૧૭. મચ્છરણ
અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીએ વચ. રહ. પ્રદી. ટીકામાં મચ્છરણ લક્ષણનો આવો અર્થ કર્યો છે. મચ્છરણ એટલે સંસ્કૃતમાં મત્શરણ જે મારું શરણ એવો અર્થ છે. સર્વોપરી પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનું જ એક શરણ, અર્થાત્ એક એમનો જ આશરો, એમને વિશે જ પતિવ્રતાપણું રહે તો એ મચ્છરણ ગુણ આવે. જેમ બાળકને તેની માતાનું જ શરણ લાગે છે. કોઈ પણ પ્રકારનો ભય લાગે તો બાળક તરત જ તેની માતાને વળગી પડે છે. જેમ બાળકને પોતાની માતામાં આત્મીયતા છે, તેમ માતાને પણ પોતાના બાળક સાથે આત્મીયતા છે. પરસ્પર આત્મીયતા ને પ્રેમ રહેલા હોવાથી બંને એકબીજા વગર રહી શકતાં નથી. એવી જ રીતે ભગવાનના અનન્ય ભક્તને ભગવાન સાથે આત્મીયતા ને પરાપ્રેમ હોવાથી એકરૂપતા થાય છે ને તે ભક્ત ને ભક્તવત્સલ ભગવાન એકબીજા વગર રહેતા નથી. ભગવાનના અનન્ય ભક્તને એક જ ઇષ્ટદેવ પ્રત્યે શ્રદ્ધા ને વિશ્વાસ હોય છે. તેને ભગવાનના શરણમાં જ સુખ, શાંતિ, આનંદ, નિર્ભયતા, સુરક્ષાનો અનુભવ થાય છે. જેમ પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિને વિશે જ એકનિષ્ઠા, શ્રદ્ધા ને પ્રેમ હોય છે, તેમ ભગવાનના અનન્ય ભક્તને પણ એક જ ઇષ્ટદેવ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા, નિષ્ઠા ને ભક્તિ હોય છે. પતિવ્રતા જેવી ટેક એક જ ઇષ્ટદેવ પ્રત્યે ભક્તમાં આવે તેને જ પતિવ્રતા જેવો અનન્ય ભક્ત કહેવાય. એવી પતિવ્રતા સ્ત્રીનું તેનો પતિ સર્વપ્રકારે પાલન-પોષણ ને રક્ષણ કરે છે એવી રીતે પ્રભુ પણ પોતાના અનન્ય નિષ્ઠાવાન ભક્તનું સર્વપ્રકારે પાલન-પોષણ, રક્ષણ ને યોગક્ષેમનું વહન કરે છે.
સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને વિશે પતિવ્રતા જેવી નિષ્ઠા થાય, તેમને વિશે જ સંપૂર્ણપણે શરણાગતિનો ભાવ ઉત્પન્ન થાય, તેમના સિવાય અન્ય કોઈને વિશે કર્તાપણાનો ભાવ ન આવે અર્થાત્ એ ઇષ્ટદેવ પ્રભુ સિવાય બીજાં કાળ, કર્મ, માયા, સ્વભાવ કે જીવકોટિ, દેવકોટિ, પુરુષકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ કે મૂળઅક્ષરકોટિ પર્યંત ક્યાંય પણ લેશ માત્ર કર્તાપણાનો ભાવ ન આવે ત્યારે સાચી પતિવ્રતાની ભક્તિ ને સાચી શરણાગતિ આવે. એવા શરણાગત ભક્તને તો ભગવાનની મરજી એ જ એનું પ્રારબ્ધ મનાય. સુખ-દુઃખ, હર્ષ-શોક, લાભ-હાનિ, માન-અપમાન એ બધામાં એને સમભાવ વર્તે એવા ભક્તની ભગવાન આધિ-વ્યાધિ-ઉપાધિથી તથા કામ, ક્રોધ, લોભ, મોહ, માન વગેરે દોષોથી એમ સર્વપ્રકારે રક્ષા કરે છે.
અનાદિમુક્ત પૂ. નારાયણભાઈ કહેતા કે, ‘‘ભગવાન સ્વામિનારાયણે આપણા માટે નિર્માણ કરેલી સારી-નરસી, કોઈ પણ પરિસ્થિતિ તેનો સહર્ષ સ્વીકાર કરીને સદાય પ્રભુપરાયણ રહી આનંદમાં રહેવું એનું નામ સાચી શરણાગતિ કહેવાય. જરા પણ દુઃખ કે ભય આવે ત્યારે અન્ય વ્યક્તિ કે દેવના મંત્ર કે ઉપાસનાથી મારું કષ્ટનિવારણ થશે એવો અલ્પ સરખો સંકલ્પ થઈ જાય તો પણ પતિવ્રતાપણું જતું રહે ને શ્રદ્ધામાં ઢચુપચુ થાય તો પ્રભુનો તે અનન્ય ભક્ત ન કહેવાય. એક પ્રભુ સિવાય અન્યને વિશે કર્તાપણાનો ભાવ આવે તો પ્રભુપ્રાપ્તિ કદીયે શક્ય ન બને.’’
રામચંદ્રજીના ઉપાસક તુલસીદાસજીને શ્રીકૃષ્ણ ભગવાને દર્શન આપ્યા ત્યારે એમ બોલ્યા કે, ‘‘ધનુષ્યબાણવાળા મારા ઇષ્ટદેવ શ્રી રામચંદ્રજીનું સ્વરૂપ હોય તો જ આ મસ્તક તેમને નમે. બાકી બીજા સ્વરૂપને આ મસ્તક નહિ નમે.’’ શ્રીકૃષ્ણનો અવતાર રામચંદ્રજી કરતાં મોટો હોવાથી શ્રીકૃષ્ણ ભગવાને રામચંદ્રજીનું રૂપ ધારણ કર્યું. પછી તુલસીદાસજીએ મસ્તક નમાવ્યું. હનુમાનજીને પણ રામચંદ્રજીમાં એવી પતિવ્રતાની ભક્તિ હતી એમ શ્રીજીમહારાજે કહ્યું છે. માટે એવી પતિવ્રતાની નિષ્ઠા થાય ત્યારે જ મચ્છરણનું લક્ષણ દૃઢ થાય.
કોઈ જ્યોતિષ કોઈને એમ કહે કે તમને શનિ કે રાહુ નડે છે તો તે ગ્રહોના જાપ કરો કે હનુમાન ચાલીસાના પાઠ કે કોઈ અન્ય દેવના મંત્ર જાપ કરો અને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનો ઉપાસક જો એમ કરે તો તેનું પતિવ્રતાપણું જાય ને પ્રભુમાંથી શ્રદ્ધા વિચલિત થવાથી ને તેથી પ્રભુની પ્રસન્નતા ન થવાથી તેને પ્રભુપ્રાપ્તિ શક્ય ન બને. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે ભગવાનના ભક્તે વાંદરીના બચ્ચા જેવું નહિ રહેતાં, બિલાડીના બચ્ચા જેવું બનવું જોઈએ. વાંદરીનું બચ્ચું પોતે પોતાની માતાને વળગી રહે છે, વાંદરી કૂદાકૂદ કરે તો બચ્ચાને પડી જઈ ઈજા થવાની સંભાવના રહે છે અને શરણાગત રહેવાની સંપૂર્ણ જવાબદારી બચ્ચાની રહે છે, જ્યારે બિલાડીના બચ્ચાને તેની માતા પોતે મોઢામાં લઈને ફરે છે. એમ બધી જવાબદારી બિલાડીની જ હોય છે. તેમ શરણાગતના રક્ષણની જવાબદારી પરમાત્મા પોતે લે છે.
જેને મચ્છરણનું લક્ષણ આત્મસાત્ થઈ ચૂક્યું હોય એવા પ્રભુના પૂર્ણસંતના સત્સંગ - સમાગમ - સેવાથી જ ભક્તમાં સર્વોપરી પરમાત્મા વિશે અનન્ય નિષ્ઠા, અડગ શ્રદ્ધા, પોતાના ઇષ્ટદેવને વિશે જ સંપૂર્ણપણે કર્તાહર્તાપણું મનાય, પ્રભુના સ્વરૂપ સિવાય બીજા કોઈ પણની આસક્તિ જ ન રહે, કાળ, કર્મ, માયા, સ્વભાવ, જીવકોટિ, દેવકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને મૂળઅક્ષરકોટિ પર્યંત કોઈને વિશે લેશ માત્ર આસ્થા કે કર્તાપણાનો ભાવ ન થાય ત્યારે જ સાચી શરણાગતિનો ભાવ દૃઢ થાય ને મચ્છરણનું લક્ષણ સિદ્ધ થાય.
શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને સઘળું જ્ઞાન કર્યા પછી કહે છે :-
सर्व धर्मा न्य रि त्यज्य मामेकं शरणं व्रज |
अहं तयां सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुचः || ६६ ||
- શ્રીમદ્ ભગવદ્ગીતા અધ્યાય ૧૮, શ્લો. ૬૬
અર્થાત્ ‘‘બીજા સર્વધર્મનો પરિત્યાગ કરીને મારે એકને જ શરણે આવ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ, તું શોક ન કર.’’
શ્રીહરિ વચ. વ. ૫માં જણાવે છે કે :-
‘‘એવો જે ભગવાનનો દૃઢ આશ્રય તે જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે, અને જે જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઇચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય ને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય.’’
વચ. ગ. છે. ૧૬માં શ્રીહરિ જણાવે છે :-
‘‘એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દૃઢ ટેક છે, તેમ જ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દૃઢ ટેક જોઈએ. અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાથે જેને પતિવ્રતા જેવી દૃઢ પ્રીતિ બંધાણી છે, તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહિ અને પોતાના ઇષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહિ, કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે, ને બીજાને જે કંઈક માને તે તો તેના જાણીને માને એવી જેને પોતાના ઇષ્ટદેવ જે ભગવાન તેને વિશે પતિવ્રતાના જેવી દૃઢ ભક્તિ હોય ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે, પણ તેને વિશે પ્રીતિ થાય જ નહિ. જેમ હનુમાનજી શ્રી રઘુનાથજીના ભક્ત છે તે રામાવતાર પછી બીજા કેટલાક ભગવાનના અવતાર થયા છે, પણ હનુમાનજીને રામચંદ્રજીને વિશે જ પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે. તે માટે હનુમાનજીની ભક્તિ તે પતિવ્રતાના જેવી છે એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય અને જેનું અંગ એવું ન હોય તો તેની વ્યભિચારિણીના જેવી ભક્તિ કહેવાય. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી ને ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દૃઢ ભક્તિ કરવી.’’
આમ નિષ્કપટભાવે, અનન્યભાવે એક સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણનું શરણ સ્વીકારવું અને પતિવ્રતાની ટેક દૃઢ રાખવી એ જ મોક્ષનું અમોઘ સાધન છે ને એવા શરણાગતને અને નિષ્ઠાવાન ભક્તને જ મચ્છરણનું લક્ષણ સિદ્ધ થાય છે.