પ્રસંગ : ૧૦

શ્રીજીમહારાજના અનાદિમુક્તને ઓળખવા એ ઘાંટી જબરી છે. તેઓનો જરા પણ ઉદઘોષ જણાય નહિ. ક્યાંય બાહ્યાડંબર હોય નહિ. સંપૂર્ણ સાદગીપૂર્ણ સાત્ત્વિક જીવન જીવતા દેખાય. બાહ્ય દેખાવ તો સામાન્ય જીવો જેવો જ હોય. પોતાનું સામર્થ્ય એટલું બધું ઢાંકીને વર્તે કે આ લોકના જીવો તો જલદી પારખી પણ ન શકે. અને મુક્તરાજ મામા તો આ બધી બાબતે પરાકાષ્ઠાએ જ હતા. સંપૂર્ણ સાદગી, સામર્થ્ય એટલું બધું ઢાંકીને વર્તે કે અજાણ્યાને તેમની જાણ ન થાય. જ્યારે કોઈ ઓળખાણ પડાવે, ત્યારે જ ઓળખાય. છતાંય સૂરજ ઢાંક્યો ન ઢંકાય તેમ મુક્તનું સામર્થ્ય છતું થયા વગર ન રહે. એ વખતે તેઓ તો કેવળ જીવો પર કૃપા જ વરસાવતા હોય. પોતાનું સામર્થ્ય જણાવી લોકો તેમને ઓળખે એવો ભાવ તેઓને લેશ માત્ર પણ ક્યારેય હોતો જ નથી.

એક વખત મામા મૂળી મંદિરમાં સેવકો સાથે ગયા હતા. મામા ઉતારામાં આરામ કરવા સેવકો સાથે બેઠા હતા. મુક્તરાજ મામા પધાર્યાના સમાચાર ગામમાં પહોચ્યાં. ગામમાં ઘણાં લોકો મામાને ઓળખતા હતા. તેમના સામર્થ્યથી વાકેફ હતા. મામા આવ્યાના સમાચાર મળતાં હરિભક્તો મામા પાસે આવ્યા. મામાના દર્શનથી જ તેમને આનંદ-આનંદ થઈ ગયો. તેમના દુઃખમાં શ્રીજીમહારાજે જ જાણે મામાને મૂળી મોકલ્યા હતા. જય સ્વામિનારાયણ કહી બધા મામા પાસે બેઠા. મામાએ બધા પર પ્રેમભરી દ્રષ્ટિ કરી. હરિભક્તોમાંથી એકે વાત કરી. "મામા, આપ આજે મૂળી પધાર્યા તે અમારું સૌભાગ્ય છે. આપના દર્શનનો અમને લહાવો મળ્યો. આપ બહુ દયાળુ છો. મહારાજના અનાદિમુક્ત છો. અતિ સમર્થ છો. આપ આજ અમારું દુઃખ કૃપા કરી ટાળો." મામાએ જોયું દરેકના ચહેરા પર ચિંતા અને વ્યગ્રતા વર્તાઈ રહ્યા હતા. મામાએ હકીકત જાણતા ખબર પડી કે એક કુટુંબના વ્યક્તિને વળગાડ જેવું છે. જે બધાને બહુ હેરાન કરે છે. ગામના લોકોને પણ બહુ રંજાડે છે. ગામ લોકો ગભરાઈ જાય છે. ઘરના સર્વે તેનાથી દૂર ભાગે છે. ઘરમાં અને ગામમાં સર્વત્ર ભયનું વાતાવરણ સર્જાઈ ગયું છે.

મામાએ મૂંઝવણ જાણી પછી દયા આણી કહે, "સારું, તેને મારી પાસે લઈ આવો. કદાચ એ આવશે નહિ, પણ પરાણે લઈ આવજો." હરિભક્તો રાજી થઈ ગયા કે આજે સમસ્યાનું નિરાકરણ નક્કી થઈ જવાનું. જેને વળગાડ હતો તેને હરિભક્તો લઈ આવ્યા. ઉતારો નજીક આવતા તો તેણે ધમ-પછાડા શરૂ કર્યા. ત્રણ-ચાર જણા પકડીને પરાણે લાવ્યા ત્યારે માંડ-માંડ રૂમમાં દાખલ થઈ શક્યા. મામાએ શ્રીજીમહારાજની ચરણરજનું પ્રાસાદિક જળ તૈયાર જ રાખ્યું હતું જેનો છંટકાવ થતાં જ બળુ છું, બળુ છુંની ચીસો પાડવા લાગ્યો. મામાએ પૂછ્યું તું કોણ છે? ત્યારે કહે હું જતિયો જન છું. તમે મારાથી દૂર રહો. તમારો તાપ મારાથી સહન નથી થતો. તમે કોઈ દૈવી પુરુષ લાગો છો. તમે બહુ જ તેજસ્વી દેખાઓ છો. તમારું તેજ મારી આંખોને સહન થતું નથી. મામા કહે, "આ યોનીમાં તું બહુ રહ્યો હવે એમાંથી છૂટી બદરિકાશ્રમમાં જા."

પૂર્વના કાંઈક સુકૃત હશે. જતિયા જનના આજે ભાગ્ય ખૂલ્યા હતા. તેને કૃપાળુ મામાના દર્શન થયા ને તેની બુદ્ધિ નિર્મળ થઈ. જતિયા જનને માગતાં આવડ્યું. મામાને કહેવા લાગ્યો તમે ક્યાં રહો છો? જ્યાં તમે રહેતા હો, ત્યાં મારે તો રહેવું છે. તમારા દર્શનથી મારું કલ્યાણ થશે. મામા આજે કૃપાળુ બન્યા હતા. અનાદિમુક્તની કૃપાવર્ષામાં મણા ન હોય. જતિયા જનને આશીર્વાદ મળી ગયા. "અમે અક્ષરધામમાં રહીએ છીએ. જા તું પણ અક્ષરધામમાં મહારાજની મૂર્તિનું સુખ ભોગવ." આશીર્વચન સાંભળી હાજર રહેલા સૌ ચકિત થઈ ગયા. વાહ! જતિયાના તો ભાગ્ય ખૂલ્યા.

જેને પામવા કંઈ કેટલીયે કોટિના જીવો, દેવતાઓ પૃથ્વી પર આવી કંઈ કેટલીય આકરી સાધનામાં મંડ્યા રહે અને ત્યારે ય જો ખરા મુક્તનો મેળાપ ન થાય તો મહારાજની પ્રાપ્તિ અઘરી બને છે. જેના ક્ષણમાત્રના દર્શન માટે કેટલાય જન્મોની સાધના ભેગી થાય ત્યારે શક્ય બને તે વાત જતિયા જન માટે સાવ સરળ થઈ ગઈ. આટલો વખત ભૂતયોનીમાં રહ્યા છતાં, અવગત ગયેલો જીવ આજે કૃપાળુની કૃપા થતાં સીધો પહોંચ્યો અક્ષરધામમાં!! આ છે અનાદિમુક્તનું સામર્થ્ય, આ છે તેમની કૃપા, આને કહેવાય કૃપાસાગર!