૪૭ ધામમાં જવાનું ઓળખપત્ર

બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો હતો.

ઉઠાતું બેસાતું પણ ન હતું.

બાપાશ્રી ધ્યાન અવસ્થામાં જ રહેતા.

હરિભક્તો સેવા કરે.

બાપાશ્રી સેવકોને કહે, 'મને સ્નાન કરાવો.'

સેવકો કહે, 'બાપા, આપ માંદા છો સ્નાન કેવી રીતે કરશો?'

બાપાશ્રી કહે, 'મને માંચીમાં બેસાડી લઈ ચાલો.'

સેવકોએ માંચીમાં જ સ્નાન કરાવ્યું.

બાપાશ્રી કહે, 'મારી પૂજા લઈ આવો.'

સેવકો લઈ આવ્યા.

બાપાશ્રી કહે, 'મને તિલક-ચાંદલો કરી આપો.'

સેવક કહે, 'બાપા, પૂજા કરી. તિલક-ચાંદલો નહિ કરો તો ચાલશે. માંદાને તો ચાલે.'

બાપાશ્રી કહે, 'હું ગમે તેવો માંદો હોઉં તો પણ મને તિલક-ચાંદલો કરી જ આપવા.'

સેવકે તિલક-ચાંદલો કરી આપ્યા.

એક હરિભક્ત બાપાશ્રીના દર્શન કરવા આવ્યા.

બાપાશ્રીએ તેમને પૂછ્યું, 'તમે પૂજા કરીને આવ્યા?'

હરિભક્ત કહે, 'હા પૂજા કરીને આવ્યો.'

બાપાશ્રી કહે, 'પૂજા કરી અને તિલક-ચાંદલો ન કર્યાં?'

હરિભક્ત કહે, 'બાપા, એ રહી ગયું.'

બાપાશ્રી કહે, 'સત્સંગીએ તિલક-ચાંદલો કરવા જ જોઈએ. તિલક-ચાંદલો ન કર્યા હોય તો કોઈને કેવી રીતે ખબર પડે કે આ સત્સંગી છે?'

હરિભક્ત કહે, 'બાપા, ભૂલ થઈ. હવે ક્યારેય નહિ ભૂલું.'

બાપાશ્રી કહે, 'હમણાં જ જઈને કરી આવો.'

હરિભક્ત ગયા.

બાપાશ્રી કહે, 'તિલક-ચાંદલો અને કંઠી સત્સંગીને હોવા જ જોઈએ. ધામમાં જઈએ અને તિલક-ચાંદલો ન હોય તો કોઈ ઘૂસવા ન દે. તિલક-ચાંદલો કર્યા હોય તો કોઈ રોકે નહિ. સીધા મહારાજ પાસે પહોંચી જવાય. સત્સંગીને કંઠી, તિલક-ચાંદલો એ ધામમાં જવા માટેનું ઓળખપત્ર છે. ઓળખપત્ર વિના કોઈ ઘૂસવા ન દે. એ હંમેશાં સાથે રાખવું.'

સેવકો અને હરિભક્તો કહે, 'બાપા, અમે તમારી વાત સદાય યાદ રાખીશું.'

---------

શબ્દનો અર્થ

માંચી = નાની ચોરસ ખાટલી.

→ શાળામાં દાખલ થવા જેમ ઓળખપત્ર હોય છે. તેમ કંઠી, તિલક-ચાંદલો એ ધામમાં જવા માટેનું ઓળખપત્ર છે.

→ કંઠી તિલક-ચાંદલો હોય તો જ સ્વામિનારાયણના કહેવાઈએ.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧.બાપાશ્રીએ શા માટે માંચીમાં બેસી સ્નાન કર્યું?

૨.પૂજા કરી લીધા બાદ બાપાશ્રીએ શું કરવાનું કહ્યું? શા માટે?

૩.કંઠી, તિલક-ચાંદલા માટે બાપાશ્રીએ શું કહ્યું?

નીચેની ખાલી જગ્યા પૂરો.

૧.બાપાશ્રીએ ------------ ગ્રહણ કર્યો હતો.

૨.મને ------------ અને --------- કરી આપો.

૩.---------------- ન કર્યું હોય તો કોઈને કેવી રીતે ખબર પડે કે, આ ---------- છે.

૪.તિલક-ચાંદલો એ અક્ષરધામમાં જવાનું ------------ છે.