૮ શીંકાની ઐશ્વર્ય લીલા
ઉનાળાના દિવસો હતા.
અબજીભાઈ અને મિત્રો આંબલી - પીપળી રમતા હતા.
અબજીભાઈ કોઈનાથી પકડાયા નહિ.
જાદવજી કહે, 'હવે હું નથી પકડવાનો. હું તો ખૂબ થાકી ગયો છું.'
ગાંગજી કહે, 'હું પણ, મને તો ભૂખ પણ બહુ લાગી છે.'
કુંવરજી અને કેસરો કહે, 'ભૂખ તો અમને પણ લાગી છે.'
ધનજી કહે, 'શું કરીશું? ક્યાંકથી ખાવાનું લાવીએ.'
અબજીભાઈ કહે, 'ચાલો મારા ઘરે ત્યાં જે હશે તે જમીશું.'
બધા ખુશ થઈ ગયા બોલ્યા, 'ચાલો-ચાલો.'
કરસન કહે 'અબજીભાઈ, ઘરે તમારા મા હશે. તેઓ કાંઈ આટલા બધાને ખાવા નહિ આપે અને વઢશે.'
અબજીભાઈ કહે, 'મા તો બહાર ગયા છે. ઘરમાં કોઈ નથી. ચાલો બધા.'
બધા ખુશ થતા અબજીભાઈના ઘરે પહોંચ્યા.'
અબજીભાઈએ રસોડામાં જોયું, રોટલા હતા નહિ. મિત્રોને ખાવા શું આપવું?
કેસરો કહે, 'અબજીભાઈ, શું થયું? ખાવાનું નથી?'
અબજીભાઈ કહે, 'રોટલા તો નથી, પણ ઉપર શીંકામાં ગોળ છે તે ઉતારીએ તો બધાને ખાવા મળે.'
કુંવરજી કહે, 'શીંકું તો ઘણું ઉપર છે. ઉતારવું કેવી રીતે?'
અબજીભાઈ કહે, 'એક ઉપાય છે.'
નાથો કહે, 'જલદી કહો મને બહુ ભૂખ લાગી છે.'
અબજીભાઈ કહે, 'બધા વાંકા વળી ગોળાકારમાં ઊભા રહી જાઓ. તેની ઉપર બીજા ઊભા રહે, તેમની ઉપર ચડીને હું શીંકું નીચે ઉતારીશ.'
બધાએ તેમ કર્યું. અબજીભાઈએ શીંકું નીચે ઉતાર્યું.
ગોળ હાથમા રાખી આંખો બંધ કરી.
કાનજી કહે, 'આ શું કરો છો? જલદી ગોળ આપોને?'
અબજીભાઈ કહે, 'ભગવાનને ગોળ ધરાવતો હતો. ભગવાનની પ્રસાદી કર્યા વગર કોઈ પણ વસ્તુ જમાય નહિ.'
અબજીભાઈએ બધાને પ્રસાદીનો ગોળ આપ્યો.
જાદવજી વારંવાર દરવાજા સામે જુએ.
કાનજી કહે, 'જાદવજી, બરાબર ધ્યાન રાખજે. કોઈ આવી ન જાય.'
ગાંગજી કહે, 'અબજીભાઈ, ખાલી ગોળ કરતા સાથે કાંઈક હોય તો મજા આવે.'
અબજીભાઈ કહે, 'બાજરો દળી કુલેર બનાવીએ.'
બધા ખુશ થઈ ગયા.
અબજીભાઈએ ઘંટીમાં બાજરો નાંખ્યો.
ધનજીએ પણ ઘંટી ફેરવવામાં મદદ કરી.
અબજીભાઈએ કુલેર બનાવી.
કરસન કહે, 'મને વધારે આપજો.'
અબજીભાઈ કહે, 'બધાને સરખે ભાગે મળશે. ઓછું વધારે આપીએ તે ભગવાનને ન ગમે.'
બધાની સાથે અબજીભાઈ પણ ભગવાનને સંભારી કુલેર જમાડવા લાગ્યા.
જાદવજી જોરથી બોલ્યો, 'બધા સંતાઈ જાવ, દેવબા આવતાં લાગે છે.'
બધા ગભરાઈ ગયા.
ક્યાં જવું કોઈને ખબર ન પડી.
આમ-તેમ દોડવા લાગ્યા.
એટલામાં દેવબા ઘરમાં પહોંચી ગયાં.
શીંકું નીચે ઉતરેલું અને બધાનાં હાથમાં ગોળ જોઈ ખૂબ ગુસ્સે થયાં.
દેવબા જેવાં છાશનું વાસણ નીચે મૂકવા ગયાં
ત્યાં ગાંગજી કહે, 'અબજીભાઈ, હું તો આ ચાલ્યો.' એમ કહી ભાગી ગયો.
તેની પાછળ બધા ભાગવા લાગ્યા.
કુંવરજી તો પડતાં-પડતાં રહી ગયો.
તેમાં નાથો જાદવજી સાથે ભટકાઈ ગયો.
બધા ભાગ્યા. કોઈ પાછળ જુએ જ નહિ.
અબજીભાઈ હસવા લાગ્યા.
અબજીભાઈને હસતા જોઈ દેવબા વધારે ગુસ્સે થયાં.
અબજીભાઈને વઢવા લાગ્યાં 'કેમ બધા મિત્રોને ઘેર લાવ્યા હતા?'
અબજીભાઈ કહે, 'અમે બધા ભૂખ્યા થયા હતા. મહારાજને પણ ભૂખ લાગી હતી.'
દેવબા કહે, 'બધો ગોળ પૂરો કરી નાંખ્યો લાગે છે. લાવ જોવા દે.
શીંકામાં જોયું તો બધો ગોળ એમનો એમ જ હતો.
ઘંટીમાં જોવા ગયાં તો તે લોટવાળી થઈ જ ન હતી.
દેવબાને બહુ આશ્ચર્ય થયું.
તેમનો બધો ગુસ્સો ઓગળી ગયો.
અબજીભાઈ કહે, 'અમે કાંઈ બીજા બાળકો જેવા નથી કે, મસ્તી કરીએ. અમે તો ભગવાનને કુલેર જમાડતા હતા. તેમાં આટલું શું વઢવાનું?'
અબજીભાઈએ કરેલો ચમત્કાર જોઈ દેવબા સમજી ગયાં કે, મારા પુત્ર અનાદિમુક્ત છે.
---------
શબ્દનો અર્થ
શીંકું = ખાદ્ય વસ્તુ અધ્ધર લટકાવાય તેવું ઝોળી ઘાટનું સાધન.
આમલી-પીપળી = એક રમત
કુલેર = બાજરીનો લોટ અને ગોળ ભેગા કરી બનાવાતી ખાવાની વાનગી
→ ભગવાનની પ્રસાદી કર્યા સિવાય કોઈ પણ વસ્તુ વાપરવાના ઉપયોગમાં લેવાય નહિ. પહેરવાની વસ્તુ હોય કે ખાવાની.
→ અબજીભાઈ આપણને શીખવાડે છે કે, ભગવાનને જમાડીને જમવું. દરેકનો સરખો ભાગ પાડવો. પંક્તિ ભેદ કરવો નહિ. એમ કરીએ તો જ ભગવાન રાજી થાય.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. મિત્રો કઈ રમત રમતા હતા?
૨. મિત્રો શા માટે અબજીભાઈને ઘેર ગયા?
૩. બધાએ શીંકું કેવી રીતે નીચે ઉતાર્યું?
૪. અબજીભાઈએ બધાને શું ખાવા આપ્યું?
૫. દેવબાનો ગુસ્સો શા માટે ઓગળી ગયો?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧.ગાંગજી કહે મને તો ----------- પણ બહુ લાગી છે.
૨.અબજીભાઈ ઘરે તમારા ---------- હશે. તેઓ બધાને -------- નહિ આપે.
૩.અબજીભાઈ કહે ---------- તો નથી, પણ ઉપર --------- માં ગોળ છે.
૪.ભગવાનને ---------- જમાડતો હતો.
કોણ બોલે છે તે કહો.
૧. ભગવાનની પ્રસાદી કર્યા સિવાય કોઈ પણ વસ્તુ જમાય નહિ.
૨. બધો ગોળ પૂરો કરી નાંખ્યો લાગે છે.
યોગ્ય ક્રમમાં ગોઠવો.
૧. કરીએ નથી બાળક જેવા કાંઈ મસ્તી કે અમે બીજા.