૧૫. શાન્ત
જેમ દાન્ત લક્ષણમાં બાહ્ય દસ ઇંદ્રિયોને (પાંચ જ્ઞાનેન્દ્રિય ને પંચ કર્મેન્દ્રિય) વશ કરીને પ્રભુની આજ્ઞામાં વર્તાવવાની વાત હતી, એમ શાન્ત લક્ષણમાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ ચાર અંતઃકરણોને શ્રીજીમહારાજની આજ્ઞામાં વર્તાવે એવા સંતનાં લક્ષણની વાત છે. દાન્તમાં ઇંદ્રિયોનું દમન છે, તો શાન્તમાં અંતઃકરણનું શમન છે.
મન સંકલ્પ - વિકલ્પરૂપી તરંગોનું ઉપાદાન ક્ષેત્ર છે. 'मनः एव मनुष्याणां कारणं बंधमोक्षयोः |' મન એ જ જીવાત્મા માટે બંધન અથવા મોક્ષનું કારણ છે. મનમાં પંચવિષય સંબંધી ઘાટ - સંકલ્પ ઉત્પન્ન થઈ તેના વહેણમાં ઇરાદાપૂર્વક મનને વહેવા દેવું; કામ, ક્રોધ, લોભ, માન, મોહ, મત્સર, દંભ, કપટ, નિંદા - કુથલી, ઈર્ષ્યા, વૈમનસ્ય વગેરે દોષો અને મનોવિકારોને મનમાં પાંગરવા દેવા, વ્યભિચાર, હિંસા, ભ્રષ્ટાચાર વગેરે કુભાવોને મનમાં ઊઠવા દેવા, જાણવા છતાં સજાગપણે મનમાં એવા કુભાવોનું મનન કરવું વગેરે મનને દૂષિત અને કલુષિત કરે છે. તે માટે સાધકે મનમાં ઉદ્ભવતા એવા કુભાવોને ઊગતા જ ડામી દેવાનો પ્રયત્ન કરવો જોઈએ. શ્રીજીમહારાજ પણ જણાવે છે કે મલિન ઘાટ - સંકલ્પ કરવાથી તે ઘાટની મૂર્તિ બંધાઈ જાય છે, પછી તેમાંથી નીકળવું મુશ્કેલ થઈ જાય છે, માટે ઘાટને થતાં જ શમાવી દેવા જોઈએ. સાધકે મનને પ્રભુના સ્વરૂપના ધ્યાન - ચિંતન - મનનમાં જોડવું, પ્રભુના નામ - સંકીર્તનમાં, જપમાં રોકી સાત્ત્વિકભાવથી તથા દિવ્યભાવથી મનને ભરી દેવું જોઈએ. સત્પુરુષની વાણીમાં સત્શાસ્ત્રોના પઠન - શ્રવણ - વાંચનમાં મનનો સદુપયોગ કરવો. આ રીતે પ્રભુની આજ્ઞામાં જ તેને વર્તાવવાની ટેવ પાડવાથી મનનું વલણ સદ્પ્રવૃત્તિમાં જ વળગેલું રહેવાથી તે સ્થિર, સાત્ત્વિક ને શાંત થાય છે. આ રીતે પ્રભુની આજ્ઞામાં મનને વર્તાવવાથી તેનો નિગ્રહ સહેલાઈથી થઈ શકે છે.
મનુષ્યશરીરની એક વિશિષ્ટતા એ છે કે પ્રભુએ માનવશરીરમાં રહેલી મનની ચેતનાને વિકસિત કરીને તેને બુદ્ધિની ભૂમિકાએ પહોંચાડ્યું છે. એ બુદ્ધિ દ્વારા સાર - અસાર, સાચું - ખોટું, યોગ્ય - અયોગ્ય વગેરેનો નિર્ણય થઈ શકે છે. એ બુદ્ધિનો વ્યર્થ તર્ક-કુતર્કમાં, છળ, કપટ, છેતરપિંડી, દંભ, સ્વાર્થ વગેરેમાં દુરુપયોગ કરવામાં આવે, પ્રભુના સ્વરૂપમાં જે નિશ્ચય થયો હોય તેમાં પણ કુતર્ક દ્વારા અશ્રદ્ધા ને અનિશ્ચય બુદ્ધિ દ્વારા કરે તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, દૂષિત થઈ જાય. માટે બુદ્ધિને સત્પુરુષના ઉપદેશ દ્વારા સત્શાસ્ત્રના અભ્યાસ દ્વારા, આત્મા - પરમાત્માના સ્વરૂપના વિશુદ્ધ જ્ઞાન દ્વારા, સાંખ્યજ્ઞાન અને શુદ્ધ ઉપાસના દ્વારા પરિશુદ્ધ કરવી જોઈએ. સાર - અસાર, યોગ્ય - અયોગ્ય, સત્ય - અસત્યનો વિવેક શીખવો. પરમાત્માના સ્વરૂપનો નિષ્તર્કપણે નિશ્ચય કરવો. સ્થિતપ્રજ્ઞતા, શ્રદ્ધા, ધૈર્ય ને સંયમ વડે બુદ્ધિને વિશુદ્ધ કરવી. સ્વાર્થ, દંભ-પ્રપંચ, કાવાદાવા, કુતર્ક વગેરેથી દૂર રહી પ્રભુની આજ્ઞા મુજબ બુદ્ધિને દોરવાથી તેની ઉપર વિજય મેળવી શકાય છે.
ભૌતિક રજોગુણી, તમોગુણી, વ્યક્તિ કે પદાર્થોનું જગત સંબંધી પંચવિષય જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ તેનું મનમાં સતત ચિંતન કરવાથી નિર્મળ જણાતું ચિત્ત પણ કલુષિત બને છે. પછી તેમાં પરમાત્માનું ચિંતન કરવું દુષ્કર બને છે. માટે ચિત્તમાં હંમેશાં પરમાત્માના સુંદર સ્વરૂપનું, સત્પુરુષના ઉપદેશામૃતનું, આત્મા - પરમાત્માના સ્વરૂપનું નિરંતર ચિંતન કરવાથી, આ રીતે પ્રભુની આજ્ઞામાં ચિત્તને વર્તાવવાથી ચિત્ત દોષ રહિત, શુદ્ધ ને શાંત થાય છે.
‘હું’ ટળે હરિ ઢૂંકડા. હું શરીર છું. હું સ્વરૂપવાન, બળવાન, સમૃદ્ધિવાન, ગુણવાન, સર્વગુણ સંપન્ન છું. હું વિદ્વાન, જ્ઞાની, દાની, ભક્તિવાળો, ધાર્મિક, બુદ્ધિશાળી, સત્તાધીશ છું. હું સર્વશ્રેષ્ઠ છું, મારા જેવો બીજો કોઈ જ નથી વગેરે વગેરે. આ પ્રકારનો જીવાત્માનો ક્ષુલ્લક માયિક અહંકાર જીવાત્માની ઊર્ધ્વગતિમાં સૌથી મોટા વિઘ્નરૂપ છે. આવા તુચ્છ અહંકારથી દેહાત્મબુદ્ધિ તથા દેહના સંબંધી વ્યક્તિ અને પદાર્થ પ્રત્યે મમત્વપણું દૃઢ થાય છે. આવા અહંકારને લઈને જ રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. આવો અહંકાર દૂર કરવા મનમાં સતત પરમાત્માનું કર્તાપણું માનવું. હું કર્તા નથી. સર્વકર્તા, સર્વશક્તિમાન, સર્વગુણ સંપન્ન, સર્વજ્ઞ, સર્વાંતર્યામી તો એક પ્રભુ જ છે. હું તો તેમનો દાસાનુદાસ છું. પ્રભુ અને તેના સંતનો સેવક છું. ઇંદ્રિયો - અંતઃકરણ, ત્રણ દેહ, ત્રણ અવસ્થા, ત્રણ ગુણ, ત્રણ કાળ, કર્મ, માયા આ બધાથી પર સત્ - ચિત્ત - આનંદમય એવો શ્રીહરિની મૂર્તિમાં સળંગ રસબસભાવે રહેલો પ્રભુરૂપ એવો અનાદિમુક્ત જ છું. આવા ઉત્કૃષ્ટભાવને દૃઢ કરતા રહેવાથી માયિક અહંકારનું રૂપાંતર દિવ્ય અહંકારમાં થઈ જાય છે.
શ્રીહરિના પૂર્ણસંતમાં તો ઇંદ્રિયો - અંતઃકરણ સંપૂર્ણપણે પ્રભુમાં જોડાયેલા હોવાથી શાન્તનું લક્ષણ તેમને સહજ સિદ્ધ જ હોય છે, પરંતુ તેમના જોગ - સમાગમ - સેવામાં આવનાર સાધકને પણ સત્પુરુષના અનુગ્રહ દ્વારા શાન્તનું લક્ષણ આવે છે.
સત્પુરુષનું અંતઃકરણ પરમાત્માના સ્વરૂપમાં અખંડ જોડાયેલું હોવાથી તે પરમશાંતિ અનુભવે છે.
ભગવદ્ગીતા અધ્યાય ૬, શ્લો. ૧૫માં કહ્યું છે :-
यु ज्ज नैवं सदात्मानं योगी नियतमानसः |
शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति || १५ ||
અર્થાત્ - ‘‘વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને મારા (પરમેશ્વરના) સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠારૂપ શાંતિને પામે છે.’’
સત્પુરુષ તો પરમાત્મા સંબંધી દિવ્ય સુખ ને પરમ શાંતિ અનુભવે છે, પણ તે શાંતિ તેમના વ્યક્તિત્વમાંથી બાહ્ય વ્યવહાર જગતમાં પણ પ્રસરે છે ને તેના સંપર્કમાં આવનારને પણ મનની અલૌકિક શાંતિનો અનુભવ થાય છે. અ. મુ. પૂ. નારાયણભાઈના સાંનિધ્યમાં બેસવા માત્રથી જ પરમ શાંતિનો અનુભવ અનેક લોકોએ કર્યો છે તે વાત સુવિદિત છે.