૨૫. કલ્પ
‘કલ્પ’ના શબ્દકોષ પ્રમાણે શાસ્ત્રની વૈકલ્પિક આજ્ઞા, સિદ્ધાંત, પ્રસ્તાવ, નિર્દેશ વગેરે જેવા અર્થો પણ થાય છે, પરંતુ અહીં અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીએ કરેલો અર્થ સંતના લક્ષણરૂપે યથાર્થ છે. જે સત્પુરુષને આત્મા - પરમાત્માના સ્વરૂપની સાક્ષાત્કાર અનુભૂતિ હોય તેમને તો પરમાત્માના સ્વરૂપ સંબંધી દિવ્ય સુખ માણવું એ સિવાય બીજા કશાની અપેક્ષા જ ન હોવાથી કોઈ પણ વિષયમાં તેમને આસક્તિ થવાની કોઈ સંભાવના જ નથી હોતી. મુમુક્ષુ સાધકને પણ તેઓ આત્મા - પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપીને ભૌતિક પંચવિષય સંબંધી આસક્તિને દૂર કરી પરમાત્માના સ્વરૂપમાં કેવી રીતે જોડાવું તેની સ્પષ્ટ સમજણ આપે છે ને નિરાસક્ત થવાની યુક્તિ શિખવે છે.
આ જીવાત્માને અનંત જન્મથી ભૌતિક પંચવિષય સંબંધી વાસના કારણશરીર સાથે વળગેલી છે. ભગવાને ઇંદ્રિયો - અંતઃકરણરૂપી ઉપકરણો આપેલાં છે જેના દ્વારા જીવ બાહ્ય વિષયોને ગ્રહણ કરીને તે સંબંધી સુખ-દુઃખનો અનુભવ કરે છે. સુખાનુભૂતિ કરાવતા વિષયોમાં તેને સહેજે જ રાગ ઉત્પન્ન થાય છે અને દુઃખની અનુભૂતિ કરાવનારા વિષયો પ્રત્યે સહેજે જ અણગમો અર્થાત્ દ્વેષ ઉત્પન્ન થાય છે. એમ રાગ અને દ્વેષની લાગણી અહંવૃત્તિ સાથે જોડાયેલી હોવાથી જીવાત્મા પોતાને અજ્ઞાનને લઈને સુખી-દુઃખી માને છે. પંચજ્ઞાનેન્દ્રિયો શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, રસના ને ઘ્રાણ તથા પંચકર્મેન્દ્રિયો વાક્, પાણિ, પાદ, પાયુ અને ઉપસ્થ એમ દશ ઇંદ્રિયો ને ચાર અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર દ્વારા બાહ્ય પંચવિષયોને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધને ગ્રહણ કરે છે. પછી તેમાં પોતાની કર્તુવૃત્તિ, કર્તાપણાનો ભાવ ભળે છે એટલે ચિત્તમાં સંસ્કારો બાંધી કર્મબંધન પામે છે ને તેના ફળરૂપે સુખ-દુઃખનો અનુભવ કરે છે.
વસ્તુગતે બાહ્ય ભૌતિક વિષયમાં જીવાત્માને જે આનંદ મનાય છે એ પોતાના આત્માનો, પોતાના સ્વરૂપનો જ આનંદ હોય છે, પણ ઇંદ્રિયો અંતઃકરણના માધ્યમ દ્વારા પ્રતિબિંબિત થઈને અનુભવાતો હોવાથી તેને તે આનંદ બહારથી આવેલો છે એમ અજ્ઞાને કરીને મનાય છે. દા. ત. બાહ્ય વિજાતીય રૂપ ચક્ષુ ઇંદ્રિય દ્વારા જોવામાં આવે તેની સાથે વાસનાના તરંગરૂપે મન ચક્ષુ ઇંદ્રિય દ્વારા તેને ગ્રહણ કરીને મગજમાં રહેલા દર્શનકેન્દ્રમાં પહોંચાડે, બુદ્ધિ તેનો નિર્ણય-નિશ્ચય કરે ને આત્મા પાસે તેને રજૂ કરે એટલે આત્માને રૂપનું જ્ઞાન થાય અને પોતાના જ સ્વરૂપમાંથી બાહ્યરૂપે પ્રતિબિંબિત થયેલા આનંદને અજ્ઞાનને લઈને બહારના રૂપમાંથી આવેલો માનીને આનંદ અનુભવે છે, કારણ કે ઇંદ્રિયો - અંતઃકરણ તો ભૌતિક તત્ત્વોના બનેલા છે. જો સ્થૂળ શરીરમાં જીવાત્મા જ ન હોય તો તે ભૌતિક ઉપકરણોની કોઈ જ કિંમત નથી. મૃત શબની પાસે ગમે તેવા સુંદર ને રમણીય પંચવિષય મૂકવામાં આવે તો તે શબ કોઈ જ પ્રતિક્રિયા આપતું નથી, કારણ કે તેનો ભોક્તા એવો જે જીવાત્મા તેની ત્યાં હાજરી નથી એટલે કર્તા ભોક્તા એવો જે જીવાત્મા તે રાગ-દ્વેષયુક્ત અહંકારની વૃત્તિને લઈને અજ્ઞાને કરીને ભૌતિક વિષયમાંથી પોતાના જ આનંદને પ્રતિબિંબિત કરીને માણે છે. જેમ કૂતરું સૂકું હાડકું લાવીને ચાવે તો પોતાના જ મોઢામાંથી મોઢું છોલાઈને નીકળતા લોહીનો સ્વાદ માણી આનંદ માને છે ને માને છે કે તે હાડકાના ટુકડામાંથી લોહી આવ્યું છે. એમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ બધા પંચવિષય સંબંધી સમજવું.
સત્પુરુષ મુમુક્ષુ આત્માને આ જ્ઞાન કરી સમજાવે છે કે સર્વોત્કૃષ્ટ સુખ તો પરમાત્માના દિવ્ય સ્વરૂપમાં જ છે. બીજે રહેલું પંચવિષયાત્મક ભૌતિક સુખ તો સુખનો આભાસ માત્ર છે, પણ તે સત્ય નથી. મૃગજળ જેવું મિથ્યા સુખ છે. અને ઇંદ્રિયો - અંતઃકરણરૂપ ઉપકરણો બાહ્ય ભૌતિક પંચવિષય સંબંધી સુખ માણવા માટે જ નથી, પણ એ જ ઇંદ્રિયો - અંતઃકરણોનો ઉપયોગ પરમાત્માના સ્વરૂપ સંબંધી જ સુખ માણવા માટે કરવામાં આવે તો જીવાત્મા નિરાસક્ત - નિર્વાસનિક થઈને પ્રભુના સ્વરૂપમાં જોડાઈ શકે છે. પરિણામ સ્વરૂપે આત્મામાં પરમાત્માના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરી તે સંબંધી દિવ્ય સુખનો અખંડ આનંદ માણી શકે છે. ભૌતિક વિષયોનું સુખ તો ક્ષણભંગૂર, મિથ્યા ને આભાસી છે, જ્યારે પરમાત્મા સંબંધી સુખ તો દિવ્ય ને અવિચળ છે, શાશ્વત છે.
આવું વાસ્તવિક જ્ઞાન સત્પુરુષ મુમુક્ષુઓને કરાવી તેમને ભૌતિક વિષયની આસક્તિથી રહિત કરી આત્યંતિક મોક્ષ પ્રદાન કરે છે. એટલે એવા સત્પુરુષને કલ્પ કહેવામાં આવે છે. જીવાત્માને આવું આત્યંતિક મોક્ષ પ્રદાન કરવાનું કાર્ય કરવામાં કેવળ સત્પુરુષ જ સક્ષમ - સમર્થ હોય છે, કારણ કે તેમણે પોતે એવી પૂર્ણસ્થિતિ સ્વાનુભવથી મેળવેલી હોય છે અને તેની પ્રાપ્તિ કેવી રીતે કરવી એની યુક્તિ અને સંપૂર્ણ જ્ઞાન તેઓ જ ધરાવતા હોવાથી તેઓ કલ્પ ગુણે યુક્ત છે. સાધક પણ જો આવા કલ્પનું લક્ષણ સિદ્ધ કરેલા સત્પુરુષ દ્વારા યથાર્થ જ્ઞાન મેળવી પોતાના જીવનમાં તેને આત્મસાત્ કરે તો તેને પણ આ કલ્પનું લક્ષણ સિદ્ધ થઈ જાય અને તે બીજા મુમુક્ષુઓને માર્ગદર્શન આપવામાં સમર્થ બની જાય.