૫૦ દરેકને કલ્યાણના આશીર્વાદ

સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી અને બ્રહ્મચારી નિર્ગુણાનંદજી બાપાશ્રીની વાડીમાં બેઠા હતા.

બાપાશ્રી વિચાર કરતા હતા.

ઈશ્વરચરણદાસજી સ્વામીએ પૂછ્યું, 'બાપા, શું વિચારો છો?'

બાપાશ્રી કહે, 'કાળી તલાવડીએ મહારાજે મારા માતુશ્રીને દર્શન આપ્યાં હતાં. એ જગ્યા પ્રસાદીની છે.'

વૃંદાવનદાસજી સ્વામી કહે, 'હા બાપા. ત્યાં જઈએ ત્યારે મનમાં શાંતિ-શાંતિ થઈ જાય છે.'

બાપાશ્રી કહે, 'અમે વિચારીએ છીએ કે, ત્યાં છત્રી કરાવીએ. જેથી ભવિષ્યમાં પણ બધા એ સ્થાનનાં દર્શન કરવા આવે.'

સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, 'બાપા, વિચાર ઉત્તમ છે. આ કાર્યમાં વાર ન કરાય.'

બાપાશ્રી કહે, 'તો કામ શરૂ કરી દઈએ.'

છત્રી બનાવવાનું કાર્ય શરૂ થયું.

હરિભક્તો સેવા કરે.

થોડા વખતમાં છત્રી તૈયાર થઈ ગઈ.

સ્વામી કહે, 'બાપા, આ નિમિત્તે યજ્ઞ કરીએ.'

બાપાશ્રી કહે, 'મારો પણ એવો જ વિચાર હતો.

યજ્ઞનો દિવસ નક્કી થઈ ગયો.

ગામે ગામથી લોકો આવ્યા.

હરિભક્તો સેવા કરે અને કથા સાંભળે.

સ્વામી કહે, 'આ છત્રી કરવામાં બધાએ બહુ સેવા કરી છે. બાપા, બધાને આશીર્વાદ આપો.'

બાપાશ્રી કહે, 'આ સ્થાન મહાપ્રસાદીનું છે. આ યજ્ઞમાં જે હરિભક્તો આવેલા છે, પશુ-પંખી, મનુષ્ય વગેરે જે સેવામાં આવ્યા હશે તે બધાનું અને વિમાનમાં બેસી અંતરિક્ષથી જે-જે અધિકારી દેવો દર્શન કરી ગયા હશે તે સર્વેનો છેલ્લો જન્મ ! એ બધાને શ્રીજીમહારાજની મૂર્તિમાં લઈ જઈશું !!'

બધા ખુશ થઈ ગયા.

સ્વામી કહે, 'બાપા, ભવિષ્યમાં જે જીવો દર્શન કરવા આવશે તેમને પણ અત્યારથી જ આશીર્વાદ આપી દોને?'

બાપાશ્રી કહે, 'આજે અમે બહુ રાજી છીએ. લો તેમને પણ આશીર્વાદ આપીએ. હવે પછી આ ઠેકાણે આ પ્રસાદી સ્થાન તથા ચરણારવિંદના જે કોઈ દેવ, મનુષ્ય, પશુ, પક્ષી વગેરે દર્શન કરશે તથા આ જગ્યા ઉપરથી પક્ષી ઊડીને જશે તે સર્વનો પણ આત્યંતિક મોક્ષ કરીશું !!!'

સ્વામી કહે, 'વાહ! બાપા વાહ! ધન્ય છે તમને. આવા આશીર્વાદ આજ દિન સુધી કોઈએ આપ્યા નથી.'

વૃંદાવનદાસજી સ્વામી કહે, 'બાપા, તમે દરેક જીવનું કલ્યાણ સોંઘું કરી દીધું.'

ત્યાં હાજર રહેલા આ અદ્વિતીય આશીર્વાદ પામી ધન્ય બની ગયા.

---------

→ અનાદિમુક્તના આશીર્વાદ અખંડ રહે છે.

→ બાપાશ્રી હંમેશાં દરેક જીવનું કેમ ભલું થાય તે જ જોતાં. એ જ વિચારતા કે, જીવો ભગવાન પાસે કેવી રીતે પહોંચે. તેમનું દરેક વર્તન, કાર્ય જીવના કલ્યાણ માટે જ હતું.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. બાપાશ્રીએ શો વિચાર કર્યો હતો?

૨. સેવકોને બાપાશ્રીએ શા આશીર્વાદ આપ્યા?

૩. ભવિષ્યના જીવોને બાપાશ્રીએ કેવા આશીર્વાદ આપ્યા?

નીચેની ખાલી જગ્યા પૂરો.

૧.---------- એ મહારાજે મારા માતુશ્રીને દર્શન આપ્યા હતા એ જગ્યા----------- ની છે.

૨.અમે વિચારીએ છીએ એ જગ્યાએ---------- કરાવીએ.

૩.જે જીવો દર્શન કરી ગયા હશે એ સર્વેનો ---------- અને એ બધાને --------- મૂર્તિમાં લઈ જઈશું.

૪.આ જગ્યા પરથી -------- ઊડીને જશે તે સર્વેનો પણ ------કરીશું.

કોણ બોલે છે.

૧. ત્યાં જઈએ છીએ તો શાંતિ-શાંતિ થઈ જાય છે.

૨. બાપા, વિચાર ઉત્તમ છે આ કામમાં વાર ન કરાય.