૧૬ આજ્ઞાપાલન
વસંતઋતુનો સમય હતો.
અબજીભાઈ અને મિત્રો વાડીમાં રમતા હતા.
કરસન કહે, 'આજનું વાતાવરણ કેટલું સરસ છે.'
વશરામ કહે, 'હા ફરવા જવાનું મન થાય છે.'
અબજીભાઈ કહે, 'ચાલો કેરા. મારા મામાની ત્યાં વાડી છે.'
કેસરો કહે, 'ત્યાં કાચી કેરીઓ ખાવાની પણ મજા આવશે ચાલો.'
અબજીભાઈ કહે, 'બધા પહેલા પોતાના માતા કે પિતાની રજા લઈને આવે. દસ મિનિટ પછી બધાએ આ જગ્યાએ ભેગા થવાનું.'
બધા પૂછીને આવી ગયા.
બધા ચાલતા જાય ને વાતો કરતા જાય.
અબજીભાઈ બધાને ભગવાનની વાતો કરે.
ગાંગજી અને કરસન થોડા આગળ ચાલતા હતા.
કરસન ચાલતા-ચાલતા ઊભો રહી ગયો.
ગાંગજીને કહે, 'આ જો શું છે?
અબજીભાઈ અને બીજા મિત્રો પણ પહોંચી ગયા.
કેસરો ને વશરામ પૂછવા લાગ્યા, 'શું છે?'
અબજીભાઈ કહે, 'કોઈનો સોનાનો હાર પડી ગયો લાગે છે.'
ગાંગજી કહે, 'ચાલો લઈને તમારા મામાને આપી દઈએ.'
અબજીભાઈ કહે, 'ના પારકી વસ્તુને આપણાથી અડાય નહિ.'
વશરામ કહે, 'ચાલોને હવે પડી રહેવા દો. આપણે શું?
અબજીભાઈ કહે, 'પછી કોઈ બીજો આવીને લઈ જશે. બિચારા માલિકનો સોનાનો હાર જશે. હવે શું કરવું?'
અબજીભાઈએ પૂછ્યું, 'આને દાટી દઈએ તો?'
કેસરો કહે, 'હા ચાલો એમ કરીએ એટલે જલદી મામાને ત્યાં પહોંચી જવાય.'
અબજીભાઈ કાંઈ કહે તેની પહેલા બધાએ હાર દાટી દીધો.
અબજીભાઈ કહે, 'કોઈની પડેલી વસ્તુને આપણે અડવું જોઈએ નહિ, પણ હવે શું થાય?'
વશરામ કહે : 'ચાલોને અબજીભાઈ જે થવાનું હશે તે થશે.'
અબજીભાઈ કહે, 'પણ હારના માલિકને કેવી રીતે ખબર પડશે કે, આપણે હાર અહીં દાટ્યો છે.'
કેસરો કહે, 'તો હવે શું કરીશું ?'
અબજીભાઈ કહે, 'હું તો હારનો માલિક નહિ આવે ત્યાં સુધી અહીં જ બેસીશ. તમારે બધાને જવું હોય તો જાવ.
ગાંગજી કહે, 'હું તો અબજીભાઈ સાથે જ બેસીશ.
કેસરો કહે, 'તો પછી હું પણ નથી જતો.'
બીજા મિત્રો પણ પછી ત્યાં જ રહ્યાં.
વશરામ કહે, 'મામાને ત્યાં ગયા હોત તો રમવાની કેવી મજા આવત!'
જાદવજી કંટાળા સાથે બોલ્યો, 'હારનો માલિક તો કોણ જાણે ક્યારે આવશે?'
અબજીભાઈ કહે, 'ચાલો આપણે કીર્તનની અંતાક્ષરી રમીએ.'
બધાને તેમાં આનંદ આવ્યો.
થોડીવારે એક માણસ કંઈક શોધતો હોય તેમ ધીમે-ધીમે ચાલતો આવતો હતો.
કરસન કહે, 'જુઓ, પેલા ભાઈ કાંઈક શોધતા લાગે છે.'
અબજીભાઈ કહે, 'આપણને શું ખબર કે તેઓ જ હારના માલિક છે? તેઓ આપણને પૂછશે તો કહીશું. નહિ તો કોઈ કાંઈ નહિ બોલે.?
શોધતા-શોઘતા ભાઈ ત્યાં પહોંચ્યા.
છોકરાઓને પૂછ્યું, 'અહીંથી તમને કાંઈ જડ્યું છે?'
ગાંગજી હાર જડ્યો છે એમ બોલવા જતો હતો.
ત્યાં અબજીભાઈએ પૂછ્યું, 'તમે શું શોધો છો?'
ભાઈ કહે, 'મારો સોનાનો હાર પડી ગયો છે. તમને કોઈને જડ્યો છે?'
અબજીભાઈને હવે ખાત્રી થઈ કે, આજ હારના ખરા માલિક છે.
તેથી કહ્યું, 'હા. અમે હાર જોયો છે. અમારા ભગવાને કોઈની પડેલી વસ્તુને લેવાની તથા તેને અડવાની ના પાડી છે. પરંતુ કોઈ જોઈ ન જાય માટે અમે ત્યાં દાટ્યો છે. તમે લઈ લો. દાટી દીધા પછી તમને કેવી રીતે ખબર પડે? એટલે અમે બધા તમારી રાહ જોતા હતા.'
હારનો માલિક ખૂબ ખુશ થયો.
અબજીભાઈને શાબાશી આપી બોલ્યો, 'તું ખૂબ સમજું છોકરો છે. ભગવાનની આજ્ઞા પણ બરાબર પાળે છે. હું ખૂબ ખુશ થયો છું. લે આ પૈસા, બધા મળી વાપરજો.'
અબજીભાઈ કહે, 'એમાં કાંઈ નહિ. અમે તો અમારા ભગવાને કહેલી આજ્ઞાનું પાલન કર્યું છે. અમારાથી આ પૈસા ન લેવાય.' મિત્રોને કહે, 'ચાલો આપણું કામ હવે પૂરું થયું.'
બધા મિત્રો કેરા મામાની વાડીએ પહોંચ્યા.
મામાને હાર વિષે બધી વાત કરી.
મામા પણ અબજીભાઈ પર ખુશ થયા.
બધા મિત્રોને કહ્યું, 'આજે તમારે ઝાડ પરથી જેટલી કાચી કેરી ખાવી હોય તેટલી ખાઓ. હું તેની સાથે મીઠું, મરચું પણ આપું છું.'
બધા ખુશ થઈ ગયા.
સાંજ સુધી બધા ત્યાં જ રહ્યા અને ખૂબ રમ્યા.
---------
શબ્દનો અર્થ
કેરા = ગામનું નામ
પારકી = બીજાની
જડ્યો = મળ્યો
→ શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે આજ્ઞા કરી છે કે, કોઈની ધણિયાતી વસ્તુને અડવું નહિ. બીજાની વસ્તુ લઈએ તો તે ચોરી કરી કહેવાય.
→ મિત્રોએ હાર બાબત જુદું - જુદું કહ્યું પણ અબજીભાઈએ શ્રીજીમહારાજે કરેલી આજ્ઞા બરાબર યાદ રાખી તેનું પાલન કર્યું.
→ આપણે પણ શ્રીજીમહારાજની દરેક આજ્ઞાનું હંમેશાં પાલન કરવું તો જ ઘરના અને મહારાજ રાજી થાય.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. કઈ ઋતુ ચાલતી હતી?
૨. બધા કયા ગામમાં અને કોને ત્યાં રમવા જતા હતા?
૩. રસ્તામાં ગાંગજીને શું દેખાયું?
૪. મિત્રોએ અબજીભાઈને કઈ-કઈ સલાહ આપી?
૫. અબજીભાઈએ હાર બાબત કયો નિર્ણય લીધો?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧. ચાલો બધા મારા -------- ની --------- એ જઈએ.
૨. અબજીભાઈ બધાને -------- ની વાતો કરે.
૩. કોઈનો ----------- પડી ગયો લાગે છે.
૪. અબજીભાઈને ----------- આપવા લાગ્યો.
૫. અમે તો અમારા ----------- ની કરેલી -------- નું પાલન કર્યું છે.
કોણ બોલે છે
૧. ચાલોને પડી રહેવા દો, આપણે શું?
૨. કોઈની પડેલી વસ્તુને અડવું જોઈએ નહિ.