધુ. આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજે તેમને દીક્ષા આપી ‘વૃંદાવનદાસ’ નામ આપ્યું.
ત્રિકાળદર્શી પ. પૂ. આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજના આવા પ્રસંગો ઘણા છે. તેમને મન સત્સંગ જીવન હતું અને સત્સંગના તેઓશ્રી જીવનપ્રાણ હતા.
સત્સંગના આવા આદર્શ મૂર્તિ પ. પૂ. ધર્મધુરંધર આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કોટિ કોટિ દંડવત્ પ્રણામ કરી આપણે કૃતાર્થ થઈએ