૮. કામૈરહતધી
જીવાત્મા ઇંદ્રિયો દ્વારા જે વિષયને ભોગવે છે તે વિષય અર્થાત્ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. મુખ્યતયા આ પાંચ પ્રકારના વિષય છે. આ પંચવિષય ઇંદ્રિયો દ્વારા ગ્રહણ કરી જીવાત્મા તે સંબંધી સુખ - દુઃખ ભોગવે છે. વિષયોમાં પણ કેટલાક શુભ છે ને કેટલાક અશુભ છે. કેટલાક સુખદાયી છે ને કેટલાક દુઃખદાયી છે. પરમાત્માએ જીવોને માનવ દેહ આપ્યો છે તે પણ જીવાત્માને પોતાના સ્વરૂપનું અને પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય અને આ ભવબંધનમાંથી મુક્ત થાય તે માટે જ આપ્યો છે. બાહ્ય વિષયોને ગ્રહણ કરવા માટે ઇંદ્રિયો - અંતઃકરણરૂપ સાધનો પણ આપ્યાં છે. પૂર્વજન્મોનાં ને આ જન્મનાં કર્મોનો ભોગવટો કરવા માટે આ ઉપકરણો છે.
અહીં આ વિશે વધુ સ્પષ્ટતા કરીએ.
આપણું અંતઃકરણ ચાર પ્રકારનું છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તેમાં ચિત્તમાં આપણા અનેક જન્મોનાં કર્મો સંસ્કારરૂપે બીજરૂપે કારણ અવસ્થામાં પડેલાં છે. દરેક કર્મોની તે કર્મ શુભ હોય કે અશુભ એ દરેક ક્રિયાની પ્રતિક્રિયારૂપે આપણા ચિત્તમાં એની છાપ અંકિત થઈ જાય છે એને સંસ્કાર કહેવામાં આવે છે. હું આ સ્થૂળ શરીરરૂપ છું એમ અનેક જન્મોથી જીવાત્માને દેહાત્મબુદ્ધિ દૃઢ થઈ છે એ અહંકાર છે. તેમાં અહંમમત્વની ભાવના તથા કર્તૃર્વૃત્તિ (કર્તાપણાની ભાવના) રહેલાં છે. રાગ-દ્વેષરૂપ કષાયો અર્થાત્ અનંત પ્રકારની વાસનાઓથી ચિત્ત ભરેલું છે. સ્થૂળ - સૂક્ષ્મ શરીર દ્વારા જાગૃત અથવા સ્વપ્નાવસ્થામાં જે જે પ્રકારનાં સ્થૂળ - સૂક્ષ્મ કર્મો થાય છે તેના સંસ્કાર ચિત્તમાં બંધાઈ જાય છે. આ સંસ્કારો પરમાત્માની સર્વવ્યાપી બ્રહ્મરૂપ - ચિદાકાશરૂપ શક્તિ દ્વારા કારણ શરીર સાથે વળગી જાય છે.
ક્રિયમાણ, સંચિત ને પ્રારબ્ધ એ ત્રણ પ્રકારનાં કર્મો છે. તેમાં ક્રિયમાણ કર્મો એટલે કોઈ પણ પ્રકારની ક્રિયા ને તેનું ફળ તત્કાળ મળે અને અમુક પ્રકારનાં કર્મો તરત ફળ ન આપે, પણ સંચિતમાં પડી રહે તે સંચિત કર્મો કહેવાય અને એ પરિપક્વ થઈને ફળ આપે એવા થાય એ પ્રારબ્ધ કર્મો છે. તે પ્રારબ્ધ કર્મો તેના ભોગવટા સિવાય બળતાં નથી. કર્મફળપ્રદાતા એવા પરમાત્મા જીવોને તે કર્મફળ સુખ-દુઃખરૂપે ભોગવાવે છે. કેવળ પરમાત્મા અથવા પૂર્ણ સત્પુરુષ જ જીવોનાં પ્રારબ્ધકર્મોનો નાશ કરી શકે, બાકી તે જીવાત્માને કર્મોનાં ફળ અવશ્ય ભોગવવાં જ પડે. આ કર્મની philosophy તેનું વિજ્ઞાન ઘણું વિશાળ ને ગહન છે. તેનો સમાવેશ આ ગ્રંથમાં શક્ય ન હોવાથી અહીં સંક્ષિપ્તમાં જ મૂકવાનો પ્રયાસ કર્યો છે.
બાહ્ય વિષયોની ઉત્તેજના દ્વારા કર્માશયમાં પડેલી સંસ્કારરૂપ વાસના જાગી ઊઠે છે અને મન ઇંદ્રિયો દ્વારા બહાર આવીને વિષયોને ગ્રહણ કરે છે અને આત્મા સામે તેને પ્રગટ કરે છે તેથી આત્માને દેહાત્મબુદ્ધિ - અહંકારને લઈને તેના સુખ - દુઃખનો અનુભવ થાય છે. આત્મા પોતે જ આનંદરૂપ, સુખરૂપ હોવાથી તેનો પોતાનો જ આનંદ ઇંદ્રિયો - અંતઃકરણ દ્વારા પંચવિષયરૂપે પ્રતિબિંબિત થવાથી તેને એ આનંદ બહારના વિષયમાંથી મળેલો લાગે છે.
શ્રીજીમહારાજે વચનામૃતમાં દૃષ્ટાંત આપ્યું છે કે કૂતરું જેમ હાડકું ચાવે છે, ત્યારે પોતાના જ દાંતમાંથી લોહી નીકળે છે અને એનો સ્વાદ આવે છે અને તે અજ્ઞાનથી એમ માને છે કે મને હાડકામાંથી લોહીનો સ્વાદ આવ્યો. એમ અજ્ઞાન અવસ્થામાં જીવને બાહ્યવિષયો દ્વારા પ્રતિબિંબિત થયેલો પોતાના સ્વરૂપનો જ આનંદ બહારથી મળેલો લાગે છે.
આંખ એ દર્શનેંદ્રિય છે. એ કોઈ રૂપ જુએ છે ત્યારે આંખના રેટીના (પડદા) ઉપર દૃશ્યનું પ્રતિબિંબ પડે છે અને મન દ્વારા તે પ્રતિબિંબનો સંદેશો મગજમાં રહેલા દર્શનકેન્દ્રમાં (ઇંદ્રિયના ગોલકમાં) પહોંચે છે ત્યારે જીવાત્માને બાહ્યરૂપનું જ્ઞાન થાય છે. આ ક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે. ઘણી વાર માણસ ઊંઘી ગયો હોય ને આંખો ઉઘાડી રહી ગઈ હોય તો બહારના દૃશ્યનું આંખના પડદા પર પ્રતિબિંબ પડે છે, પણ તેની સાથે મન જોડાયેલું ન હોવાથી એ દૃશ્યનું ભાન જીવને થતું નથી. એટલે કોઈ પણ ઇંદ્રિયની સાથે મન જોડાય ત્યારે બાહ્ય વિષયનું ગ્રહણ થાય છે, ત્યાર બાદ બુદ્ધિ તત્ત્વ દ્વારા સારા-નરસાનું જ્ઞાન અને નિશ્ચય થાય છે પછી કર્તાપણાની વૃત્તિને લઈને, અહંકારને લઈને તે ક્રિયાની છાપ ચિત્તમાં અંકિત થઈ જાય છે. જેમ કમ્પ્યૂટરમાં હાર્ડડિસ્કમાં જે કાંઈ માહિતી રેકોર્ડ કરવી હોય તે તેના ચોક્કસ પ્રકારના (કમાન્ડ) આદેશો આપીને કરી શકાય છે. પછી જ્યારે તેને ફરી પ્રગટ કરવી હોય તો અમુક આદેશો દ્વારા કમ્પ્યૂટરના સ્ક્રીન (પડદા) ઉપર પ્રગટ કરી શકાય છે. એવું જ આપણા ચિત્તનું છે.
અજ્ઞાન અવસ્થામાં જીવ બાહ્ય વિષયોમાં રાગને લઈને આકર્ષાય છે ને ઇંદ્રિયો અંતઃકરણ દ્વારા તેને ગ્રહણ કરીને તેમાં સુખ માનીને રચ્યોપચ્યો રહે છે. વારંવારના બાહ્ય વિષયભોગથી તેની વિષયોમાં આસક્તિ વધુ ને વધુ દૃઢ થવાથી તે તેમાં બંધાઈ રહે છે. જ્યારે સંતને આ બધું જ્ઞાન થઈ ચૂક્યું હોવાથી તેને આત્મા-પરમાત્માના આનંદ સિવાય બીજા કોઈ બાહ્ય વિષયના આનંદની ચાહના કે આસક્તિ ન રહેવાથી બાહ્ય પંચવિષયો દ્વારા તેઓ ક્યારેય ક્ષોભ પામતા નથી, અર્થાત્ સંપૂર્ણ વૈરાગ્ય ઉદય થયો હોવાથી આસક્ત થતા જ નથી. તેમના જોગમાં આવેલા જીવોને પણ પરમાત્માના સુખનું માહાત્મ્ય જ્ઞાન કરાવી પંચવિષયની આસક્તિ દૂર કરી દે છે.
શ્રીજીમહારાજ કહે છે કે આ જીવ પંચવિષય વગર રહી શકતો નથી. એટલે સત્પુરુષ દ્વારા સાચી સમજણ ગ્રહણ કરી ભૌતિક પંચવિષયમાં રાચતી ઇંદ્રિયો-અંતઃકરણની વૃત્તિને પરમાત્મા સંબંધી પંચવિષયમાં વાળી દેવાથી તે ભૌતિક આનંદની આસક્તિમાંથી પરમાત્માના દિવ્યસુખની પ્રાપ્તિ પ્રત્યે આકર્ષિત થઈ જાય છે. ઉદાહરણ તરીકે ચક્ષુઇંદ્રિય દ્વારા ભૌતિક સ્ત્રીઆદિકનાં રૂપને ન જોતાં ભગવાન અથવા પવિત્ર સંતનાં દર્શન કરવા. સ્પર્શેન્દ્રિય દ્વારા ભૌતિક સ્પર્શ વર્જીને ભગવાન તથા સંતનો સ્પર્શ કરવો. શ્રવણેન્દ્રિય દ્વારા ભગવાનની કથા-વાર્તા-કીર્તન તથા સંતની વાણીનું શ્રવણ કરવું. નાસિકા દ્વારા રજોગુણી - તમોગુણી વ્યક્તિએ ધારણ કરેલાં પુષ્પો કે અત્તરાદિક પદાર્થનો સુગંધ ન લેતાં ભગવાન અથવા સંતને ચડાવેલાં પુષ્પહાર કે ચંદનાદિકનો સુગંધ લેવો. રસનાઇંદ્રિય દ્વારા રજોગુણી - તમોગુણી સ્વાદને ત્યાગીને પ્રભુનો તથા સંતનો દિવ્ય પ્રસાદ લેવો. આ રીતે પંચવિષય પરમાત્મા સંબંધી થવાથી ભૌતિક પદાર્થની વાસનાનો ક્ષય થઈ પરમાત્મા સંબંધી બધી ક્રિયાઓ થવાથી તે ક્રિયાઓ ભક્તિરૂપ થઈ જાય છે. આ રીતે પરિપક્વ સ્થિતિ થતાં સાધકમાં પણ સંતની આ કામૈરહતધીનું લક્ષણ આત્મસાત્ થાય છે.
પૂર્ણસ્થિતિવાળા સંતને તો પરમાત્મા સંબંધી દિવ્યાનંદની અખંડ અનુભૂતિ થતી હોવાથી વિષયભોગ સંબંધી વાસનાના ચિત્તમાં સંસ્કારરૂપ બીજ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા હોવાથી તેનો સંકલ્પરૂપ તરંગ જ ઉદ્ભવતો નથી. તેથી તેઓને કામૈરહતધીનું લક્ષણ પૂર્ણ રીતે વિકસિત હોય જ તેમાં શંકા નથી, પરંતુ સાધક પણ એવા સત્પુરુષનો જોગ - સમાગમ - સેવા કરી, ઇંદ્રિયો - અંતઃકરણના આહારને શુદ્ધ કરી ચિત્તમાંથી ઉદ્ભવતા વાસનારૂપ વૃત્તિના તરંગોને તેની કારણ અવસ્થામાંથી ઊઠતાં જ દબાવી દે, તેની ઉપર નિયંત્રણ લાવી દે, તો ધીમે ધીમે તેની પણ સઘળી ભૌતિક સુખની વાસનાનો ક્ષય થઈ જાય અને તે પણ આ લક્ષણ દૃઢ કરી સંત બની જાય.
શ્રીજી મહારાજ વચ. છે. ૨૭માં કહે છે :-
‘‘શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચવિષય સંબંધી સુખ તે દિવ્યમૂર્તિ એવા જે ભગવાન પુરુષોત્તમ તેની જે સુખમય મૂર્તિ તે રૂપ જે એક સ્થળ તેને વિશે રહ્યું છે. તે જો ભગવાનની મૂર્તિનાં દર્શન કરતાં હોઈએ તો રૂપનું સુખ પ્રાપ્ત થાય ને બીજા સ્પર્શાદિક ચાર વિષય તેનું સુખ પણ પ્રાપ્ત થાય તે એક જ સમયને વિશે થાય છે અને બીજા માયિક જે પંચવિષય છે તેમાં તો એક વિષયનો સંબંધ થાય ત્યારે એક વિષયનું જ સુખ પ્રાપ્ત થાય, પણ બીજાનું ન થાય. માટે માયિક વિષયમાં ભિન્ન ભિન્નપણે સુખ રહ્યાં છે, અને તે સુખ તો તુચ્છ છે ને નાશવંત છે ને અંતે અપાર દુઃખનું કારણ છે અને ભગવાનમાં તો સર્વે વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે ને તે સુખ મહા અલૌકિક છે અને અખંડ અવિનાશી છે. તે સારુ જે મુમુક્ષુ હોય તેને માયિક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ્ય પામીને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્યમૂર્તિ તેને વિશે સર્વ પ્રકારે જોડાવું.’’ એ જ શ્રેયસ્કર છે.