૩૬ યજ્ઞમાં ચમત્કાર
બાપાશ્રીએ અમદાવાદથી સંતોને બોલાવ્યા.
સંતો આવ્યા.
બાપાશ્રી કહે, 'સંતો, યજ્ઞ કરવો છે.'
સંતો કહે, 'બાપા, ખૂબ સારો વિચાર છે.'
બાપાશ્રી કહે, 'સારું મુહૂર્ત જોઈ મને કહો. એટલે તૈયારી કરીએ.'
બાપાશ્રી વાડીએ ગયા.
એક હરિભક્ત ત્યાં બેઠા હતા.
સ્વામી ઈશ્વરચરણદાસજીને પૂછ્યું, 'સ્વામી, બાપા વારંવાર યજ્ઞ શા માટે કરે છે? બધાને શા માટે ભેગા કરે છે?'
સ્વામી કહે, 'મહારાજે બાપાશ્રીને અનેક જીવોના કલ્યાણ કરવા અહીં મોકલ્યા છે. બાપાશ્રી યજ્ઞ કરે ત્યારે ગામે-ગામના હરિભક્તો આવે. બાપાશ્રી રાજી થઈ મહારાજની મૂર્તિના કે મહારાજના સુખના આશીર્વાદ આપે. જેથી એક સાથે કેટલાય જીવોનું કલ્યાણ થાય.'
હરિભક્ત કહે, 'સ્વામી, આજે મને ખબર પડી કે, બાપા વારંવાર યજ્ઞ શા માટે કરાવે છે.'
સ્વામીએ મુહૂર્ત કાઢી બાપાશ્રીને આપ્યું.
બાપાશ્રીએ બધો સામાન ભેગો કર્યો.
સેવકોને સેવા કરવા આજ્ઞા કરી.
સેવકો રાજી થઈ જુદી જુદી સેવા કરવા લાગ્યા.
કોઈ સફાઈ કામ કરે, કોઈ રસોઈનું કામ કરે.
કોઈ શીરો બનાવે તો કોઈ સુખડી, કોઈ ઘી ગાળે.
સુખડી અને શીરો બનાવનારા સેવકો બૂમો પાડે, 'ઘી જલદી લાવો, જલદી આપો.'
સેવકો ઘી ગાળીને આપવા લાગ્યા.
સેવક રત્નો કહે, 'ઘીના ડબ્બા બધા ખાલી થતા જાય છે.'
શામજી કહે, 'હા અને ઘી તો મંગાવ્યા કરે છે.'
રત્નો કહે, 'મને લાગે છે કદાચ ઘી ખૂટશે.'
તેજો કહે, 'અત્યારે બીજે ક્યાંયથી ઘી મળશે પણ નહિ.'
બધા ચિંતા કરવા લાગ્યા.
દામજી કહે, 'ઘી પૂરું થઈ જાય તો શીરો ને સુખડી પણ ન બને, તો બધાને પ્રસાદી શું આપીએ?'
બધા વિચારવા લાગ્યા.
શીરાવાળા સેવકો આવ્યા. કહે, 'ઘી આપો.'
તેમને ઘી આપ્યું.
રત્નો કહે, 'હવે થોડાં ડબ્બા જ રહ્યા છે. આપણે બાપાને જાણ કરીએ.'
શામજી દોડતો-દોડતો બાપાશ્રી પાસે આવ્યો.
બાપાશ્રી કહે, 'કેમ શામજી? દોડતો-દોડતો આવ્યો?'
શામજી કહે, 'બાપા અમે ઘી ગાળીએ છીએ.'
બાપાશ્રી કહે, 'સારું, પણ તું અહીં કેમ આવ્યો?'
શામજી કહે, 'બાપા, ઘીના ડબ્બા ખાલી થઈ ગયા છે. કદાચ ઘી ખૂટશે.'
બાપાશ્રી કહે, 'એમ! ચાલ હું જોવા આવું છું.'
બાપાશ્રી ઘીના ઓરડામાં આવ્યા.
રત્નો કહે, 'બાપા, ઘી કદાચ ઓછું પડશે.'
બાપા કહે, 'ક્યાં છે ડબ્બા?'
ભીમજી કહે, 'બાપા આ રહ્યા ખાલી ડબ્બા અને આટલા જ ડબ્બામાં ઘી છે.'
બાપાશ્રીના હાથમાં લાકડી હતી.
લાકડી લઈ ખાલી ડબ્બા પર મારવા લાગ્યા.
કહે, 'આ ક્યાં ખાલી છે! બીજા પર મારી અને બોલ્યા આ ક્યાં ખાલી છે!' એમ ઘણા ડબ્બા પર લાકડી મારી.
પછી કહે, 'આ બધા તો ભરેલા ડબ્બા છે. તમે અમસ્તા ચિંતા કરો છો.' રત્નો કહે, 'બાપા, એ ભરેલા નથી. ત્યાં તો અમે બધા ખાલી ડબ્બા રાખ્યા છે.'
બાપાશ્રી કહે, 'તું જો તો ખરો.'
રત્નો જોવા ગયો. તેણે જોયું.
કહે, 'અરે! આ કેમ થયું?'
તે એક પછી એક ડબ્બામાં જોવા લાગ્યો.
તેને ઘણું આશ્ચર્ય થયું.
કહે, 'બાપાએ જે ડબ્બા પર લાકડી મારી છે તે બધા ડબ્બા ભરેલા છે. બાપા, આ શો ચમત્કાર કર્યો?'
બાપાશ્રી કહે, 'આ તો શ્રીજીમહારાજનો યજ્ઞ છે. મહારાજ કોઈ વસ્તુ ખૂટવા નહિ દે.'
બાપાશ્રી પાછા પધાર્યા.
બાપાશ્રી ગયા એટલે ખીમજી, શામજી વગેરે ડબ્બામાં જોવા લાગ્યા.
ડબ્બા ઘીથી ભરેલા હતા.
બધાને આશ્ચર્ય સાથે આનંદ થયો.
રત્નો કહે, 'બાપાએ ખાલી ડબ્બા ભરી દીધા. હવે ફીકર નથી. હવે ઘી નહિ ખૂટે. જેને જેટલું જોઈતું હોય તેટલું ભલે લઈ જાય.'
બાપાશ્રીએ કરેલા ચમત્કારથી સેવકો ઉત્સાહથી સેવા કરવા લાગ્યા.
---------
શબ્દનો અર્થ
ખૂટશે = ઓછું પડશે, ઘટશે.
→ વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે, અમારા સમૈયા અને લીલા સંભારી રાખવા. અંત વખતે જો, મૂર્તિ ભૂલી જવાય અને તે વખતે સમૈયા અને સંતોના કરેલા દર્શન યાદ આવે તો તેની સાથે મૂર્તિ પણ યાદ આવી જાય.
→ બાપાશ્રીના પ્રતાપથી યજ્ઞમાં ક્યારેય વિઘ્ન આવતું નહિ.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧.બાપાશ્રીએ સંતોને શું કરવાનું કહ્યું ?
૨.સ્વામી ઈશ્વરચરણદાસજીએ હરિભક્તને શો જવાબ આપ્યો ?
૩.બાપાશ્રીએ શો ચમત્કાર કર્યો ?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧.બાપા વારંવાર ----------- શા માટે કરે છે?
૨.----------- બાપાશ્રીને અનેક જીવોના ------------ કરવા અહીં મોકલ્યા છે.
૩.સેવકો જુદી-જુદી ------------ કરવા લાગ્યા.
૪.----------- પૂરું થાય તો ------------- અને ------------ પણ ન બને.
૫.આ તો ------------ નો યજ્ઞ છે.
કોણ બોલે છે તે કહો.
૧. ઘીના ડબ્બા ખાલી થતા જાય છે.
૨. ઘી પૂરું થાય તો શીરો અને સુખડી પણ ન બને.
૩. આ બધા તો ભરેલા ડબ્બા છે.
૪. આ શો ચમત્કાર કર્યો?