૧૦. મૃદુ

જેના ચિત્તમાં કોઈને વિશે દ્વેષભાવ, શત્રુભાવ ન હોય, સર્વજીવો પ્રત્યે સદાય દયા ને કરુણા વહેતા હોય એવા સંતને મૃદુ કહેવાય. રાગ-દ્વેષરૂપ કષાયોથી રહિત તથા કામ, ક્રોધ, લોભ, મોહ, માન વગેરે અંતરશત્રુઓથી રહિત થવાથી ઇંદ્રિયો - અંતઃકરણની શુદ્ધતા થાય છે. અંતઃકરણની શુદ્ધ સત્ત્વમય એવી શુદ્ધિ આવવાથી ચિત્તમાં કોમળતા, મૃદુતા આવે છે. આવા મૃદુ સ્વભાવના સંતમાં ક્યારેય કોઈ પ્રત્યે તેમનાં વાણી ને વર્તનમાં કટુતા પ્રગટ થતી નથી. બધા પ્રત્યે તેમનો નિરાસક્ત પ્રેમ અને કરુણા વહેતા રહે છે. અમુક મર્યાદિત વ્યક્તિ કે પદાર્થમાં આસક્તિરૂપ સંકુચિત પ્રેમ એ અશુદ્ધ પ્રેમ છે. જ્યારે બધા પ્રત્યે સહૃદયતા, વાત્સલ્ય, વિશ્વબંધુત્વની વિશાળ ભાવના કેળવાય, ત્યારે તેનો વિશુદ્ધ પ્રેમ સમગ્ર વિશ્વને આવરી લે છે. એવો વિશુદ્ધ પ્રેમ ચિત્તને નિર્મળ બનાવે છે. પરમાત્મા પ્રત્યેના તીવ્ર અનુરાગ સિવાય આવો પ્રેમ સંભવી શકતો નથી. પરમાત્માના સ્વરૂપમાં જ્યારે પરાપ્રેમ - પરાભક્તિ પ્રગટ થાય, ત્યારે સાધકહૃદયમાં રહેલો સંકુચિત પ્રેમ વિરાટ મહાસાગર બની સમગ્ર વિશ્વને આવરી લે છે ત્યારે જ ચિત્તની મૃદુતા વિકસિત થાય છે.

મૃદુ સંતમાં વાણી તેમ જ વર્તનમાં વિનમ્રતાનો ગુણ પ્રગટેલો હોય છે. ક્યાંય કોઈની પ્રત્યે કડવાશ, વૈમનસ્ય કે બદલાની ભાવના ઉદ્‌ભવતી નથી, કારણ કે તેમનું ચિત્ત રાગ-દ્વેષ રહિત હોવાથી કોઈ પ્રત્યે તિરસ્કારની કે ઘૃણાની ભાવના જન્મતી નથી. બધા પ્રત્યે અપાર પ્રેમ અને કરુણાની સરવાણી સદાય વહેતી રહે છે. તેમના સાંનિધ્યમાં રહેનારના પણ દ્વેષ, નિષ્ઠુરતા, અહિંસા, ક્રૂરતા વગેરે દોષોના અંકુરો બળી જાય છે.

પૂર્ણસ્થિતિવાળા સંતને આત્મા-પરમાત્માનો અખંડ સાક્ષાત્કાર હોવાથી દરેક અણુ-પરમાણુમાં, દરેક વ્યક્તિ કે પદાર્થમાં સર્વત્ર પરમાત્માનાં દર્શન થતાં હોવાથી પરમાત્માના અનંત કલ્યાણકારી ગુણો તેમનામાં પૂર્ણરૂપે વિકસેલા હોય છે. એટલે મનુષ્યરૂપે વિચરતા સત્પુરુષમાં સાહજિક રીતે જ સ્વભાવમાં મૃદુતા અને સરળતા રહેલા હોય છે. અપકાર કરનાર અજ્ઞાની જીવો ઉપર પણ તેઓ ઉપકાર જ કરતા હોય છે. કૃતઘ્નીના સંગનો ત્યાગ કરવાની શ્રીહરિની આજ્ઞા છે, તેમ છતાં સત્પુરુષો એવા કૃતઘ્ની ઉપર પણ કરુણા વરસાવે છે ને તેમનું સર્વપ્રકારે હિત થાય એવું જ શુભચિંતન કરે છે.

પરમાત્મા વિશે કહેવાય છે કે, ‘કોમળતા કુસુમ થકી ન્યારી ને કઠોરતા વજ્ર થકી ભારી.’ આમાં કહેવા એ માગે છે કે ભગવાનની ભક્તિ કરતા હોય, ભગવાનની આજ્ઞા અણિશુદ્ધ પાળતા હોય, ભગવાનની પ્રસન્નતાનાં ધ્યાન - ભજન - ઉપાસના વગેરે સાધનો કરતા હોય એવા ભગવાનને અતિ વહાલા ભક્તો માટે પ્રભુ કુસુમ અર્થાત્‌ પુષ્પ જેવા કોમળ રહે છે, પરંતુ એવા અનન્ય ભક્તનો કે સિદ્ધ મુક્તપુરુષનો કોઈ અજ્ઞાની - અસુરી જીવ દ્રોહ કરતો હોય, કોઈ પણ પ્રકારે કષ્ટ આપતો હોય ત્યારે ત્યાં પ્રભુ કોમળતા ન રાખતાં તેવા અજ્ઞાની - આસુરી જીવને કઠોરપણું વાપરી શિક્ષા પણ કરે છે. શ્રીહરિ કહે છે કે એવા ભક્તના અપરાધીનો અપરાધ અમે માફ નથી કરતા. બીજું બધું માફ કરીએ છીએ, પણ ભગવાન ભક્તનો દ્રોહ કરવારૂપ અપરાધ માફ નથી કરતા. કોઈ આજ્ઞાનું ઉલ્લંઘન કરી, ધર્મમાં ન વર્તતા હોય એવા સ્વચ્છંદી મનુષ્યોને પણ પ્રભુ કઠોરતા વાપરી, ક્રોધ પ્રદર્શિત કરી તેના દોષોને સુધારવા કઠોરપણું પ્રગટ કરે છે. આવશ્યક શિક્ષા કરીને પણ તેને સુધારે છે. આમ પ્રભુનો મૃદુ સાથે કઠોરતાનો પણ ગુણ છે, પરંતુ તે જીવના હિત માટે જ છે, જીવના ઊર્ધ્વીકરણ માટે જ છે.

પૂર્ણ સંતમાં પણ પરમાત્માનું સાધર્મ્યપણું હોવાથી મૃદુ સાથે ક્યારેક કઠોરપણાનો ગુણ પણ જણાય છે. જેથી જીવો ધર્મમાં ને પ્રભુની આજ્ઞામાં યથાર્થ રીતે વર્તી પોતાનું ઊર્ધ્વીકરણ સાધી શકે.

અનાદિમુક્ત પૂ. નારાયણભાઈ પણ પોતાના અંતરંગ શિષ્યોને જણાવતા કે, ‘‘મારામાં ક્રોધનો અંશ પણ નથી, પરંતુ તમારા બધાના અમુક દોષોને દૂર કરવા શ્રીજીમહારાજ મારામાં રહીને તમને ક્રોધનાં દર્શન કરાવે છે !’’ એટલે સત્પુરુષ મૃદુ હોવા છતાં ભક્તોના દોષો અને દુર્ગુણોને દૂર કરવા ક્યારેક કઠોરપણું પણ જણાવે છે, પરંતુ તે કઠોરતા ભક્તને અધોગતિને માર્ગે જતા અટકાવતી હોવાથી ભક્તો માટે તો તે મૃદુતા જ ગણાય. કઠોરતાની સાથે સાથે અપાર પ્રેમ આપી મુમુક્ષુને પ્રભુપ્રાપ્તિને માર્ગે પ્રગતિ કરાવે છે તે તેમની વિશિષ્ટતા છે. આ વાત સૂક્ષ્મબુદ્ધિવાળો મુમુક્ષુ જ સમજી શકે છે. બીજા દેહાભિમાની જીવોને સત્પુરુષનું કડક વર્તન અપમાનજનક લાગે છે ને તેથી તે સત્પુરુષમાં મનુષ્યભાવ પરઠી અભાવ લે છે તેથી તેને લાભને બદલે હાનિ થાય છે. એવા જીવો ઉપર પણ સત્પુરુષ તો કરુણા જ વરસાવી તેનું સર્વપ્રકારે મંગલ જ ઇચ્છે છે.

સાધકને આ મૃદુનું લક્ષણ કેળવવા માટે મૃદુગુણ કેળવેલા સત્પુરુષનો જોગ - સમાગમ - સેવા કરી તેમની વાણી - વર્તનનું બારીકાઈથી અવલોકન કરી પોતાના જીવનમાં તેનો અમલ કરે તો સાધકમાં પણ મૃદુગુણ વિકાસ પામી શકે છે.