૨૩. અમાની

અમાની એટલે જેમને માનની કે સન્માનની કોઈ અપેક્ષા નથી એવા. નિર્માની એવો અર્થ પણ થાય.

વ્યક્તિને જ્યાં સુધી દેહાભિમાનની દૃઢતા છે, ત્યાં સુધી તેને માન - મોટપ પામવાની, કીર્તિ - પ્રસિદ્ધિ મેળવવાની, સન્માન સત્કાર મેળવવાની એવી અનેક અભિલાષા રહે છે. અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપાશ્રી કહે છે કે વ્યક્તિ અતિ વિનમ્ર થાય, દાસભાવ કેળવે ને નિર્માની થાય તો તેને ‘હું કેવો નિર્માની છું’ એમ નિર્માનીપણાનું પણ માન આવે છે. આ માનરૂપ દોષ એ અતિસૂક્ષ્મ અહંકાર છે. તે જીવાત્માને વળગેલું અતિસૂક્ષ્મ આવરણ છે. આ સૂક્ષ્મ અહંકારને લઈને જ દેહાત્મબુદ્ધિ દૃઢ રહે છે તેથી અહંમમત્વની ભાવના ઉદ્‌ભવે છે.

શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા પ્ર. ૪૪માં કહે છે :- ‘‘જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે, ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી, માટે દેહ ને દેહના સંબંધીને વિશે અહંમમત્વનો ત્યાગ કરીને ને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને, સર્વે વાસનાનો ત્યાગ કરીને, સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે અને જેને એવું સાધુપણું આવ્યું તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી.’’

આ વચનામૃતના રહસ્યાર્થમાં અનાદિ મુક્તરાજ બાપાશ્રી જણાવે છે કે, ‘‘વર્ણ જે બ્રાહ્મણાદિક અને આશ્રમ જે બ્રહ્મચર્યાદિક તેનું અભિમાન મૂકીને તથા માયિક વિષયની તથા ઐશ્વર્યની વાસના માત્ર ટાળીને, બ્રહ્મ જે શ્રીજીમહારાજનું તેજ તે રૂપ થઈને, મહારાજનું અખંડ ચિંતવન કરે તે સાધુને શ્રીજીમહારાજે પોતા તુલ્ય કહ્યો છે.’’

શ્રીજીમહારાજ પણ કહે છે કે બીજા દોષો તો દૂર થઈ જાય, પણ માનરૂપ દોષ જવો બહુ જ કઠણ છે. માન તો જીવમાં રહેલું છે. માન દેહાત્મબુદ્ધિ સાથે જોડાયેલું છે. હું જ્ઞાની છું, હું ભક્ત છું, મારા જેવો સર્વગુણ સંપન્ન બીજો કોઈ નથી. હું જ શ્રેષ્ઠ છું, મારા જેવો બુદ્ધિશાળી, વિદ્વાન, રૂપવાન, ગુણવાન, શક્તિશાળી, સત્તાધીશ બીજો કોઈ નથી. આમ અનેક પ્રકારનું માન - અભિમાન જીવમાં રહેલું છે. મહારાજે માનીને કામી કરતાં પણ ભૂંડો કહ્યો છે, કારણ કે માનરૂપ દોષ ભગવાન તથા સત્પુરુષને વિશે દાસત્વભાવ થવા દેતો નથી. માનીને ભગવાન તથા સત્પુરુષનાં વચનો મનાતાં નથી અને જો માનહાનિ થાય તો ભગવાન તથા સત્પુરુષનો અવગુણ - અભાવ લઈ ભગવાનનો તથા સત્પુરુષનો પણ ત્યાગ કરીને પોતાનો મોક્ષ બગાડે છે, પણ માનને મૂકી શકતો નથી. શ્રીજીમહારાજના સમયમાં શ્રીજીમહારાજને છોડીને સત્સંગ મૂકીને જતા રહ્યા હોય તેવા ઘણા દાખલા બનેલા છે. અ. મુ. સ. ગુ. મુક્તાનંદ સ્વામીના પદમાં છે કે, ‘‘સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળ્યું પય સાકરમાં અહિ ઝેર જો.’ એમ શ્રીહરિની પ્રસન્નતાનાં સાધનો પણ માનરૂપી દોષથી નિષ્ફળ જાય છે. જેમ દૂધ-સાકર હોય, પણ તેમાં સર્પનું ઝેર ભળ્યું હોય તો તે પી ન શકાય, કારણ કે તે પ્રાણને હરી લે છે.

શ્રીહરિ વચ. અમ. ૩માં કહે છે :-

‘‘અમને તો એમ ભાસે છે જે, જે સેવક માની હશે તે તો કોઈને નહિ ગમતો હોય અને માની સેવક પાસે જે ટેલ-ચાકરી કરાવવી તે તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કોદરા ખાઈને જીવે, તેમ માની સેવકની પાસે ટેલ-ચાકરી કરાવવી પડે તે પણ એવી છે અને ધણીનો રાજીપો જેવો નિર્માની સેવક ઉપર હોય એવો માની ઉપર ન હોય.’’

એવા સંત કે જેમણે આત્મનિષ્ઠા અતિ દૃઢ કરી હોય, શ્રીજીમહારાજની માહાત્મ્યજ્ઞાને યુક્ત સર્વોપરી ઉપાસના દૃઢ કરી હોય, શ્રીજીમહારાજના દિવ્યસ્વરૂપ સિવાય બીજે બધેથી સમ્યક્‌ પ્રકારે તીવ્ર વૈરાગ્ય સિદ્ધ કર્યો હોય, આત્મા - પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન સિદ્ધ કર્યું હોય, અખંડ પ્રભુપરાયણ રહેતા હોય તેમને માનરૂપી દોષ જિતાઈ જાય છે.

આત્મા - પરમાત્માના અખંડ સાક્ષાત્કારવાળા સિદ્ધ મુક્તપુરુષ તો જેવા પરમાત્મા છે, એવા જ સર્વપ્રકારે નિર્દોષ છે, કારણ કે પરમાત્મા સાથે પરમ સાધર્મ્યપણું પ્રાપ્ત હોવાથી તેમને તો કોઈ દોષ સ્પર્શી જ શકતો નથી. અખંડ પરમાત્માના દિવ્ય સ્વરૂપ સંબંધી દિવ્ય સુખ માણતા એવા મુક્તને તો પરમપદરૂપ સર્વોત્કૃષ્ટ પદવી મળી ચૂકી હોય છે, તેને સાંસારિક ભૌતિક જગતમાં કોની પાસે માનની અપેક્ષા હોય ? નિરપેક્ષ ભૂમિકામાં આવા કોઈ દોષનો અંશ પણ નથી હોતો, પરંતુ સાધનકાળમાં રહેલા સંત આવા સિદ્ધ સત્પુરુષનો જોગ-સમાગમ-સેવા કરી તેમની કૃપા સંપાદન કરી અમાની બનવાના પ્રયત્નમાં સતત જાગૃતિ સાથે વર્તે તો ધીમે ધીમે તેમને પણ અમાનીનું લક્ષણ આત્મસાત્‌ થઈ જાય. પ્રભુપ્રાપ્તિના લક્ષ્યમાં માનાદિ દોષો અતિ વિઘ્નકારી છે. પ્રભુપ્રાપ્તિરૂપ અંતિમ ધ્યેય સિદ્ધ કરવામાં કોઈ પણ પ્રકારના રાગનો અંશ પણ નડે છે. સાધક એમ વિચારે કે આ લોકની ગમે તેટલી કીર્તિ-પ્રસિદ્ધિ કે માન-મોટપ મને મળશે તો પણ તેની ફલશ્રુતિ શું ? કારણ કે જે કંઈ માન-મોટપ, યશ વગેરે મળશે તે આ દેહના અંત સુધી જ છે. પછી એની કોઈ કિંમત નથી. આત્માને આવી સિદ્ધિઓ મુક્તિ અપાવવાની જગાએ બંધનમાં નાખે છે. આત્માનો ધ્યેય તો કેવળ પરમાત્માની પ્રાપ્તિ છે. એ સિવાયની બીજી કોઈ પણ ઇચ્છા કે વાસના જન્મ-મૃત્યુના ચક્રમાં નાખી દે છે. માટે સાધકે તો આ બધાનો સૂક્ષ્મ વિચાર કરી સતત જાગૃતિ સાથે, શ્રીજીમહારાજે કહ્યું છે તેમ જાણપણારૂપી દરવાજે ઊભા રહી ચૈતન્યમાં પરમાત્મા સિવાય કંઈ પણ પેસવા દેવું નહિ. માનાદિ દોષ ચૈતન્યમાં પેસી ન જાય તે માટે સતત જાગૃત રહેવું. એક શ્રીજીમહારાજને તથા સત્પુરુષને જ પ્રસન્ન કરવાની ઇચ્છાવાળાને માન-મોટપની અભિલાષા ક્ષીણ થઈ જાય છે. પછી તેને કોઈની પાસેથી માન-સન્માનની અપેક્ષા જ રહેતી નથી અને અમાનીનું લક્ષણ સિદ્ધ થઈ જાય છે.

સંતને અમાની-નિર્માની રહેવાનું હોવા છતાં શ્રીજીમહારાજે કહ્યું છે કે, ક્યે ઠેકાણે માન રાખવું અને ક્યે ઠેકાણે માન ન રાખવું ? તો જે કુસંગી હોય, સત્સંગનું ઘસાતું બોલતો હોય, સંતની ને મહારાજની નિંદા કરતો હોય એવા હોય એના આગળ તો માન રાખવું. એને કઠણ વચન કહેવું તેનાં વેણ ઉપર વેણ લાવવું, પણ પાજીપળાવની છાયામાં દબાઈ ન જવું અને ભગવાન તથા ભગવાનના ભક્ત આગળ તો માન ન રાખવું. ત્યાં તો દાસ થઈને વર્તવું. આવો વિવેક પણ મહારાજે શિખવ્યો છે.

મહારાજ કહે છે કે નિર્માની ભક્તમાં જ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે રૂડા ગુણો આવે છે, પણ અહંવૃત્તિવાળામાં તેવા ગુણો નથી આવતા. જેમ સલાટ હોય અને કૂવો ખોદતો હોય તે પાણો પોલો બોલે તો એમ કહે કે, આ કૂવામાં પાણી ઘણું થશે અને કાપે ત્યારે પાણો રણકતો હોય તો સલાટ એમ કહે કે પાણી તો થશે, પણ અડધા કોષનું કે પા કોષનું થશે. એમ ધર્મપાલનમાં, વૈરાગ્યમાં, જ્ઞાનમાં, ભક્તિમાં વેગેરમાં અહંભાવ આવે તો તે વ્યક્તિને સાચી મોટપ મળે નહિ ને પરમાત્માના સ્વરૂપમાં જોડાઈ શકાય નહિ, માટે ભગવાનના ભક્તને કોઈ પ્રકારની અહંતા રાખવી નહિ. મહારાજ કહે છે કે ઘણી બધી રિદ્ધિ-સિદ્ધિ મળી હોય, વચનસિદ્ધિ વગેરે ઐશ્વર્ય પ્રાપ્ત થયું હોય તો પણ દાસાનુદાસ થઈને વર્તે તો તેના ઉપર અમે ખૂબ જ પ્રસન્ન થઈએ છીએ. એવા અમાનીનું લક્ષણ સિદ્ધ કરેલા સંતને જ સાધનમાત્ર સિદ્ધ થઈ જાય છે. તે પૂર્ણકામ બની જાય છે.