૩. તિતિક્ષુ
તિતિક્ષુનો શબ્દકોષ પ્રમાણે ક્ષમાવાન, સહિષ્ણુ, સહનશીલ એવો અર્થ થાય છે. આ જીવાત્માને મનુષ્યજન્મ આવે ત્યારે જીવનમાં અનેક પ્રકારની વિટમણાઓ, કષ્ટો, પીડાઓ, મુશ્કેલીઓ વગેરે સહન કરવાનું આવે છે. આધિ - વ્યાધિ - ઉપાધિ, અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ એ ત્રિવિધ તાપો સહન કરવાં પડે છે. આધિ એટલે મન સંબંધી તકલીફો જેવી કે ચિંતા, હતાશા, મનોવ્યથા વગેરે. વ્યાધિ એટલે વિવિધ પ્રકારની શારીરિક બીમારીઓ, રોગો અને ઉપાધિ એટલે અનેક પ્રકારની આફતો, મુશ્કેલીઓ. આધિભૌતિક અર્થાત્ પાર્થિવ, શારીરિક રોગાદિ તકલીફો તથા અન્ય જીવો દ્વારા સર્જાયેલી તાડન, શિક્ષા, સજા વગેરે તકલીફો. આધ્યાત્મિક અર્થાત્ મનસંબંધી, અંતઃકરણ સંબંધી તકલીફો તથા આધિદૈવિક એટલે આસુરી અદૃષ્ટ શક્તિઓ દ્વારા આવતી આફતો જેમ કે ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ તથા કુદરતી હોનારતો જેવી કે દુષ્કાળ, ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર, વાવાઝોડાં વગેરે. આ બધું તો જન્મ ધર્યો એટલે સહન કરવું જ પડે તેમાં છૂટકો નથી. આવાં બધાં દુઃખોને સામાન્ય માનવી સતત રોષ પ્રગટ કરતો, અન્ય પાસે દુઃખોની ફરિયાદો કરતો, રુદન કરતો ભોગવતો રહે છે. પોતાના નસીબને કોસીને પરમાત્માને પણ ગાળો દ્વારા નવાજતો હોય છે. તેને કોઈ પણ આપત્તિ કે કષ્ટમાં પોતાની ભૂલો દેખાતી જ નથી. બધા દોષોનો ટોપલો બીજા ઉપર ઠાલવી દેવાની તેની આદત હોય છે.
સામાન્ય માનવીની કષ્ટો અને આપત્તિઓને સહન કરવાની આ રીતથી સંતપુરુષોની કષ્ટો સહન કરવાની રીત બિલકુલ વિપરિત હોય છે. તેઓ બધાં પ્રકારનાં કષ્ટોને, પીડાઓને પ્રસન્ન ચિત્તે સહન કરે છે. તેમણે આત્મનિષ્ઠા ને ભગવન્નિષ્ઠા દ્વારા પોતાના ઇંદ્રિયો અંતઃકરણ ઉપર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધેલું હોવાથી ત્રિવિધ તાપમાં ક્યારેય તપતા નથી અર્થાત્ ઉદ્વિગ્ન થતા નથી, વિચલિત થતા નથી. આ જગતની દ્વંદ્વાત્મક પરિસ્થિતિ જેવી કે માન-અપમાન, સુખ-દુઃખ, હર્ષ-શોક, લાભ-હાનિ, નિંદા-સ્તુતિ અનુકૂળતા- પ્રતિકૂળતા, શીત-ઉષ્ણ, પ્રિય-અપ્રિય, શુભ-અશુભ વગેરેમાં સ્થિર અને સ્થિતપ્રજ્ઞ રહી શકે છે. ગમે તેવા અજ્ઞાની ને આસુરી જીવોના અપરાધોને પણ સહન કરી ક્ષમા પ્રદાન કરે એવા ક્ષમાવાન હોય છે.
શ્રીજીમહારાજ શિક્ષાપત્રીમાં કહે છે :-
गालिदानं ताडनं च कृतं कुमतिभिर्जनैः |
क्षन्तव्यमेव सर्वेषां चिन्तनीय हितं च तैः || २०१ ||
અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઈક કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું, પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહિ અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. શિ. શ્લો. ૨૦૧
આમ તિતિક્ષુ ગુણ કેળવી સાધુમાંથી સાચા સંત બનવા માટે શ્રીહરિએ ઉપર્યુક્ત આજ્ઞા કરી છે. ગમે તેવા અજ્ઞાની, આસુરી જીવો ગાળો દે, અપમાન કરે કે માર મારે તો તે બધું સહન કરવું, પણ સામે ગાળ ન દેવી તથા પ્રતિકારરૂપે સામે મારવું પણ નહિ. આટલું જ માત્ર નહિ, પણ તેનું હિત થાય એવું જ ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ ન કરવો. આ વચનો વાંચવામાં જેટલાં સરળ લાગે છે એટલાં જ વર્તનમાં ઊતારવા મુશ્કેલ છે. આ તિતિક્ષુના ગુણની પરાકાષ્ઠા છે ને બહુ જ કઠીન તપશ્ચર્યા છે. પરમાત્માનો તિતિક્ષારૂપ આ ગુણ પરમાત્મારૂપ થયેલા સંતમાં જ પૂર્ણપણે વિકસિત હોય છે. જીવાત્માના ગમે તેવા નિકૃષ્ટ અપરાધોને પણ ક્ષમા અર્પવી એવા સર્વોચ્ચ ક્ષમાવાન તો પરમાત્માના સિદ્ધ મુક્તો જ હોય છે.
શ્રીજીમહારાજે તથા તેમના સમકાલિન સંતો - હરિભક્તોએ અજ્ઞાની ને આસુરી જીવોના અનેક પ્રકારનાં અપરાધો ને કષ્ટોને સહન કરીને ક્ષમા આપી છે એવાં હજારો ઉદાહરણો સત્સંગના ઇતિહાસમાં નોંધાયેલા છે. શ્રીજીમહારાજ આણંદ ગામમાં પધારેલા ત્યારે દ્વેષીજનોએ કાદવ, છાણાં, પથ્થરો મારી ખૂબ જ અપમાન કરેલું. એ વખતે વડતાલના ભયંકર લૂંટારા એવા જોબનપગી તથા અન્ય શૂરવીર કાઠી હરિભક્તો સાથે હતા, તો પણ શ્રીહરિએ તે સર્વેની પ્રતિશોધની ભાવના ત્યાગ કરાવી ક્ષમા કરતાં શિખવાડ્યું હતું. અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ માનકૂવા ગામની સભામાં કોઈ દ્વેષીએ પથ્થર માર્યો તેને પણ ક્ષમા આપી તેના આત્યંતિક કલ્યાણનો સંકલ્પ કરેલો.
‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ ક્ષમા એ વીર પુરુષનું ભૂષણ અર્થાત્ ઘરેણું છે. નિર્બળ વ્યક્તિનો કોઈ અપરાધ કરે ત્યારે એ સામે પ્રતિકાર ન કરી શકે એ ક્ષમા નથી. એ તો પોતાની નબળાઈ કે કાયરતાને લીધે પ્રતિકાર કરી શકતો નથી અને સમસમીને બેસી રહે છે, પણ મનમાં ક્રોધનો દાવાનળ ભભૂકતો રહે છે. જ્યારે વીર અને સમર્થ વ્યક્તિ પ્રતિકાર કરવા માટે પૂર્ણ રીતે સક્ષમ હોવા છતાં અપરાધીને હૃદયથી ક્ષમા પ્રદાન કરે છે. આ બહુ મોટો તફાવત છે. આમ અપરાધીને ક્ષમા અર્પવાથી ક્ષમા આપનારનાં પાપકર્મો અપરાધીને વળગે છે ને અપરાધીનાં પુણ્યકર્મો ક્ષમાવાનને મળે છે. સાચા સંત હંમેશાં ક્ષમાવાન રહે છે.
ક્ષમા એ સાત્ત્વિક શક્તિ છે. તે હકારાત્મક શક્તિ અર્થાત્ possitive energy છે. ક્ષમા આપવાથી સાધકનું ચિત્ત ઉદ્વિગ્ન થતું નથી એટલે આધ્યાત્મિક સાધનામાં વિક્ષેપ રહિત એકાગ્ર થઈ શકે છે અને ક્ષમાનો ગુણ વિકસિત થયેલો ન હોય તો ચિત્ત ઉદ્વિગ્ન થઈ તમોગુણ વ્યાપે તેથી સાધનામાં વિક્ષેપ આવે અને ક્રોધ, તિરસ્કાર, ધિક્કાર, વૈમનસ્ય વગેરે નિકૃષ્ટ ભાવના ઉદ્ભવવાથી સાધકની આધ્યાત્મિક ઊર્ધ્વગતિ અવરોધાય એટલે સાધક માટે ક્ષમાવાન બનવું અતિ આવશ્યક છે. આવો ગુણ કેળવવા માટે સાધકને સાંખ્યજ્ઞાને કરીને આત્મનિષ્ઠા અને ભગવન્નિષ્ઠા દૃઢ કરવાથી તિતિક્ષુનું લક્ષણ સિદ્ધ થાય છે.