૪૫ બાપાશ્રીની સાદગી

બાપાશ્રી બળદિયામાં ઘણી વખત યજ્ઞ કરે.

યજ્ઞમાં ગામે-ગામથી હરિભક્તો આવે.

સંતો પણ આવે.

હરિભક્તો ભજન-ભક્તિ કરે.

બાપાશ્રી બધાને ભગવાનની વાતો કરે.

સંતો અને હરિભક્તોને કથા કરતા બાપાશ્રીની વાતોમાં વધુ આનંદ આવે.

યજ્ઞમાં આવનારને બાપાશ્રી સારા-સારા પકવાન જમાડે.

પંગતમાં બાપાશ્રી આગ્રહ કરી બધાને જમાડે.

સંતોને પણ ખૂબ આગ્રહ કરે.

સંતો કહે, 'બાપા, તમે પણ અહીં જ જમોને?'

બાપાશ્રી કહે, 'ના મને તો ઘરે જ ફાવે છે.'

બાપાશ્રી ઘરે પધાર્યા.

વાલબા તથા રાધાબા કહે, 'બાપા, આ યજ્ઞ તમારો છે. આખું ગામ સારાં સારાં પકવાન જમે છે. તમે થોડું ગળ્યું જમો તો, અમે બનાવીએ.'

બાપાશ્રી કહે, 'તમને ખબર છે દીકરી. મને ખીચડી, રોટલા ગુવાર કે રાતડિયાનું શાક અને છાશ જ ફાવે છે.'

રાધાબા કહે, 'બાપા, ક્યારેક થોડુંક જમો તો સારું.'

બાપાશ્રી કહે, 'બેટા! સાદું ભોજન સાત્વિક કહેવાય. સાત્વિક ભોજનનો આહાર કરવો.'

વાલબાએ થાળી પીરસી. બાપાશ્રી જમવા લાગ્યા.

બાપાશ્રી પૂરું થવા આવ્યું ત્યારે વાલબાને યાદ આવ્યું કહે, 'બાપા, તમને છાશ આપવાનું ભૂલી ગઈ.'

બાપાશ્રી કહે, 'વાંધો નહિ. હવે આપો.'

વાલબા કહે, 'બાપા, અમે ભૂલી જઈએ તો તમારે માંગી લેવું. તમે ક્યારેય માંગતા જ નથી.'

બાપાશ્રી છેલ્લે એકલી છાશ પીને મંદિર જવા નીકળ્યા.

એક હરિભક્ત દર્શન કરવા આવ્યા.

બાપાશ્રીને કહે, 'બાપા, આવડો મોટો જગન કર્યો છે. આજે તો જાડા કપડાનું કેડિયું અને પાઘડી બદલાવો. સારા કપડાં પહેરો.'

બાપાશ્રી કહે, 'મને તો સાદા જ ફાવે છે.'

હરિભક્ત કહે, 'તો પછી નવાં પહેરો.'

બાપાશ્રી કહે, 'નવાં કપડાંમાં ગરમી બહુ થાય. હું તો નવા કપડાંને પણ ધોઈને વાપરું છું.'

બાપાશ્રી મંદિરમાં પધાર્યા.

હરિભક્ત મીઠાઈનો કરંડિયો લાવ્યા હતા.

બાપાશ્રીને કહે, 'બાપા, મીઠાઈની પ્રસાદી બધાને આપો.'

બાપાશ્રી બધાને પ્રસાદી આપવા લાગ્યા.

યજ્ઞમાં જેટલા હરિભક્તો આવ્યા હતા તે બધાને એક જ કરંડિયામાંથી વહેંચે.

હરિભક્ત વિચાર કરવા લાગ્યા, કરંડિયામાંથી મીઠાઈ ખતમ થતી જ નથી!

યજ્ઞમાં જેટલા આવ્યા હતા તે બધાને તેમાંથી પ્રસાદી મળી.

બાપાશ્રીએ કરંડિયો ઊંધો વાળી દીધો.

હરિભક્ત કહે, 'બાપા, તમે તો મીઠાઈ લીધી જ નહિ.'

બાપાશ્રી કહે, 'મને ગળ્યું બહુ ફાવતું નથી.'

સંતો કહે, 'બાપા, તમે ક્યારેય લેતા નથી.'

બાપાશ્રી કહે, 'જે મળે તે બધું ખાવા માંડીએ તો જીવ ચટણો થઈ જાય. પછી જાત-જાતનું માંગે. જીભને સંયમમાં રાખવી. તો મહારાજ રાજી થાય.'

સંતો કહે, 'બાપાનો ખોરાક સાદો અને પહેરવેશ પણ સાવ સાદો.'

બાપાશ્રી કહે, 'સાદગીમાં જ મહારાજ રાજી છે.'

સમય થયો એટલે બધા આરતી કરવા ગયા.

---------

શબ્દનો અર્થ

રાતડિયાં = ગાજર

કરંડિયો = ટોપલો

→ અનાદિમુક્ત જેમ રહે તેમ તેમને વાંધો જ ન હોય, પરંતુ આપણને શીખવવા પોતે સાદગીભર્યું વર્તન કરે છે.

→ બાપાશ્રી શીખવે છે કે સાદગી જ ખરું આભૂષણ છે.

→ સાત્વિક આહારથી ભગવાનની નજીક પહોંચાય છે.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. બાપાશ્રી બળદિયામાં ઘણી વખત શું કરતા?

૨. યજ્ઞમાં શું થતું?

૩. ઘરે જઈને બાપાશ્રી શું જમતા?

૪. મીઠાઈ ખાવાની બાપાશ્રીએ શા માટે ના પાડી?

નીચેની ખાલી જગ્યા પૂરો.

૧. બાપાશ્રી બધાને -------- ની વાતો કરે.

૨. બાપાશ્રી બધાને સારાં ----------- પણ જમાડે.

૩. સાદું ભોજન-------- કહેવાય.

યોગ્યક્રમમાં ગોઠવો.

૧. જીવ જાય બધું મંડીએ ચટણો થઈ તો ખાવા તે મળે છે.

૨. જીભને મહારાજ તો રાજી રાખવી સંયમમાં થાય તો જ.