૧ શ્રીજીનું વરદાન
કચ્છમાં બળદિયા નામનું એક સુંદર ગામ.
આ ગામમાં પાંચાભાઈ અને દેવબા રહે.
તેઓ ગરીબ, પણ તેનું દુ:ખ મનમાં લાવે નહિ.
મહેનત કરે, જે મળે તેમાં ભગવાનની મરજી જાણી ગુજરાન ચલાવે.
દેવબા ભગવાનના અનન્ય ભક્ત.
ભગવાનમાં અડગ શ્રદ્ધા ને દૃઢ વિશ્વાસ.
તેમને ચાર પુત્રીઓ, પણ એકેય પુત્ર નહિ.
દેવબા ભગવાનની દરરોજ પૂજા કરે ને પ્રાર્થના કરે.
'ભગવાન! તમારી દયાથી મારે ચાર પુત્રીઓ છે, પણ એકે ય પુત્ર નથી, દયા કરી પુત્રનું વરદાન આપો.'
પ્રાર્થના કરતા વર્ષો વીત્યા.
દેવબા જરા ય થાક્યાં નહિ.
ભગવાનમાંથી વિશ્વાસ પણ ડગ્યો નહિ.
રોજ નવી શ્રદ્ધા રાખી ભગવાનને પ્રાર્થના કર્યા કરે.
દેવબાને વિશ્વાસ કે, ભગવાન મારી પ્રાર્થના એક દિવસ જરૂર સાંભળશે.
દેવબા કાળી તલાવડીમાં દરરોજ નહાવા જાય.
આ તલાવડી મહારાજની પ્રસાદીની.
આજુ-બાજુ નાની-નાની ટેકરીઓ.
લીલાં છમ વૃક્ષો, વૃક્ષોમાં અનેક પક્ષીઓ રહે.
સવાર પડે ને પક્ષીઓના મીઠા કલરવથી વાતાવરણ ગુંજી ઊઠે.
દેવબા નાહીને ત્યાં જ ભગવાનનું ધ્યાન કરે.
હંમેશની જેમ દેવબા તલાવડીએ નહાવા આવ્યાં.
આજે તેમના મનમાં જુદો જ આનંદ હતો.
વાતાવરણ પણ તેમને પ્રફુલ્લિત લાગતું હતું.
દેવબાને અનેરા આનંદનું કારણ સમજાતું ન હતું.
નાહીને ધ્યાન કરવા બેઠાં.
ભગવાનનું સુંદર રૂપ અંતરમાં દેખાયું.
ત્યાં તો કાને અવાજ પડ્યો, 'બાઈ, આંખો ખોલો.'
આ અવાજ કોનો?
આંખો ખોલી જોયું તો શ્રીજીમહારાજ મંદ-મંદ હાસ્ય રેલાવતા સામે જ ઊભા હતા.
દેવબા બોલ્યાં, 'મહારાજ! તમે!'
મહારાજ કહે, 'બાઈ, અમે તમારી ભક્તિથી પ્રસન્ન થયા છીએ વરદાન માગો.'
દેવબા કહે, 'ભગવાન મને વિશ્વાસ હતો કે, તમે જરૂર દર્શન આપશો.'
મહારાજ મરક-મરક હસતા બોલ્યા, 'અમારામાં વિશ્વાસ ને દૃઢ શ્રદ્ધા રાખે તેના પર અમે પ્રસન્ન થઈએ છીએ.'
દેવબા ભગવાનનું સુંદર રૂપ જોવામાં વરદાન માગવાનું ભૂલી જ ગયાં.
મહારાજે ફરી કહ્યું, 'દેવબા, વરદાન માગો.'
દેવબા આનંદમાં આવી ગયાં.
વિચારવા લાગ્યાં, ભગવાન જેવો રૂપાળો પુત્ર મને થાય તો કેવું સારું.
ભગવાન કહે, 'દેવબા, શું વિચારો છો? કયું વરદાન જોઈએ છે.'
દેવબા કહે, 'મહારાજ! તમારા જેવો પુત્ર ખપે.'
મહારાજ હસવા લાગ્યાં બોલ્યા, 'દેવબા! ભગવાન જેવું બીજું કોઈ હોય નહિ. અમારા જેવા અમે એક જ છીએ.'
દેવબા દિલગીર થઈ બોલ્યાં, 'પ્રભુ! તો શું મને તમારા જેવા સુંદર પુત્રનું વરદાન નહિ મળે? મારો મનોરથ પૂર્ણ નહિ થાય?'
મહારાજ હસતા-હસતા કહે, 'દેવબા મુંઝાઓ નહિ. અમારા અનાદિમુક્ત અમારા જેવા જ કહેવાય. તે તમારે ત્યાં પુત્રરૂપે પ્રગટ થશે. કેટલાયને અમારા ધામમાં લઈ આવશે.'
ભગવાન અદૃશ્ય થઈ ગયા.
દેવબા આનંદિત થઈ ગયાં.
આજુ-બાજુ મહારાજને ગોતવા લાગ્યાં.
મહારાજ જડ્યા નહિ.
વિચારવા લાગ્યાં, સાચે જ ભગવાને મને વરદાન આપ્યું?
વિચારતા-વિચારતા ઝડપથી ઘરે જવા લાગ્યાં.
દેવબાને વિશ્વાસ આવે તે માટે ભગવાને રસ્તાની બંને બાજુ સંતોની પંક્તિ દેખાડી.
જેઓ આખા રસ્તે બોલ્યા કરે, 'બાઈ તમારે પુત્ર થશે, પુત્ર થશે, પુત્ર થશે.'
હવે દેવબાને વિશ્વાસ આવ્યો.
પાંચાભાઈને તેમણે વાત કરી.
પાંચાભાઈ પણ ખૂબ ખુશ થયા.
પતિ-પત્ની બંનેએ ભગવાનની ખૂબ પ્રાર્થના કરી.
---------
શબ્દનો અર્થ
અનન્ય = અજોડ
અડગ = ડગે નહિ તેવું, અચળ
ખપે = જોઈએ
મનોરથ = ઉદ્દેશ
અનાદિમુક્ત = ભગવાનની મૂર્તિમાં રહી પુરુષોત્તમરૂપ થયેલા હોય તેઓ.
→ દેવબાએ વર્ષો સુધી ભગવાનમાં દૃઢ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી ભક્તિ કરી તો ભગવાન પ્રસન્ન થયા.
→ તેવી રીતે આપણે પણ ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ તો ભગવાન જરૂરથી મનોરથ પૂર્ણ કરે છે.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. દેવબાને મનમાં કઈ ઇચ્છા રહેતી?
૨. દેવબા ભગવાનને દરરોજ શું પ્રાર્થના કરતાં?
૩. ભગવાને દેવબાને કયું વરદાન આપ્યું?
૪. દેવબાને વરદાનની પ્રતીતિ કેવી રીતે થઈ?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧. દેવબા અને પાંચાભાઈ ---------------- ગામમાં રહેતાં હતાં.
૨. દેવબા દરરોજ ------------- એ નાહવાં જતાં.
૩. દેવબા ---------- રાખી પ્રાર્થના કરતાં.
વાક્ય પૂર્ણ કરો.
૧. અમારા અનાદિમુક્ત .................. ધામમાં લઈ આવશે.
શબ્દો વાક્યમાં વાપરો.
અનન્ય, અડગ, મનોરથ, શ્રદ્ધા.