૧૮ કાર્યમાં પ્રામાણિકતા
એક વખતની વાત છે.
દેવબા કહે, 'અબજીભાઈ, બેટા! હવે તમે મોટા થયા. પિતાજીને કામમાં વધારે મદદ કરો.'
અબજીભાઈ કહે, 'સારું મા હવેથી હું વાડીમાં વધારે કામ કરીશ.'
પાંચાભાઈ કહે, 'ભાઈ વાડીનું કામ તો હું સંભાળીશ. જો તમે બીજાની વાડીમાં થોડું કામ કરી આવો તો થોડા પૈસા મળે.'
અબજીભાઈ કહે, 'સારું પિતાજી આવતીકાલથી જઈશ.'
બીજે દિવસે અબજીભાઈ સવારે વહેલા ઊઠીને બીજાના ખેતરમાં કામ કરવા ગયા.
બીજા માણસો પણ ત્યાં કામ કરતા હતા.
એક કહે, 'અબજીભાઈ કેમ આજે અહીં આવ્યા?'
અબજીભાઈ કહે, 'કોરડ વાઢવા.'
બીજો કહે, 'ભગત, કોરડ વાઢશો કે ધ્યાનમાં બેસી જશો?'
આવી મશ્કરીથી બધા હસવા લાગ્યા.
અબજીભાઈ કાંઈ બોલ્યા નહિ, ઝડપથી કામ કરવા લાગ્યા.
આ જોઈ એક માણસ કહે, 'આ તો ઝડપથી કામ કરવા લાગ્યા. ચાલો આપણે તેમનાથી વધારે કામ કરીએ.'
અબજીભાઈની ઝડપ આગળ કોઈ પહોંચી શક્યું નહિ.
અબજીભાઈ ચાર-પાંચ માણસો કામ કરે તેટલું કામ એકલા કરવા લાગ્યા.
એક કામદારે આ જોયું કે, અબજીભાઈ ક્યારના કામ કરે છે. વચમાં થાક પણ ખાતા નથી.
અબજીભાઈ પાસે આવી કહે, 'ભગત, થોડીવાર થાક ખાઓ, તેમા માલિક નહિ વઢે.
અબજીભાઈ કહે, 'માલિક આપણને કામના પૈસા આપે છે એટલે કામ કરવામાં આળસ ન કરાય. પ્રમાણિકતાથી કામ કરવું જોઈએ. સાંજે ઘરે જઈ આરામ કરીશ.'
બીજા બધા થોડીવાર વાઢી થાકી ગયા.
એક કહે, 'માલિક જોતા નથી. હું થોડીવાર બેસી જાઉં છું. હું તો ખૂબ થાકી ગયો.'
બીજો પણ બેસી ગયો.
ત્રીજો તે બંનેની વચમાં બેઠો. બંનેના કાનમાં કાંઈક કહેવા લાગ્યો.
અબજીભાઈ પોતાનું કામ કર્યા કરતા હતા.
એક જણ દોડતો માલિક પાસે ગયો.
માલિકને કહે, 'માલિક, પેલા ભગત કોરડનો બગાડ કરે છે, સરખી વાઢતા નથી.'
માલિક કહે, 'એમ! ચાલો જોઈએ.'
ઈર્ષાળુ લોકો ખુશ થઈ ગયા.
વિચારવા લાગ્યા, માલિક હવે અબજીભાઈને વઢશે.
માલિકે આવીને જોયું.
અબજીભાઈ પોતાનું કામ બરાબર કરતા હતા.
પેલા ઈર્ષાળુ બંને બેઠા હતા.
માલિકે આ જોયું.
અબજીભાઈને કહે, 'વાહ! તમે એકલાએ આ બધા જેટલું કામ કરી નાખ્યું છે.'
ફરિયાદ લઈને આવેલા પર માલિક ગુસ્સે થયા. કહેવા લાગ્યા, 'કેમ ખોટી ફરિયાદ લઈને આવો છો? ભગતે તમારા બધા કરતા વધારે કામ કર્યું છે.'
જે લોકો બેઠા હતા તેમના પર પણ માલિક ગુસ્સે થયા.
કહે, 'કેમ બેઠા છો? કામ કરો.'
તેઓએ પોતાનો ખોટો બચાવ કર્યો. કહે, 'અમે હમણાં જ બેઠા. આખો દિવસ કામ કરતા હતા.'
માલિક કહે, 'મને ખબર છે. હું નથી હોતો ત્યારે તમે બધા બેસીને વાતો કર્યા કરો છો. અબજીભાઈ જ આખો દિવસ કામ કરે છે.'
હવે બધા ચૂપ થઈ ગયા.
સાંજે માલિકે અબજીભાઈને વધારે પૈસા આપ્યા.
અબજીભાઈને કહે, 'ભગત, તમે ખૂબ પ્રમાણિકતાથી કામ કરો છો. બીજા તો કામમાં આળસ કરે છે. તમે આજે બહુ કામ કર્યું. હું ખૂબ ખુશ થયો છું. ગાડામાં થોડું અનાજ રાખ્યું છે, તે પણ લેતા જજો. આજે તમે મારું ઘણું કામ પાર પાડ્યું.'
જે લોકો અબજીભાઈને ચીડવતા હતા અને કામ કરવામાં આળસ કરતા હતા તેમને ઓછા પૈસા મળ્યા અને અનાજ પણ ન મળ્યું.
બધા પસ્તાવો કરવા લાગ્યા, આપણે આવું નહોતું કરવું જોઈતું.
બધા અબજીભાઈની માફી માંગવા લાગ્યા.
અબજીભાઈને કહે, 'ભગત, અમને માફ કરી દો. હવે અમે તમને ક્યારેય નહિ ચીડવીએ.'
અબજીભાઈ કહે, 'એમાં કાંઈ નહિ, પરંતુ જ્યાં કામ કરવા જઈએ ત્યાં ખંતપૂર્વક આળસ રાખ્યા વગર કામ કરીએ તો માલિક ખુશ થાય.'
બધા કહે, 'તે તો અમને આજે ખબર પડી ગઈ.'
---------
શબ્દનો અર્થ
કોરડ = મઠ
વાઢવું = કાપવું
→ શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે, આળસ અને પ્રમાદ ક્યારેય કરવા નહિ.
→ અબજીભાઈ આપણને શીખવે છે કે, કોઈ પણ કાર્યમાં આળસ ન કરવી. ખંતપૂર્વક કાર્ય કરીએ તો તેનું ફળ સારું જ મળે છે.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. દેવુબાએ અબજીભાઈને શું કહ્યું?
૨. અબજીભાઈ ખેતરમાં શું કરવા ગયા?
૩. ખેતરમાં લોકોએ અબજીભાઈને શું ચીડવ્યા?
૪. કામદારને અબજીભાઈએ શું કહ્યું?
૫. અબજીભાઈએ કેટલા માણસનું કામ કર્યું?
૬. ઈર્ષાળુ લોકોને શું ફળ મળ્યું?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧.--------- ની વાડીમાં કામ કરી આવે તો થોડા --------- મળે.
૨.ભગત --------- વાઢશો કે --------- માં બેસી જશો?
૩.માલિક આપણને કામના -------- આપે છે માટે ------ ન કરાય.
૪.ભગત, તમે ખૂબ --------- થી કામ કરો છો.