૨૮ મુસીબતમાં સહાય
બપોરનો સમય હતો.
ભાઈશ્રી ઝાડ નીચે ખાટલો પાથરી બેઠા હતા.
તેમના ભત્રીજા ગોવિંદ ભક્ત આવ્યા.
ભાઈશ્રી કહે, 'ગોવિંદ બેટા! કેમ આવવું થયું?'
ગોવિંદ કહે, 'બાપા, તમારા દર્શન કરવા આવ્યો.'
ભાઈશ્રી કહે, 'બધા કરતાં ભગવાનનાં દર્શન સુખદાયી છે. આપણે ભગવાનની મૂર્તિ જોવામાં રસ રાખવો.'
ગોવિંદ ભક્ત કહે, 'ભલે બાપા. તમે રાજી થઈ આશીર્વાદ આપો.'
ભાઈશ્રી કહે, 'આશીર્વાદ છે બેટા!'
ગોવિંદ ભક્ત કહે, 'બાપા, કાંઈ સેવા હોય તો બતાવો.'
ભાઈશ્રી કહે, 'સેવા તો કાંઈ નથી.'
ગોવિંદ ભક્ત કહે, 'બાપા, કાંઈ પણ આપો મને લાભ મળે.'
ભાઈશ્રી કહે, 'એક કામ છે. તારાથી થશે?'
ગોવિંદ ભક્ત કહે, 'થશે બાપા, તમે કામ બતાવો.'
ભાઈશ્રી કહે, 'બેટા! આ કૂવા પાસે વડનું ઝાડ છે ને! તેની એક ડાળ જો, બરાબર કૂવા પર આવી ગઈ છે.'
ગોવિંદ ભક્ત કહે, 'હા બાપા દેખાય છે. ડાળ ઘણી વધી ગઈ છે.'
ભાઈશ્રી કહે, 'એ ડાળ ઉપર પંખી બેસે છે અને કૂવાનું પાણી ગંદુ કરે છે. તારાથી એ ડાળ કપાશે?'
ગોવિંદ ભક્ત કહે, 'બાપા, હમણાં જ કાપી નાખું છું.'
ગોવિંદ ભક્ત કુહાડો લઈ ઝાડ પર ચડી ગયા.
ડાળ કાપવા લાગ્યા.
ભાઈશ્રી ખાટલા પર જઈ બેઠા અને જોવા લાગ્યા.
ભાઈશ્રી કહે, 'બેટા! ધ્યાન રાખજે. બરાબર બેસીને કાપજે.'
ગોવિંદ ભક્ત કહે, 'હા બાપા, બરાબર ધ્યાન રાખીશ.'
અચાનક હાથામાંથી કુહાડો નીકળી કૂવામાં પડી ગયો.
ગોવિંદ ભક્તને થયું હવે શું થશે?
બાપાએ મને સેવા આપી અને મારાથી કુહાડો કૂવામાં પડી ગયો.
ભાઈશ્રીનો અવાજ આવ્યો, 'ગોવિંદ, કેમ રહી ગયો? ડાળ કાપી નાંખ.'
ગોવિંદ ભક્ત કહે, 'બાપા, કેવી રીતે કાપું? કુહાડો કૂવામાં પડી ગયો છે.'
ભાઈશ્રીએ પૂછ્યું, 'કેવી રીતે પડી ગયો?'
ગોવિંદ ભક્ત કહે, 'બાપા, હાથો ઢીલો હશે. કાપતા-કાપતા નીકળીને કૂવામાં પડી ગયો.'
ભાઈશ્રી કહે, 'વાંધો નહિ હમણાં કાઢી આપું છું.'
ગોવિંદ ભક્ત કહે, 'બાપા કેવી રીતે નીકળશે? કૂવો તો ઊંડો બહુ છે.'
ભાઈશ્રી કહે, 'હું કાઢી આપું છું.'
આમ કહી ભાઈશ્રીએ ત્યાં જ બેઠા-બેઠા પોતાનો હાથ વધાર્યો.
ગોવિંદ ભક્ત જોતા રહ્યા કે, બાપા આ શું કરે છે?
ભાઈશ્રી હાથ વધારતા જ ગયા.
પોતે ઝાડ નીચે જ બેઠા હતા.
હાથ લાંબો થતો કૂવાની અંદર પહોંચી ગયો.
ગોવિંદ ભક્ત આશ્ચર્યમાં પડી ગયા.
તેમના મોઢામાંથી અવાજ નીકળી શક્યો નહિ.
ફક્ત બા.....પા.... તેટલું જ બોલી શક્યા.
ભાઈશ્રીએ જોયા વગર કૂવામાં હાથ નાંખી કુહાડો કાઢ્યો.
ગોવિંદ ભક્તને ઝાડ પર આપ્યો.
ગોવિંદ ભક્ત ડાળને બે હાથથી પકડી બેસી રહ્યા હતા.
ભાઈશ્રી કહે, 'લે ગોવિંદ કુહાડો. હાથામાં બેસાડી ડાળ કાપી નાંખ.'
ગોવિંદ ભક્ત ભાઈશ્રીના લાંબા થયેલા હાથને જ જોયા કરે.
ભાઈશ્રી કહે, 'લઈ લે બેટા.'
ગોવિંદ ભક્તે હાથામાં કુહાડો બેસાડ્યો ને ડાળ કાપવા લાગ્યા.
વિચાર્યા કરે બાપાએ આ શું કર્યું?
આટલા લાંબા હાથ કેવી રીતે કર્યા?
ડાળી કાપી હાથ-મોઢું ધોઈ ભાઈશ્રી પાસે આવ્યા.
ભાઈશ્રીને કહે, 'બાપા, આ શું કર્યું હતું તમે?'
ભાઈશ્રી કહે, 'શું?'
ગોવિંદ ભક્ત કહે, 'બાપા, તમે બધું જાણો છો. મેં મારી આંખે જોયું. તમે હાથ લાંબો કરી મને કુહાડો આપ્યો.'
ભાઈશ્રી કહે, 'મેં તને કુહાડો ન આપ્યો હોત તો તું ડાળ કેવી રીતે કાપત?'
ગોવિંદ ભક્ત કહે, 'પણ, બા....પા..... હા.... થ.'
ભાઈશ્રી વચમાં જ બોલ્યા, 'બેટા ગોવિંદ, અનાદિમુક્ત થકી કોઈ વાત અશક્ય ન હોય. ભગવાનની કૃપાથી તેઓ બધું કરી શકે છે.'
ગોવિંદ ભક્ત ભાઈશ્રીના પગમાં પડી ગયા.
કહેવા લાગ્યા, 'બાપા, મને મહારાજનું સુખ મળે એવા આશીર્વાદ આપો. તમે આશીર્વાદ આપશો તો મને ચોક્કસ સુખ મળશે.'
ભાઈશ્રી રાજી થયા કહે, 'બેટા! ભગવાનનું સુખ આપવા તો મહારાજે મને મોકલ્યો છે. જા તને આશીર્વાદ છે.'
ગોવિંદ ભક્ત કહે, 'બાપા, આજે મારો જનમ સફળ થયો.'
આમ કહી ફરીથી ભાઈશ્રીને પગે લાગ્યા. અને રાજી થતા ઘરે ગયા.
---------
→ અનાદિમુક્તમાં રહી મહારાજ સર્વ કાર્ય કરે છે માટે જ અનાદિમુક્ત માટે કોઈ કાર્ય અશક્ય હોતું નથી.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. દર્શન વિશે ભાઈશ્રીએ ગોવિંદને શું કહ્યું?
૨. ભાઈશ્રીએ ગોવિંદને કઈ સેવા આપી?
૩. કૂવામાંથી ભાઈશ્રીએ કુહાડો કેવી રીતે કાઢ્યો?
૪. ભાઈશ્રીએ ગોવિંદને ક્યા આશીર્વાદ આપ્યા?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧.બધા કરતાં ભગવાનનાં દર્શન ------------ છે.
૨.તારાથી એ ---------- કપાશે?
૩.બાપાએ મને ---------- આપી અને મારાથી --------- કૂવામાં પડી ગયો.
૪.બેટા ગોવિંદ---------- થકી કોઈ વાત --------- ન હોય.