૨ અનાદિ મુક્તરાજનું પ્રાગટ્ય
કારતક મહિનાની કડકડતી ઠંડી.
રાત પડે બધા પોતાના ઘરમાં ગોદડાં ઓઢી સૂઈ જાય.
પણ બળદિયા ગામ આજે જાગતું હતું.
દરેક જણ આનંદ ઉલ્લાસમાં હતા.
ચોમેર આનંદ-આનંદ હતો.
વાતાવરણ પણ આજે આનંદિત હતું.
પાંચાભાઈનું ઘર સુંદર રીતે શણગાર્યું હતું.
શું હતું? શા માટે આનંદ હતો?
આજે શ્રીજીમહારાજના વરદાન પ્રમાણે અનાદિમુક્ત પ્રગટ થવાના હતા.
સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.
રાત્રિના નવને દસ મિનિટે દેવબાને ત્યાં અનાદિ મુક્તરાજ પુત્રરૂપે પ્રગટ થયા. [સંવત ૧૯૦૧ કારતક સુદ અગિયારસ અને સોમવાર. તા. ૨૦-૧૧-૧૮૪૪]
ધન્ય આજનો દિવસ અને ધન્ય આજની ઘડી.
ચારેબાજુ આનંદ છવાઈ ગયો.
ગામના લોકોએ પાંચાભાઈને વધામણી આપી.
બાઈઓ મંગળ ગાવા લાગી.
દેવબાની ચારેય પુત્રીઓ નાના ભાઈને રમાડવા ઉત્સુક થઈ ગઈ.
અને દેવબા? દેવબાની તો વર્ષોની તપશ્ચર્યા આજે ફળી.
ભગવાનના વરદાન પ્રમાણે સુંદર, હૃષ્ટ-પુષ્ટ મુક્ત બાળકરૂપે જનમ્યા હતા.
દેવબાના આનંદનો પાર ન હતો.
ભગવાને દેવબાને ફરીવાર દર્શન આપ્યાં.
દેવબા ધ્યાન અવસ્થામાં જ પ્રાર્થના કરવા લાગ્યાં, 'હે મહારાજ! તમે બહુ દયાળુ છો. મારો મનોરથ પૂર્ણ કર્યો, બહુ દયા કરી.'
ભગવાન અદૃશ્ય થઈ ગયા.
દેવબાએ જાગીને પુત્ર સામું જોયું.
અરે! આ શું! પુત્રના કંઠમાં ફૂલનો હાર અને કપાળમાં ચાંદલો.
દેવબાએ પાંચાભાઈને બોલાવ્યા. કહે, 'ભગવાને મને દર્શન આપ્યાં અને પુત્રને પ્રસાદીનો હાર પહેરાવી ગયા.'
પાંચાભાઈ કહે, 'આપણાં મોટા ભાગ્ય કે, ભગવાનના અનાદિમુક્ત આપણે ત્યાં પ્રગટ થયાં.'
દેવબા કહે, 'આ મુક્ત વિષે ક્યારેય મનુષ્યભાવ નહિ લાવીએ. તેઓ ભગવાનના મોકલેલા અનાદિમુક્ત છે તે વાત આપણે ક્યારેય નહિ ભૂલીએ.'
---------
શબ્દનો અર્થ
ચોમેર = ચારે બાજુ
→ અનેક જીવોના કલ્યાણને અર્થે શ્રીજીમહારાજ પોતાના અનાદિમુક્તને પૃથ્વી પર મોકલે છે.
→ અનાદિમુક્તના આગમનની અસર લોકોની સાથે-સાથે વાતાવરણ પર પણ થાય છે.
→ અનાદિમુક્ત પ્રગટ થયા તે દિવસ મહાન કહેવાય. દર વર્ષે થતી એ દિવસની ઉજવણીમાં આપણે સૌએ આનંદ-ઉત્સાહથી સહભાગી થવું.
→ અનાદીમુક્તને વિષે ક્યારેય મનુષ્યભાવ પરઠવો નહિ.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. બળદિયા ગામમાં આનંદ શા માટે હતો?
૨. અનાદિ મુક્તરાજનો જન્મ ક્યારે અને કેટલા વાગે થયો?
૩. કારતક સુદિ અગિયારસનો દિવસ કેમ ધન્ય બન્યો?
૪. મુક્તરાજનો જન્મ કઈ તારીખે અને કઈ સાલમાં થયો?
૫. દેવબાએ પાંચાભાઈને કઈ વાત ન ભૂલવાનું કહ્યું?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧.બળદિયા ગામ આજે--------------- હતું.
૨.દેવબાની વર્ષોની --------------- આજે ફળી.
૩.આપણા મોટા --------------- કે ભગવાનના--------------- આપણે ત્યાં પ્રગટ થયા.
૪.રાત્રિના ------------ ને ---------- મિનિટે મુક્તરાજ પ્રગટ થયા.
વાક્ય પૂર્ણ કરો.
૧. આ મુક્ત વિષે ..............નહિ ભૂલીએ.