પ્રકાશકીય
પરમ આદરણીય વાત્સલ્યમૂર્તિ સદગુરૂવર્ય અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈના શુભ સંકલ્પ ને શુભાશીર્વાદથી 'બાળકોના બાપાશ્રી' શીર્ષક હેઠળ આ લઘુપુસ્તિકા તૈયાર કરી બાલવાચકો સમક્ષ મૂકતાં અમે વિશેષ આનંદની લાગણી અનુભવીએ છીએ. બાળકનું ચિત્ત સહજ સ્વાભાવિકપણે જ દર્પણ તુલ્ય નિર્મળ હોય છે. તેની સમક્ષ જેવું રજૂ કરવામાં આવે તેવું જ અંકિત થઈ જાય છે. એટલા માટે જ બાળકોનું શ્રેષ્ઠ રીતે જીવનઘડતર થાય તેવું આદર્શ સાહિત્ય તેની સામે મૂકવું જોઈએ.
મુક્તરાજ શ્રી નારાયણભાઈને બાળકો અતિ વહાલા હતા, કારણ કે તેમાં રહેલી આધ્યાત્મિક ચેતના જાગૃત થાય ને એક ઉદાહરણરૂપ અનુકરણીય ભાવિપેઢીનું નિર્માણ થાય તેવી તેમની ઝંખના હતી. તેઓશ્રી હંમેશ કહેતા, 'ઉત્કૃષ્ટ પ્રકારનું સાહિત્ય, સભાઓ, બ્રહ્મયજ્ઞો વગેરે દ્વારા બાળકોના ચિત્તમાં ઉદ્દાત ભાવનાઓ ને આદર્શ સંસ્કારોનું નિરંતર સિંચન કર્યા કરવું જોઈએ, જેથી તેઓ ઉત્તમ રીતે ચારિત્ર્ય ઘડતર કરી, પ્રભુપરાયણ નિર્મળ જીવન જીવી પ્રભુપ્રાપ્તિના શ્રેયસ્કર માર્ગે પોતાની જીવનયાત્રા સરળ રીતે કરી શકે. નાના છોડને તેની કોમળતાને કારણે જેમ વાળીએ તેમ વળી શકે, પરંતુ વૃક્ષ તેની સખ્તાઈ છોડી નરમ ન થઈ શકે ! જેમ પાકે ઘડે કાંઠા ન ચડે, તેમ યૌવન વટાવ્યા પછી પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં સુધારો લાવવો તે અતિ કઠીન બની જાય છે. માટે બાળકોનું બાલ્યાવસ્થામાં ઘડતર શરૂ કરવું જોઈએ.'
અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીના અલૌકિક જીવનનો તાગ મેળવવો સરળ નથી. બાળકો માટે સીધી, સાદી ને સુગમ ભાષામાં તેમના જીવનપ્રસંગો મૂકવાનો અમારો હાર્દિક પ્રયત્ન છે જે આવકારપાત્ર નીવડે તેવી આશા છે. બાપાશ્રીના પાવનકારી જીવનપ્રસંગોરૂપ આ પુષ્પગુચ્છમાંનું દરેક પુષ્પ પોતાની સૌરભ પ્રસારી બાલવાચકને સાચા અર્થમાં પ્રેરણાદાયી બને તેવો અમારો શુભ આશય છે.
અંતમાં પરમ કૃપાળુ પરમાત્મા શ્રીજીમહારાજ, બાપાશ્રી તથા મુક્તરાજ શ્રી નારાયણભાઈની અસીમ કૃપા આ કાર્યમાં સહભાગી થનાર દરેક ઉપર તેમ જ પ્રભુકૃપાના હકદાર એવા વહાલા વાચક બાલવૃંદ ઉપર સદાય વરસતી રહો એવી અંતરની પ્રાર્થના.
સં. ૨૦૭૧, મહા વદ બારસ
ઈ. સ. ૨૦૧૫, ૧૬ ફેબ્રુઆરી
પ્રકાશન સમિતિ
શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશન