૧૪. મિતભૂક
આધ્યાત્મિક પથના સાધકે શુદ્ધ, સાત્ત્વિક અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ, તે પણ મિતાહાર હોવો જોઈએ. યોગશાસ્ત્રમાં ઉદરના ચાર ભાગ કલ્પી ફક્ત બે ભાગ ભરાય તેટલો જ શુદ્ધ - સાત્ત્વિક આહાર લેવો જોઈએ. એક ભાગ શુદ્ધ પાણીથી ભરવાનો અને એક ભાગ વાયુના સંચાર માટે ખાલી રાખવો એવો નિયમ છે.
ભગવાન સ્વામિનારાયણ કામ જીતવાના ઉપાયમાં વચ. ગ. મ. પ્રકરણ ૩૩માં જણાવે છે :-
‘‘આહાર - વિહાર યુક્ત રાખવો, પણ અતિશે ખાધાની લોલુપતા ન રાખવી. એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય તો ખાધાની બહુ મનમાં તૃષ્ણા રહે, પછી અનંત પ્રકારના જે રસ તેને વિશે રસનાઇંદ્રિય છે તે દોડતી ફરે ત્યારે બીજી ઇંદ્રિયો વશ કરી હોય તે પણ સર્વે મોકળી થઈ જાય, માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો.’’
પ્રાણ એ સારા ય વિશ્વમાં વ્યાપેલી વૈશ્વિક શક્તિ છે. પરમાત્માની દિવ્યશક્તિમાંથી ઉદ્ભવેલી એ પ્રાણશક્તિ વિશ્વમાં પ્રવર્તતી વીજ-ચુંબકીયશક્તિ, વીજશક્તિ, ગુરુત્વાકર્ષણશક્તિ, અણુશક્તિ, ધ્વનિશક્તિ વગેરે અનેક શક્તિનો કુલ સરવાળો એટલે પ્રાણશક્તિ. શાસ્ત્રમાં કહ્યું છે કે આ કળિયુગમાં શરીરમાં રહેલ પ્રાણનો આધાર આહાર છે. આ શરીરનોે આધાર પ્રાણશક્તિ છે ને પ્રાણનો આધાર આહાર છે. શરીરમાં રહેલી પ્રાણશક્તિ બાહ્ય આહાર ઉપર નિર્ભર છે. સૂર્યપ્રકાશ દ્વારા ઉદ્ભવતી ને કાર્યરત થઈ પ્રાણશક્તિ વનસ્પતિ પોતાનામાં ગ્રહણ કરે છે ને પ્રાણીઓ વનસ્પતિનો આહાર કરી તે શક્તિ પોતાનામાં પચાવે છે ને તેમના શરીરમાં રહેલો પ્રાણ તેના આધારે ટકી રહે છે. કેટલાક ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત યોગીઓ એવી સિદ્ધિ ધરાવતા હોય છે કે સ્થૂળ આહાર લીધા વગર સીધી સૂર્યપ્રકાશમાંથી અને વાયુમંડળમાંથી પ્રાણશક્તિ ખેંચી લે છે ને તેમને સ્થૂળ આહારની આવશ્યકતા રહેતી નથી, પરંતુ આ વાત બધા મનુષ્યો માટે શક્ય નથી. માટે સાધકે તો મિતાહારી રહી પ્રભુપ્રાપ્તિ માટેની યોગસાધના કરવી એ સરળ માર્ગ છે. મિતભૂક અર્થાત્ મિતાહારી રહેવાથી ઇંદ્રિયો - અંતઃકરણમાં સાત્ત્વિકતા પ્રગટવાથી પ્રભુના સ્વરૂપમાં સરળતાથી એકાગ્રતા સિદ્ધ થઈ શકે છે. ઇંદ્રિયોમાં સંયમ આવે છે તેથી ઇંદ્રિયોની વિષયાભિમુખ વૃત્તિઓ પ્રભુ તરફ સરળતાથી વાળી શકાય છે. પૂર્ણ સિદ્ધમુક્ત જેમને આત્મા - પરમાત્માનો અખંડ સાક્ષાત્કાર છે ને પ્રભુ સંબંધી અખંડ દિવ્ય સુખનો આહાર કરનારા છે, તેમનું મનુષ્યરૂપે વિચરણ તે ફક્ત દેખાવમાત્ર ને જીવોના આત્યંતિક કલ્યાણ માટે જ હોય છે તેઓ તો મિતભૂક સહજ રીતે જ હોય છે. એમને માટે તેઓએ કોઈ પ્રયાસ કરવો પડતો નથી. તેમની આહાર - વિહાર, નિદ્રા વગેરે ક્રિયાઓ લીલામાત્ર જ હોય છે. અનાદિમુક્ત પૂ. નારાયણભાઈ કહેતા કે અનાદિમુક્તને તો ચૈતન્યના સંકલ્પમાત્રથી જ દેહ ચાલે છે. વાસ્તવિક રીતે તેમને સ્થૂળ આહારની આવશ્યકતા નથી હોતી, પણ જીવોની સેવા ગ્રહણ કરી તેમની ચેતનાની ઊર્ધ્વગતિ કરવા માટે તથા સમાસ માટે મનુષ્ય ચરિત્ર હોય છે, પરંતુ સાધનદશાવાળા સંતને મિતભૂકનું લક્ષણ કેળવવું અતિ આવશ્યક છે.
શ્રીકૃષ્ણ ભગવાન ભગવદ્ગીતામાં પણ જણાવે છે કે :-
नात्यश्नतस्तु योगोडस्ति न चैकान्तमनश्नतः |
न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन || १६ ||
- ભગવદ્ગીતા અધ્યાય-૬
‘‘હે અર્જુન ! આ યોગ ખૂબ ખાનારનો સિદ્ધ થતો નથી તેમ જ બિલકુલ ન ખાનારનો પણ સિદ્ધ થતો નથી તથા ઘણું ઊંઘનારનો સિદ્ધ થતો નથી, તેમ જ હંમેશાં જાગનારનોયે સિદ્ધ થતો નથી. તે માટે સાધકે તો રસાસ્વાદ ઉપર વિજય મેળવી મિતાહારી બનવું જ યોગ્ય છે. આ સ્થૂળ શરીરમાં પ્રાણશક્તિનું વહન વાયુ દ્વારા થાય છે. એક જ પ્રાણશક્તિ વિવિધ પાંચ પ્રકારે શરીરમાં કાર્ય કરતી હોવાથી તેના પાંચ પ્રકાર છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. પ્રાણ નાભિકેન્દ્રથી ઊર્ધ્વ રહીને શરીરનું પોષણ કરતો મસ્તક સુધી વ્યાપેલો છે. નાભિકેન્દ્રથી નીચે રહેલો અપાન વાયુ જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. વ્યાન નામનો વાયુ શરીરની ક્રિયાઓ કરે છે ને સર્વે સંધિઓમાં તથા મર્મસ્થાનોમાં રહે છે. ઉદાનવાયુ કંઠમાં રહેલો છે. ખોરાકના ઘટકોને પચાવી શરીરના કોષોના અગ્નિને ઉદ્દીપન્ન કરનારો સમાન વાયુ નાભિમાં રહેલો છે. આ રીતે પ્રાણ પાંચ પ્રકારે રહેલો છે ને શરીરનાં કાર્યો કરે છે.
સ્વાદ ખાતર અકરાંતિયાની માફક વધુ પડતું ખાનારનું પેટ તણાવાથી તે વ્યક્તિને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે અને તેની મોટા ભાગની ઊર્જા ખાધેલું પચાવવામાં વેડફાઈ જવાથી તથા આળસ નિદ્રા ઉત્પન્ન થવાથી આધ્યાત્મિક સૂક્ષ્મ સાધનામાં તેની એકાગ્રતા સધાતી નથી. મનની ક્રિયાઓનો આધાર પણ પ્રાણ છે. પ્રાણ અને મનને ઘનિષ્ઠ સંબંધ છે. અહીં-તહીં વિષયોમાં દોડતું મન પ્રાણને પણ સ્થિર થવા દેતું નથી અને પ્રાણની અનિયમિતતા મનને સ્થિર થવા દેતી નથી. પ્રાણનું નિયમન કરવાથી મનને સહજ રીતે જીતી શકાય છે તેમ જ મનને ધ્યાનયોગ દ્વારા સ્થિર કરવાથી પ્રાણને પણ જીતી શકાય છે. માટે જ શ્રીહરિ કહે છે કે જેમ અષ્ટાંગયોગ દ્વારા પ્રાણનો નિરોધ કરવાથી ચિત્તનો નિરોધ થાય છે તેમ જ ચિત્તનો ભગવાનના સ્વરૂપમાં ધ્યાન - ચિંતન દ્વારા નિરોધ કરવાથી પ્રાણનો નિરોધ પણ સધાય છે. તેથી ચિત્તને નિરોધે કરીને પણ સમાધિ થાય છે.
મિતાહારી રહેવાથી શરીરનું આરોગ્ય જળવાઈ રહે છે. મોટા ભાગના રોગો રાજસી અને તામસી આહારથી અને આહારના અતિરેકથી જ થતા હોય છે. જઠરને ઠાંસી - ઠાંસીને ભરવાથી પ્રાણનો સંચાર વ્યવસ્થિત થતો નથી. જઠરાગ્નિ મંદ પડી જવાથી પાચનક્રિયા પણ મંદ પડે છે એટલે કાચો આમ અથવા અપક્વ અન્ન પેટના અને આંતરડાના રોગો તથા અન્ય અનેક રોગો ઉત્પન્ન કરે છે. શરીરની શક્તિ ખોરાકને પચાવવામાં વ્યર્થ વેડફાઈ જાય છે. લોહીનું પરિભ્રમણ પેટના લીવર (યકૃત) વગેરે પાચનતંત્રનાં અંગો તરફ વધી જવાથી મગજ તરફ લોહીનો પ્રવાહ ઘટે છે, તેથી ઊંઘ, આળસ, પ્રમાદ વધે છે ને મનમાં શુષ્કતા આવવાથી કોઈ એક વિષય ઉપર મનની એકાગ્રતા સાધી નથી શકાતી. રજોગુણી - તમોગુણી ને અતિ આહારથી વિષય વાસના પણ વધે છે. તેથી ઇંદ્રિયોની વૃત્તિ વિષયાભિમુખ થવાથી ચેતનાને અધોગતિ તરફ દોરી જાય છે. તે માટે સાધકે મિતભૂક થવાનો પ્રયત્ન કરવો જરૂરી છે.
મિતભૂકનો વધુ સૂક્ષ્મ અર્થ જોઈએ તો મનુષ્ય પોતાની સ્વાદેન્દ્રિય પોષવા માટે તો ભૂખ્યો હોય છે જ, પણ સાથે સાથે તેને કામવિષયની ભૂખ, ધન - વૈભવપ્રાપ્તિની ભૂખ, યશ - કીર્તિ - પ્રસિદ્ધિની ભૂખ, માન - સન્માનની ભૂખ, પોતાનો સ્વાર્થી હેતુ સાધવા માટે અન્યનું શોષણ કરવાની ભૂખ આ પ્રકારની તૃષ્ણાઓરૂપી ભૂખ ઉપર નિયંત્રણ મેળવવું એ પણ મિતભૂક લક્ષણમાં આવી જાય છે.
આમ જોતાં મિતભૂક લક્ષણને સિદ્ધ કરવાથી સાધક ભગવાનના સ્વરૂપમાં સરળતાથી જોડાઈ શકે છે.