ઉપસંહાર

શ્રી સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમના ૭૮મા વચનામૃતમાં કહ્યું છે :- "પછી પરમાનંદ સ્વામીએ પૂછ્યું જે સંતનાં બત્રીસ લક્ષણ કહ્યાં તે શો ઉપાય કરે તો આવે ?" પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘‘જે બત્રીસ લક્ષણે યુક્ત સંત હોય તેને વિશે ગુણબુદ્ધિ ને દેવબુદ્ધિ રાખીને મન, કર્મ, વચને એનોે સંગ કરે તો એ સંગ કરનારને વિશે પણ એ બત્રીસ લક્ષણ આવે છે.’’ એવી રીતે શાસ્ત્રમાં કહ્યું છે કે,

‘સંતને સેવે ત્યારે સંત સરખો થાય’

મુમુક્ષુએ દરેક લક્ષણ કેળવવા માટે બત્રીસ લક્ષણવાળા સાચા સંતને ઓળખીને તેમનો જોગ-સમાગમ-સેવા કરીને તેમની અનુવૃત્તિમાં રહીને સંતને રાજી કરે તો તે ભક્તમાં પણ સંતનાં બત્રીસ લક્ષણ આવે છે. માટે સત્પુરુષના સંગ જેવું બળવાન બીજું કોઈ સાધન નથી.

પૂર્ણ સંતપુરુષ મનુષ્યરૂપે પ્રગટ ન હોય ત્યારે તેમના ઉપદેશામૃતનું વાંચન, શ્રવણ, ચિંતન, મનન, નિદીધ્યાસ પણ સંત સમાગમની જ ગરજ સારે છે. માટે આ રીતે સંત સમાગમ કરી તેમના જેવા કલ્યાણકારી ગુણો આત્મસાત્‌ કરવાનો જાગૃતપણે પુરુષાર્થ કર્યા કરવો એ જ સાધકનો જીવનમંત્ર બની રહેવો જોઈએ.

અસ્તુ !

સાચા સાધુ રે (૨) સુંદર ગુણધામ, સમઝીને સતસંગ કિજીએ. ટેક૦

જીરે સંત સુલક્ષણના ભર્યા, અવગુણનો રે (૨) ઊરમાં નહિ લેશ;

મહાનુભાવ તે મુનિ ખરા, આપે સૌને રે (૨) સાચો ઉપદેશ... સમ

જીરે સંત સદા શીતળ રહે, ક્યારેય ન તપે રે (૨) કામ ક્રોધની જાળ;

લોભ તજી હરિને ભજે, ધરે ઊરમાં રે (૨) દૃઢ કરી શ્રી ગોપાળ... સમ

જીરે ત્રિભુવનની સંપત મળે, તો ય ન તજે રે (૨) અર્ધ પળ હરિધ્યાન;

બ્રહ્મરૂપ થઈ હરિ ભજે, એવા સંતને રે (૨) કીચ કંચન સમાન... સમ

જીરે એમ શુભ લક્ષણ ઓળખી, શુદ્ધ ભાવે રે (૨) કરવી સંતની સેવ;

હરિસમ હરિજન જાણવા, મુક્તાનંદ કહે રે (૨) તે તરે તતખેવ... સમ