૧૯. અપ્રમત્ત
અપ્રમત્તનો અર્થ અપ્રમાદી અને જાગૃત એવો પણ થાય છે. उत्तिष्ठत जाग्रत प्राप्य वरन्निबोधत | ‘‘ઊઠો, જાગો અને લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી અટકો નહિ.’’
સ્વામી વિવેકાનંદજીના આ વિધાન પ્રમાણે આત્યંતિક શ્રેય માટેનાં પ્રભુ પ્રસન્નતારૂપ સાધનો પુરુષપ્રયત્ન દ્વારા સતત સજાગપણે કરવામાં હંમેશાં તત્પર રહે, તેમાં બિલકુલ ગાફલાઈ ન રાખે તેને અપ્રમત કહેવાય.
આળસ - પ્રમાદ અને મોહ એ દોષો માયાના ત્રણ ગુણમાંના તમોગુણનું કાર્ય છે. તમોગુણ દ્વારા જડતા ને મૂઢતા આવે છે. જેને પ્રભુપ્રાપ્તિરૂપ ધ્યેય ન હોય, પ્રભુના સ્વરૂપનું યથાર્થ માહાત્મ્ય ન હોય ને ઇંદ્રિયો અંતઃકરણની વૃત્તિઓ વિષયાભિમુખ રહેતી હોય તેનામાં પ્રમાદ ઉત્પન્ન થાય છે. પ્રમાદ એટલે કરવાનું ન થાય અને ન કરવાનું થાય. વ્યક્તિમાં વ્યામોહને લઈને સાર-અસાર, યોગ્ય-અયોગ્યનું ભાન રહેતું ન હોવાથી સભાનપણું નથી રહેતું, જાગૃતિ નથી રહેતી. એ કેવળ મૂર્છાવસ્થા જેવી પ્રમાદ અવસ્થામાં જ રહે છે. તેની સઘળી પ્રવૃત્તિઓ ને ક્રિયાઓ યંત્રવત્ ને નિષ્પ્રાણ હોય છે. તેથી પ્રમાદી વ્યક્તિના કાર્યમાં સુવ્યવસ્થાનો ને સુઆયોજનનો અભાવ હોય છે. પરિણામનો વિચાર કર્યા વગર તે કોઈ પણ કાર્યમાં ઝંપલાવે છે ને અંતે નિષ્ફળતા મેળવે છે. આવી વ્યક્તિની ચીજવસ્તુઓ પણ જેમ તેમ વેરવિખેર પડેલી હોય છે. જેવું વ્યવહાર જગતમાં તેવું જ તેના આંતરિક જગતમાં પણ અસ્તવ્યસ્તતા હોય છે. તેના વિચારો પણ ઢંગધડા વગરના હોવાથી તે કોઈ પણ એક વિષય પર મનની એકાગ્રતા સાધી શકતી નથી. આવી વ્યક્તિમાં તમસ અને જડતાનું પ્રમાણ વિશેષ હોવાથી નિષ્ક્રિયતા વધુ પ્રમાણમાં જોવા મળે છે.
સંતમાં અપ્રમત્તનું લક્ષણ વિકસેલું હોવાથી તેમની દરેક ક્રિયામાં સભાનતા, સુવ્યવસ્થા, ચોકસાઈ, સ્વચ્છતા, પૂર્ણતા વગેરેની ઝાંખી થાય છે. જે વ્યક્તિ દરેક કાર્ય મનની જાગૃતિ સાથે, સભાનપણે કરે છે તેનામાં તમસ અને મૂર્છા દૂર થયેલા હોય છે અને સાત્ત્વિકતાનો ઉદય થાય છે. સત્ત્વગુણ પ્રધાનપણે રહેવાથી પ્રભુની આજ્ઞાઓના પાલન માટે પણ તેઓ હંમેશાં સતર્ક રહે છે. સ્થૂળદેહે ને સૂક્ષ્મદેહે પાળવાના ધર્મોનું અર્થાત્ પંચ જ્ઞાનેન્દ્રિયો ને પંચ કર્મેન્દ્રિયો દ્વારા તથા અંતઃકરણો દ્વારા પંચ વર્તમાનનું સ્થૂળ અને સૂક્ષ્મ અર્થમાં સતત જાગૃતિ સાથે પાલન કરે છે. શ્રીજીમહારાજ એવા સંત માટે કહે છે કે એવા સંત જાણપણારૂપી દરવાજે ઊભા રહી અખંડ પરમાત્માનાં દર્શન કરે છે અને કામ, ક્રોધાદિક કોઈ પણ દોષને કે અશુદ્ધિને પોતાના અંતઃકરણમાં પ્રવેશવા દેતા નથી. જાણપણારૂપી દરવાજે ઊભા રહેવાનો અર્થ જ અપ્રમત્તપણું સૂચવે છે.
પૂર્ણસ્થિતિવાળા સત્પુરુષ કે જેને આત્મા-પરમાત્માનો અખંડ સાક્ષાત્કાર છે તે પ્રભુ સંબંધી અખંડ દિવ્ય સુખની અનુભૂતિ કરે છે એને માટે ધર્મપાલન વગેરે સાધનોની પૂર્ણાહુતિ થઈ ગઈ હોવા છતાં સાધનિક ભક્તોના બોધ માટે તે ધર્મપાલનમાં તત્પરતા દેખાડે છે, જેથી એનું અનુકરણ કરી સાધનદશાવાળા સિદ્ધદશા તરફ પ્રગતિ સાધી શકે. એવા પૂર્ણ સિદ્ધ અનાદિમુક્તને તો પ્રમાદનો અંશ પણ શક્ય નથી. સાધક અપ્રમત્તનું લક્ષણ સિદ્ધ કરે તો ધીમે ધીમે તેનું અંતઃકરણ પરિશુદ્ધ થતાં તે પણ પ્રભુના સ્વરૂપનો સાક્ષાત્કાર પામવા માટે પાત્ર થઈ શકે અને એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરી શકે. માટે સાધકે અપ્રમત્તનું લક્ષણ આત્મસાત્ કરવા જેમને અપ્રમત્તનું લક્ષણ સહજ સિદ્ધ છે એવા મોટા સત્પુરુષનો જોગ- સમાગમ- સેવા કરી તેમની કૃપા મેળવી પુરુષ પ્રયત્ન કરે તો તેને પણ સંતના ગુણ આત્મસાત્ થઈ જાય છે.
શ્રીજીમહારાજ પણ વચ. સા. ૧૪માં જણાવે છે :-
‘‘જે ગાફલાઈ રાખશે ને તે ભગવાનનો ભક્ત હશે તો પણ તેને પ્રમાદ ને મોહ એ બે શત્રુ નડ્યા વિના નહિ રહે, જેમ મદિરા પીએ તથા ભાંગ્ય પીએ તો જેમ વિમુખને કેફ ચડે છે, તેમ જ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેફ ચડે ને ગાંડો થાય, તેમ મદિરા ને ભાંગ્યરૂપ જે પ્રમાદ ને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમ જ ભગવાનના ભક્તને પણ નડે અને વિમુખમાં ને હરિભક્તમાં એટલો જ ફેર છે જે, વિમુખને એ બે શત્રુ ટળે નહિ અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળવાના ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય છે એટલો ભગવાનના ભક્તને વિશેષ છે અને જે ગાફલાઈ રાખે છે તે તો ભગવાનનો ભક્ત હોય તો ય સારો નહિ.’’
આ રીતે અપ્રમત્ત થવા માટે શ્રીજીમહારાજે કેવી ટકોર કરી છે તે આપણે જોયું.
શ્રીજીમહારાજના અખંડ સાક્ષાત્કારવાળા અનાદિ મુક્તરાજ પૂ. નારાયણભાઈના સંપર્કમાં આવેલા ને નજીકથી જેમણે અનુભવ કર્યો હોય તેમને સુવિદિત છે કે પૂ. નારાયણભાઈ એક ક્ષણનો પણ વ્યર્થ રીતે વ્યય નહોતા થવા દેતા. અખંડ પ્રભુપરાયણ રહી તેમનું અખંડ સુખ માણતા હોવા છતાં દરેક ક્રિયા સંપૂર્ણ જાગૃતિ સાથે કરતા ને તેમનાં બધાં કાર્યો પૂર્ણ રીતે સંપન્ન થતાં. આમ દરેક પૂર્ણ સંતમાં આવો અપ્રમત્તનો ગુણ પૂર્ણરૂપે વિકસિત જ હોય છે.
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાના અધ્યાય - ૨ શ્લો. ૬૯માં કહ્યું છે :-
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी |
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः || ६९ ||
અર્થાત્ - સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે, તેમાં નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિતપ્રજ્ઞ યોગી જાગે છે, અને નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળાં પ્રાણીઓ જાગે છે, પરમાત્માના તત્ત્વને જાણનાર મુનિ માટે તે રાત્રિ સમાન છે.
શ્રીજીમહારાજ વચ. ગઢ. પ્ર. ૫૦માં આ શ્લોકના અર્થમાં કહે છે :-
‘‘ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેઠે અંધકારેયુક્ત વર્તે છે, કહેતાં ભગવાનનું ભજન નથી કરતા અને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ભજનને વિશે જાગ્યા છે; કહેતાં નિરંતર ભગવાનનું ભજન કરતાં થકા વર્તે છે અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચવિષય તેને વિશે જીવમાત્રની બુદ્ધિ જાગ્રત વર્તે છે કહેતાં વિષયને ભોગવતા થકા જ વર્તે છે; અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષયભોગને વિશે અંધકારેયુક્ત વર્તે છે, કહેતાં તે વિષયને ભોગવતા નથી, માટે એવી રીતે જે પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે છે તે જ કુશાગ્ર બુદ્ધિવાળા છે ને તે વિના તો સર્વે મૂર્ખ છે.’’
આ રીતે શ્રીહરિના વચન પ્રમાણે જે વર્તે છે તેને જ અપ્રમત્ત ગુણ સિદ્ધ થાય છે.