૨૧. ધૃતિમાન
ધૃતિમાન અર્થાત્ ધૈર્યવાન, મનની દૃઢતાવાળા, સ્થિર અને શાંત એવા પણ અર્થ થાય છે.
શ્રીમુખવાણી વચનામૃત ગ. પ્ર. ૬૧માં છે -
‘‘પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહિ તેનો શો ઉપાય છે ?પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હું દેહ નહિ, હું તો દેહથી નોખો ને સર્વનો જાણનારો એવો જે આત્મા તે છું, એવી રીતે જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશે દૃઢ થાય, ત્યારે કોઈ રીતે ધીરજ ડગે નહિ ને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહિ.’’
તથા આગળ કહે છે -
‘‘જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે, તેમ તેમ વધુ રાજી થાવું જોઈએ, જે ભગવાન જેમ જેમ મુને વધુ દુઃખ દેશે, તેમ તેમ વધુ મારે વશ થાશે અને પળમાત્ર મુજથી છેટે નહિ રહે, એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય, તેમ તેમ અતિ રાજી થાવું પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારુ પાછો પગ ભરવો નહિ.’’
આ વચનામૃતમાં ધૃતિમાનની વ્યાખ્યા તથા ધૃતિમાન થવાનો ઉપાય એ બંને બાબત શ્રીહરિ કેટલી સ્પષ્ટપણે જણાવે છે તે આપણે જોયું.
વળી વચ. ગ. પ્ર. ૫૪માં જણાવે છે :-
‘‘પછી શુકમુનિએ પૂછ્યું જે ગમે તેવો આપત્કાળ પડે ને પોતાના ધર્મમાંથી ન ખસે તે કિયે લક્ષણે કરીને ઓળખાય? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહિ, એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપત્કાળ આવે તો ય પણ એ ધર્મ થકી પડે જ નહિ, માટે જેને વચનમાં દૃઢતા છે તેનો જ ધર્મ દૃઢ રહે અને તેનો જ સત્સંગ પણ દૃઢ રહે.’’
આ વચનામૃતમાં શ્રીહરિ પરમેશ્વરના આજ્ઞાવચનમાં જે દૃઢ વર્તે તેનો ધર્મ તથા સત્સંગ દૃઢ રહે એમ જણાવે છે.
વચ. સા. ૧૩માં શ્રીહરિ કહે છે :-
‘‘માટે જેને શાસ્ત્રના વચનમાં વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થાય છે ને કલ્યાણ પણ તેનું જ થાય છે અને તે ધર્મમાંથી કોઈ કાળે ડગે જ નહિ.’’
અહીં શ્રીહરિ સત્શાસ્ત્રના વચનમાં વિશ્વાસ હોય તે જ ધર્મમાં દૃઢ રહી શકે છે એમ જણાવે છે.
આ રીતે જોતાં જેને આત્મનિષ્ઠા અતિ દૃઢ હોય, સત્શાસ્ત્રો ને સત્પુરુષોના વચનમાં દૃઢ શ્રદ્ધા ને વિશ્વાસ હોય, ભગવન્નિષ્ઠા દૃઢ હોય, ભગવાનના સ્વરૂપ સિવાય બીજે બધેથી સમ્યક્ પ્રકારે દૃઢ વૈરાગ્ય હોય, ભગવાનની આજ્ઞાપરાયણ જેનું જીવન હોય તેને ક્યારેય ધીરજ ડગતી નથી ને તેઓ ગમે તેવા આપત્કાળમાં પણ ધર્મનો ત્યાગ નથી કરતા. આવા લક્ષણવાળાને ધૃતિમાન કહેવાય છે.
વચ. ગ. છે. ૨૪માં પણ આ વાતની પુષ્ટિ કરતાં શ્રીજીમહારાજ શુકમુનિના ઉત્તરમાં કહે છે :-
‘‘ભગવાનનાં જે જે નાનાં મોટાં વચન તેની ઉપર નિરંતર જેની દૃષ્ટિ રહે, પણ વચન બહાર પગ દેવો પડે તેમાં અતિ કઠણ પડે અને તે વચનથી આગળ પગ માંડીને અધિક પણ ન વર્તે અને ઓછો પણ ન વર્તે તેને જાણીએ જે એ ધર્મમાંથી આપત્કાળે પણ નહિ પડે.’’
આ રીતે ધૃતિમાનનો અર્થ જે અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ આપ્યો છે તે વાસ્તવિક છે કે સંત આપત્કાળમાં પણ પોતાના ધર્મનો ત્યાગ કરતા નથી, કારણ કે યથાર્થરૂપે ધર્માચરણ એ ચૈતન્યની આધ્યાત્મિક ઊર્ધ્વગતિ માટે અતિ આવશ્યક અંગ છે. આપત્કાળે પણ થતું અધર્માચરણ એ ચેતનાની અધોગતિ નોતરે છે. ‘મેરૂ રે ડગે, પણ જેનાં મનડાં ડગે નહિ રે’ એ પંક્તિ અનુસાર સંતમાં એવી દૃઢ ટેક હોય છે કે ગમે તેવા માયિક પંચવિષયનો યોગ થાય અથવા કામાદિક દોષોના આવેગો પરાભવ કરવા ઊભરી આવે તો પણ જે પોતાના ધર્મમાંથી વિચલિત ન થાય એવા સંતને ધૃતિમાન કહ્યા છે. મેરૂ પર્વત પણ જો ચલાયમાન થાય, સ્થાનભ્રષ્ટ થાય તો ભલે થાય, પણ પોતાનું મન ધર્મમાંથી જરા પણ ચલાયમાન ન થાય એ ધૃતિમાનનું લક્ષણ છે. શ્રીજીમહારાજ એવા દૃઢ ધૃતિમાનના લક્ષણવાળા સંતને વીજળીના અગ્નિ સાથે તથા સમુદ્રમાં રહેલ વડવાનલ અગ્નિ સાથે સરખાવે છે. વીજળીનો અગ્નિ મેઘની ઘટામાં હોય છે, પણ બુઝાતો નથી તેમ જ સમુદ્રમાં રહેલ વડવાનલ અગ્નિ પણ સમુદ્રના જળમાં રહેવા છતાં બુઝાતો નથી. એમ પૂર્ણ સ્થિતિવાળા સંતને માટે અધર્માચરણ દ્વારા પતન શક્ય જ નથી. એ સિવાયના સાધનદશાવાળા સાધક સંતને જો પ્રમાદને લઈને સાવધાન ન રહે તો પતનની સંભાવના રહે છે.
આ બાબત વિશે અનાદિ મુક્તરાજ પૂ. નારાયણભાઈ કહેતા કે, 'There is no season for a man to be corrupt, but an enlightened person is an exception in this matter.'
અર્થાત્ માણસને બગડવાની કોઈ ઋતુ નથી હોતી. ગમે તેવો સારો લાગતો મનુષ્ય પણ પોતાનું અધઃપતન નોતરે છે, પરંતુ આત્મા - પરમાત્માના સ્વરૂપના અખંડ સાક્ષાત્કારની સ્થિતિવાળા સિદ્ધમુક્ત પુરુષ આમાં અપવાદ છે. તેઓને આ વિધાન લાગુ ન પાડી શકાય, કારણ કે તેમની પ્રભુ સાથે એકાત્મતા હોવાથી પતનની કોઈ સંભાવના જ નથી હોતી.
ધૃતિમાનનો બીજો અર્થ છે ધૈર્યવાન, જે ગમે તેવી વિકટ કે મુશ્કેલ પરિસ્થિતિ ઉદ્ભવે તો પણ તેનાથી ભય પામી બેબાકળા બન્યા સિવાય ધૈર્ય રાખીને તેનો યોગ્ય માર્ગ કાઢે છે. જીવનમાં આવતી કોઈ પણ વિષમતામાં ભયભીત થઈને પોતાની પ્રભુ પ્રત્યેની દૃઢ શ્રદ્ધા ને નિષ્ઠામાંથી ડગી જતા નથી. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ આકુળ-વ્યાકુળ થયા સિવાય કે ભય પામ્યા સિવાય પોતાના મનની સ્થિરતા ને ધૈર્ય જાળવી રાખે છે. એવી વ્યક્તિને પણ ધૃતિમાન ગણી શકાય. ધૈર્ય અને મનની સ્થિરતા જાળવવા પોતાની જાતને કેળવવાથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક માર્ગ શોધી શકાય છે. એવી કપરી મુશ્કેલીમાંથી પણ પાર પડવાનો ઉકેલ એવી ધૃતિમાન વ્યક્તિને પ્રભુકૃપાથી મળી જ રહે છે.
નાની નાની વાતમાં ગભરાઈ જનાર, કોઈ પણ કાર્યમાં ધૈર્ય ન જાળવી શકનારનું મન અસ્થિર રહે છે, તેથી તેની નિર્ણાયક શક્તિનો પણ હ્રાસ થાય છે. કોઈ પણ કાર્યમાં તે મનની એકાગ્રતા સાધી શકતો નથી. નાની નાની બાબતમાં ગભરાઈને તુરત જ પ્રતિક્રિયા આપતી વ્યક્તિને જ્યારે જીવનમાં મોટી મુશ્કેલી આવે છે, ત્યારે તેનું મનોબળ સાવ તૂટી જાય છે ને ઘણી વખત આત્મઘાતી વલણ પણ અપનાવી બેસે છે. જે વ્યક્તિ જીવનમાં બનતી રોજ-બરોજની નાની-મોટી ઘટનાઓમાં પોતાનું ધૈર્ય, સ્થિરતા ને મનોબળ તથા આત્મબળ જાળવી શકે છે તે વ્યક્તિ આધ્યાત્મિક જીવનમાં પણ ધૈર્ય રાખતાં શીખી શકે છે. એવી વ્યક્તિને સાચા સત્પુરુષ મળી જાય તો તે સત્પુરુષના યોગ્ય માર્ગદર્શન દ્વારા પોતાની આધ્યાત્મિક પ્રગતિ પણ સાધી શકે છે.
પ્રભુપ્રાપ્તિ માટેની ધ્યાન - ભજન - ઉપાસના વગેરે સાધનામાં તો ધૃતિમાનનું લક્ષણ આત્મસાત્ કરેલું અતિ આવશ્યક જ નહિ, બલકે અનિવાર્ય છે, કારણ કે પ્રભુપ્રાપ્તિની સાધનામાં આંતર-બાહ્ય અનેક પ્રકારનાં વિઘ્નોનો સતત સામનો કરવો પડતો હોય છે. ઈર્ષ્યાળુ, અજ્ઞાની ને આસુરી વ્યક્તિઓ, આસુરી પરિબળો દ્વારા થતાં વિઘ્નો, આધિ, વ્યાધિ ને ઉપાધિઓ તથા પોતાના જ ઇંદ્રિયો - અંતઃકરણ આ બધા જ વિક્ષેપો ને વિઘ્નો ઊભાં કરે છે. સાધનામાં જરાક આગળ વધે તો સૂક્ષ્મસૃષ્ટિમાં રહેલાં પરિબળો, ઈર્ષ્યાળુ દેવતાઓ, મલિન દેવતાઓ પણ વિઘ્ન નાખવા પ્રયત્ન કરે છે. એવા સાધકની ભગવાન પોતે પણ અનેક પ્રકારે કસોટી કરીને તેને તાવે છે ને તેનું શુદ્ધિકરણ કરે છે. માયાના રજ, તમ ને સત્ત્વગુણ એ ત્રણ ગુણો પણ સાધક ઉપર આક્રમણ કરે છે. આવી અનેક પ્રકારની બાહ્ય તેમ જ આંતરિક મુશ્કેલીઓમાં ધૃતિનો ગુણ ન હોય તો ધ્યેય સુધી પહોંચવું દુષ્કર બની જાય છે.
શ્રીજીમહારાજ વચ. ગ. પ્ર. ૧૫માં જણાવે છે :-
‘‘ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે, તે ધારતાં ધારતાં દશ વર્ષ થાય અથવા વીશ વર્ષ અથવા પચવીશ વર્ષ થાય અથવા સો વર્ષ થાય, તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહિ.’’
આ રીતે શ્રીહરિના વચન પ્રમાણે ભગવાનનું ધ્યાન કરવામાં પણ ધૈર્યની અતિ આવશ્યકતા છે તે જણાઈ આવે છે. આત્મામાં પ્રભુના દિવ્યસ્વરૂપનો જ્યાં સુધી સાક્ષાત્કાર ન થાય, ત્યાં સુધી ધૈર્ય રાખીને ધ્યાનસાધનાના આગ્રહવાળાને જ પ્રભુપ્રાપ્તિ શક્ય બને છે.
એક દૃષ્ટાંત કથા છે કે - નારદમુનિ વિચરણ કરતા એક વનમાંથી પસાર થાય છે. એક ઝાડ નીચે એક યોગી તપ કરતા હતા ને તેની આજુબાજુ ઊધઈનો રાફડો થઈ ગયેલો. તેણે નારદજીને પૂછ્યું, ‘‘મુનિ ક્યાં જાઓ છો ?’’ નારદજીએ કહ્યું, ‘‘વૈકુંઠમાં ભગવાનનાં દર્શને.’’ યોગીએ કહ્યું, ‘‘ભગવાનને પૂછજો કે મારો મોક્ષ ક્યારે થશે ?’’ નારદજીને આગળ ચાલતાં બીજા યોગી મળ્યા, તે મસ્તદશામાં હતા. તેમણે પણ નારદજીને પોતાના મોક્ષ માટે ભગવાનને પૂછવાનું કહ્યું. થોડા વખતે નારદજી એ રસ્તે પાછા વળ્યા. પહેલા યોગીએ પૂછ્યું કે, ‘‘ભગવાને મારા મોક્ષ વિશે શું કહ્યું ?’’ નારદજી કહે, ‘‘ભગવાને એમ કહેવડાવ્યું છે કે તમારે હજી બીજા ચાર જન્મ લેવા પડશે અને ત્યાર બાદ તમારો મોક્ષ થશે.’’ આવું સાંભળતાં યોગી રૂદન કરવા લાગી ગયા કે, ‘‘અહો ! હજી ચાર જન્મ લેવા પડશે !’’ પછી નારદજી મસ્તદશાવાળા યોગી પાસે ગયા. તેમણે પણ એ જ પૂછ્યું કે ‘ભગવાને મારા મોક્ષ વિશે શું કહ્યું છે ?’ નારદજીએ કહ્યું, ‘‘ભગવાને કહેવડાવ્યું છે કે જે આમલીના ઝાડ નીચે તમે તપ કરો છો એ ઝાડમાં જેટલાં પાન છે એટલા યુગ જશે ત્યારે મોક્ષ થશે.’’ આવું સાંભળતાં યોગી તો નાચવા લાગી ગયા કે, ‘‘હાશ ! ચાલો, મારો સમય નક્કી થઈ ગયો કે આટલા યુગ પછી મારો મોક્ષ થશે !’’ યોગીની આટલી બધી શ્રદ્ધા ને ધૈર્ય જોઈને પ્રભુએ એ જ ક્ષણે તેના બધા યુગ પૂરા કરી દઈ તેને મુક્તદશાને પમાડી દીધા.
સાધકમાં આવી અખૂટ શ્રદ્ધા ને ધૈર્ય હોય તો જ સાધના પરિપૂર્ણ થઈ શકે છે. માટે જે સંતે ધૃતિમાન લક્ષણ સિદ્ધ કર્યું હોય તેનો જોગ કરી તેની કૃપા સંપાદન કરવાથી સાધકને પણ આ લક્ષણ સિદ્ધ થાય છે.