૩૧. અજાતશત્રુ

અર્થાત્‌ જેનો કોઈ શત્રુ નથી એવા. શત્રુ એટલે દુશ્મન, અરિ, રિપુ. શત્રુ એટલે એવી વ્યક્તિ કે જે અન્યને શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, વ્યાવહારિક કે આધ્યાત્મિક એમ કોઈ પણ પ્રકારે અહિત કરે કે હાનિ પહોંચાડે. શત્રુભાવ ઉત્પન્ન થવાનાં પણ અનેક કારણો છે, જેવાં કે ઈર્ષ્યા, દ્વેષ, વૈરબુદ્ધિ, પરપીડનવૃત્તિ, સ્વાર્થ, લોભ, માનહાનિ, ક્રોધ, મોહ વગેરે આંતરદોષો. બાહ્ય કારણોમાં દ્રવ્ય, જમીન, મિલકત તથા કીર્તિ - પ્રસિદ્ધિની લાલસા, હરીફાઈમાં હાર-જીત, વિજાતીય આકર્ષણ તથા કોઈ વ્યક્તિ કે પદાર્થમાં અહંમમત્વને લઈને તીવ્ર આસક્તિ, તૃષ્ણા આ બધા શત્રુભાવ ઉત્પન્ન થવામાં નિમિત્ત બને છે.

બાહ્ય શત્રુઓ વ્યક્તિને શારીરિક - માનસિક ત્રાસ આપી અનેક પ્રકારે હેરાન - પરેશાન કરે છે. વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની અડચણો ને વિઘ્નો ઊભાં કરી કષ્ટ આપે છે. અમુક આસુરીવૃત્તિના મનુષ્યો અન્યનો કોઈ વાંક કે દોષ ન હોય તો પણ પરપીડન દ્વારા આનંદ માણવાની હલકા પ્રકારની મનોવૃત્તિથી પ્રેરાઈને પણ બીજાને કષ્ટ પહોંચાડે છે. આવા મનુષ્યો કષ્ટ પહોંચાડવામાં સંતવિભૂતિને પણ બાકાત રાખતા નથી ! ઇતિહાસના પાને પણ રામ, કૃષ્ણ વગેરે વિભૂતિ અવતારોને રાવણ ને કંસ જેવા અસુરોએ કષ્ટ આપ્યાં છે. નરસિંહ મહેતા, મીરાંબાઈ, સોક્રેટીસ, કબીર, ઈશુખ્રિસ્ત વગેરે સમાજના ખ્યાતનામ સંતો તથા સ્વામિનારાયણ ધર્મમાં પણ અનેક સંતોને અનેક દુષ્ટ વૃત્તિના મનુષ્યોએ કષ્ટ ને પીડા આપ્યાં હોય એવા અસંખ્ય દાખલાઓ નોંધાયેલા છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સંતને વિશે શત્રુતા રાખનાર અનેક દુષ્ટ લોકો હોય છે, છતાં પણ સંતને પોતાને માટે તો કોઈ શત્રુ છે જ નહિ, અર્થાત્‌ સંતને કોઈને વિશે કદી ય શત્રુભાવ પ્રગટ થતો નથી એ અર્થમાં સંત અજાતશત્રુ છે.

સાચા સંતમાં મૈત્રનું લક્ષણ સિદ્ધ થયેલું હોવાથી તેમના હૃદયમાંથી ઔદાર્ય, વાત્સલ્ય, કરુણા અને પ્રેમનું ઝરણું સતત વહેતું રહે છે. તેઓને બધામાં પરમાત્માનાં જ દર્શન થતાં હોવાથી તથા બધાને આત્મવત્‌ ગણતા હોવાથી શત્રુભાવ પ્રગટ થવાની કોઈ સંભાવના જ નથી હોતી. તેઓ વ્યક્તિની પાત્રતા કે કુપાત્રતા જોયા સિવાય બધાને વિશે પ્રેમ ને કરુણાભાવ રાખી સર્વેનું સર્વપ્રકારે હિત, મંગલ અને શ્રેય જ ઇચ્છે છે. તેઓ બધાને વિશે કલ્યાણની ઉત્કૃષ્ટ ભાવનાનો જ શુભ સંકલ્પ કરે છે. એવા સંતના શુભ સંકલ્પથી ને કરુણામય દૃષ્ટિથી આસુરી જીવોનાં પણ હૃદય પરિવર્તન થઈ તેઓ પણ સંત બની ગયેલાનાં પણ અસંખ્ય ઉદાહરણો જોવા મળે છે. અતિ સમર્થ સત્પુરુષો કે જેમાં અહિંસાભાવ પૂર્ણ રીતે વિકસ્યો હોય તો તેમના સાંનિધ્યમાં વાઘ અને બકરી પણ સાથે રમે છે. પ્રાણીઓમાં રહેલી સહજ હિંસકવૃત્તિ પણ દૂર થઈ જાય એવો સંતનો દિવ્ય પ્રભાવ હોય છે. અજ્ઞાની આસુરી પ્રકૃતિના મનુષ્યો સંતને કષ્ટો આપવામાં મણા ન રાખતા હોય, પણ સંતના ક્ષમારૂપી શસ્ત્ર પાસે તેઓ પણ અહિંસક ને નમ્ર બની જઈ સંતનું શરણ સ્વીકારે છે. સંતના પ્રતાપે વાલિયા લૂટારામાંથી વાલ્મીકિ ઋષિ બને, જોબનપગી જેવા અતિ ક્રૂર ને હિંસકવૃત્તિના લૂટારામાંથી ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે મુક્ત સ્થિતિના સંત બની જાય. ભગવાન બુદ્ધ તથા મહાવીરના જીવનમાં અંગૂલીમાલ જેવા ક્રૂર ને અધમનાં જીવન પરિવર્તન થયાનાં ઉદાહરણો જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણના સંતો સ. ગુ. ગોપાળાનંદ સ્વામી, સ. ગુ. ગુણાતીતાનંદ સ્વામી, સ. ગુ. મુક્તાનંદ સ્વામી વગેરે સિદ્ધ અનાદિમુક્તોના જીવનમાં પણ તેમના સંપર્કમાં આવનાર આસુરી જીવોનાં હૃદય પરિવર્તન થઈ કામક્રોધાદિક દોષોથી રહિત થઈ તેઓ પણ સંત બની ગયા હોય તેવાં અનેક દૃષ્ટાંતો જોવા મળે છે. અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી પર માનકૂવા ગામમાં સત્સંગસભામાં કોઈ દ્વેષીએ પથ્થર ફેંક્યો તો પણ બાપાશ્રી પથ્થર હાથમાં લઈને બોલ્યા કે, ‘‘આ પથ્થર ફેંકનારનું અમે શ્રીજીમહારાજ પાસે આત્યંતિક કલ્યાણ કરાવીશું.’’ એમ સત્પુરુષની દૃષ્ટિમાં વૈરવૃત્તિ ન હોવાથી તેમને શત્રુભાવ ઉદ્‌ભવતો જ નથી.

બાપાશ્રી મોટી ઉંમરે એમ કહેતા કે, ‘‘અમારા બધા દાંત પડી ગયા છે, પણ અમારે કોઈ જીવને પડવા દેવો નથી. અમારે તો અધમ જેવા જીવોને પણ ઉદ્ધારીને આત્યંતિક કલ્યાણ કરવું છે.’’ આ રીતે સત્પુરુષની દૃષ્ટિ અતિ વિશાળ હોય છે. તેમનામાં કરુણા, પ્રેમ, વાત્સલ્ય, ઔદાર્ય, સહૃદયભાવ વગેરે ઉદ્દાતભાવો સાહજિક રીતે જ પ્રગટેલા હોય છે. એટલે શત્રુભાવ પ્રગટ થવાની કોઈ સંભાવના જ હોતી નથી, તેથી તેઓ અજાતશત્રુ કહેવાય છે. આ તો વાત થઈ બાહ્ય વ્યવહાર જગતમાં રહેલા શત્રુઓની, પણ અજાતશત્રુના લક્ષણવાળાને તો કામ, ક્રોધ, લોભ, મોહ, માન, ઈર્ષ્યા, દંભ, કપટ, સ્વાર્થ, નિંદા, પ્રમાદ વગેરે આંતરિક શત્રુઓ પણ ઉત્પન્ન થતા નથી, કારણ કે તેમણે આત્મનિષ્ઠા તથા સ્વરૂપનિષ્ઠા અતિ દૃઢ કરેલી હોવાથી તેમના ઇંદ્રિયો - અંતઃકરણમાં પણ કોઈ વિકારો ઉત્પન્ન થતા નથી. ઇંદ્રિયો-અંતઃકરણ ઉપર તેઓનું સંપૂર્ણ નિયંત્રણ ને આધિપત્ય હોય છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને પરમાત્માની માહાત્મ્ય જ્ઞાનેયુક્ત ભક્તિની પરિપક્‌વતા કરીને પ્રભુના દિવ્યસ્વરૂપમાં અખંડ જોડાયેલા રહેવાથી સંતને આંતરિક રિપુઓ પીડી શકતા નથી. આંતરિક દોષો ઉપરના વિજયના પ્રભાવથી બાહ્યશત્રુઓનો પણ શત્રુભાવ આપોઆપ દૂર થઈ જાય છે.

આત્મા - પરમાત્માના અખંડ સાક્ષાત્કારની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત પૂર્ણ મુક્તપુરુષને તો અજાતશત્રુનું લક્ષણ સંપૂર્ણપણે આત્મસાત્‌ હોય જ છે. તેમને માટે નથી કોઈ બાહ્ય જગતના શત્રુ કે નથી કોઈ આંતર જગતના અંતરશત્રુ. તેમના જોગ-સમાગમમાં આવનાર નિષ્ઠાવાન મુમુક્ષુ સાધકમાં પણ અજાતશત્રુનું લક્ષણ આત્મસાત્‌ થઈ જાય છે એવો એમનો દિવ્ય પ્રભાવ હોય છે. અજાતશત્રુનું લક્ષણ સિદ્ધ કરેલા સત્પુરુષના સંપર્કમાં આવનાર શત્રુનું મિત્રમાં રૂપાંતર થઈ જાય છે, કારણ કે અજાતશત્રુ સંતમાં ક્ષમાની અતિ બળવાન શક્તિ રહેલી હોય છે. સંતના હૃદયમાંથી સતત પ્રગટ થતા પ્રેમ ને કરુણાનાં સ્પંદનો એટલાં બધાં શક્તિશાળી હોય છે કે તે દ્વેષી ને આસુરી પ્રકૃતિઓના જીવોના હૃદયમાં પણ પ્રેમનાં સ્પંદનો જાગૃત કરે છે ને તેનું હૃદય પરિવર્તન કરે છે.

‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્‌’ ક્ષમા વીરપુરુષનું ભૂષણ છે. કાયર વ્યક્તિ કોઈથી દબાઈ જઈને ચૂપ બેસી જાય એ ક્ષમા નથી. અતિ સમર્થ હોવા છતાં જે વ્યક્તિ અજ્ઞાની જીવોના ઉપદ્રવ સહન કરીને તેને ક્ષમા પ્રદાન કરે તે સંતનું લક્ષણ છે. સમર્થ થકા ઝરણા કરવી એ કેવળ સત્પુરુષ માટે જ શક્ય છે. સંતનાં લક્ષણમાંનાં કરુણા, ક્ષમા, સર્વોપકારકતા, તિતિક્ષા, ધૈર્ય, સ્થિરતા વગેરે ગુણોનો અજાતશત્રુનું લક્ષણ સિદ્ધ થવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો હોય છે. આ બધા પરમાત્માના કલ્યાણકારી ગુણો કેવળ પ્રભુના સ્વરૂપમાં દિવ્યભાવથી જોડાવાથી જ સિદ્ધ થઈ શકે છે. પ્રભુના સ્વરૂપના જ્ઞાન, ધ્યાન ને ઉપાસના તથા સત્પુરુષનો જોગ - સમાગમ - સેવા એ પ્રભુના કલ્યાણકારી ગુણો સાધકજીવનમાં આત્મસાત્‌ કરવા માટેનાં અતિ ઉપયોગી, આવશ્યક ને અનિવાર્ય ઉપકરણો છે. આ ઉપકરણોની સહાયથી જ પ્રભુના કલ્યાણકારી ગુણો સંતમાં પ્રગટ થઈ શકે છે.