૧૨. અકિંચન

અકિંચનનો શબ્દકોષમાં અર્થ છે દરિદ્ર અથવા ધનવિહિનતા. અહીં અકિંચનનો અર્થ છે પરિગ્રહ રહિત. પાતંજલિ મુનિના ‘યોગસૂત્ર’માં કહ્યું છે :-

अपरिग्रहस्थेइर्ये जन्मकथान्तासंबोधः ||३९||

અર્થાત્‌ - અપરિગ્રહમાં દૃઢ થવાથી પાછલા જન્મોની સ્મૃતિ થાય છે. યોગનાં આઠ અંગમાં યમ એટલે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ. આ અપરિગ્રહ એટલે જ અકિંચનપણું જે સંતમાં આત્મસાત્‌ થયેલું હોય છે. મનુષ્ય જ્યારે બીજા પાસેથી કંઈ સ્વીકારતો નથી ત્યારે તે બીજાઓના ઉપકાર નીચે આવતો નથી, પણ સ્વતંત્ર અને મુક્ત રહે છે. બીજાના ઉપકાર તળે ન આવવાથી તેનું મન પવિત્ર થાય છે. જ્યારે જ્યારે પોતાના સ્વાર્થ માટે બીજા પાસેથી દાન લેવામાં આવે છે, ત્યારે ત્યારે દાન લેનારનું મન દેનારાના ખરાબ સંસ્કારથી ખરડાય છે ને તે બંધનમાં આવે છે. જો માણસ દાન ન લે તો તેનું મન પવિત્ર થાય છે અને અપરિગ્રહ જ્યારે સિદ્ધ થાય છે, ત્યારે તેને પાછલા જન્મની સ્મૃતિ થાય છે, એવી રીતે પાછલા જન્મોની સ્મૃતિ થવાથી તે પોતાના આદર્શમાં સંપૂર્ણપણે સ્થિર થાય છે. તે અનુભવે છે કે પોતે અનેક વાર જન્મ ધર્યા છે અને સંસારનાં સુખ-દુઃખ ભોગવ્યાં છે, તેથી તેને આ જન્મે જ મુક્ત થવાની તીવ્ર મુમુક્ષુતા જાગૃત થાય છે.

અપરિગ્રહી રહેવાથી ધનની લાલસા અને લોભવૃત્તિ પણ દૂર થાય છે. શ્રીજીમહારાજે સાધકને નિરાસક્ત બનાવવા માટે જે કેટલાક નિયમ - ધર્મોના પાલન માટે આજ્ઞાઓ કરેલી છે. જેમ કે ત્યાગીને ૧૧ જ વસ્ત્ર રાખવાં. તુંબડી - પત્તર રાખવું ભગવાનને ભૂલી જવાય એવું દેહના સુખ માટે કાંઈ જ ન રાખવું. વેપાર, ખેતી, ધંધો વગેરે જેમ ગૃહસ્થ કરે છે, તેમ ત્યાગીએ ન કરવું. ગાય, ભેંશ, ઘોડા વગેરે પશુ પણ ત્યાગીએ ન રાખી શકાય. ટૂંકમાં પોતાના માટે આર્થિક ઉપાર્જન માટેની કોઈ જ પ્રવૃત્તિ ન કરી શકાય. આ રીતે શ્રીહરિની આજ્ઞા યથાર્થ પાળે તો તે ત્યાગી અકિંચન ગણાય.

સંતના લક્ષણવાળા ગૃહસ્થ હરિભક્તે પણ પોતાની જરૂરિયાત પ્રામાણિકપણે નક્કી કરી, પૂરી નૈતિક રીતથી જ અર્થોપાર્જન કરવું જોઈએ. અનૈતિક રીતે ભ્રષ્ટાચાર દ્વારા છળ- કપટથી, ચોરીથી, બળજબરીથી, છેતરપિંડીથી, લાંચ - રિશ્વત વગેરે કોઈ પણ અધાર્મિક પ્રકારે કમાણી કરી પરિગ્રહ કરે તો તેને સંસારનાં બંધનમાંથી નીકળવું દુષ્કર થઈ જાય. શ્રીહરિની આજ્ઞા પ્રમાણે ધર્મના પાલન દ્વારા, નૈતિક રીતે કરેલી કમાણી જ આવકાર્ય છે. તેમાં પણ આવશ્યકતાથી વિશેષ હોય તો તેનો પરિગ્રહ નહિ કરતાં પ્રભુનાં સેવાકાર્યોમાં સદુપયોગ કરવો જોઈએ. પોતાની આવકમાંથી દસમો કે વીસમો ભાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે ધર્માદો કાઢી પ્રભુને અર્પણ કરવો જોઈએ. આ રીતે ગૃહસ્થ વર્તે તો તે પણ અકિંચન ગુણ સિદ્ધ કરી શકે.

સંત સાધનદશામાં પોતાના સ્વાર્થ માટે બીજા પાસેથી દ્રવ્ય તેમ જ વિવિધ પદાર્થો ગ્રહણ કર્યા કરે તો જેણે જેણે દાન આપ્યું હોય તેનાં કર્મોનું ફળ દાન લેનારને ભોગવવું પડતું હોય છે. ઘણી વાર દાન આપનારે અનૈતિક માર્ગે દ્રવ્ય મેળવ્યું હોય તો તેની દાન ગ્રહણ કરનારના મન ઉપર પણ વિપરિત અસર થવાની જ. દાન આપનારને મનમાં એમ રહેતું હોય છે કે આપણે અધર્મ આચરીને કે અનૈતિક માર્ગે કમાણી કરીશું ને તેમાંથી થોડું કોઈ સંતને કે સંસ્થાને દાન આપી દઈશું તો પાપમાંથી છૂટી જઈશું ! આવો હેતુ ધરાવનારની અશુભ ભાવના દાન ગ્રહણ કરનાર વ્યક્તિના મનની સાત્ત્વિકતા હણે છે. ઘણી વખત દાન ગ્રહણ કરનાર દાન આપનારના ઉપકારના બોજા હેઠળ આવી જવાથી દાન આપનાર દાન ગ્રહણ કરનાર પાસે પોતાનું ધાર્યું કામ બળજબરીથી કે યુક્તિપૂર્વક કઢાવી લે છે. પછી તે કાર્ય ગમે તેવું અનૈતિક પણ હોઈ શકે. મહાભારતમાં દુઃસાશન જ્યારે દ્રૌપદીનાં વસ્ત્ર હરણ કરતો હતો ત્યારે ભીષ્મપિતાની હાજરી હોવા છતાં તે પોતાનો વિરોધ પ્રદર્શિત ન કરી શક્યા, કારણ કે તે દુર્યોધનના ઉપકારના બોજ નીચે દબાયેલા હતા. અંતે તેને બાણશૈયાની પીડારૂપી કર્મફળ ભોગવવું પડ્યું. માટે સંતમાં અપરિગ્રહીપણું અતિ આવશ્યક છે.

આત્મા - પરમાત્માના સાક્ષાત્કારવાળા સંત ક્યારેક કોઈ ભક્તો પાસે કોઈ પદાર્થ ગ્રહણ કરે છે તે કેવળ સેવારૂપે તે ભક્તના કલ્યાણ માટે જ ગ્રહણ કરે છે અને તેમાં તેમને પોતાનો કોઈ અંગત સ્વાર્થ સાધવાનો હેતુ નથી હોતો. એવા પૂર્ણ સંત તો સેવા ગ્રહણ કરી જીવના અનેક જન્મનાં કર્મોને વિદારીને તેનો મોક્ષ કરે છે. એમ સેવા ગ્રહણ કર્યા છતાં પણ તેઓ સંપૂર્ણપણે અલિપ્ત હોવાથી તેમને કોઈ કર્મબંધન નડી શકતું નથી, કારણ કે તેમના દ્વારા સેવા ગ્રહણ કરનાર સ્વયં પરમાત્મા હોય છે. જે સંત સાધનદશામાં અન્ય પાસેથી ગ્રહણ કરે છે તેમાં સ્વાર્થ, રાગ ને આસક્તિ ભળેલાં હોવાથી તેને કર્મબંધન થાય છે, પછી તેવા બંધનમાંથી છૂટવું મુશ્કેલ થઈ જાય છે.

મંદિરમાં રહેલા સંતો ગૃહસ્થો પાસેથી મળેલાં દાન દ્વારા જ પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ તેમાં પણ શ્રીહરિની આજ્ઞા પ્રમાણે ત્યાગી સંતોએ તે ગૃહસ્થોને બદલારૂપે જ્ઞાનોપદેશ આપવો, તેમના માટે શુભસંકલ્પ સાથે માળા ફેરવવી, ધર્માચરણ માટેનો બોધ આપવો વગેરે દ્વારા તેનો બદલો આપવો પડે છે. નહિતર તેઓને પણ કર્મબંધન લાગે છે. આવા હેતુથી જ શ્રીહરિએ ગૃહસ્થોને પણ તીર્થમાં જઈ પારકું અન્ન ન ખાવાની ને પોતાની ગાંઠનું ખર્ચ જ કરવાની આજ્ઞા કરી છે, કારણ કે પારકું અન્ન પોતાના પુણ્યને હરિ લે છે. આ માટે આધ્યાત્મિક પથના સાધકે ખૂબ જ જાગૃત રહી અપરિગ્રહ અર્થાત્‌ અકિંચન ગુણને પોતાના જીવનમાં સિદ્ધ કરવો, જેથી પોતાની ઊર્ધ્વગતિના માર્ગમાં કોઈ વિઘ્ન ન નડે.