૩૯ વરસાદ અટકાવ્યો
કુંભારિયા ગામથી હરિભક્તો બાપાશ્રીને મળવા આવ્યા.
બાપાશ્રી વાડીમાં ધ્યાન કરતા હતા.
હરિભક્તો આવીને બેઠા.
બાપાશ્રી ધ્યાનમાંથી જાગ્યા.
હરિભક્તો પગે લાગ્યા.
બાપાશ્રીએ પૂછ્યું, 'કેમ આવવું થયું?'
હરિભક્તો કહે, 'બાપા, કુંભારિયા ગામમાં પારાયણ બેસાડવી છે.'
બાપાશ્રી કહે, 'સરસ. એમાં શું પૂછવાનું?'
હરિભક્તો કહે, 'બાપા, આપ દયા કરી પારાયણમાં પધારો એવી અમારી પ્રાર્થના છે.'
બાપાશ્રી કહે, 'અમે જરૂરથી આવીશું. પારાયણ હોય ત્યાં તો અમે ચોક્કસ આવીશું.'
એક હરિભક્ત કહે, 'બાપા, પારાયણની સાથે તમે મહારાજના મહિમાની વાતો કરજો. તમારી વાતોથી લોકોને આનંદ-આનંદ થઈ જાય છે.'
બાપાશ્રી કહે, 'હા જરૂર કરીશ, ભગવાનનો મહિમા કહેવા જ ભગવાને મને અહીં મોકલ્યો છે.'
હરિભક્તો રાજી થયા. કહે, 'બાપા, અમે તમને તેડવા આવીશું?'
બાપાશ્રી કહે, 'ના. તમારે ત્યારે કામ હોય. અમે અમારી મેળે આવતા રહીશું.'
પારાયણને દિવસે બાપાશ્રી કુંભારિયા પધાર્યા.
જોયું તો હરિભક્તોએ કથાનો મંડપ સભામંડપની બહાર બાંધ્યો હતો.
હરિભક્તોને કહે, 'આ મંડપ અંદર બાંધો વરસાદ પડશે તો હેરાન થવાશે.'
હરિભક્તો કાંઈ બોલ્યા વગર કામ કરવા લાગ્યા.
બાપાશ્રીએ જોયું કોઈ અંદર બેસવાની વ્યવસ્થા કરતું નથી.
તેઓ જાણતા હતા વરસાદ બહુ પડવાનો છે.
હરિભક્તોને બોલાવ્યા અને કહ્યું, 'આ તંબુ બાંધ્યો છે તેને અંદર લઈ લો વરસાદ પડશે તો બહુ હેરાન થવાશે.'
એક હરિભક્ત કહે, 'બાપા, લોકો ઘણા છે. અંદર બધા સમાશે નહિ. એટલે બહાર બેસવાની વ્યવસ્થા કરી છે.'
બાપાશ્રી જાણતા હતા તેથી થોડી-થોડી વારે બધાને કહે, પણ માણસો બહુ હતા તેથી કોઈ માને નહિ.
બાપાશ્રી ઈશ્વરચરણદાસજીને કહે, 'આ લોકો આજે અમારું માનતા નથી, પણ કાલે હેરાન થશે ત્યારે ખબર પડશે.'
સ્વામી કહે, 'બાપા, તમને ખબર છે, વરસાદ પડવાનો છે. એ લોકોને નથી ખબર એટલે તમારું માનતા નથી.'
બાપાશ્રી કહે, 'નથી ખબર એટલે તો કહું છું તો ય માનતા નથી.'
સ્વામી કહે, 'બાપા, એ લોકો તમારી સામર્થીથી અજાણ છે.'
બાપાશ્રી કહે, 'હવે શું કરવું? વરસાદ ખૂબ પડવાનો છે.'
સ્વામી કહે, 'બાપા, તમે દયા કરી વરસાદ અટકાવજો.'
બાપાશ્રી કાંઈ બોલ્યા નહિ.
બીજે દિવસે સવારથી વાદળો ઘેરાયેલાં હતાં.
કામમાં કોઈનું ધ્યાન તે તરફ ગયું નહિ.
સમય થયો અને કથા વંચાવાની શરૂઆત થઈ.
સાથે જ પવન ફૂંકાવાનો પણ શરૂ થયો.
હવે બધાનું ધ્યાન ગયું.
બધાને થયું વરસાદ પડશે ખરો.
ભગવાનની આરતી થઈ.
પુસ્તકની પૂજા થઈ.
પવન જોરથી ફૂંકાવા લાગ્યો.
બધા ચિંતામાં પડ્યા કે, હવે શું થશે?
એક હરિભક્ત કહે, 'ગઈકાલે બાપાશ્રી કહેતા હતા, વરસાદ પડશે.'
બીજો કહે, 'તંબુ અંદર બાંધવાનું ઘણીવાર કહ્યું હતું, પણ આપણે માન્યું નહિ. હવે શું થશે?'
મોટાં મોટાં ફોરાં સાથે વરસાદ વરસવો શરૂ થયો.
બધા ગભરાયા.
હરિભક્તો કહે, 'બાપાની વાત કાલે માની નહિ હવે તેમની પાસે પ્રાર્થના કરવા જવાય પણ કેવી રીતે?'
એક હરિભક્ત કહે, 'સ્વામી ઈશ્વરચરણદાસજીને વાત કરીએ. તેઓ બાપાશ્રીને વાત કરશે.'
બધા સ્વામી પાસે ગયા.
સ્વામીને કહે, 'સ્વામી, બાપાએ ગઈકાલે અમને મંડપ અંદર બાંધવા બહુ કહ્યું હતું, પણ અમે માન્યા નહિ. અત્યારે વરસાદ આવ્યો.'
સ્વામી કહે, 'બાપા તો અંતર્યામી છે. તેથી જ તમને કહેતા હતા.'
હરિભક્તો કહે, 'અમારી ભૂલ થઈ. હવે તમે કંઈક કરો.'
સ્વામી કહે, 'મારાથી શું થાય?'
હરિભક્તો કહે, 'તમે અમારા વતી બાપાને પ્રાર્થના કરો.'
સ્વામી કહે, 'તમે પ્રાર્થના કરો અને સાથે હું પણ કહીશ. બાપા બહુ દયાળુ છે. જરૂર પ્રાર્થના સાંભળશે.'
બધા બાપા પાસે આવ્યા.
પ્રાર્થના કરવા લાગ્યા, 'બાપા, તમારી વાત અમે માની નહિ. અમારી ભૂલ થઈ, પણ અત્યારે વરસાદ બંધ નહિ થાય તો બધા બહુ હેરાન થશે.'
સ્વામીએ પણ કહ્યું, 'બાપા, દયા કરો. આ લોકોને એમની ભૂલ સમજાઈ છે. જો વરસાદ બંધ નહિ થાય તો બધા ખરેખર હેરાન થઈ જશે.'
બાપાશ્રીને બધાની પ્રાર્થનાથી દયા આવી ગઈ.
બોલ્યા, 'જાઓ વરસાદ નહિ પડે. કથા વાંચવી શરૂ કરો.'
બાપાશ્રી બોલ્યા અને તરત વરસાદ બંધ થઈ ગયો.
હરિભક્તો રાજી થઈ ગયા.
બાપાશ્રીને પગે લાગવા માંડ્યા.
આજુ-બાજુના ગામમાંથી જે પારાયણમાં આવે તેઓને બહુ આશ્ચર્ય થાય.
બધાને પૂછે, 'અમારા ગામમાં બહુ વરસાદ છે અને કુંભારિયામાં કેમ વરસાદ પડતો નથી?'
હરિભક્ત કહે, 'આ તો બાપાનો પ્રતાપ છે.'
જેટલા દિવસ પારાયણ ચાલી તેટલા દિવસ કુંભારિયા ગામમાં વરસાદ ન પડ્યો બીજા બધા ગામમાં ખૂબ પડ્યો.
---------
શબ્દનો અર્થ
ફોરાં = ટીપાં
સાર્મથ્ય = શક્તિ
→ જેટલું ભગવાનનું કર્યું થાય છે તેટલું જ ભગવાનના પ્રતાપથી તેમના અનાદિમુક્તથી પણ થાય.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. હરિભક્તો બાપાશ્રીને મળવા કયા ગામમાંથી આવ્યા હતા?
૨. બાપાશ્રી હરિભક્તોને વારંવાર શું કહેતા?
૩. હરિભક્તોએ શા માટે બાપાશ્રીની વાત માની નહિ?
૪. કથા વંચાવવાની શરૂ થઈ ત્યારે શું થયું?
૫. હરિભક્તોની પ્રાર્થના સાંભળી બાપાશ્રીએ શું કહ્યું?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧.બાપા ----------- ગામમાં ------------- બેસાડવી છે.
૨.આ ----------- અંદર બાંધો ------------- પડશે તો હેરાન થવાશે.
૩.બાપા એ લોકો તમારી ------------ થી અજાણ છે.
૪.આ તો બાપાનો ---------- છે.
યોગ્ય ક્રમમાં ગોઠવો.
૧.અહીં મહિમા કરીશ જરૂર કહેવા ભગવાનનો જ ભગવાને છે મોકલ્યો મને.