૭. સર્વોપકારક
ઉપકાર એટલે આભાર, અહેસાન, પાડ, કૃપા, મહેરબાની, બદલાની આશા વગરની ભલાઈ - આટલા અર્થ થાય છે. લૌકિક ને વ્યાવહારિક સ્વાર્થ ધરાવનાર વ્યક્તિ બદલો મેળવવાની આશાથી કોઈને આર્થિક કે અન્ય કોઈ પણ પ્રકારે સહાય કરે એને માટે વ્યાવહારિક રીતે ભલે ઉપકાર કર્યો એવો શબ્દ પ્રયોજાતો હોય, પણ વાસ્તવમાં એ ઉપકાર નથી, કારણ કે એમાં પોતાનો અંગત સ્વાર્થ કે હેતુ સાધવાની કે બદલો મેળવવાની ભાવના સમાયેલી છે. સત્પુરુષને તો કોઈની પાસે કોઈ પણ પ્રકારની આશા કે અપેક્ષા હોતી નથી. તેઓ તો પૂર્ણકામ છે એટલે તેઓ નિષ્કારણ નિઃસ્વાર્થભાવે ને નિરપેક્ષભાવે સર્વજીવો ઉપર કેવળ ઉપકાર જ કરે છે. એવા સંતની દરેક ક્રિયા એ કેવળ જીવના આત્યંતિક શ્રેય માટેની જ હોય છે. નાનામાં નાના ક્ષુદ્ર જીવથી માંડીને મોટા ચક્રવર્તી રાજા હોય તો પણ સર્વે ઉપર તેમની કૃપા સરખી રીતે જ વરસતી રહે છે. અરે ! વનસ્પતિમાં રહેલા જીવો ઉપર પણ તેઓ કૃપા વરસાવે છે. આત્મા - પરમાત્મા જ સત્ય છે ને જગત મિથ્યા છે એવું પૂર્ણ અનુભવજ્ઞાન હોવા છતાં પણ દરેક જીવ ઉપર તેમની કેવળ કરુણા જ વહે છે, એનાથી મોટું બીજું કયું આશ્ચર્ય હોઈ શકે ? સત્પુરુષે કરેલા ઉપકારરૂપ કૃત્યને ભૂલી જઈને અપકાર કરનારા સ્વાર્થી ને કૃતઘ્ની જીવો ઉપર પણ જેમને લેશ માત્ર દ્વેષ કે અવગુણ - અભાવની ભાવના નથી એવા સંત જ પૂર્ણરૂપે સર્વોપકારક છે.
શ્રીજીમહારાજ શિક્ષાપત્રીમાં 'कृतघ्नसङस्त्यक्त्तवयो' કૃતઘ્નીના સંગનો ત્યાગ કરવાનું કહે છે. એનું કારણ સાધકને પોતાના આધ્યાત્મિક માર્ગમાં કોઈ પ્રકારનું વિઘ્ન કે વિક્ષેપ ઊભો ન થાય એ હેતુ છે. જો કૃતઘ્નીના સંગનો ત્યાગ ન કરે તો તે પોતાનો અંગત સ્વાર્થ સાધવા સંતનો પણ દુરુપયોગ કર્યા કરે અને સંતના સમય ને શક્તિ તેની પાછળ વ્યર્થ ખર્ચાઈ જાય છે કે જેનો સદુપયોગ અન્ય પાત્ર જીવોના શ્રેય માટે કરવાનો હોય છે. માટે એવા કૃતઘ્નીના સંગને વર્જવાની શ્રીહરિ આજ્ઞા કરે છે. તેમ છતાં એવા કૃતઘ્ની ને સ્વાર્થી જીવને માટે પણ સંત તો તેનું સર્વપ્રકારે ભલું જ થાય, હિત થાય એવો જ શુભ સંકલ્પ કરે છે, પણ તેનું ભૂંડું થાય, અમંગળ થાય એવું લેશ માત્ર ચિંતવતા નથી. આ જ તેમનું સર્વોપકારત્વ છે.
આમ્રવૃક્ષ ઉપકારત્વ ગુણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તે વૃક્ષ વિવિધ પ્રકારનાં પક્ષીઓ માટેનું આશ્રયસ્થાન છે. તેની શીતળ છાયા માનવી તથા પશુઓને ઉનાળાના તીવ્ર તાપથી અને વરસાદમાં છત્ર બની રક્ષા કરે છે. તેનાં મધુર ફળ (કેરી) અનેક પોષક તત્ત્વથી ભરપૂર હોવાથી માનવીને પોષણ ને સંતુષ્ટિ આપે છે. તેને પથ્થર મારનારને પણ કેરી આપે છે. તેનાં પાન, મૂળ, છાલ વગેરે ઔષધીય ગુણોથી ભરેલાં છે. લાકડું પણ બળતણ તેમ જ ઇમારતી ઉપયોગમાં વપરાય છે. આમ્રવૃક્ષને ફળ આવે ત્યારે તે નીચે નમી પડે છે. એવી રીતે સંતમાં પણ આ પ્રકારના સર્વોપકારક સદ્ગુણો રહેલા છે. એ સદ્ગુણો વ્યક્તિમાં આવે ત્યારે જેમ આમ્રવૃક્ષ ફળ આવવાથી નમે છે, તેમ વ્યક્તિ પણ વિનમ્ર ને વિનયી બને છે. સંતની દરેક ક્રિયા જીવોને સુખ, શાંતિ, આનંદ ને પરમશ્રેય પ્રદાન કરે છે. સંતનું બોલવું - ચાલવું, ખાવું - પીવું, સ્પર્શવું - જોવું વગેરે દરેક ક્રિયા કેવળ જીવોના કલ્યાણ માટે જ હોય છે, કારણ કે સંતને પરમાત્મા સાથે સંપૂર્ણ તાદાત્મ્ય ને ઐક્ય હોવાથી તે સંત દ્વારા સ્વયં પરમાત્મા જ બધી ક્રિયા કરે છે. પરમાત્મા સંતને માધ્યમ બનાવી જીવોનાં કલ્યાણ કરે છે.
અનાદિમુક્ત પૂ. શ્રી નારાયણભાઈ કહેતા કે :-
'Anadi Mukta always obliges, but never gets obliged' અર્થાત્ અનાદિમુક્ત - સત્પુરુષ બધાને ઉપકૃત કરે છે, પરંતુ તેઓ કોઈનાથી ઉપકૃત થતા નથી. તેમના ઉપયોગમાં જે કોઈ પદાર્થ આવે છે તે પદાર્થને બનાવનાર, વેચનાર, ખરીદનાર તથા ભાવે કરીને સંતને અર્પણ કરનાર આ બધાનું પરમ શ્રેય થાય એવો તેમનો દિવ્ય મંગલકારી સંકલ્પ હોય છે અને તે દિવ્ય સંકલ્પશક્તિ દ્વારા તે બધાનું શ્રેય ચોક્કસપણે થઈ જાય છે. વ્યક્તિ સંતને જે કંઈ ભાવથી અર્પણ કરે છે તેનાથી અર્પણ કરનારનું જ સર્વપ્રકારે હિત થાય છે, તે સંત ઉપર કોઈ ઉપકાર નથી કરતો, કારણ કે સંત તો આત્મા - પરમાત્માના સુખથી પરિપૂર્ણ - પૂર્ણકામ હોવાથી તેમને કોઈની પાસે કંઈ પણ મેળવવાની અપેક્ષા નથી. તેમ છતાં જે કોઈ ભાવથી કોઈ પણ પદાર્થ અર્પણ કરે છે તેનો સ્વીકાર તે અર્પણ કરનારની સેવારૂપે ગ્રહણ કરીને તેને અનેક ગણું પ્રદાન કરી તેનું પરમ કલ્યાણ કરે છે.
શ્રીજીમહારાજે સ. ગુ. રામાનંદ સ્વામી પાસે બે વરદાન માગ્યાં કે અમારો હરિભક્ત ક્યારેય દુઃખી ન થાય. તેના પ્રારબ્ધમાં રામપાત્ર (દારિદ્ર) લખ્યું હોય તો તે અમને આવો, પણ ભક્ત અન્ન - વસ્ત્રે સુખી થાઓ અને એક વીંછીની વેદના ભોગવવાનું પ્રારબ્ધ હોય તો અમને રુંવાડે રુંવાડે કોટિ ગણી વીંછીની વેદના થાઓ, પણ ભક્તને તે વેદના ના થાઓ. આવું હજુ સુધી કોઈએ વરદાન માગ્યું હોય એવો ઇતિહાસમાં કોઈ દાખલો નથી. સર્વોપકારત્વનું આ પરાકાષ્ઠારૂપ સર્વોત્કૃષ્ટ દૃષ્ટાંત છે. એવા સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું પરમ સાધર્મ્ય પામેલા સંતમાં એ ગુણ પૂર્ણપણે વિકસેલો હોય છે. શ્રીજી સમકાલિન સંતોમાં એવા ગુણોને પ્રકાશતાં અસંખ્ય ઉદાહરણો છે.
અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી પણ અપકાર કરનાર અજ્ઞાની જીવો ઉપર પણ પૂર્ણ દયા કરી તેમનો ઉદ્ધાર કરતા અને પ્રભુના સુખને પમાડતા. અનેક અજ્ઞાની અને દ્વેષીઓને અંત વખતે શ્રીજીમહારાજને સાથે લાવી દર્શન આપી ધામમાં લઈ ગયેલાનાં અનેક ઉદાહરણો છે.
અ.મુ.પૂ.શ્રી નારાયણભાઈના જીવનમાં પણ એવા કિસ્સા બનેલા હતા કે જેમાં નિકટમાં રહીને તેમના આશીર્વાદ મેળવી આ લોકમાં સુખી થયા પછી, ‘મારું સારું થયું હોય ને તેમના આશીર્વાદથી સુખી થયો હોઉં તો એ આશીર્વાદ પાછા લઈ લે.’ એવું કહેનારા અજ્ઞાની જીવો ઉપર પણ અ.મુ પૂ નારાયણભાઈ પૂર્ણ દયા કરી, તેને ક્ષમા પ્રદાન કરી તેનું રૂડું થવાનો જ સંકલ્પ કરતા. પૂર્ણ સંત આવા સર્વોપકારક હોય છે.
સાધક જ્યારે આધ્યાત્મિક પંથે પ્રગતિ કરવા પ્રયત્ન કરે ત્યારે નિઃસ્વાર્થભાવે જીવોને મદદ કરવાની ભાવના કેળવવાથી સત્ત્વગુણની વૃદ્ધિ થાય, સંકુચિત મનોદશામાંથી બહાર નીકળી દરેક માટે સહૃદયતા, અનુકંપા, પ્રેમ વગેરે ગુણો વિકાસ પામતા આપોઆપ જ સ્વાર્થ, લોભ, લાલચ, તિરસ્કાર, ઘૃણા જેવા દુર્ભાવો દૂર થઈ સાધક ઉપરના સદ્ગુણોથી સભર બની જાય છે.
જેણે સર્વોપકારત્વનું લક્ષણ સિદ્ધ કર્યું હોય તેવા સંતના જોગ - સમાગામ - સેવા અને તેમની અનુવૃત્તિમાં રહેવાથી સાધકમાં પણ આવા ગુણો સરળતાથી આત્મસાત્ થઈ શકે છે.