ભજન
સંત લક્ષણ કહે હરિ હેત શું રે,
સુણો હરિજન એકમન ચિત્ત રે;
સેવીયે એવા સંતને રે,
સદા શુભ ગુણ શોભે ત્રીસ તનમાં રે;
તેનું વિધવિધ કહું વરતંત રે. ... ... ... સેવીયે.
કૃપાસિંધુ ન કરે દ્રોહ કોઈનો રે,
ક્ષમાવંત વદન સત્ય વાણ રે;
નિંદા દ્વેષ નહિ ને ઉપકાર અતિ રે,
કામ રહિત જીતી છે ઇંદ્રિય જાણ રે. ... ... ... સેવીયે.
કોમળ નિર્મળ આચાર અતિ ઘણો રે,
સંગ્રહ રહિત લીયે છે લઘુ આહાર રે;
શીતળ હૃદયે વિચાર પામે ધર્મને રે,
સાવધાન સદા વ્યાપે નહિ વિકાર રે. ... ... ... સેવીયે.
ધીર ગંભીર દયાળુ દીસે દિલના રે,
ખટ્ ઊર્મિ ન કરે જેને ખેદ રે;
માન રહિત જે દાસપણું દાખવે રે,
સુણ્યા ગતિ દાતા જ્ઞાન અભેદ રે. ... ... ... સેવીયે.
સગાં સહુના વિવેકી વિશ્વાસી વળી રે,
ભ્રાંતિ રહિત હરિને પરાયણ રે;
અતિ નિરાશી ઉદાસી આ સંસારથી રે,
રટે નિશદિન નામ નારાયણ રે. ... ... ... સેવીયે.
સંપુરણ લક્ષણ કહ્યા સંતનાં રે,
શ્રીમુખ વચનામૃતમાંય રે;
કહ્યું શ્રીમુખે નિજાશ્રિત આગળ રે,
કહ્યું નિષ્કુળાનંદે તે પદમાંય રે. ... ... ... સેવીયે.