૧૧. શુચિ
શુચિનો શાબ્દિક અર્થ શુદ્ધિ, પવિત્રતા એવો થાય છે. પૂર્ણસ્થિતિવાળા સંતમાં અખંડ પરમાત્મા બિરાજતા હોવાથી આંતર-બાહ્ય એમ બંને રીતે શુચિનો ગુણ પૂર્ણરૂપે વિકસેલો હોય જ છે, પરંતુ બીજા સાધકોને પણ તેઓ પોતાના અણિશુદ્ધ વર્તન દ્વારા આ ગુણ શિખવે છે.
નિયમિત રીતે કુદરતી હાજત, દંતમંજન, પવિત્ર જળથી સ્નાન, હસ્ત-પાદ-મુખ પ્રક્ષાલન કરવું. સ્વચ્છ ને ધોયેલાં વસ્ત્રો પહેરવાં, પવિત્ર ને શુદ્ધ આસન ઉપર બેસી પૂજા-પાઠ, જપ-તપ, ધ્યાન-ભજન-ઉપાસના વગેરે કરવું. પાપી ને દુરાચારી વ્યક્તિનો સ્પર્શ વર્જવો વગેરે બાહ્યશુદ્ધિનાં સાધનો છે. આ રીતે બાહ્યશુદ્ધિ દ્વારા મન શુદ્ધ, સાત્ત્વિક ને નિર્મળ બને છે. તેથી આત્મા - પરમાત્માના સ્વરૂપમાં મનની એકાગ્રતા સરળતાથી સધાય છે. દરેક કાર્ય પરમાત્માએ સોંપેલું છે ને તેમની પ્રસન્નતાર્થે તે કાર્ય થાય છે એમ માની પૂરી એકાગ્રતા ને સ્વચ્છતા - સુઘડતા સાથે એ કાર્ય કરવું જોઈએ. નિરાડંબરતા, નિર્દંભતા, સાદગી વગેરે શુચિના સ્વાભાવિક ગુણો છે. જેટલી આવશ્યકતા બાહ્યશુદ્ધિની છે તેના કરતાં અનેક ગણી આંતરિકશુદ્ધિની આવશ્યકતા છે, પરંતુ સાધનકાળમાં બાહ્યશુદ્ધિ આવવાથી ધીમે ધીમે આંતરશુદ્ધિ પણ આવતી જાય છે. જેમ બાહ્યશુદ્ધિનાં સાધનો નિયમિત કરવાં પડે છે, તેમ આંતરશુદ્ધિનાં સાધનો પણ નિયમિત કરતાં રહેવું જોઈએ.
સંતના માર્ગદર્શન મુજબ જ્ઞાન - ધ્યાન - ઉપાસના - જપ - તપ, સ્વાધ્યાય, બાહ્ય પૂજા - માનસી પૂજા, સત્પુરુષના જોગ - સમાગમ - સેવા - સત્સંગ વગેરે પ્રભુ પ્રસન્નતાનાં સાધનો શ્રદ્ધા અને ભક્તિની દૃઢતા સાથે નિયમિત કરતા રહેવાથી આંતરશુદ્ધિ પ્રગટે છે અને આંતરશુદ્ધિ દ્વારા પ્રભુની તથા સત્પુરુષની પ્રસન્નતા થવાથી સાધકના હૃદયમાં પ્રભુ પ્રત્યે પરાપ્રેમ - પરાભક્તિનો ઉદય થાય છે ને પ્રભુના સ્વરૂપમાં જોડાવાથી તેમના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થવાની પાત્રતા આવે છે.
દરેક વ્યક્તિ અને પદાર્થમાંથી વિવિધ તરંગો વહે છે. તેમાં કેટલાક તરંગો શુદ્ધ ને પવિત્ર હોય છે. તેમને અમુક પ્રકારના રંગો અને તરંગલંબાઈ પણ હોય છે, જે ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી, પરંતુ ધ્યાન યોગની સાધના દ્વારા જેમની સૂક્ષ્મ દૃષ્ટિ થઈ હોય તે જ યથાર્થ જોઈ શકે છે. કેટલાંક આધુનિક કૅમેરારૂપ ઉપકરણો દ્વારા તે જોઈ શકાય છે, તેમ છતાં તેને યથાર્થરૂપે તો પૂર્ણ સ્થિતિવાળા સત્પુરુષો જ જોઈ - અનુભવી શકે છે. વ્યક્તિની આસપાસ તેના વિવિધ વિચારો અને ભાવોનું મંડળ હંમેશાં રહેલું હોય છે તેને આભામંડળ કહેવામાં આવે છે. અપવિત્ર, અશુદ્ધ ને અનિષ્ટ પ્રવૃત્તિ કરનાર, દુરાચારી મનુષ્યમાંથી નીકળતા તરંગો અશુભ રંગના ને અપવિત્ર હોય છે ને સાત્ત્વિક ને પવિત્ર સંતમાંથી અતિ શુદ્ધ ને પવિત્ર તરંગો વહે છે. આ બંનેના સંપર્કમાં આવનાર વ્યક્તિ કે પદાર્થ ઉપર તેની સારી - નરસી, શુભ - અશુભ અસર પડે છે. માટે સાધકે આ જ્ઞાન જાણી લઈ પાપી અને દુરાચારીનો સંગ અર્થાત્ કુસંગ તજી સત્પુરુષનો સંગ કરવો જોઈએ, જેથી તેનામાં પણ સત્ત્વગુણનો ઉદય થાય છે ને પવિત્ર થાય છે. (આ આભામંડળનું વિજ્ઞાન આ સંસ્થા દ્વારા પ્રકાશિત ‘પંચ વર્તમાન’ પુસ્તકમાં ઊંડાણપૂર્વક વર્ણવ્યું છે, તો તેમાંથી વાચકે જાણી લેવું.)
વચ. રહ. પ્ર. ટીકામાં પરમ કૃપાળુ બાપાશ્રીએ શુચિનો અર્થ આ સંદર્ભને ધ્યાનમાં રાખીને જ કર્યો છે. પૂર્ણ સંતને તો ગમે તેવા પાપીનો સ્પર્શ થાય તો પણ તેમને કંઈ સ્પર્શી શકતું જ નથી. બલકે, પાપી જીવ જ સત્પુરુષના સ્પર્શથી પાપરહિત થઈ જાય છે. કોઈ અશુદ્ધિ સત્પુરુષને સ્પર્શતી જ નથી, કારણ કે પોતે પરમાત્મારૂપ હોવાથી શૂચિ ગુણની પરાકાષ્ઠારૂપ છે તેમ છતાં સાધકોની શિક્ષા માટે તેઓ સાર - અસાર, યોગ્ય - અયોગ્યનો વિવેક શિખવે છે.
અંતઃકરણમાં શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પે રહિત થઈને મૂર્તિનું ચિંતવન કરનારા, આ અર્થઘટન પણ સાધનદશાવાળા સંતને લાગુ પડે છે, કારણ કે જ્યાં સુધી આત્મા - પરમાત્માનો સાક્ષાત્કાર થઈ પૂર્ણ સિદ્ધ મુક્તદશા ન આવે ત્યાં સુધી અંતરમાં શ્રીહરિની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થઈ જવાની પૂરી સંભાવના રહે છે. માટે સાધકે સતત જાગૃતિ સાથે, જાણપણારૂપ દરવાજે ઊભા રહી પ્રભુની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ પણ ન થઈ જાય તેની તકેદારી રાખવી પડે છે. જો એમ ન રાખે તો અંતઃકરણ મલિન ઘાટ - સંકલ્પથી મલિન બની જાય છે અને પ્રભુના સ્વરૂપનું એકાગ્રપણે ચિંતવન ન થઈ શકે તો સાક્ષાત્કારમાં વિલંબ થઈ જાય, માટે આ બાબતે સાધકે વિશેષ જાણપણું રાખવું આવશ્યક છે. સાચા સત્પુરુષના સંગથી અને તેમની કૃપાથી જ આવો શુચિ ગુણ આત્મસાત્ થઈ શકે છે. અન્યથા તે દુષ્કર છે.
પાતંજલિ મુનિના યોગસૂત્રમાં દર્શાવ્યું છે કે :-
शौचात्स्वांगजुगुप्सा परैरसंसर्गः ||४०||
અર્થાત્ - બાહ્ય અને આંતરિક શૌચ દૃઢ થવાથી પોતાના શરીર પ્રત્યે ઘૃણા ઊપજે છે ને બીજાઓ સાથે સંસર્ગ ન રાખવાની વૃત્તિ પેદા થાય છે.
જ્યારે બાહ્ય તેમ જ આંતરિક શુદ્ધિ આવે છે, ત્યારે પોતાના પંચભૌતિક શરીર પ્રત્યે ઉપેક્ષા ઉદય થાય છે, તેથી તે શરીરને પંચવિષય દ્વારા પોષણ આપવાની આસક્તિ તૂટી જાય છે ને પોતાની દેહાત્મબુદ્ધિ ક્ષીણ થઈ જાય છે. એટલે સંતમાં શુચિનો ગુણ સિદ્ધ થયેલો હોવાથી તેઓ દેહાતીત અવસ્થામાં વર્તે છે. તેથી સાધકે પણ આંતર - બાહ્ય શુદ્ધિ કરી દેહભાવ રહિત થવા પ્રયત્ન કરવો જોઈએ.