૧૭ સેવાનું અંગ
આજે કેટલાય દિવસ થઈ ગયા.
અબજીભાઈ મિત્રો સાથે રમવા જતા નથી.
કુંવરજી કહે, 'અબજીભાઈ રમવા કેમ નથી આવતા?'
કેસરો કહે, 'તેમના માતાજી બહુ જ બીમાર છે.'
ધનજી કહે, 'અબજીભાઈ આખો દિવસ તેમની સેવા કરે છે.'
કરસન કહે, 'તેમના વગર ભગવાનની સરસ વાતો પણ કોઈ નથી કરતું.'
વશરામ કહે, 'અબજીભાઈ વગર રમવાની પણ મજા નથી આવતી.
જાદવજી કહે, 'તેમનાં બાને તો હવે સારું છે. હું કાલે જ અબજીભાઈને ઘેર ગયો હતો, પણ અબજીભાઈ ઘરે ન હતા.'
ગાંગજી કહે, 'એ રહ્યા અબજીભાઈ ચાલો રમવા બોલાવીએ.'
બધા દોડ્યા અબજીભાઈ પાસે.
કાનજી કહે, 'અબજીભાઈ, ચાલોને રમવા.'
વશરામ કહે, 'તમે કેટલાય દિવસથી રમવા આવતા જ નથી. હવે તો તમારાં બાને પણ સારું થઈ ગયું છે.'
અબજીભાઈ કહે, 'મંદિર પાસે પેલા દાદા રહે છે ને? તેઓ બહુ માંદા છે. તેમની સેવા કરનાર કોઈ નથી. હું આખો દિવસ તેમની પાસે જ રહું છું.'
કુંવરજી કહે, 'તેઓ તો આખો દિવસ સૂતા રહે છે.'
અબજીભાઈ કહે, 'તેમને ખાવાનું આપું, તેમના કપડાં ધોઈ આપું, તેમના પગ દબાવી આપું, તેમને માથું પણ બહુ દુઃખે છે, તે પણ દબાવી આપું છું. બિચારા સાવ એકલા છે. હું થોડા દિવસ રમવા નહિ આવું.' કેસરો કહે, 'અબજીભાઈ તમારા વગર અમને ક્યાંય મજા નથી આવતી.'
અબજીભાઈ કહે, 'તેમને સારું થઈ જશે પછી હું જરૂરથી આવીશ.' ધનજી કહે, 'અબજીભાઈ, હું પણ તમારી સાથે આવું છું મને પણ સેવા કરતાં શિખવાડો.'
અબજીભાઈ કહે, 'ચાલ. સેવા કરવાનું તો એકદમ સહેલું છે.
કેસરો કહે, 'હું પણ આવું છું.'
કરસન અને જાદવજી કહે, 'અમે નથી આવતા. અમે રમવા જઈએ છીએ.'
જાદવજી કહે, 'રમવાની કેવી મજા આવે છે.'
વશરામ કહે, 'એ દાદા ક્યાં તમારા સગા છે ચાલોને રમવા.'
અબજીભાઈ કહે, 'માંદાની સેવા કરીએ તો આશીર્વાદ મળે. ભગવાન બહુ રાજી થાય.'
કુંવરજી કહે, 'અબજીભાઈ, એક વાત કહીશ તો તમે દાદા પાસે નહિ જાવ.'
અબજીભાઈ કહે, 'એવું બને જ નહિ. કઈ વાત છે?'
કુંવરજી કહે, 'ચાર દિવસ પછી મંદિરમાં સંતો આવવાના છે.'
અબજીભાઈ કહે, 'તને કોણે કહ્યું?'
કુંવરજી કહે, 'તમે ક્યાં હમણાં મંદિરમાં રહો છો? આરતી કરી સેવા કરવા ચાલ્યા જાઓ છો. બધા વાતો કરતા હતા.'
અબજીભાઈ કહે, 'સંતો આવશે ત્યારે તેમની સેવામાં આવીશ, પણ અત્યારે તો અમે દાદા પાસે જઈએ છીએ.'
કેસરો કહે, 'હા હવે અમે પણ અબજીભાઈ સાથે સેવા કરીશું. સંતો આવશે ત્યારે દર્શન કરવા આવીશું.'
અબજીભાઈ, કેસરો અને ધનજી બીમાર દાદાના ઘરે ગયા.
અબજીભાઈએ તેમને પગ દબાવતા, માથું દબાવતા વગેરે બધી સેવા શીખવી.
ધનજી અને કેસરાને ખૂબ આનંદ આવ્યો.
અબજીભાઈને કહેવા લાગ્યા, 'આજે અમને ખબર પડી કે, કોઈ માટે કામ કરવાથી કેટલો બધો આનંદ પ્રાપ્ત થાય છે.'
ચાર દિવસ જોત-જોતામાં નીકળી ગયા.
દાદાની તબિયત ધીરે-ધીરે સારી થવા લાગી.
ચોથે દિવસે અબજીભાઈનો હાથ પકડી દાદા મંદિરે આવ્યા.
અબજીભાઈ ધનજીને કહે, 'ધનજી, જો તો સંતો આવ્યા છે?'
ધનજી જોઈ આવ્યો.
આવીને કહે, 'અબજીભાઈ, સંતો આવ્યા છે.'
અબજીભાઈ રાજી થઈ ગયા.
સંતો પાસે જઈ સંતોને દંડવત્ પ્રણામ કર્યા.
પોતાના ઘરે ગયા.
દેવબાને કહે, 'મા મંદિરમાં સંતો આવ્યા છે. દાળ, ચોખા, લોટ વગેરે રસોઈનો સામાન આપો.'
દેવબા કાંઈ બોલ્યા નહિ.
શું કહે, ઘરમાં કાંઈ હતું જ નહિ બધા ડબ્બા ખાલી હતા.
અબજીભાઈ કહે, 'માતા, સામાન આપો.'
દેવબા દુઃખી થઈ ગયા.
કહે, 'બેટા! હું ક્યાંથી આપું? ઘરમાં કાંઈ છે જ નહિ. બધા ડબ્બા ખાલી છે.'
અબજીભાઈ રસોડામાં ગયા થેલીમાં સામાન ભરી ચાલવા લાગ્યા.
દેવબાએ પૂછ્યું, 'બેટા! શું લઈ જાઓ છો?'
અબજીભાઈ કહે, 'રસોઈનો સામાન.'
દેવબાએ રસોડામાં જઈ જોયું, બધું ખાલી જ હતું.
બહાર આવી પૂછવા લાગ્યા, 'દીકરા! બધું ય ખાલી છે, તમે સામાન ક્યાંથી કાઢ્યો?'
અબજીભાઈ કહે, 'એ તો મહારાજે સંતો માટે આપ્યો.'
આમ કહી હસતા-હસતા ચાલ્યા ગયા.
વાલબા પૂછવા લાગ્યા, 'મા, ભાઈએ સામાન ક્યાંથી કાઢ્યો?'
દેવબા કહે, 'એ તો ભગવાનના અનાદિમુક્ત છે. તેમને સેવાનું તાન બહુ છે. એટલે ચમત્કારિક રીતે બધું લઈ જાય છે. હમણાં પેલા દાદાની પણ સેવા કરી તેમને સાજા કર્યા. આજે આ ચમત્કાર કર્યો.'
પાંચાભાઈ કહે, 'તેમને સેવા કરવી બહુ ગમે છે. સેવા કરવામાં રમવાનું પણ ભૂલી જાય છે.'
અબજીભાઈ મંદિરમાં ગયા સંતોને કહે, 'લો, આ રસોઈનો સામાન મહારાજને થાળ કરી જમાડો.'
સંતો બહુ રાજી થયા.
અબજીભાઈને કહે, 'તમે અમારી સેવા કરી છે. ભગવાન તમારા ઉપર ખૂબ પ્રસન્ન થશે. અમે પણ તમને આશીર્વાદ આપીએ છીએ.'
અબજીભાઈ રાજી થઈ ઘરે ગયા.
---------
→ શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે, પોતાના માતા-પિતા અને જે કોઈ રોગાતુર મનુષ્ય હોય તેમની સેવા કરવી.
→ અબજીભાઈનો સેવા કરવાનો ગુણ અહીં જણાઈ આવે છે. બીજા મિત્રો રમવા ગયા છતાં પોતે રમવા ન ગયા અને સેવા કરી. સંતોને પણ રસોઈનો સામાન આપી તેમની પણ સેવા કરી.
→ શ્રીજીમહારાજે પણ સેવકરામની જંગલમાં કેટલી બધી સેવા કરી હતી?
→ ભગવાન અને તેમના અનાદિમુક્તો આપણને શીખવવા દરેક કાર્ય કરતા હોય છે.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧.અબજીભાઈ શા માટે રમવા નહોતા આવતા?
૨.અબજીભાઈ દાદાની કઈ-કઈ સેવા કરતા હતા?
૩.વશરામે દાદાની સેવા ન કરવા કયું કારણ આપ્યું? અબજીભાઈએ તેનો શો ઉત્તર આપ્યો?
૪.અબજીભાઈ સાથે દાદાની સેવા કરવા કોણ-કોણ ગયું?
૫.અબજીભાઈના વર્તનથી આપણને શું શીખવા મળે છે?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧.અબજીભાઈ વગર -------- ની પણ મજા આવતી નથી.
૨.---------- ની સેવા કરીએ ---------- મળે અને ----------- બહુ રાજી થાય.
૩.અબજીભાઈને ----------- નું તાન બહુ છે.
૪.સેવા કરવામાં ---------- પણ ભૂલી જાય છે.
કોણ બોલે છે તે કહો
૧.એ દાદા તમારા ક્યાં સગા છે? ચાલોને રમવા.
૨.આજે ખબર પડી કે, કોઈ માટે કામ કરવાથી કેટલો આનંદ પ્રાપ્ત થાય છે.
યોગ્ય ક્રમમાં ગોઠવો.
૧.આશીર્વાદ થાય કરીએ બહુ રાજી ભગવાન સેવા તો મળે માંદાની.