૬. સમ

સંસ્કૃતમાં એક સૂત્ર છે : 'आत्मवत् सर्वभूतेषु यः पश्यति सः पंडितः |' અર્થાત્‌ દરેક જીવપ્રાણીમાત્રને પોતાના આત્મા તુલ્ય જોનાર જ જ્ઞાની છે, વિદ્વાન છે. જે સંતને પોતાના આત્માનો બ્રહ્મરૂપે સાક્ષાત્કાર થાય છે તેને દરેક જીવમાં પોતાના આત્માની જ અનુભૂતિ થાય છે. પરમાત્માની સાથે એકતા થવાથી પોતાને સર્વ જગતમાં વ્યાપકરૂપે અનુભવે છે. એટલે બધા પ્રત્યે તેને સમદૃષ્ટિ ઉદ્‌ભવે છે. પૂર્ણ સંતને સમગ્ર સૃષ્ટિમાં પરમાત્માનાં જ દર્શન થતાં હોવાથી દૈવી કે આસુરી, પાત્ર કે કુપાત્ર એવા કોઈ પણ જીવ પ્રત્યે કદીયે દ્વેષ ઉત્પન્ન થતો નથી અને સર્વ પ્રત્યે પોતાની અકારણ કૃપા ને કરુણાની સરિતા વહાવે છે.

અનાદિ મુક્તરાજ બાપાશ્રી પણ કહે છે કે મહારાજના અનાદિમુક્ત પાત્ર-કુપાત્ર જોયા સિવાય બધા ઉપર સરખી જ કૃપાદૃષ્ટિ કરે છે, પરંતુ પાત્ર હોય તે કૃપાને ઝીલીને પોતાના ચૈતન્યની ઊર્ધ્વગતિ સાધી લે છે અને પાત્ર ન હોય તેવા જીવોને પણ આત્યંતિક કલ્યાણનું બીજબળ તો થઈ જ જાય છે. જેમ સૂર્ય બધાને સરખો જ પ્રકાશ આપે છે, પણ પ્રકાશનો સદુપયોગ કરી સત્કાર્યો કરવાં કે તેનો દુરુપયોગ કરી દુષ્કાર્યો કરવાં તે વ્યક્તિની પોતાની પાત્રતા ઉપર નિર્ભર છે, પરંતુ સૂર્યને કોઈ પ્રત્યે પક્ષપાત નથી કે નથી કોઈ રાગ-દ્વેષ. તેમ સાચા સંતને પણ કોઈ જીવ પ્રત્યે પક્ષપાત કે રાગ-દ્વેષ ન હોવાથી તે સમદૃષ્ટિએ વર્તે છે. એમનું મનુષ્યરૂપે વિચરણ સર્વજીવહિતાવહ હોવાથી બધા પ્રત્યે પોતાની કરુણા વરસાવે છે. બધા જીવોની આધ્યાત્મિક ચેતનાનું ઊર્ધ્વીકરણ થઈ આત્યંતિક શ્રેયની પ્રાપ્તિ થાય એવો જ તેમનો દિવ્ય સંકલ્પ હોય છે. એવા સત્પુરુષ દ્વારા પરમાત્મા પોતે જ કૃપા - અનુગ્રહાશક્તિ વહાવે છે. તે અનુગ્રહાશક્તિનો પાત્રતા પ્રમાણે જેને જેને સ્પર્શ થાય તેટલી તેની ઊર્ધ્વગતિ થાય છે. પૂર્ણ પાત્રતાવાળાને તેમની કૃપાથી પૂર્ણસ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે.

સમદૃષ્ટિવાળા સંતને કોઈ પણ વ્યક્તિ કે ભૌતિક પદાર્થને વિશે લેશ માત્ર મોહ કે આસક્તિ ન હોવાથી તેમને નથી કોઈ પોેતાનું કે નથી કોઈ પારકું. તેમના હૃદયમાં ઘૂઘવતો નિઃસ્વાર્થ, નિર્મળ પ્રેમનો ને કરુણાનો સાગર સૌને સુખ, શાંતિ ને આનંદનો અનુભવ કરાવે છે. સ. ગુ. ગોપાળાનંદ સ્વામીને એક વાર કોઈએ પૂછ્યું કે, ‘સ્વામી ! તમને કોઈને વિશે, કોઈ હરિભક્તને વિશે ક્યારેય મનુષ્યભાવ આવે છે?’ ત્યારે તેના ઉત્તરમાં સ્વામીએ કહ્યું કે, ‘‘ના, મને કોઈ પણ વ્યક્તિને વિશે મનુષ્યભાવ નથી આવતો કે કોઈનો અભાવ - અવગુણ પણ નથી આવતો. ગમે તેવા પાપી જીવ વિશે પણ અભાવ નથી આવતો, કારણ કે મને સર્વમાં મહાપ્રભુજી શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં જ દર્શન થાય છે.’’ અ. મુ. પૂ. શ્રી નારાયણભાઈ પણ એવી દિવ્યસ્થિતિ ધરાવતા હોવાથી એમ જણાવતા કે મારી ઉપર શ્રીજીમહારાજની એવી કૃપા છે કે મને ક્ષણમાત્ર પણ મહારાજની મૂર્તિનું વિસ્મરણ નથી થતું અને એમની મૂર્તિનું દિવ્ય સુખ અખંડ આવે છે. એટલે વ્યક્તિના આચરણનું જાણપણું હોવા છતાં ક્યારેય કોઈનો અવગુણ - અભાવ આવતો નથી. આમ પૂર્ણસ્થિતિવાળા અનાદિમુક્તો ‘સમ’ ગુણની પરાકાષ્ઠારૂપ હોય છે.

શ્રીજીમહારાજ શિક્ષાપત્રી શ્લો. ૭૫માં કહે છે :-

"समदृष्टया न कार्यश्च यथा हरर्चारव्यितिक्र्मः ||

અર્થાત્‌ જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે સન્માન કરવું, પણ સમદૃષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ.’’

સંતને સમ અર્થાત્‌ સમદૃષ્ટિવાળા કહ્યા છે, કારણ કે એમને વિશે ભેદદૃષ્ટિ નથી. એમની દૃષ્ટિમાં પાત્ર-કુપાત્ર, દૈવી-આસુરી, શત્રુ-મિત્ર, જ્ઞાની-અજ્ઞાની, ગરીબ-તવંગર, ઊંચ-નીચ એવો ભેદભાવ નથી, પણ સાર-અસારની વિવેકશક્તિ નથી એવો અર્થ નથી સમજવાનો. સત્પુરુષમાં બધું જ જાણપણું હોવા છતાં અને ઉત્તમ વિવેકશક્તિ હોવા છતાં એ સર્વેને સમાનદૃષ્ટિથી જુએ છે ને સમાન રીતે કૃપા વરસાવે છે, એ એમનું આધ્યાત્મિક કાર્ય છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં એ રીતની સમદૃષ્ટિ આવકાર્ય છે, પરંતુ પોતાની વિવેકશક્તિનો ઉપયોગ કરીને સાધકમુમુક્ષુએ વ્યવહારજગતમાં કેવી રીતે વર્તવું તે પણ સુપેરે શિખવે છે. એટલે જ શ્રીહરિ શિક્ષાપત્રીમાં જણાવે છે કે યોગ્યતા પ્રમાણે વ્યક્તિનું સન્માન કરવું એ જ અવરભાવમાં સર્વપ્રકારે હિતાવહ છે. સન્માન કરવાની વિક્તિ જણાવતા તેઓ કહે છે : -

‘સમદૃષ્ટિ રાખીને એટલે સર્વને વિશે એક જ બ્રહ્મ છે એ પ્રકારની બુદ્ધિ રાખીને પૂજાસેવાના યથાયોગ્ય વિવેકનું ઉલ્લંઘન કરવું નહિ, કારણ કે સારા અને નરસા પુરુષોનું સમાન રીતે સન્માન - સત્કાર કરવામાં આવે તો સત્‌ - અસત્‌ના વિવેકનો નાશ થઈ જાય’ એવો વિવેક હરિગીતા - સ. જી. પ્ર. ૧, અ. ૩૩માં શ્રીહરિએ પોતાનાં માતુશ્રી પ્રેમવતીને આ પ્રકારે કહેલો છે :-

‘‘હે માતા ! ભગવાનના એકાંતિક ભક્તો સર્વની અપેક્ષાએ અતિશય પૂજ્ય છે. તેમને સત્કારપૂર્વક માન આપવામાં, તેમનો પક્ષ રાખી તેમનું રક્ષણ કરવામાં, ચંદનપુષ્પાદિકથી તેમનું પૂજન અને નમસ્કારાદિ કરવામાં સર્વજીવોથી તેમને અધિક જાણવા.’’ એ જ અધ્યાયમાં એકાંતિક ભક્તનું (મુક્તનું) શ્રેષ્ઠપણું જણાવતા કહે છે :-

‘‘પશુઓ થકી મનુષ્યો ઉત્તમ છે ને તે મનુષ્યોમાં ચાર વર્ણ શ્રેષ્ઠ છે. તે ચાર વર્ણમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. તે બ્રાહ્મણ મધ્યે સ્વધર્મેયુક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ છે અને સ્વધર્મનિષ્ઠોમાં જ્ઞાનનિષ્ઠ એવા એકાંતિક ભક્ત શ્રેષ્ઠ છે અને તે ભગવાનના એકાંતિક ભક્તથી (સિદ્ધમુક્તથી) કોઈ પણ શ્રેષ્ઠ નથી, કેમ કે શ્રીહરિ જે ભગવાન તે એકાંતિક ભક્તને વિશે સદાય નિવાસ કરીને રહે છે. આ પ્રકારે તારતમ્યપણું જાણીને મારા એકાંતિક ભક્તને બહુ પ્રકારે માનવા. જે પુરુષ એ પ્રકારે નથી જાણતો અને સત્‌ - અસત્‌ને વિશે સરખી બુદ્ધિ રાખે છે તે મોટા દોષને પામે છે. તે હેતુ માટે ભગવાનના ભક્તે આવો વિવેક સમજવો.’’

આ રીતે ભગવાન તથા સત્પુરુષ સમદૃષ્ટિનો વાસ્તવિક અર્થ સમજાવી વિવેક પણ શિખવે છે. માટે સાધકે સત્પુરુષ થકી સાચી સમજણ ગ્રહણ કરી તેમના આ ‘સમ’ ગુણને પોતાના જીવનમાં આત્મસાત્‌ કરવા પ્રયત્ન કર્યા કરવો તો સત્પુરુષની કૃપા થયે આ ‘સમ’ ગુણ પૂર્ણ રીતે વિકસે છે.