૩૦ મનોરથ પૂર્ણ કર્યો

છપૈયા એટલે શ્રીજીમહારાજનું પ્રાગટ્ય સ્થાન.

ભાઈશ્રી સંઘ લઈ છપૈયા આવ્યા હતા.

પ્રેમજીભાઈ ભાઈશ્રીની સેવા કરે.

એક દિવસ છપૈયામાં વરસાદ આવ્યો.

પ્રેમજીભાઈ કહે, 'બાપા, કેવો સરસ વરસાદ પડે છે.'

ભાઈશ્રી કહે, 'વરસાદથી વાતાવરણ રમણીય લાગે છે.'

પ્રેમજીભાઈ કહે, 'બાપા, આપણા કચ્છમાં વરસાદ થતો હશે?'

ભાઈશ્રી કહે, 'કચ્છમાં અત્યારે વરસાદ નથી પડતો અને પડવાનો પણ નથી.'

પ્રેમજીભાઈ કહે, 'બાપા, એટલે?'

ભાઈશ્રી કહે, 'કચ્છમાં આ વર્ષે દુકાળ પડશે.'

પ્રેમજીભાઈ કાંઈ બોલ્યા નહિ.

રાતના પ્રેમજીભાઈ જાગતા હતા.

વિચારતા હતા કે, દીકરાઓને કેવી રીતે ખબર પડશે કે, આ વર્ષે દુકાળ પડવાનો છે. હું ત્યાં હોત તો આ વાત કહેત અને ખેતરમાં સંભાળ રાખવાનું પણ કહેત.

ભાઈશ્રીને પ્રેમજીભાઈના વિચારોની ખબર પડી ગઈ.

ભાઈશ્રી કહે, 'પ્રેમજી, બહુ વિચાર ન કર. સૂઈ જા.'

પ્રેમજીભાઈ કહે, 'બાપા, તમને મારા વિચારોની ખબર પડી ગઈ? સારું હવે વિચાર નહિ કરું. જેવી મહારાજની મરજી.'

ભાઈશ્રી કહે, 'પ્રેમજી, ઊઠ મારે નાહવા જવું છે.'

પ્રેમજીભાઈ કહે, 'બાપા, મંદિરના દરવાજા તો બંધ છે.'

ભાઈશ્રી કહે, 'વાંધો નહિ. તું આંખો બંધ કર.'

પ્રેમજીભાઈએ આંખો બંધ કરી.

જરા વાર પછી ભાઈશ્રી કહે, 'પ્રેમજી આંખો ખોલ.'

પ્રેમજીભાઈએ આંખો ખોલી. તેમને બહુ આશ્ચર્ય થયું.

પ્રેમજીભાઈ કહે, 'અરે! બાપા, આ શો ચમત્કાર કર્યો? આપણે તો મંદિરની બહાર નારાયણ સરોવર પાસે આવી ગયા.'

ભાઈશ્રી હસવા લાગ્યા.

ભાઈશ્રી કહે, 'પ્રેમજી અહીં બેસ. હવા સરસ આવે છે.

પ્રેમજીભાઈ એવા આશ્ચર્યમાં પડી ગયા હતા. કાંઈ બોલ્યા વગર બેસી ગયા.

એટલામાં હમ-હમ એવો અવાજ આવવા લાગ્યો.

પ્રેમજીભાઈ આમ-તેમ જોવા લાગ્યા.

ક્યાંય કશું દેખાયું નહિ.

ભાઈશ્રીને પૂછ્યું, 'બાપા, આ અવાજ ક્યાંથી આવે છે?'

ભાઈશ્રી હસતા-હસતા કહે, 'હમણાં ખબર પડશે.'

ત્યાં તો એક વિમાન આવ્યું.

પ્રેમજીભાઈ જોવા લાગ્યા.

ભાઈશ્રી કહે, 'આવ પ્રેમજી બચ્ચા, આમાં બેસી જા.'

પ્રેમજીભાઈને કાંઈ સમજાયું નહિ. આભા બની ગયા.

તેઓ ચૂપચાપ ભાઈશ્રીની બાજુમાં બેસી ગયા.

વિમાન ઊડ્યું.

જરાક વારમાં વૃષપુર પહોંચી ગયું.

પ્રેમજીભાઈની વાડીમાં જઈ ઊભું રહ્યું.

પ્રેમજીભાઈના છોકરાઓ સૂતા હતા.

ભાઈશ્રીએ તેમને જગાડ્યા.

ભાઈશ્રી કહે,'કેમ સૂઈ રહ્યા છો? વાડીનું ધ્યાન કેમ નથી રાખતા?'

પ્રેમજીભાઈનો દીકરો ભાઈશ્રીને પગે લાગ્યો.

તેને થયું કે, મને સ્વપ્ન આવ્યું છે.

ભાઈશ્રીને કહે, 'ભલે બાપા, હવે સૂઈ નહિ જાઉં, ધ્યાન રાખીશ.'

ભાઈશ્રી કહે, 'દીકરા, આ સ્વપ્ન નથી. અમે તને છપૈયાથી અહીં કહેવા આવ્યા છીએ કે, આ વખતે વરસાદ નહિ પડે.'

દીકરો કહે, 'દુકાળ પડશે બાપા?'

ભાઈશ્રી કહે, 'હા. તમે ખેતરમાં અનાજ વાવજો, વાડીમાં વાવશો નહિ.'

દીકરો કહે, 'ભલે બાપા.'

ભાઈશ્રી કહે, 'બસ આટલું કહેવા જ અમે આવ્યા હતા.'

ભાઈશ્રી અને પ્રેમજીભાઈ વિમાનમાં બેસી ગયા.

દીકરાને આ બધું શું થઈ ગયું તે ખબર જ ન પડી.

પરંતુ તેને નક્કી લાગ્યું કે બાપા મને ચેતવી ગયા. હવે તેમણે જેમ કહ્યું છે તેમ જ કરવાનું.

વિમાન ઊડ્યું અને નારાયણ સરોવર આવીને ઊભું રહ્યું.

ભાઈશ્રી અને પ્રેમજીભાઈ બંને ઊતર્યા.

વિમાન તરત અદૃશ્ય થઈ ગયું.

પ્રેમજીભાઈ આ બધું જોયા કરે.

એક વખત ભાઈશ્રી સામે જુએ અને એક વખત વિમાન જ્યાં ઊભું હતું ત્યાં જુએ.

ભાઈશ્રી કહે, 'શું થયું પ્રેમજી?'

પ્રેમજીભાઈ કહે, 'બાપા આ..... આ બધું..... '

ભાઈશ્રી કહે, 'પ્રેમજી, તારો સંકલ્પ પૂરો થયો ને?'

પ્રેમજીભાઈ કહે, 'હા બાપા, પણ આ બધું.....'

પ્રેમજીભાઈના મનમાં કેટલાય પ્રશ્નો હતા.

ભાઈશ્રી કહે, 'પ્રેમજી, ચાલ મંદિરમાં જઈએ. તું ઉતારે જઈ સૂઈ જા.'

પ્રેમજીભાઈ ઉતારે પધાર્યા, પણ તેમને ઊંઘ ન આવી.

ભાઈશ્રીએ કરેલા ચમત્કાર વિષે વિચારતા રહ્યા.

---------

→ પ્રેમી ભક્તોનાં મનોરથ અનાદિમુક્ત પૂર્ણ કરે છે.

→ અનાદિમુક્તને કોઈ પણ કાર્ય કરવામાં સમય અને અંતર નડતરરૂપ બનતાં નથી.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. ભાઈશ્રી સંઘ લઈને ક્યાં ગયા હતા?

૨. પ્રેમજીભાઈને કયો સંકલ્પ થયો?

૩. ભાઈશ્રીએ પ્રેમજીભાઈના સંકલ્પને કઈ રીતે પૂર્ણ કર્યો?

નીચેની ખાલી જગ્યા પૂરો.

૧.----------- એટલે --------- નું પ્રાગટ્ય સ્થાન.

૨.---------- માં અત્યારે ---------- નથી પડતો અને પડવાનો પણ નથી.

૩.ત્યાં તો એક --------- આવ્યું.

૪.જરાક વારમાં --------- પહોંચી ગયું.

૫.વિમાન ઊડ્યું ---------- આવીને ઊભું રહ્યું.