૩૨ સર્વોત્તમ મંત્ર

એક દિવસની વાત છે.

ભાઈશ્રી ભગવાનને ધારીને ચાલતા હતા.

આજુ-બાજુ ધ્યાન હતું નહિ.

અચાનક એક ઝેરી સાપ ઝાડીમાંથી નીકળ્યો.

ભાઈશ્રીને ડંખ મારી ઝાડીમાં ચાલ્યો ગયો.

ભાઈશ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલતા વાડીમાં જઈ બેસી ગયા.

એક હરિભક્તે આ જોયું.

તેણે વાડીમાં આવીને વાત કરી.

કહે, 'ભાઈને સાપ કરડ્યો છે. કાળો અને મોટો હતો.'

બધા દોડતા ભાઈશ્રી પાસે આવ્યા.

ભાઈશ્રી ધ્યાનમાં બેઠા હતા.

એક જણ કહે, 'વૈદ્યને બોલાવીએ.'

બીજો કહે, 'ના, ના વાદીને બોલાવીએ. તે ઝેર ઉતારી દેશે.'

બધા જુદી - જુદી વાતો કરવા લાગ્યા.

ભાઈશ્રીએ પોતાની શક્તિ દ્વારા ઝેરને શરીરના એક ભાગમાં રાખી દીધું. ફેલાવા ન દીધું.

ગામમાં ખબર પડી.

ગામમાં એક વાદી હતો.

તે કહે, 'મને ત્યાં લઈ જાઓ. મને ખબર પડશે સાપ ઝેરી હતો કે નહિ?

વાદી આવ્યો.

તેણે મંત્ર ભણ્યા.

તેને ખબર પડી ગઈ કે ઝેરી સાપ કરડ્યો છે.

વાદીને બહુ આશ્ચર્ય થયું.

વાદી કહે, 'આમને ઝેરી સાપ કરડ્યો છે, પણ ઝેર ચડવા દીધું નથી.'

બધાને આશ્ચર્ય થયું.

વાદી ભાઈશ્રીને પૂછે, 'તમારી પાસે કઈ જડીબુટ્ટી છે?

ભાઈશ્રી કહે, 'શેના માટે?

વાદી કહે, 'તમે ઝેરને શરીરના એક ભાગમાં રાખી મૂક્યું છે. તે મને મંત્ર દ્વારા ખબર પડી છે.'

ભાઈશ્રી કહે, 'મારી પાસે કોઈ જડીબુટ્ટી નથી.'

વાદી કહે,'તો કોઈ મંત્ર હશે. મને તે મંત્ર આપશો?'

ભાઈશ્રી કહે, 'હા મારી પાસે મંત્ર છે. હું તને એ મંત્ર ચોક્કસ આપીશ.'

વાદી ખુશ થઈ ગયો કહે, 'જલદી આપો. હું તમારો ઉપકાર ક્યારેય નહિ ભૂલું.'

ભાઈશ્રી કહે, 'મંત્ર છે શ્રી સ્વામિનારાયણ.'

વાદી કહે, 'આ ક્યાં મંત્ર છે? આ તો તમારા ભગવાનનું નામ છે?'

ભાઈ કહે, 'તે જ મંત્ર અમારી પાસે છે.'

વાદી કહે, 'તમારે મંત્ર આપવો નથી એટલે આમ કહો છો.'

ભાઈશ્રી કહે, 'અમારી પાસે તો આ એક જ મંત્ર છે.'

વાદી વિચારવા લાગ્યો, આ આમ નહિ કહે, હું મારી મંત્ર શક્તિથી તેમના શરીરમાં ઝેર ચડાવું. પછી જોઈશ તેઓ ઝેર કેવી રીતે ઉતારે છે.

વાદી મંત્ર બોલવા લાગ્યો.

ભાઈશ્રી ધ્યાનમાં ઊતરી ગયા.

વાદી જોવા લાગ્યો.

ભાઈશ્રી જય સ્વામિનારાયણ કહેતા ઊઠ્યા.

વાદીને બહુ આશ્ચર્ય થયું.

ભાઈશ્રીના પગમાં પડી ગયો.

ભાઈશ્રીને કહે, 'તમે મહાન પુરુષ છો. અત્યાર સુધી એવું ક્યારેય બન્યું નથી કે, મેં ઝેર ચડાવ્યું હોય તે કોઈથી ઊતર્યું હોય. તમે તો ઝેર ચડવા જ ન દીધું. મને માફ કરો.'

ભાઈશ્રી કહે, 'એમાં કાંઈ નહિ.

વાદી ભાઈશ્રીને પગે લાગી ચાલ્યો ગયો.

---------

→ અનાદિમુક્તના સાર્મથ્ય આગળ આ લોકના જીવ, જંતુ કાંઈ કરવાને સમર્થ નથી.

→ ભાઈશ્રીએ પોતાની શક્તિ દ્વારા શરીરમાં ઝેરી નાગનું ઝેર ચડવા ન દીધું.

→ ભાઈશ્રી જેવા અનાદિમુક્ત અનેકના ઝેર ઉતારે. તેમને ઝેર ક્યાંથી ચડે?

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. ભાઈશ્રીને શું કરડ્યું હતું?

૨. ભાઈશ્રીએ વાદીને કયો મંત્ર આપ્યો?

૩. વાદીએ મંત્ર જાણવા શું કર્યું?

૪. વાદી શા માટે ભાઈશ્રીના પગમાં પડ્યો?

નીચેની ખાલી જગ્યા પૂરો

૧.અચાનક એક -------- નીકળ્યો. ભાઈશ્રીને ------- મારી ચાલ્યો ગયો.

૨.ભાઈશ્રીએ પોતાની --------- દ્વારા -------- ને શરીરના એક ભાગમાં રાખ્યું.

૩.તમારી પાસે કઈ ----------- છે.

૪.મંત્ર છે ---------.

૫.તમે તો ---------- પુરુષ છો.