૪૬ સર્વોત્તમ ઔષધ
એક વખતની વાત છે.
બાપાશ્રીના મોટા પુત્ર કાનજીભાઈને તાવ આવતો હતો.
ઉધરસ પણ બહુ આવતી હતી.
બાપાશ્રી બહારગામ ગયા હતા.
ઘરે આવી સૌથી પહેલાં કાનજીભાઈ પાસે આવ્યા.
બાપાશ્રીએ પૂછ્યું, 'કેમ છે બેટા?'
કાનજીભાઈ કહે, 'તાવ અને ઉધરસ બહુ આવે છે?'
બાપાશ્રીએ કાનજીભાઈના માથે પ્રેમથી હાથ ફેરવ્યો. ચાદર સરખી ઓઢાડી.
ભગવાનની વાતો કરવા લાગ્યા.
બાપાશ્રી કહે, 'કાનજી, 'ગમે તેવું દુઃખ આવે, મુસીબત આવે ભગવાન ભૂલવા નહિ. ભગવાન અને મુક્તને સંભારવા.'
કાનજી કહે, 'બાપા હું આખો દિવસ સૂતા-સૂતા ભગવાનને યાદ કરું છું. તમારા આવવાની રાહ જોતો હતો.'
બાપાશ્રી કહે, 'બેટા! બધી દવા કરતાં ભગવાનનું સ્મરણ એ સર્વોત્તમ ઔષધ છે. તેનું નામ લઈએ એટલે બધા રોગ દૂર થાય.'
કાનજી કહે, 'ભલે બાપા.'
બાપાશ્રી કાનજીનું માથું દબાવતા કહેવા લાગ્યા, 'કાનજી બેટા, દવા કરીએ, પરંતુ તે દવામાં જો ભગવાન ભળે નહિ તો તે દવા અસર કરે જ નહિ.'
કાનજી ધ્યાનથી સાંભળતો હતો.
બાપાશ્રીની વાતોથી તેનું દુઃખ ઓછું થવા લાગ્યું હતું.
બાપાશ્રી કહે, 'આપણે ભગવાન અને મુક્તને સંભારવા તે જ સાચી દવા છે.'
એક હરિભક્ત કાનજીભાઈની તબિયત જોવા આવ્યા.
હરિભક્તે પૂછ્યું, 'કાનજીભાઈને તાવ અને ઉધરસ બહુ થયા લાગે છે?'
બાપાશ્રી કહે, 'એ તો મટી જશે.'
હરિભક્ત કહે, 'મને એક સરસ દવા ખબર છે તે દવા કાનજીભાઈને આપો. તો રોગ મટી જશે.'
બાપાશ્રી કહે, 'કાનજીભાઈની સારામાં સારી દવા ચાલુ છે.'
હરિભક્ત કહે, 'એમ! કઈ દવા છે? તેમાં શું શું નાંખો છો?'
બાપાશ્રી કહે, 'બહુ ખાસ નહિ. બે જ વસ્તુ છે.'
હરિભક્ત કહે, 'કઈ બે વસ્તુ?'
બાપાશ્રી કહે, 'મહારાજ અને મુક્ત આ બે વસ્તુ જ દવાના રૂપમાં આપવામાં આવે છે.'
હરિભક્ત આશ્ચર્યમાં પડી ગયા.
બાપાશ્રીને કહે, 'આ તે કાંઈ દવા કહેવાય?'
બાપાશ્રી કહે, 'હા આ જ સર્વોત્તમ ઔષધ છે. અમારા કાનજીને તેનાથી જ મટી જશે.'
હરિભક્ત કહે, 'પણ દવા તો કરવી પડે ને?'
બાપાશ્રી કહે, 'જો અંતરના ખરા ભાવથી મહારાજ અને મુક્તને સંભારે તો તેઓ જરૂર દુઃખ દૂર કરે.'
હરિભક્તને બાપાશ્રીની વાતમાં વિશ્વાસ ન આવ્યો.
બે-ચાર દિવસ પછી પાછા જોવા આવ્યા.
કાનજીભાઈ એકદમ સાજા હતા. હરતા-ફરતા હતા.
તેમને બહુ આશ્ચર્ય થયું.
બાપાશ્રીને પૂછ્યું, 'કાનજીભાઈ ખરેખર દવા વગર સાજા થઈ ગયા?'
બાપાશ્રી કહે, 'દવા તો આપી હતી.'
હરિભક્ત કહે, 'મને ખબર હતી. દવા વગર મટે જ નહિ. કઈ દવા આપી હતી?'
બાપાશ્રી કહે, 'તમે ભૂલી ગયા? બે જ વસ્તુ મહારાજ અને મુક્ત. તેનાથી જ રોગ મટી ગયો.'
હરિભક્તને વિશ્વાસ ન આવ્યો.
કાનજીભાઈને પૂછ્યું, 'કાનજીભાઈ, તમારો રોગ કઈ દવાથી મટ્યો?'
કાનજીભાઈ કહે, 'બાપા મને મહારાજ અને મુક્તના મહિમાની વાતો કરે તેનાથી મને શાંતિ-શાંતિ થઈ જાય. હું પણ મહારાજને પ્રાર્થના કરું. ભગવાને મારો રોગ મટાડી દીધો.'
હરિભક્તને ઘણું આશ્ચર્ય થયું.
બાપાશ્રીના પગમાં જ પડી ગયો.
બાપાશ્રીને કહે, 'બાપા, તમારા સિવાય આવું કોઈ ન કરી શકે. ભગવાનના નામથી જ રોગ દૂર થાય તે મેં આજે જ જોયું.'
બાપાશ્રીને પગે લાગી પોતાના ગામ ગયો.
---------
→ સર્વ રોગનું ઉત્તમ ઔષધ છે શ્રીજીમહારાજનું નામ.
→ બાપાશ્રી બાળકોને શીખવતા કે, ગમે તેવી મુશ્કેલી આવે, ભગવાનને સંભારવા ભગવાન પ્રયત્નમાં સાથે ભળે ત્યારે જ પ્રયત્ન સફળ થાય છે.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. કાનજીભાઈને શું થયું હતું?
૨. દવાના રૂપમાં કાનજીભાઈને શું મળતું હતું?
૩. રોગ દૂર કરવા બાપાશ્રી શું કરતા?
૪. કઈ બે વસ્તુ બાપાશ્રી દવાના રૂપમાં આપતા?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧. બેટા! બધી દવા કરતા ---------- નું સ્મરણ એ સર્વોત્તમ ઔષધ છે.
૨. દવામાં જો ----------- ન ભળે તો દવા ---------- કરે જ નહિ.
૩. --------- અને ------------- સંભારવા એ જ સાચી દવા છે.
યોગ્ય ક્રમમાં ગોઠવો.
૧. વસ્તુ આ આવે છે, દવારૂપે મુક્ત બે જ આપવામાં અને મહારાજ.