૪. સત્ય
સત્યનો શબ્દકોષમાં અર્થ છે વાસ્તવિક, સાચું, ખરું, યથાર્થ, યોગ્ય. રાજયોગ અર્થાત્ અષ્ટાંગ યોગનાં આઠ અંગો છે - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ. તેમાંનું પ્રથમ અંગ યમ છે. આ યમ પાંચ છે - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ. તેમાંનું બીજું છે સત્ય. હકીકતોને જેવી હોય તેવી યથાર્થ જણાવવી તેનું નામ સત્ય. આપણે કરેલાં કર્મોનાં ફળ સત્ય દ્વારા પ્રાપ્ત થાય છે. એમ પાતંજલિ મુનિ જણાવે છે, ‘‘સત્યમાં સર્વકંઈ પ્રતિષ્ઠિત છે. સત્ય દ્વારા સર્વકંઈ મળે છે.’’ પાતંજલ યોગસૂત્રોમાં પાતંજલિ મુનિ કહે છે :-
सत्यप्रतिष्ठायां क्रियाफ़लाश्रयत्वम् || ३६ ||
અર્થાત્ સત્યમાં પ્રતિષ્ઠિત થવાથી સાધક કર્મો કર્યા વગર કર્મનું ફળ પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવે છે. સ્વામી વિવેકાનંદજી આ વિશે જણાવે છે કે, ‘‘જ્યારે સત્યની શક્તિ સાધકમાં દૃઢ થાય, ત્યારે સાધક સ્વપ્નમાં પણ જૂઠું નહિ બોલે. મન-વચન-કર્મથી હંમેશાં સત્યનું જ આચરણ કરશે. તે સાધકમાં વચનસિદ્ધિની શક્તિ ઉદ્ભવશે. એ જે કંઈ બોલશે તે તત્કાળ સિદ્ધ થઈ જશે. એટલે જ સંત જે આશીર્વાદ આપે તે પ્રમાણે તરત જ થઈ જતું હોય છે. અનાદિમુક્ત પૂ. શ્રી નારાયણભાઈનાં વચનો તત્કાળ સિદ્ધ થઈ જતાં એવાં અસંખ્ય ઉદાહરણો છે.
સત્ય એ મહાવ્રત છે. પ્રત્યેક વ્રત સાધકની સહિષ્ણુતા, ધૈર્ય, ત્યાગ અને મૂલ્ય ચૂકવવાની એની કેટલી તૈયારી છે તેની કસોટી કરે છે. મોટા ભાગના મનુષ્યને મતે સત્ય એટલે કેવળ સાચું બોલવું, પરંતુ મહાભારતમાં વ્યાસ મુનિએ સત્યનાં (૧૩) તેર રૂપ ગણાવ્યાં છે. તે છે : સત્યપરાયણતા, ન્યાયાચરણ, આત્મસંયમ, આડંબરહીનતા, ક્ષમા, નમ્રતા, સહિષ્ણુતા, અનસૂયા (ઈર્ષ્યા-દ્વેષનો અભાવ), દાક્ષિણ્ય, પરોપકાર, આત્મવિજય, દયા અને અહિંસા આ તેર પ્રકારે જે વ્યક્તિ આચરણ કરે તે સત્યાચરણ છે. સત્યનો માર્ગ ઉપરથી સરળ લાગે, પણ તે તલવારની ધાર ઉપર ચાલવા જેટલો કઠિન માર્ગ છે. સત્ય એ પરમ સત્ય પરમાત્માનું જ સ્વરૂપ હોવાથી સત્યના સંપૂર્ણ આચરણ વગર પરમાત્માની પ્રાપ્તિ શક્ય જ નથી બનતી. સત્ય શાશ્વત અને પૂર્ણ છે. તેનું અસ્તિત્વ નિત્ય અને શાશ્વત છે. સત્સંગનો ખરો અર્થ જ એ છે કે સત્યસ્વરૂપ એવા આત્માનો પરમ સત્યસ્વરૂપ એવા પરમાત્મા સાથે સંગ. માયા ભ્રાંતિરૂપ હોવાથી મિથ્યા તત્ત્વ છે. કેવળ આત્મા અને પરમાત્મા જ સત્યસ્વરૂપ છે. પરંતુ એ પારમાર્થિક સત્યને પામવા માટે જીવનવ્યવહારમાં પણ સાધકે મન-વચન-કર્મથી સત્યનું આચરણ કરવું અતિ આવશ્યક છે. સત્યના આચરણ સિવાય પ્રભુપ્રાપ્તિ કરવાની પાત્રતા શક્ય નથી.
સત્યનો સાચો ઉપાસક એ સિદ્ધાંતથી ચાલે છે કે ભલે મારો નાશ થઈ જાય, પણ સત્યનો તો વિજય જ થવો જોઈએ. સત્યાગ્રહીને મન જીવન એ પવિત્રતાની આરાધના છે, તેથી એ એવું કોઈ પણ કર્મ નહિ કરે જે પોતાને પ્રભુપ્રાપ્તિના માર્ગેથી વિચલિત કરે. એવો સાધક નૈતિકતાને મહત્ત્વ આપે છે, તે કોઈ પ્રલોભન કે આસક્તિને વશ થઈ જતો નથી. પરિગ્રહી ન બનતાં સંતોષને જ સાચી સમૃદ્ધિ માને છે. એ સિદ્ધાંતનિષ્ઠ હોવાથી કોઈની દયા કે ગેરમાર્ગે મળેલા ધનને સ્વીકારતો નથી. પોતાના સ્વાર્થ કે સુખ-સગવડ ખાતર ભ્રષ્ટાચાર આચરતો નથી. અનીતિ, અસત્ય, અન્યાય કે અત્યાચાર સામે ઝૂકતો નથી અને સત્યની રક્ષા કાજે પ્રાણ ન્યોચ્છાવર કરવામાં પણ પાછીપાની કરતો નથી. આવા સત્યના ઉદ્દાત્ત માર્ગે ચાલનારની ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરવાની ગજબની શક્તિ અને તૈયારી હોય છે. એવો સાધક કષ્ટ અને પીડાને પ્રભુ તરફથી મળેલો પુરસ્કાર માને છે. જે કંઈ થાય છે તે મારા હિત માટે પ્રભુની ઇચ્છાથી જ થાય છે એમ દૃઢપણે માને છે. સર્વકર્તા-હર્તાપણું એક પરમાત્માનું જ સમજે છે. એનો આ માર્ગ સ્વયંસ્વીકૃત હોઈ કોઈ પણ વિપદાને ક્યારેય દુઃખદ માનતો નથી, જ્યારે અસત્ય આચરનાર પોતાના સ્વાર્થ માટે ધન-વૈભવની પ્રાપ્તિ માટે અધર્મ, અનીતિ, અનાચાર આચરીને તે બધું મેળવે છે, પણ એ બધાં ભૌતિક સુખો એને ક્યારેય ચિત્તની શાંતિ ને પ્રસન્નતા આપતાં નથી. એનું આંતરિક જીવન અંધકારમય હોય છે. અસત્યને માર્ગે ચાલનારને અંતે દુઃખ, મનોવ્યથા, પશ્ચાત્તાપ અને પોતાના આત્મા પર અસહ્ય બોજ સિવાય કંઈ જ પ્રાપ્ત નથી થતું ! તે વધુ ને વધુ અંધકારની ગર્તામાં ઊતરતો જાય છે.
સ્વામી વિવેકાનંદજીએ સત્યનાં ગુણગાન કરતાં કહ્યું છે, ‘‘સત્ય માટે સર્વસ્વનો ત્યાગ કરી શકાય, પરંતુ કોઈ વસ્તુ માટે સત્યનો ત્યાગ કરી શકાય નહિ, સત્યનું બલિદાન આપી શકાય નહિ.’’ મહાત્મા ગાંધીજીએ સત્ય ને અહિંસાના બળે આખી બ્રિટિશ સલ્તનતને ઝુકાવી દીધેલી. તેઓ કહેતા, ‘‘આવો, આપણે ઈશ્વરથી ડરીને ચાલીએ, જેથી મનુષ્યથી ડરવાનો વારો ન આવે !’’
સત્ય બોલનારના મનમાં શાંતિ, નિર્ભયતા, હૃદયમાં સાહસિકતા, વાણીમાં નિખાલસતા અને દૃષ્ટિમાં તેજ હોય છે. અસત્ય બોલનારમાં આમાંનું કંઈ જ હોતું નથી. અસત્યનો સહારો લેનારને પોતાના આર્થિક વ્યવહારમાં, પ્રણયસંબંધ, દાંપત્યજીવન, સ્નેહીઓ, સંબંધીઓ સાથેના વ્યવહારમાં અનેક પ્રકારનો ભય સતત સતાવતો રહે છે કે રખેને પોતાનું અસત્ય, પ્રપંચ, દંભ કે છળ-કપટ પકડાઈ જાય ! અસત્યને સદાય માટે ઢાંકી શકાય એવો પડદો હજુ સુધી શોધી શકાયો નથી. એટલે જ કહેવાયું છે કે ‘સત્યમેવ જયતે’, સત્યનો જ હંમેશાં જય થાય છે.
અનાદિમુક્ત પૂ. નારાયણભાઈ પણ કહેતા કે, ‘‘કોઈ પણ ક્રિયા કરતાં પહેલાં વિચારવું કે આ કાર્ય પ્રભુને ગમશે ? જો અંતરમાં ‘હા’ પડતી હોય તો તે કાર્ય કરવું અને ‘ના’ પડતી હોય તો તે કાર્ય ન કરવું. અર્થાત્ પ્રભુને ગમતી ક્રિયા એ જ પુણ્ય છે, સત્યાચરણ છે તેમ જ ધર્માચરણ છે. પ્રભુને ન ગમતી ક્રિયા એ જ પાપ છે, અસત્યાચરણ ને અધર્માચરણ છે.’’ કેટલી સરળ વ્યાખ્યા ! જે વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ભય સતાવતો હશે તે વ્યક્તિ સંપૂર્ણપણે સત્યનિષ્ઠ નહિ બની શકે. પ્રાણાંતના ભય વખતે પણ નિર્ભય રહી જે સત્યને જ ગ્રહણ કરે છે તે વ્યક્તિ વિરલ છે ને પ્રભુકૃપાનું પાત્ર છે.
સાંભળેલી કે જોયેલી કોઈક ઘટના અંગે કે કોઈ વ્યક્તિ અંગે વધુ પડતું કહેવું કે ઓછું કહેવું, વાસ્તવિકતા હોય તેનાથી અતિશયોક્તિ કરવી કે અલ્પોક્તિ કરવી અથવા વ્યંગાત્મક રીતે કહેવું, ગોળ ગોળ અસ્પષ્ટ કહેવું આ બધા અસત્યના જુદા જુદા પ્રકારો છે. વાણીમાં રાગ-દ્વેષ અહંકાર કે અસત્ય ભળે તો તે વ્યક્તિની વાણીને નિર્બળ ને નિર્વીર્ય બનાવે છે. માટે સાધકે સત્યનો આશરો લેવો અતિ આવશ્યક છે. વ્યક્તિમાં સત્ય કાંઈ આપમેળે ટકી રહેતું નથી, તેણે તે પ્રયત્નપૂર્વક ટકાવી રાખવું પડે છે. પ્રભુમાં ને પૂર્ણસ્થિતિવાળા સત્પુરુષમાં અચલ શ્રદ્ધા એ સત્યને ટકાવવાનું પ્રેરક બળ છે. અન્યાય, અધર્મ, અનીતિ ને અસત્યનો જરૂર પડે સંઘર્ષ સાથે પ્રતિકાર કરવો કે અસ્વીકાર કરવો એ પણ સત્યના આચરણનું એક મહત્ત્વનું અંગ છે. અન્યાય, અધર્મ ને અસત્યનું આચરણ જેમ અપરાધ છે, તેમ અસત્ય ને અન્યાય સામે ઝૂકી જવું કે તેને તાબે થઈ જવું તે પણ કાયરતાપૂર્ણ અપરાધ છે. અન્યાય ને અસત્ય સામે શૂરવીર થઈ તેનો યોગ્ય રીતે પ્રતિકાર કરવો તે સત્યનું જ આચરણ છે. આપણને જે સત્ય લાગતું હોય એ ખરેખર અસત્ય પણ હોઈ શકે ને જે અસત્ય લાગતું હોય તે જ ખરેખર સત્ય હોય, માટે પ્રભુ અથવા સત્પુરુષ જેને પ્રમાણ કરે છે તે જ સત્ય છે, કારણ કે તેઓ સંપૂર્ણ સત્યસ્વરૂપ છે.
શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે :-
स्वपरद्रोहजननं सत्यं भाष्यं न कर्हिचित् || २६ ||
અર્થાત્ પોતાનો કે પારકાનો દ્રોહ થાય એવું સત્યવચન ક્યારેય ન બોલવું. અહીં વાતવાતમાં દ્રોહ થઈ જાય છે એમ માની સત્ય ન બોલવું એવું અર્થઘટન બિલકુલ કરવાનું નથી. હંમેશાં સત્ય જ બોલવું જોઈએ, પરંતુ કોઈક વખત કોઈ કટુ સત્યવચનથી પોતાની કે અન્યની પ્રાણહાનિ થવાની સંભાવના હોય કે કોઈ મોટી માનવસમૂહની કે સામાજિક હાનિ સર્જાતી હોય એ વખતે સત્યવચન ન બોલવું, પણ પ્રેમથી સમજદારીપૂર્વક વ્યાવહારિક સમસ્યાનો ઉકેલ લાવવો એવો હેતુ સમાયેલો છે. પ્રાણની રક્ષા થવાથી મનુષ્યજીવનમાં મોક્ષપ્રાપ્તિનાં સાધન થઈ શકે છે, જે બીજી યોનિમાં શક્ય નથી, માટે પ્રાણનો ક્ષય થતો હોય ત્યારે જડતાપૂર્વક સત્યવચન ન બોલાય તે હિતાવહ છે. સત્યવચન પણ હંમેશાં પ્રિય હોવું ઘટે. પરસ્પર વૈમનસ્ય વધે, સંપ તૂટે, શ્રદ્ધામાં ડગમગાટ થાય એવાં સત્યવચન ન બોલાય. તે અહિતકારી બને છે. આ વાત પણ લક્ષ્યમાં રાખવી જોઈએ.
સત્પુરુષે તો આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર કરેલો હોય છે. તેમનાથી કદીયે અસત્યાચરણ થતું જ નથી. એવા સત્પુરુષના જોગથી એમના જેવી આત્મનિષ્ઠા ને સ્વરૂપનિષ્ઠાની દૃઢતા થાય છે. સર્વોપરી પરમાત્મા જ એક અંતિમ સત્ય છે એવું અનુભવજ્ઞાન પણ સત્પુરુષના અનુગ્રહથી જ થાય છે. ઉપનિષદનો ઋષિ તેથી જ તો કહે છે - ૐ અસતોમા સદ્ગમયઃ । ઊંડા અંધારેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા !