આમુખ
મનુષ્ય જીવનના મુખ્યત્વે બે માર્ગ છે. એક પ્રેયનો ને બીજો શ્રેયનો. અર્થાત્ ભુક્તિનો અને મુક્તિનો માર્ગ. પ્રેય એટલે ભૌતિક-વ્યાવહારિક ઉપલબ્ધિઓનો ને વિકાસનો માર્ગ અને શ્રેયનો માર્ગ એટલે ચેતનાની આધ્યાત્મિક ઉન્નતિનો ને પ્રગતિનો માર્ગ. બાળકના જીવનના પ્રારંભિક વિકાસ અને સંસ્કારસિંચનમાં માતપિતા પ્રથમ ગુરુ સમાન છે, તો તેના શૈક્ષણિક જીવનમાં શિક્ષણનું જ્ઞાન આપનાર શિક્ષકો ગુરુ બને છે અને ત્યાર બાદના સામાજિક, વ્યાવસાયિક અને વ્યાવહારિક જીવનના વિકાસમાં અનેક પ્રકારનાં સલાહ, સૂચન અને માર્ગદર્શન આપનાર દરેકને ગુરુ તરીકે ગણી શકાય. આ બધા પ્રેયમાર્ગે અર્થાત્ વ્યાવહારિક ભૌતિક ક્ષેત્રે વિકાસ સાધવા માટેના માર્ગદર્શક ગુરુઓ છે. ચૈતન્યની આધ્યાત્મિક ઉન્નતિ કરાવવારૂપ શ્રેયમાર્ગમાં ઊર્ધ્વગતિ કરાવનાર પરમાત્માનું સર્વોત્કૃષ્ટ માધ્યમ એવા સાચા સંત એ જ ખરા માર્ગદર્શક અને એ જ ખરા ગુરુ.
શ્રેયમાર્ગમાં ચેતનાની જાગૃતિ, વિકાસ અને પ્રગતિ સધાવી શકે એવા ગુરુની સાચી પરખ થવી અતિ મુશ્કેલ છે, કારણ કે સાચા-ખોટાની પરખ ન હોય તો વ્યક્તિ આધ્યાત્મિક માર્ગે વિકાસ નહિ સાધી શકતા ગમે ત્યાં અટવાઈ પડે છે અથવા પોતાની ચેતનાની ઊર્ધ્વગતિને બદલે અધોગતિ નોતરી બેસે છે. ઉપર ઉપરનો સંતનો પહેરવેશ, બાહ્ય દેખાવ, વાક્ચાતુર્ય, વશીકરણ, સંમોહન, મેલીવિદ્યા, તંત્રમંત્રના મલિન પ્રયોગો વગેરે દ્વારા ભોળી પ્રજાને આકર્ષિને પોતાની ચુંગલમાં ફસાવી તેનું શારીરિક, માનસિક ને આર્થિક એમ સર્વપ્રકારે શોષણ કરવામાં માહિર એવા દંભી સંતો-ગુરુઓનો આ કળિયુગમાં કોઈ તોટો જ નથી. એવા અનેક કહેવાતા બાબાઓ, ગુરુઓ ને સંતો સમાજમાં મળી રહેશે, પરંતુ કોઈની પાસેથી કોઈ પણ પ્રકારની ઇચ્છા, અપેક્ષા, આશા ન હોય, પોતાનો કોઈ અંગત સ્વાર્થ સાધવાનો હેતુ ન હોય એવા નિઃસ્વાર્થ, નિર્દંભ, નિઃસ્પૃહી, નિરાસક્ત ને નિષ્કામ અને કેવળ જીવોનું આત્યંતિક શ્રેય કરવાની જ ખેવના ધરાવનાર સંત મળવા અતિ દુર્લભ છે.
અનેક જન્મોનાં પુણ્યકર્મોના સંસ્કારોથી પ્રભુપ્રાપ્તિની તીવ્ર અભિપ્સા ને મુમુક્ષુતા જેમનામાં પ્રગટેલી હોય એવા મુમુક્ષુને પ્રભુની કૃપા દ્વારા પૂર્ણ સંતની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી એવા પૂર્ણ સંતની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સાચા મુમુક્ષુઓએ નિરંતર ભાવપૂર્વક પ્રભુની પ્રાર્થના કર્યા કરવી જોઈએ. એવી હૃદયપૂર્વકની પ્રાર્થનાથી પ્રભુની કૃપા થવાથી સાચા સંતની પ્રાપ્તિ ચોક્કસ થાય છે અને સાચા ગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મુમુક્ષુઓએ સત્કાર્યો, સેવા-ભક્તિ, સત્સંગ, પ્રાર્થના, ભજન-સ્મરણ-કીર્તન વગેરે સત્શાસ્ત્રો દ્વારા દર્શાવેલ સાધન કર્યાં કરવાં, પણ દંભી-કપટી ગુરુઓમાં ફસાઈ જઈ અમૂલ્ય જીવન બરબાદ ન થઈ જાય તેની હંમેશાં તકેદારી રાખવી જોઈએ. હજારો - લાખો માણસો જેમનાં ચરણોમાં આળોટતાં હોય ને તન-મન-ધન ન્યોચ્છાવર કરતાં હોય એવા બાબાઓ પણ કેવી ભ્રષ્ટ પાપલીલાઓમાં રાચતા હોય છે તેનો સમાચાર માધ્યમો દ્વારા પર્દાફાશ થતો રહે છે, માટે સાધકે આવા દંભી ગુરુઓથી સદાય ચેતતા રહેવું જોઈએ. જેમનામાં સાચી મુમુક્ષુતા નથી અને કેવળ ભૌતિક સુખ-સુવિધાઓ, મનોરંજન ને વિષયભોગની પ્રાપ્તિની વાસના છે એવા મનુષ્યોનાં ટોળેટોળાં ઘેટાં-બકરાંની જેમ આવા દંભી ગુરુઓને વળગે છે. ‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે’ એ લોકોક્તિ અનુસાર આવા ગુરુઓનો ગોરખધંધો પણ જ્યાં સુધી તેની પોલ ન પકડાય ત્યાં સુધી ચાલે રાખે છે, પરંતુ જેને ખરેખર પ્રભુની પ્રાપ્તિ કરવાની અભિલાષા છે, વાસ્તવિક શ્રેયસિદ્ધિ કરવી છે તેને ચેતવાની જરૂર છે.
સત્શાસ્ત્રોએ સાચા સંતની પરખ કરવાની સંતનાં બત્રીસ લક્ષણરૂપ ગુરુચાવી પણ આપેલી છે. એ બત્રીસ લક્ષણ સાચા-ખોટા સંતની પરખ કરવાની પારાશીશી છે. એ બધા જ ગુણો જેમના જીવનમાં આત્મસાત્ થયેલા હોય એવા પૂર્ણ સંત જ સાચા આધ્યાત્મિક ગુરુ બનવા માટે યોગ્ય છે. એમાં કોઈ કચાશ કે ઊણપ હોય તો તેને પૂર્ણ સંત ન કહી શકાય. જ્યાં સુધી પૂર્ણ સંતરૂપ ગુરુ ન મળે, ત્યાં સુધી પણ દંભી ગુરુઓ કરતાં જે વ્યક્તિ આધ્યાત્મિક સાધનામાં ઉચ્ચ સાધનદશામાં હોય તેનો જોગ કરવો વધુ હિતાવહ ને સલામત છે, કારણ કે તે સાચી દિશા બતાવી શકે છે, પણ દંભી ગુરુઓની જેમ સાધકને ગેરમાર્ગે દોરતી નથી.
અહીં સંત એટલે ભગવા કે ગેરૂઆ વસ્ત્ર પરિધાન કરેલ વ્યક્તિ એવી ગેરસમજ દૂર કરવાની છે. સંત ભગવા કે સફેદ ગમે તે વસ્ત્રમાં હોઈ શકે છે. અર્થાત્ ગૃહસ્થાશ્રમ કે ત્યાગાશ્રમ ગમે તે આશ્રમમાં સંત હોઈ શકે છે. તેને માટે વિશિષ્ટ વસ્ત્રો કે વિશિષ્ટ આશ્રમની આવશ્યકતા નથી. શ્રીહરિ પણ કહે છે કે, ‘‘જેની સમજણ મોટી તે મોટો. એમાં ત્યાગી-ગૃહીનો કોઈ મેળ નથી.’’
શ્રીહરિ વચનામૃત ગઢ. પ્ર. ૭૭માં જણાવે છે, ‘‘જેને ભગવાનનો આશરો હોય તેમાં તો ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે અને જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેમાં તો (ભાગવતના) એકાદશ સ્કંધમાં કહ્યા એવા જે સાધુનાં બત્રીસ લક્ષણ તે આવે છે. માટે જેમાં બત્રીસ લક્ષણ સંતનાં ન હોય તેને પૂરો સાધુ ન જાણવો અને જેને ભગવાનનો નિશ્ચય હોય તેના હૈયામાં તો પ્રભુના કલ્યાણકારી ગુણ જરૂર આવે અને પ્રભુના ગુણ સંતમાં આવે ત્યારે તે સાધુ બત્રીસ લક્ષણે યુક્ત હોય.’’
कृपालु अकृतद्रोहस्तितिक्षुः सर्वदेहिनाम् |
सत्यासारोड्नवद्यात्मा समः सर्वोपकारकः || २९ ||
कामैरहतधीदान्तो मृदुः शुचिरकिंचनः |
अनीहो मितभुक्शान्तः स्थिरो मच्छरणो मुनिः || ३० ||
अप्रमत्तो गंभीरात्मा ध्रुतिमान्जितषड्गुणः |
अमानी मानदः कल्पो मैत्रः कारुणिकः कवि || ३१ ||
આ બધાં લક્ષણો આપણે એક પછી એક સવિસ્તાર જોઈશું.