૧૪ સાંસારિક વ્યવહાર પ્રત્યે અરુચિ
સાંજનો સમય હતો.
માતા-પિતા, બહેનો અને અબજીભાઈ આંગણામાં બેઠા હતા.
અબજીભાઈ વચનામૃત વાંચતા હતા.
ગામ લોકો ત્યાં આવીને બેઠા.
વચનામૃત પૂરું થયું.
ગામના મુખી પાંચાભાઈને કહે, 'અબજીભાઈ નવ વર્ષના થઈ ગયા. હવે તેમના લગ્ન કરો.'
પાંચાભાઈ કહે, 'અમે ગરીબ. અમારા દીકરાને દીકરી કોણ આપે?'
પાંચાભાઈના પાડોશી કહે, 'તમે ગરીબ છો, પણ તમારા પુત્ર અબજીભાઈ ભગવાનના મહાન મુક્ત છે. અતિ ચમત્કારી છે. તે બધા જાણે છે.'
નાથાભાઈ કહે, 'હા. તમારા ઘરમાં દીકરી આપવી એ બધા પોતાનું સૌભાગ્ય સમજે છે.'
અબજીભાઈ કહે, 'પણ, મારે તો લગ્ન કરવાં જ નથી. મારે તો ભગવાન ભજવા છે.'
મુખી કહે, 'દીકરા, હજી તું નાનો છે તને વ્યવહારમાં ખબર ન પડે.'
અબજીભાઈ કહે, 'નાનો છું એટલે તો કહું છું મારે આટલી નાની ઉંમરમાં લગ્ન નથી કરવાં.'
નાથાભાઈ કહે, 'દીકરા, આપણા ગામમાં તો નાની ઉંમરમાં જ લગ્ન કરવાનો રિવાજ છે.
એ વખતે માનકૂવાના ગાંગજી ભક્ત ત્યાં બેઠા હતા.
તેઓ કહે, 'મારી પુત્રીના લગ્ન અબજીભાઈ સાથે કરવા હું રાજી છું.'
પાંચાભાઈ પ્રસન્ન થઈ ગયા.
અબજીભાઈ કહે, 'મારે હમણાં લગ્ન નથી કરવાં.'
ગામવાળા કહે, 'લગ્ન તો કરવાં જ પડે.'
અબજીભાઈ કાંઈ બોલ્યા નહિ. ઘરમાં ચાલ્યા ગયા.
અબજીભાઈના લગ્ન દેવુબાઈ સાથે નક્કી થઈ ગયાં.
દેવુબાઈના માતાનું નામ ગાંગબાઈ. તેમને ખબર પડી, ત્યારે તેઓ પણ પ્રસન્ન થયાં.
અબજીભાઈ કીર્તન ગાવા લાગ્યા, 'રે સગપણ હરિવરનું સાચું બીજું સર્વે ક્ષણભંગુર કાચું.'
દેવબાએ આ સાંભળ્યું તેમણે પાંચાભાઈને કહ્યું, 'અબજીભાઈની જરા પણ ઇચ્છા નથી.'
પાંચાભાઈ કહે, 'બરાબર, પણ પછી આવું સરસ ઘર નહિ મળે.'
અબજીભાઈની જરા પણ ઇચ્છા ન હતી, છતાં પાંચાભાઈએ લગ્ન ગોઠવ્યાં.
લગ્ન નક્કી થયા ત્યારથી અબજીભાઈ ભગવાનની મૂર્તિ સંભારી ધ્યાનમાં રહેવા લાગ્યા.
દેવબા કહે, 'બેટા! ગામના રિવાજ પ્રમાણે આપણે રહેવું પડે. તમે ઉદાસ ન થાવ. લગ્નને દિવસે આમ ધ્યાનમાં ન જતા રહેતા લગ્ન પછી તમે ભગવાન ભજજો કોઈ તમને ના નહિ પાડે.'
માતાના આવા શબ્દોથી અબજીભાઈને શાંતિ થઈ.
માતાને કહે, 'તમે ચિંતા ન કરો. હું ધ્યાનમાં તે દિવસે નહિ જાઉં બસ.'
અબજીભાઈના લગ્ન દેવુબાઈ સાથે ધામ-ધૂમથી થઈ ગયા.
---------
શબ્દનો અર્થ
સગપણ = સંબંધ (સગાઈ)
ક્ષણભંગુર = નાશવંત
→ અનાદિમુક્તને સંસાર વ્યવહારમાં જરા ય રુચિ હોતી નથી. તેમને ભગવાન સિવાય બીજા કશામાં રસ ન પડે, પરંતુ લોક-રિવાજ પ્રમાણે વર્તન કરે.
→ અનાદિમુક્તની મનુષ્યલીલા જોઈ તેમના પ્રત્યે મનુષ્યભાવ લાવવો નહિ.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. આંગણામાં કોણ-કોણ બેઠા હતા? અને શું કરતા હતા?
૨. ગામના લોકો શું સલાહ આપવા આવ્યા હતા?
૩. કોણે પોતાની પુત્રી આપવાનું કહ્યું?
૪. અબજીભાઈને શા માટે લગ્ન કરવા ન હતાં?
૫. અબજીભાઈના લગ્ન ક્યાં અને કોની સાથે થયાં?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧. અબજીભાઈ ----------- વાંચતા હતા.
૨. અબજીભાઈના લગ્ન -------- વર્ષે થયા.
૩. અબજીભાઈના પત્નીનું નામ -------- હતું.
કોણ બોલે છે તે કહો.
૧. દીકરા, હજી તું નાનો છે તને વ્યવહારમાં ખબર ન પડે.
૨. અબજીભાઈની લગ્ન કરવાની જરા પણ ઇચ્છા નથી.
શબ્દો વાક્યમાં વાપરો
સગપણ, ક્ષણભંગુર