૩ માતા સાથે વાર્તાલાપ

એક દિવસની વાત છે.

દેવબાએ પુત્રને પારણામાં પોઢાડ્યાં.

પોતે દરવાજા પાસે કામ કરતાં બેઠાં.

કામ કરતાં જાય ને પારણા સામું જોતાં જાય.

તેવામાં ઓરડામાંથી ચાર તેજસ્વી પુરુષો બહાર આવ્યા.

થોડે દૂર જઈ અદૃશ્ય થઈ ગયા.

દેવબાને મનમાં ધ્રાસકો પડ્યો.

'હું દરવાજા પાસે જ બેઠી છું, છતાં ય આ લોકો અંદર કેવી રીતે આવી ગયા? મારા પુત્રને કાંઈ થયું તો નહિ હોય ને?'

જલદી-જલદી દેવબા ઓરડામાં ગયાં.

પારણામાં જોયું તો પુત્ર સૂતા-સૂતા હસતા હતા.

દેવબા તેડીને રમાડવા લાગ્યાં.

વિચારતા રહ્યા આ કોણ હશે? ક્યાંથી આવ્યા હશે? ક્યાં અદૃશ્ય થઈ ગયા?

ત્યાં તો ! એક માસના પુત્ર બોલવા લાગ્યા, 'માતા, તમે કેમ ભૂલી જાઓ છો? હું બીજા નાના બાળક જેવો નથી. હું તો અનાદિમુક્ત છું. શ્રીજીમહારાજે મને મોકલ્યો છે. જે દેવો દર્શન કરવા આવે છે. તેને હું મહારાજના ધામમાં લઈ જઈશ. ભગવાનનો એવો સંકલ્પ છે.'

આટલું બોલી પાછા નાના બાળકની જેમ ચૂપ થઈ ગયા.

દેવબા તો પોતાના એક માસના પુત્રના મોઢેથી વાત સાંભળી દંગ રહી ગયાં.

એમ ને એમ પુત્ર સામે જોઈ રહ્યાં.

પુત્ર પાછા ખિલખિલાટ હસવા લાગ્યા.

દેવબાને ભગવાનનું વરદાન યાદ આવી ગયું.

પુત્રને કહેવા લાગ્યાં, 'હું પણ સાવ ભુલકણી છું. ભગવાને મને કહ્યું હતું, તમારે ત્યાં મુક્ત પ્રગટ થશે, પણ તમને આવા સુંદર જોઈ રમાડવામાં બધું ભૂલી જાવ છું. હવે નહિ ભૂલું.'

પુત્રએ સામે જવાબ ન આપ્યો.

દેવબા બોલ્યાં, 'કંઈક કહો તો ખરા?'

પણ મુક્તરાજ તો બાળકની જેમ હસતા રહ્યા.

દેવબા રાજી થતાં પુત્રને રમાડવા લાગ્યાં.

રમાડતાં-રમાડતાં દેવબા પાંચાભાઈને કહે, 'આપણા પુત્રનું હવે નામ પાડીએ.'

પાંચાભાઈ કહે, 'તમે કહો તે નામ પાડીએ.'

દેવબા બોલ્યા, 'ભગવાને વરદાન આપ્યું ત્યારે કહ્યું હતું કે, 'મુક્ત અબ પ્રગટ થશે માટે 'અબજીભાઈ' નામ પાડજો.' માટે આપણે પુત્રનું અબજીભાઈ નામ પાડીએ.'

પાંચાભાઈ કહે, 'મહારાજનું આપેલું આ નામ અત્યંત સુંદર છે.'

બહેનો અબજીભાઈ-અબજીભાઈ કહી રમાડવા લાગી.

દેવબા બહેનોનો આવો પ્રેમ જોઈ રાજી-રાજી થઈ ગયાં.

---------

શબ્દનો અર્થ

ધ્રાસકો = હૈયામાં પડતી ફાળ

અબ = હમણાં

→ મહારાજના મોકલેલ અનાદિમુક્તને આ લોકની વયમર્યાદા બંધનકારી હોતી નથી.

→ બ્રહ્માનંદ સ્વામી જ્યારે તેમની માતાના ગર્ભમાં હતા ત્યારે ગર્ભમાં રહી મહારાજના આગમનની જાણ કરી હતી.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. દેવબાને શા માટે ધ્રાસકો પડ્યો?

૨. એક માસના બાળકે માતાને શું કહ્યું?

૩. મહારાજે બાળકનું શું નામ પાડ્યું હતું?

૪. અબજીભાઈના માતા-પિતાનું નામ આપો?

નીચેની ખાલી જગ્યા પૂરો.

૧. હું બીજા ---------------- જેવો નથી. હું તો ------------- છું.

૨. મુક્ત ------------ પ્રગટ થશે એટલે ------------- નામ પાડજો.