૪૪ ભક્તોની સહાયમાં

લાલુભાઈ ભગવાનના ભક્ત.

કરાંચી શહેરમાં રહે.

હંમેશાં તેમના મોઢામાં મહારાજનું નામ હોય.

બજારમાં જાય તો પણ મોટેથી 'મહારાજ ! સ્વામિનારાયણ' એમ બોલે.

એક વખત ભગવાનને યાદ કરતા રસ્તા પર જતા હતા.

તેમને ખબર ન રહી અને અકસ્માત થઈ ગયો.

લાલુભાઈને ખૂબ વાગ્યું.

લોકો ભેગા થઈ ગયા.

લાલુભાઈ બેભાન થઈ ગયા હતા.

લોકો ભેગા મળી લાલુભાઈને હૉસ્પિટલમાં દાખલ કરી આવ્યા.

લાલુભાઈને હાથે-પગે પાટા આવ્યા.

લાલુભાઈને ભાન આવ્યું ત્યારે પૂછ્યું, 'હું ક્યાં છું.'

બાજુમાં દર્દી હતા તેમણે કહ્યું, 'તમે હૉસ્પિટલમાં છો.'

લાલુભાઈને હૉસ્પિટલમાં રહેવું જરાપણ ગમે નહિ.

ડૉક્ટર આવ્યા.

લાલુભાઈ કહે, 'મારે ઘરે જવું છે. મને અહીં ગમતું નથી.'

ડૉક્ટર કહે, 'લાલુભાઈ, તમને ઘણું વાગ્યું છે. થોડા દિવસ અહીં રહેવું પડશે. પછી ઘરે જજો.'

લાલુભાઈ કહે, 'મારાથી અહીં બરાબર ભગવાન ભજાય નહિ. મને ઘરે મૂકી આવો.'

ડૉક્ટર કહે, 'ઘરે જવાય એવું નથી થોડા દિવસ પછી જવાશે.'

લાલુભાઈને બાપાશ્રીનો મહિમા બહુ.

આખો દિવસ મહારાજ અને બાપાને સંભાર્યા કરે.

મોટેથી બોલે, 'મહારાજ! બાપા! પધારો.'

બાજુના દર્દી કહે, 'શું બાપા-બાપા કરો છો? ભગવાનને યાદ કરો.'

લાલુભાઈ કહે, 'તેમને જ યાદ કરું છું.'

આમ કહી પાછા, 'બાપા, પધારો.' એમ કહેવા લાગ્યા.

દર્દી કહે, 'જો પાછા, ભગવાનના ભગત થઈ ભગવાનને ભૂલીને બાપાને શું યાદ કરો છો?'

લાલુભાઈ કહે, 'એ બાપા મારું દુઃખ મટાડી દે તેવા છે.'

દર્દી કહે, 'આમને બહુ વાગ્યું છે તેમાં ભગવાનને ભૂલી ગયા લાગે છે.'

લાલુભાઈ કાંઈ બોલ્યા નહિ. પ્રાર્થના કરતા રહ્યા.

રાત પડી.

મહારાજ અને બાપાશ્રી દિવ્યરૂપે હૉસ્પિટલમાં આવ્યા.

દર્દીઓ ઊંઘી ગયા હતા.

લાલુભાઈ જાગતા પ્રાર્થના કરતા હતા.

મહારાજ તથા બાપાશ્રીને જોઈ તેઓ કહેવા લાગ્યા, 'વાહ! દયાળુ, કૃપાળુ બહુ દયા કરી. મારી પ્રાર્થના સાંભળી તમે આવ્યા ખરા.'

મહારાજ અને બાપાશ્રી હસવા લાગ્યા.

લાલુભાઈ કહે, 'મહારાજ, બાપા, મને હૉસ્પિટલમાં જરા ય ગમતું નથી.'

બાપા કહે, 'મહારાજ અને અમે એટલા માટે જ આવ્યા છીએ.'

મહારાજ ને બાપાએ લાલુભાઈના શરીર પરના બધા પાટા છોડી નાંખ્યા.

આખા શરીર પર હાથ ફેરવ્યો.

લાલુભાઈ એકદમ સાજા થઈ ગયા.

મહારાજ અને બાપા અદૃશ્ય થઈ ગયા.

સવાર પડ્યું.

દર્દીઓ ઊઠ્યા.

જોયું તો લાલુભાઈ પથારીમાં બેઠા હતા.

ભગવાનનું નામ લેતા હતા.

એક દર્દી કહે, 'અરે! તમારા પાટા કેમ છોડી નાંખ્યા?'

બીજો કહે, 'તમે કેમ બેઠા છો? તમને વધારે દુઃખશે. ડૉક્ટર વઢશે.'

લાલુભાઈ કહે, 'મને કાંઈ થવાનું નથી. હું સાવ સાજો થઈ ગયો છું.'

બધા કહે, 'રાત સુધી તો પાટા બાંધેલા હતા. તમે બાપા-બાપા બૂમો પાડતા હતા.'

લાલુભાઈ કહે, 'મારા એ બાપા આવ્યા હતા. તેમણે જ મારા પાટા છોડી નાંખ્યા. મને સાજો કર્યો. આજે હું ઘરે જઈશ.'

દર્દીઓ કહે, 'તમારા બાપા ક્યારે આવ્યા? દરવાજો તો બંધ હતો.'

લાલુભાઈ કહે, 'તેમને આવવા માટે દરવાજાની જરૂર નથી.'

દર્દીઓ કહે, 'તો ક્યાંથી આવ્યા? એવા કયા બાપા છે? જે દરવાજો ખોલ્યા વગર આવી શકે?'

લાલુભાઈ કહે, 'કચ્છમાં બળદિયા ગામ છે ત્યાં રહે છે. તેમનું નામ અબજીબાપા છે. તેઓ જ મારા બાપા છે.'

દર્દી કહે, 'ત્યાંથી અહીં કેવી રીતે આવ્યા?'

લાલુભાઈ કહે, 'તેઓ ભગવાનના અનાદિમુક્ત છે. દિવ્યરૂપે અહીં આવ્યા હતા. મારું દુઃખ દૂર કરી અદૃશ્ય થઈ ગયા.'

બધાને ઘણું આશ્ચર્ય થયું.

ડૉક્ટર આવ્યા.

લાલુભાઈને કહે, 'અરે! લાલુભાઈ! કેમ બેઠા છો? વધારે દુખાવો થશે.'

લાલુભાઈ અને દર્દીઓ હસવા લાગ્યા.

ડૉક્ટર કહે, 'આ પાટા કેમ છોડી નાંખ્યા? કોણે મને પૂછ્યા વગર આ કામ કર્યું?'

તેના સહયોગીને ડૉક્ટરે બૂમ મારી.

લાલુભાઈ કહે, 'કોઈનો વાંક નથી. ભગવાન અને તેમના અનાદિમુક્ત આવીને મારું દરદ મટાડી ગયા છે. હવે હું સાવ સાજો છું. મને રજા આપો. મારે ઘરે જવું છે.'

ડૉક્ટર લાલુભાઈને તપાસવા લાગ્યો.

શરીરમાં ક્યાંય ઘા હતો નહિ.

લાલુભાઈ એકદમ સાજા થઈ ગયા હતા.

ડૉક્ટર કહે,'તમે એક રાતમાં કેવી રીતે સાજા થઈ ગયા?'

લાલુભાઈ કહે, 'મહારાજ અને બાપાનો બધો પ્રતાપ છે.'

ડૉક્ટર કહે, 'આ શક્ય નથી. તમે બહુ મોટા ભગવાનના ભક્ત છો. તેથી આ ચમત્કાર થયો.'

ડૉક્ટર લાલુભાઈને પગે લાગ્યો.

લાલુભાઈ કહે, 'ભાઈ, ઊભો થા ચમત્કાર તો ભગવાન સ્વામિનારાયણ અને તેમના અનાદિમુક્ત અબજીભાઈએ કર્યો છે.'

ડૉક્ટર ફરી પાછો પગે લાગ્યો.

લાલુભાઈ ભગવાનનું નામ લેતા ઘરે આવ્યા.

ડૉક્ટર સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત બન્યો.

---------

→ અંતરના ખરા ભાવથી કરેલી પ્રાર્થના ભગવાન તથા તેમના અનાદિમુક્ત જરૂર સાંભળે છે અને કષ્ટ નિવારણ કરે છે.

→ અનાદિમુક્ત માટે સમય અને અંતર બાધક બનતા નથી.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧.કરાંચી શહેરમાં કોણ રહેતું હતું? તેમના મોઢામાં હંમેશાં કોનું નામ રહેતું?

૨.લાલુભાઈને શા માટે હૉસ્પિટલમાં રાખ્યા હતા?

૩.દર્દીઓ લાલુભાઈને શું કહેતા હતા?

૪.લાલુભાઈનું દરદ કોણે અને કેવી રીતે દૂર કર્યું?

૫.ડૉક્ટરને કઈ વાત અશક્ય લાગતી હતી?

નીચેની ખાલી જગ્યા પૂરો.

૧.--------- નામે ભગવાનના ભગત હતા.

૨.તેમના મોઢામાં --------- નું નામ હોય.

૩.લોકો મળીને --------- ને--------- માં મૂકી આવ્યા.

૪.લાલુભાઈ --------- અને ---------- ને પ્રાર્થના કરે.

૫.બાપાએ અને મહારાજે ------- ના બધાં --------- છોડી નાંખ્યા.