પ્રસંગ : ૪૧

બાપાશ્રીનો સાર્ધશતાબ્દી મહોત્સવ ઉજવવાનો હોવાથી મામા પોતે ઉત્સાહથી દરેક બાબતમાં રસ લઈ કાર્ય પાર પાડતા હતા. નાની એવી બાબતોમાં પણ પોતે અંગત રસ દાખવતા. પોતે બધાને એમ કહેતા કે, "મહારાજના અનાદિમુક્તની ઉજવણી કરવાથી મહારાજ વધુ રાજી થાય." આવું જ્ઞાન બધાને કરે એટલે બીજા બધા પણ ઉત્સાહથી સેવા કાર્યમાં જોડાય. એ વખતે સાથેના સેવકોને આખો દિવસ મામાની સાથે રહેવાનું મળવાથી નાની-નાની બાબતોમાંથી જીવન જીવવાના સારા બોધપાઠો મળી રહેતા. આથી સેવકોને મામા સાથે રહી સેવા કરવાનો ઉત્સાહ બેવડાય.

મહોત્સવમાં બાપાશ્રીની મૂર્તિઓનું પ્રદર્શન તૈયાર કરવાનું હોવાથી મામા મૂર્તિઓ માટેની ફ્રેમ નક્કી કરવા ગયા હતા. સાથે સેવકો પણ હતા. મામા બધી ફ્રેમને ચીવટપૂર્વક જોઈ એ વિશે વિચારતા હતા. ત્યારે એક સેવકે મામાને એક ફ્રેમ બતાવતાં કહ્યું કે, "મામા, આ ફ્રેમ સારી છે. તેનાથી મૂર્તિમાં ડેપ્થ (ઊંડાણ) આવશે." આવું સાંભળી મામા કહે, "એ વિશે તમે પછી વિચારજો. મૂર્તિમાં તો ડેપ્થ આવશે જ, પરંતુ આપણા જીવનમાં ડેપ્થ આવે તેવું જીવન જીવવું. ભગવાન અને તેમના અનાદિમુક્તનો મહિમા સમજવામાં ડેપ્થ લાવવી જોઈએ. તેમનું જ્ઞાન સમજવામાં ડેપ્થ આવે તો સારું. આપણું કાર્ય કરવામાં, કર્તવ્ય બજાવવામાં ડેપ્થ આવે એ આપણે જોવાનું. ઉચ્ચ પ્રકારનું જીવન જીવવામાં ડેપ્થ આવે એ અગત્યનું છે. જીવનમાં આ બધા તરફ ડેપ્થ આવે તેવા પ્રયત્નો થવા જોઈએ."

મામાના આવા વચનો સાંભળી સાથે રહેલા સેવકોને શીખવા મળ્યું કે આપણું ખરું કર્તવ્ય શું છે? અને આપણે જીવન કઈ રીતે જીવવું જોઈએ. અને જીવનમાં શું શીખવાનું છે. ફ્રેમ વિશેની વાત કરનાર સેવક તો સાંભળી જ રહ્યો કે નાની અમથી ફ્રેમની વાત પરથી મામાએ જીવનના ડેપ્થની વાત કહી નાખી!