૨૭. કારુણિક

કારુણિક એટલે દયાળુ. સંતનાં લક્ષણ ‘કૃપાળુ’માં આ લક્ષણનો ભાવ સામ્ય ધરાવે છે. કારુણિક એટલે કરુણાએ યુક્ત. કરુણા એટલે દયા, અનુકંપા. મૂળ અજ્ઞાન-અવિદ્યાનાં આવરણો જીવ પર અનાદિકાળથી રહેલાં છે. પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ છે. જ્યારે માયાના આવરણમાં રહેલા જીવો અપૂર્ણ છે. એટલે પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માને જીવોને પૂર્ણતા પ્રાપ્ત કરાવવાનો જે મૂળ સંકલ્પ તેના દ્વારા જ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ને તેમાં જીવો ઉત્ક્રાંતિમાં વિકાસ પામતા-પામતા મનુષ્યદેહ પ્રાપ્ત કરે છે ને તે દેહમાં રહેલા જીવોને પ્રભુ તથા તેમના મુક્તો મનુષ્યરૂપે પ્રગટ થઈ તે જીવોને સત્સંગમાં લાવી પોતાના સ્વરૂપનું તથા પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવી ભવસાગરમાંથી મુક્ત કરી પરમાત્માના અવિચળ, દિવ્ય શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવે છે. આમ જીવોનો મોક્ષ કરવા પ્રભુ તથા તેમના મુક્તોને કોઈ સ્વાર્થ નથી, કોઈ કારણ પણ નથી, તેમ છતાં કેવળ કરુણાને લઈને જીવો ઉપર નિષ્કારણ કૃપા વરસાવી તેમને પૂર્ણ બનાવે છે, આત્યંતિક મોક્ષ પ્રદાન કરે છે. એ તેમનું કારુણિકનું લક્ષણ છે.

આ ભવાબ્ધિ એટલે ભવસાગર - સંસાર સાગરમાં જીવોને આધ્યાત્મિક - અધિદૈવિક - અધિભૌતિક એમ ત્રણ પ્રકારનાં ત્રિવિધ તાપો - દુઃખો ભોગવવાં પડે છે. આધ્યાત્મિક એટલે મનના તથા મનોદૈહિક રોગો, હતાશા - નિરાશા, વ્યાકુળતા, ઉદ્વેગ, કામક્રોધાદિ દોષોના આવેગો - આવેશોનાં દુઃખો, શારીરિક અનેક પ્રકારના રોગો જેવા કે કફ - પિત્ત - વાયુ સંબંધી વ્યાધિઓ. અધિદૈવિક એટલે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર, ભૂકંપ વગેરે કુદરતી આફતો તેમ જ ભૂત-પ્રેતાદિક જેવા સૂક્ષ્મ સૃષ્ટિના તથા દૈવી પ્રકોપ વગેરેનાં દુઃખો. અધિભૌતિક દુઃખો એટલે શત્રુઓ, ચોર, હિંસક પ્રાણીઓ વગેેરે જીવસૃષ્ટિ તરફથી થતાં કષ્ટો. એમ ત્રિવિધિ તાપમાં જીવોને સતત તપતા રહેવું પડે છે. સંતમાં કારુણિકનું લક્ષણ વિકસેલું હોવાથી કોઈ પણ જીવને દુઃખી જોઈને સંતનું હૃદય દ્રવી જાય છે અને તેઓ અનેક ઉપાયે કરીને તે દુઃખો ટાળવાનો પ્રયત્ન કરે છે.

સંત દરેક જીવોને આત્મવત્‌ માનતા હોવાથી અને દરેકમાં પરમાત્માનાં દર્શન કરતા હોવાથી જીવોનાં દુઃખો પ્રત્યે સંવેદનશીલ હોવાથી તેમનામાં સાહજિક રીતે જ કરુણાપ્રવાહ વહે છે. કોઈ પણ જીવનાં દુઃખો દૂર કરવામાં તેઓ પાત્ર-કુપાત્ર, ઊંચ-નીચ એવો ભેદ જોતા નથી. પરમાત્મા કરુણાસાગર છે. તેમના સ્વરૂપમાં પ્રેમાદ્વૈત સધાઈ ચૂક્યો હોવાથી સંતમાં પણ કારુણિકપણાનો ગુણ સહજ રીતે જ આવે છે. તેમનો હંમેશાં એવો જ પ્રબળ સંકલ્પ રહે છે કે પ્રભુની કૃપાથી હું જેમ પૂર્ણ મુક્તિ પામ્યો છું, તેમ મારા જોગમાં, સંપર્કમાં, દૃષ્ટિમાં જે કોઈ જીવ આવે તે સર્વેને પ્રભુપ્રાપ્તિ થઈ ભવાબ્ધિમાંથી મુક્તિ મળે. એવા સત્પુરુષની દરેક ક્રિયા કેવળ જીવોનાં કલ્યાણ માટે જ હોય છે. પોતે તો પૂર્ણકામ હોવાથી તેમને કોઈની પાસે કાંઈ પણ મેળવવાની અપેક્ષા નથી. કેવળ કરુણાભાવ જ તેમને જીવોનાં દુઃખો દૂર કરવા પ્રેરે છે ને તેઓ જીવોનાં દુઃખો દૂર પણ કરે છે.

સાચા સંત મનુષ્યની વ્યાવહારિક, સાંસારિક વિટમણાઓમાં પણ તેમને યોગ્ય માર્ગદર્શન આપી તેમની મુશ્કેલીઓ ટાળે છે તેમ જ આધ્યાત્મિક માર્ગમાં આવતાં વિઘ્નો - વિક્ષેપોને પણ યથાર્થ જ્ઞાનોપદેશ ને માર્ગદર્શન દ્વારા દૂર કરે છે. એમાં પણ જે જીવાત્મા સંતને પોતાનું સર્વસ્વ અર્પણ કરી સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે તેમનું તો અનેક પ્રકારનાં કષ્ટો ટાળી પરમશ્રેય કરે છે. જીવો ઉપર તેના અસંખ્ય જન્મોના કર્મસંસ્કારોનાં આવરણો રહેલાં છે. તે કર્મો અનંત જન્મો સુધી પણ ભોગવવાથી જીવ તેમાંથી પોતાની મેળે છૂટી શકતો નથી. પૂર્વનાં પ્રારબ્ધકર્મોનું ફળ ભોગવતો જાય છે ને સાથે સાથે નવા નવા કર્મસંસ્કારો બાંધતો જાય છે એટલે અનંતકાળ સુધી તેમાંથી છૂટવું તેને માટે દુષ્કર બને છે.

અનાદિમુક્ત પૂજ્યશ્રી નારાયણભાઈ પણ કહેતા કે, ‘‘જીવોને કર્મબંધનો કદી પાર ન કરી શકાય તેવા મોટા પહાડોના પહાડો ઘેરી વળ્યા હોય એટલા છે, જ્યારે જીવને અનાદિમુક્ત એવા પૂર્ણ સત્પુરુષનો જોગ થાય છે, ત્યારે જોગ- સમાગમ - સેવા દ્વારા જીવ સત્પુરુષને પ્રસન્ન કરે તો અસંખ્ય જન્મોના તપથી પણ નિવારણ ન થઈ શકે એવાં અનંત કર્મો સત્પુરુષ પોતાની કૃપાએ કરીને બાળી નાખે છે. પોતાના આશ્રિત હરિભક્તોનાં માફ ન કરી શકાય એવાં કઠણ પ્રારબ્ધકર્મો તે પોતાના દેહ ઉપર લઈને પણ તેને ખપાવી નાખે છે. આ સંતની એક અદ્‌ભુત લીલા છે. સંતનો મનુષ્ય દેહ પણ દિવ્ય હોવાથી તેમને કોઈ પીડાનો લેશ માત્ર અનુભવ નથી થતો, પણ પોતાના દેહ દ્વારા અનેક જીવોનાં પ્રારબ્ધકર્મો ખપાવતા હોય તેવી લીલા દેખાડે છે. જીવોનાં કર્મોને પ્રભુ પાસે માફ કરાવી શૂળીનું દુઃખ કાંટે કાઢે છે અને શરણાગતને છેલ્લો જન્મ પ્રાપ્ત કરાવી આત્યંતિક મોક્ષ પણ પ્રદાન કરે છે.’’

આવા અનાદિમુક્તનું પૃથ્વી ઉપર મનુષ્યરૂપે પ્રગટ થવું તે પાત્ર જીવોને પ્રભુના દિવ્યસુખમાં ખેંચી લઈ આત્યંતિક કલ્યાણ કરવા માટે જ સ્વતંત્રપણે હોય છે. તેમને મનુષ્યરૂપે પ્રગટ થવું તે કાળ, કર્મ કે માયાને આધિન નથી હોતું, પણ સ્વતંત્રપણે પ્રભુના સંકલ્પથી જ પ્રગટ થાય છે. ભવાબ્ધિમાં બૂડેલા જીવોને કરુણા કરી તેમના અનંત જન્મોનાં કર્મોનું નિવારણ કરી પરમાત્માના દિવ્યસુખની પ્રાપ્તિ કરાવવા માટે જ મનુષ્યરૂપે તેમનું વિચરણ હોય છે. આવા મુક્ત સંત જ ખરા અર્થમાં કારુણિક છે.

સાધક અવસ્થામાં રહેલાને પોતાને જ ત્રિવિધ તાપ નડતાં હોય તે અન્યનાં ત્રિવિધ તાપોનાં દુઃખો દૂર ન કરી શકે, પણ પૂર્ણ સિદ્ધમુક્ત એવા સંતનો જોગ કરી તેમની કૃપા દ્વારા જ્યારે પોતે આત્મા - પરમાત્માનો સાક્ષાત્કાર પામી પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરે તો તેનામાં પણ કારુણિકનું લક્ષણ સિદ્ધ થઈ શકે અને તે પણ બીજા અનેક જીવોનાં ભવાબ્ધિનાં દુઃખો દૂર કરી તેમનું પણ પરમ શ્રેય સાધી શકે એવા સમર્થ થાય છે.