૭ નવીન રમત

મંદિરમાં મંગળા આરતીની તૈયારી થઈ ગઈ.

કુંવરજી, નાથો, ધનજી વગેરે બધા વહેલા ઊઠી આવી ગયા હતા.

બધા અબજીભાઈની રાહ જુએ.

રોજ વહેલા આવે છે. આજે કેમ મોડું થયું હશે?

કુંવરજી વારંવાર દરવાજા સામે જુએ.

ત્યાં અબજીભાઈ એક વૃદ્ધનો હાથ પકડીને આવ્યા.

નાથાએ પૂછયું, 'આજે કેમ મોડું થયું?'

અબજીભાઈ કહે, 'આ વૃદ્ધ બાપા રસ્તામાં બરાબર ચાલી શકતા ન હતા. તેથી તેમને હાથ પકડી લઈ આવ્યો એટલે મોડું થયું.'

આરતી થઈ એટલે બધાએ આરતી કરી.

ધનજી કહે, 'અબજીભાઈ ચાલો રમવા.'

અબજીભાઈ કહે, 'આજે એક નવીન રમત રમીએ.'

બધા આનંદમાં આવી ગયા.

કહે, 'હા. ચાલો - ચાલો નવીન રમત રમીએ.'

અબજીભાઈ કહે, 'બધા નાના મોટા પથ્થર ગોતી લાવો.'

બધા દોડ્યા પથ્થર ગોતવા.

ગોતીને અબજીભાઈને આપ્યા.

પથ્થરને ઉપરા-ઉપરી ગોઠવી અબજીભાઈ બોલ્યા, 'આ મંદિર છે, તેમાં મહારાજ બિરાજે છે. કુંવરજી, તું બે પથ્થરને ભટકાડી ઘંટની જેમ વગાડ. હું આરતી ઉતારું.'

નાથો તથા ધનજી પણ આરતી બોલ્યા.

અબજીભાઈએ બધાને પાંદડાની પ્રસાદી આપી.

અબજીભાઈએ કહ્યું, 'હવે બધા આંખ બંધ કરો.'

બધાએ તેમ કર્યું.

અબજીભાઈ કહે, 'હવે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારી ધ્યાન કરો.'

બધા તેમ કરવા લાગ્યા.

થોડીવારે નાથાએ આંખ ઉઘાડી.

ત્યાં તો કુંવરજીએ પણ ઉઘાડી.

બંનેએ ધનજીને જગાડ્યો.

નાથો કહે, 'આ વળી કઈ નવીન રમત?'

કુંવરજી કહે, 'અબજીભાઈ તો હજી પણ ઉઠ્યા નહિ.'

ધનજી કહે, 'ચાલો આપણે ઉઠાડીએ.'

કેસરો કહે, 'અબજીભાઈ ચાલો રમવા.'

હલાવ્યા તો પણ ઉઠ્યા નહિ.

બધા થોડે દૂર જઈ રમવા લાગ્યા.

કુંવરજી કહે, 'અબજીભાઈ વગર રમવાની મજા નથી આવતી, પણ તેઓ ઊંઘી ગયા લાગે છે.'

નાથો કહે, 'હા, આટલી બધી વાર કોઈ બેસી શકે ખરું? ચોક્કસ ઊંઘી ગયા લાગે છે.'

ઘણીવારે અબજીભાઈ ધ્યાનમાંથી જાગી રમવા આવ્યા.

નાથો ને કેસરો અબજીભાઈને ચીડવતા બોલ્યા, 'જો ઊંઘીને આવ્યા. કહેતા હતા નવીન રમત રમીએ. પોતે તો ઊંઘી ગયા.'

અબજીભાઈ બોલ્યા, 'હું તો ધ્યાન કરતો હતો. ભગવાનની મૂર્તિ અંતરમાં દેખાય એટલે બહુ સુખ આવે.'

જાદવજી કહે, 'તમે જુઠ્ઠું બોલો છો. તમે ઊંઘી ગયા હતા.'

અબજીભાઈ કહે, 'ઊંધે તે મરે. હું સાચું કહું છું. સમ ખાઉં છું.'

નાથો કહે, 'ત્યારે તમે શું કરતા હતા?'

અબજીભાઈ બોલ્યા, 'તમે બધા અહીં ધૂળમાં રમો છો, પણ હું તો ભગવાન અને સંતો સાથે રમતો હતો. મહારાજને જોતો હતો.'

ધનજી કહે, 'એમ આંખ બંધ કરવાથી મહારાજ દેખાય?'

અબજીભાઈ કહે, 'હા દેખાય. મૂર્તિ સામું જોઈ અંતરમાં જોવાનો પ્રયત્ન કરીએ એટલે દેખાય. હું તો આંખ બંધ કરું છું ને તરત ભગવાન દેખાય છે.'

કેસરો કહે, 'અમે અહીં કેવું સરસ રમતા હતા.'

અબજીભાઈ કહે, 'આ બધી રમતો કરતા મને ધ્યાન કરવામાં સૌથી વધુ આનંદ આવે છે.'

કાનજી કહે, 'અબજીભાઈ તો હંમેશાં ભગવાનની જ વાતો કરે છે. તેમને ભગવાન સિવાય બીજું કાંઈ દેખાતું નથી.'

અબજીભાઈ કહે, 'હા. મને ભગવાન સિવાય બીજું કાંઈ દેખાતું નથી. હું તમને પણ કહું છું, ભગવાનના સુખ જેવું બીજે ક્યાંય નથી.

તેમાં સૌથી વધારે આનંદ છે.'

અબજીભાઈએ દૃઢતાપૂર્વક આવું કહ્યું તેથી પછી કોઈ તેમને ચીડવી શક્યું નહિ.

---------

→ શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે, વૃદ્ધ તથા રોગીની સેવા કરવી.

અબજીભાઈનો દરેકને મદદરૂપ થવાનો ગુણ અહીં જણાય છે.

→ શ્રીજીમહારાજના સુખ જેવું બીજું એકે ય નથી.

અબજીભાઈ શીખવે છે કે શ્રીહરિનું સુખ ધ્યાન કરવાથી મળે છે. તેના માટે અત્યારથી જ ધ્યાન કરવાનો અભ્યાસ પાડવો જોઈએ.

→ અનાદિમુક્ત ગમે તે રમત રમે બીજાથી તેઓ જુદા તરી આવે છે.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. મંદિરમાં કઈ આરતી થવાની હતી?

૨. અબજીભાઈ મંદિરમાં શા માટે મોડા આવ્યા?

૩. અબજીભાઈએ કઈ નવીન રમત રમાડી?

૪. મિત્રો અબજીભાઈને શું ચીડવતા હતા?

૫. અબજીભાઈએ તેનો શો ઉત્તર આપ્યો?

નીચેની ખાલી જગ્યા પૂરો.

૧. અબજીભાઈ ----------- ને લઈ મંદિરમાં આવ્યા.

૨. આજે ---------- રમત રમીએ.

૩. કુંવરજી તું ---------- ને ભટકાડી --------- ની જેમ વગાડ.

૪. અબજીભાઈ તો હંમેશાં -------- ની જ વાતો કરે છે.

વાક્ય પૂર્ણ કરો.

૧. હવે ભગવાનની................ ધ્યાન કરો.

કોણ બોલે છે તે કહો.

૧. અમે અહીં કેવું સરસ રમતા હતા.

૨. એમ આંખ બંધ કરવાથી મહારાજ દેખાય?

૩. ભગવાનના સુખ જેવું બીજું એકે ય નથી.