૫. અનવદ્યાત્મા

અનવદ્યાત્માના બીજા અર્થ છે અનિંદ્યપણું, નિર્દોષતા અને શુદ્ધતા, અર્થાત્‌ એવી સંતવિભૂતિ કે જેનાં વાણી-વર્તન, આચરણ શુદ્ધ હોય. તેની વાસ્તવિકરૂપે કોઈ નિંદા-ટીકા કરે એવું અયોગ્ય આચરણ ન હોય. જેણે રાગ-દ્વેષ, ઈર્ષ્યા, મત્સર, લોભ-લાલચ, દંભ-કપટ તથા દેેહાભિમાન વગેરે મનોવિકારો ઉપર પૂર્ણરૂપે વિજય મેળવ્યો હોય એવા શુદ્ધ (સંત) આત્માને અનવદ્યાત્મા કહેવાય.

કામ, ક્રોધ, માન, ઈર્ષ્યા, દ્વેષ, વૈમનસ્ય, લોભ, મોહ, દંભ, કપટ, સ્વાર્થ, નિંદા, કૂથલી, પ્રમાદ વગેરે આંતરદોષો આત્મોન્નતિના માર્ગમાં અતિ વિઘ્નરૂપ બને છે. એટલે એને અંતરશત્રુ અથવા અંતરરિપુ કહેવામાં આવે છે. આવા મનોવિકારો મનની સ્થિરતા કરવામાં, મનનો નિગ્રહ કરવામાં બાધારૂપ છે. માયાના રજ અને તમ ગુણોના વેગમાં આવીને કરેલાં કર્મો દ્વારા જીવને તીવ્ર પાશ લાગવાથી આવા દોષોની અંતઃકરણમાં ગ્રંથિ પડી જાય છે. તે કારણશરીરમાં સંસ્કારોરૂપે દૃઢ થયેલી હોય છે. ઇંદ્રિયોના અશુદ્ધ આહાર દ્વારા તથા સંગદોષે કરીને પણ આવા અનિષ્ટ દોષોને પોષણ મળ્યા કરે છે એટલે તેમના ઉપર વિજય મેળવવાનું સાધક માટે અતિ દુષ્કર બની જાય છે.

સત્પુરુષના જોગ-સમાગમ-સેવા દ્વારા સાધક તેમને રાજી કરી તેમની કૃપા સંપાદન કરી ધ્યાન-ભજન-ભક્તિ-ઉપાસના વગેરે પ્રભુપ્રસન્નતાનાં સાધન કરે, પ્રભુની આજ્ઞારૂપ નિયમ-ધર્મનું પાલન કરે, પંચ વર્તમાનનું સ્થૂળ-સૂક્ષ્મ અર્થમાં પાલન કરે તો રજોગુણ ને તમોગુણ મંદ પડી જઈ સત્ત્વગુણની વૃદ્ધિ થતી જાય. પરિણામસ્વરૂપે રજ-તમયુક્ત કર્મો પણ ન થાય અને તેના અનિષ્ટ સંસ્કારો પણ ચિત્તમાં અંકિત ન થાય, તેથી અંતઃકરણની શુદ્ધિ થતી જાય. અંતઃકરણ શુદ્ધ થવાથી અંતરદોષો વિઘ્ન-વિક્ષેપ કરતા બંધ થાય એટલે આત્મા-પરમાત્માના ધ્યાન-ચિંતનમાં મનની એકાગ્રતા સિદ્ધ થાય. મનની એકાગ્રતા સિદ્ધ થવાથી આધ્યાત્મિક ચેતનાનું ઊર્ધ્વગમન થાય. અંતે સત્પુરુષ અને પરમાત્માની કૃપાથી આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર થાય એટલે મુક્તદશા આવે અને ત્યારે અનવદ્યાત્માનું લક્ષણ પૂર્ણરૂપે વિકસિત થાય.

કામ-ક્રોધાદિક દોષો છે તે Nagative energy એટલે નકારાત્મક ઊર્જા છે, જેનાથી આધ્યાત્મિક ચેતનાનું અધોગમન-પતન થાય છે, જ્યારે પરમાત્માના કલ્યાણકારી સદ્‌ગુણો એ Positive energy એટલે સકારાત્મક ઊર્જા છે, જેના દ્વારા આધ્યાત્મિક ચેતનાનું ઊર્ધ્વગમન થાય છે. આ હેતુ માટે અતિ પુરુષપ્રયત્ન કરીને પણ સાધક માટે અંતરદોષોને જીતવા અતિ આવશ્યક છે. પૂર્ણ સંત આત્મા - પરમાત્માના સાક્ષાત્કારવાળા હોવાથી આવા કલ્યાણકારી ગુણો તેમનામાં સહજ રીતે જ પ્રગટ થયેલા હોય છે.

ભગવાન સ્વામિનારાયણે વચ. લોયા પ્ર. ૬માં કહ્યું છે :-

‘‘દેહાભિમાનરૂપી દોષ છે તેમાં સર્વે દોષ રહેલા છે ને તેનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે અને હું તો દેહથી નોખો જે આત્મા તે છું, એવો જે આત્મનિષ્ઠારૂપ એક ગુણ તે આવે તો સર્વે ગુણમાત્ર આવે છે.’’ આમ સાધકે પોતાને દેહરૂપ નહિ માનતા પોતે આત્મારૂપ છે, બ્રહ્મરૂપ છે, પરમાત્મારૂપ છે એવું નિરંતર ચિંતન કર્યા કરવું જોઈએ તો બ્રહ્મ-પરબ્રહ્મના ગુણો તેનામાં આવીને પ્રકાશે છે. પૂર્ણસ્થિતિવાળા સત્પુરુષમાં સંપૂર્ણપણે નિર્દોષભાવ કલ્પવાથી, તેમની સાથે આત્મબુદ્ધિ કરવાથી તેમના બધા ગુણો સાધકમાં આવે છે. માટે સત્પુરુષમાં પ્રયત્નપૂર્વક માહાત્મ્ય સમજીને નિર્દોષબુદ્ધિ ને આત્મબુદ્ધિ દૃઢ કર્યા કરવી એ દોષો ઉપર વિજય મેળવવાનો સચોટ ઉપાય છે. સત્પુરુષના જોગ-સમાગમ-સેવા જેવો અન્ય નિર્વિઘ્ન બીજો કોઈ માર્ગ નથી.

શ્રીહરિ વચનામૃત ગઢ. પ્ર. ૭૩માં જણાવે છે :-

‘‘તે એવા રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે જે, મોટા પુરુષને વિશે જે નિર્દોષબુદ્ધિ રાખે છે તે પોતે સર્વે દોષ થકી રહિત થાય છે અને જે મોટા પુરુષને વિશે દોષ પરઠે છે તે દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને કામાદિક જે શત્રુ તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે.’’

તે માટે સાધકે અનવદ્યાત્માનું લક્ષણ સિદ્ધ કરેલા એવા સત્પુરુષમાં દેવબુદ્ધિ એટલે ભગવાનપણાની બુદ્ધિ, નિર્દોષબુદ્ધિ રાખીને તેમનો જોગ - સમાગમ - સેવા કર્યા કરવા અને સદાય તેમની અનુવૃત્તિમાં રહી પ્રભુપ્રસન્નતાનાં સાધનો કર્યાં કરવાં, જેથી તે પણ અનવદ્યાત્મા સંત જેવા લક્ષણેયુક્ત બની જાય.